ઇલેક્ટ્રિક કાર પેટ્રોલ-ડીઝલવાળાં વાહનોનો મૃત્યુઘંટ વગાડી દેશે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

નોઇડામાં રહેતા દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર મનુ અગ્રવાલે માર્ચ મહિનામાં પોતાની પેટ્રોલથી ચાલતી ગાડી વેંચીને ઇલેક્ટ્રિક કાર લીધી હતી અને પોતાના નિર્ણયથી ખુશ જણાય છે.

પોતાની ટાટા નૅક્સનનું ઇલેક્ટ્રિક વર્ઝન ચલાવતાં તેમણે મને કહ્યું, "મારો અનુભવ ખૂબ જ સહજ રહ્યો. એક તો તેમાં બિલકુલ અવાજ નથી આવતો, થાક ઓછો લગે છે અને ગાડીની અંદર માત્ર એસીનો અવાજ આવ છે."

પ્રોફેસર અગ્રવાલે ઇલેક્ટ્રિક કાર ખરીદવા પાછળનાં કારણ ગણાવતાં કહ્યું, "મારે દરરોજ 70-80 કિલોમીટર ડ્રાઇવ કરવું પડે છે અને ક્યારેક 100 કિમી પણ થઈ જાય છે. હું એક કિફાયતી સાધનની શોધમાં હતો, જેથી કરીને ટ્રાવેલિંગ ઉપર પૈસા બચાવી શકું, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા જ રહેવાના છે."

"બીજું કારણ પર્યાવરણને લગતું હતું. આ ગાડીઓ પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોથી ચાલે છે એટલે તેમાં ધૂમાડો નથી આવતો. એનસીઆરના (નેશનલ કૅપિટલ રિજન) લોકો જો ઇલેક્ટ્રિક વાહનો અપનાવશે તો શિયાળામાં ફેલાતા વાયુપ્રદૂણમાંથી ઘણા ખરા અંશે રાહત મળશે."

ઇલેક્ટ્રિક વાહન: સવાલ અને શંકા

ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માગતી વ્યક્તિના મનમાં વાહનના ચાર્જિંગ, બૅટરીના ભાવ તથા વાહનોની કિંમત વગેરે જેવી ચિંતા મુખ્યત્વે ઉદ્ભવતી હોય છે.

ગ્રૅટર નૉઇડામાં રહેતા ફાઝિલ રાહી ઇલેક્ટ્રિક કાર ખરીદવા માગે છે. તેમની ઓફિસ નવી દિલ્હીના કનૉટ પ્લેસ ખાતે છે, એટલે તેમને દરરોજ 100 કિલોમીટર જેટલું ડ્રાઇવ કરવું પડે છે, એટલે તેઓ ઇલેક્ટ્રિક કાર ખરીદવા માગે છે.

તેમને લાગે છે કે ચાર્જિંગ તેમના માટે મોટી મુશ્કેલી હશે, એટલે તેઓ ઇલેક્ટ્રિક વાહન ખરીદતા અચકાય છે.

તેઓ કહે છે, "એક તો દર 200-250 કિલોમીટરે તેને ચાર્જ કરવું પડે છે. મારે લાંબી મુસાફરી કરવાની હોય છે, એટલે ભય રહે કે જો ચાર્જિંગ કરવાની જરૂર પડી તો ચાર્જિંક પૉઇન્ટ્સ કે સ્ટેશન ઉપલબ્ધ હશે કે નહીં?"

પ્રો. અગ્રવાલ આ ચિંતાઓને નકારતાં કહે, "ગાડીની બૅટરી માટે એસી અને ડીસી એમ બે પ્રકારનાં ચાર્જિંગ ઉપલબ્ધ છે. ડાયરેક્ટ ચાર્જિંગથી ઝડપથી ચાર્જિંગ થાય છે તથા એક કલાકમાં બૅટરી પૂરેપૂરી ચાર્જ થઈ જાય છે. જ્યારે એસી ચાર્જિંગમાં આઠ કલાકમાં બૅટરી પૂરેપૂરી ચાર્જ થાય છે. કંપનીવાળા ઘરે ચાર્જિંગ સિસ્ટમ લગાવી જાય છે. જેના માટે 15 ઍમ્પિયરના પૉઇન્ટની જરૂર રહે છે. ડીસી ચાર્જિંગનો વ્યાપ પણ વધી રહ્યો છે."

ઇલેક્ટ્રિક કારમાં બૅટરી કેટલી વધી છે, તેનાં સિગ્નલ મળે છે. જેમ પેટ્રોલ કે ડીઝલ ખતમ થાય તે પહેલાં આપણે પેટ્રોલપમ્પ પર જઈને ઈંધણ ભરાવીએ છીએ, એવું જ આમા પણ કરવાનું રહે છે.

બૅટરી અને ચાર્જિંગ સ્ટેશન

ચાર્જિંગ પૉઇન્ટ્સ તથા સ્ટેશન્સ અંગે પુણેસ્થિત ઇલેક્ટ્રિક વાહન, બૅટરી, તથા ચાર્જિંગ સ્ટેશન કંપનીઓનું પ્રતિનિધિત્વ કરનાર સંઘ, 'ઇન્ડિયન ઍનર્જી સ્ટોરેજ અલાયન્સ' (IESA)ના પ્રવક્તા રાહુલ વાલાવલકરના કહેવા પ્રમાણે, દેશભરમાં ચાર્જિંગ સ્ટેશન્સનો વ્યાપ વધી રહ્યો છે તથા આગામી એક-બે વર્ષમાં સમગ્ર દેશમાં તેનું મોટું જાળું પથરાઈ જશે.

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા ખાનગી કંપનીઓ પણ તેના માટે ઝડપભેર કામ કરી રહી છે.

જાણકારોના કહેવા પ્રમાણે, ચાર્જિંગ પૉઇન્ટ્સ અંગે ચિંતા કરનારાઓ કારોના પ્રારંભિક સમયનો અભ્યાસ કરવો જોઈએ, એ સમયે આજની જેમ પેટ્રોલપમ્પ ઉપલબ્ધ ન હતા. તેનો વિકાસ ધીમે-ધીમે તથા યોજનાબદ્ધ રીતે થયો હતો.

આજે પણ આપણે ગાડીઓમાં પેટ્રોલ જાતે નથી ભરી શકતા તથા આપણે પેટ્રોલપમ્પ જવું પડે છે. ચાહે વાહન પેટ્રોલથી ચાલતું હોય કે સીએનજી (કમ્પ્રેસ્ઝ નૅચરલ ગૅસ) દ્વારા.

પરંતુ ઇલેક્ટ્રિક ગાડીઓને ચાર્જ કરવાના પૉઇન્ટ આપણા ઘરમાં તથા હાઉસિંગ સોસાયટીઓમાં જ હશે.

કાર પાર્કિંગ, શૉપિંગ મૉલ તથા ઢાબા ઉપર પણ ચાર્જિંગ પૉઇન્ટ ઉપલબ્ધ હશે. હાલમાં દેશમાં જેટલા પેટ્રોલપમ્પ છે, તેનાથી ઘણા વધુ પ્રમાણમાં ચાર્જિંગ પૉઇન્ટ ઉપલબ્ધ હશે.

ફાઝિલ રાહીના કહેવા પ્રમાણે, ઇલેક્ટ્રિક કારમાં અમુક વર્ષો પછી કારની બૅટરી બદલવી પડે છે, ત્યારે પેટ્રોલ કાર જ સારી જણાય.

પરંતુ પ્રો. અગ્રવાલના કહેવા પ્રમાણે, ટાટા કંપનીએ તેમને બૅટરી ઉપર આઠ વર્ષની ગૅરંટી આપી છે.

હાલમાં જો ફૂલ ચાર્જ ગાડી 250 કિલોમીટર ચાલતી હોય, તો તે અમુક વર્ષ પછી 200 કિમી ચાલશે અને ધીમે-ધીમે માઇલેજ ઘટતું જશે.

નવી બૅટરી મોંઘી હોય અને તેની કિંમત રૂ. છ લાખથી વધુ હોય છે, પરંતુ પ્રો. અગ્રવાલને આશા છે કે ઇલેક્ટ્રિક ગાડીઓની લોકપ્રિયતા વધશે તેમ-તેમ બૅટરીઓના ભાવ ઘટશે.

કાર મોંઘી, બૅટરી પણ મોંઘી

ભારતમાં ઇલેક્ટ્રિકથી ચાલતાં કાર-સ્કૂટરને પેટ્રોલ-ડીઝલથી ચાલતાં વાહનોની સરખામણીમાં વધુ મોંઘાં માનવામાં આવે છે.

તેના વિશે વાલાવલકર કહે છે કે વાહનને ખરીદતી વખતે તે ચોક્કસથી મોંઘુ પડે છે, પરંતુ તેની રનિંગ તથા મૅન્ટેનન્સ કૉસ્ટ પેટ્રોલ/ડીઝલ તથા સીએનજી વાહનોની સરખામણીમાં ઓછી હોય છે.

તેઓ કહે છે :

"ઇલેક્ટ્રિક વાહનોનો જાળવણી ખર્ચ પરંપરાગત વાહનોની સરખામણીમાં ચોથા ભાગ કરતાં પણ ઓછો છે. અનેક કસ્ટમર ઇલેક્ટ્રિક વાહનો મોંઘા હોવાથી તેને ખરીદી શકતા નથી, પરંતુ આજકાલ સેલફોનથી દરેક વસ્તુ હપ્તા ઉપર મળી રહે છે. ફાઇનાન્સિંગની સમસયાને ઉકેલવા માટે ધિરાણ તથા ઑટો કંપનીઓએ સાથે મળીને કામ કરવાની જરૂર છે."

ચાર્જિંગનું ગણિત સમજાવતા પ્રો. અગ્રવાલ કહે છે, "બૅટરીને ચાર્જ કરવા માટે વીજળીનો જે ખર્ચ આવે છે, તે નોઇડામાં પ્રતિકિલોમીટર એક રૂપિયા જેટલો છે. સીએનજીમાં ત્રણ, ડીઝલમાં પાંચ તથા પેટ્રોલમાં રૂપિયા સાતથી વધુ છે."

"કંપનીનું કહેવું છે કે બૅટરીની લાઇફ એક લાખ 65 હજાર કિલોમીટર છે. તેને ચાર્જ કરવા માટે એક લાખ 65 હજાર આવશે. જો આટલું જ અંતર પેટ્રોલવાળી ગાડીમાં કાપ્યું હોત, તો રૂ. 11 લાખ કરતાં વધુનો ખર્ચ આવ્યો હોત. આમ સ્વાભાવિક છે કે લાંબાગાળે આ કાર સસ્તી પડશે તથા પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે."

ઈ-સ્કૂટર અને ઈ-રિક્ષાનું બજાર

ચીન, અમેરિકા તથા યુરોપની જેમ જ ભારતમાં પણ ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા વધી રહી છે.

હાલમાં દેશમાં ઇલેકટ્રિક રિક્ષા તથા સ્કૂટરની માગ વધુ છે. નાણાકી વર્ષ 2020- '21 દરમિયાન એક લાખ 44 હજાર ઈ-સ્કૂટર તથા 88 હજારથી વધુ ઈ-રિક્ષાનું વેંચાણ થયું હતું.

મહામારીને કારણે આ આંકડો આગળના વર્ષની સરખામણીએ થોડો ઓછો હતો.

વાલાવલકર કહે છે, "અમારું અનુમાન છે કે ટુ-વ્હીલરની સંખ્યા વધુ રહેશે. ઓલા, ઍથર (Ather) તથા હીરો દ્વારા જે ઉત્પાદનક્ષમતા ઊભી કરવામાં આવી રહી છે, તેની ઉપર નજર કરીએ તો આગામી ત્રણ વર્ષમાં દર વર્ષે બે કરોડ ટુ-વ્હીલરનું ઉત્પાદન થતું હશે."

15 ઑગસ્ટે કૅબ કંપની ઓલાએ 'પેટ્રોલ-ડીઝલથી મુક્તિ' માટે ખૂબ જ ધામધૂમપૂર્વક ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યું, જેને Ola S1 એવું નામ આપ્યું છે.

કંપનીના પ્રવક્તાના કહેવા પ્રમાણે, "જુલાઈ મહિનામાં તેના માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. 24 કલાકમાં એક લાખ ઑર્ડર મળ્યા હતા."

Ola S1નો ભાવ રૂપિયા એક લાખ તથા Ola S1 Proનો ભાવ રૂપિયા ત્રીસ હજાર વધુ છે. તેની સ્પીડ પ્રતિકલાક 90 કિલોમીટર છે.

કંપનીનો દાવો છે કે પૂર્ણપણે ચાર્જ થયેલી બૅટરી 118 કિલોમીટર સુધી ચાલશે.

સ્કૂટરમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ તથા વૉઇસ કમાન્ડ જેવા ફિચર હશે. તેમાં એક સ્પીકર પણ લાગેલું હશે, જેની ઉપર ગીત સાંભળી શકાશે.

ઇલેક્ટ્રિક કારના વિકાસમાં કરંટ નહીં

નાણાકીય વર્ષ 2020- '21 દરમિયાન માત્ર ચાર હજાર 588 ઇલેક્ટ્રિક કારનું વેચાણ થયું હતું.

ટાટા કંપનીનું કહેવું છે કે આગામી વર્ષોમાં કંપનીમાં બનનારી કુલ કારમાંથી 25 ટકા ઇલેક્ટ્રિક કાર હશે.

કંપની દ્વારા ટૂંકસમયમાં બે નવી કાર લૉન્ચ કરવામાં આવશે, જેની કિંમત રૂ. 10 લાખ આસપાસ હશે.

એમજી કાર કંપનીએ પણ પોતાની ઇલેક્ટ્રિક કંપની લૉન્ચ કરી છે, જેનો ભાવ રૂ. 23 લાખ કરતાં વધારે છે.

નવી દિલ્હીના લાજપતનગર શોરૂમના કહેવા પ્રમાણે, તાજેતરમાં દિલ્હીના મુખ્ય મંત્રી, ઉપમુખ્ય મંત્રી તથા પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે આ કાર ખરીદી છે.

ઇલેક્ટ્રિક ગાડીઓની ઓછી ડિમાન્ડ અંગે શોરૂમના માલિકનું કહેવું છે કે ચાર્જિંગ તથા ભાવ મુખ્ય કારણ છે.

ફાઝિલ રાહીના કહેવા પ્રમાણે, "મારું બજેટ રૂપિયા 12 લાખ છે. આ ભાવમાં પેટ્રોલ/ડીઝલ ગાડીઓના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. જ્યારે ઇલેક્ટ્રિક કારમાં એક પણ ઑપ્શન નથી. ટાટા નેક્સૉન ((Nexon)) મારા બજેટ કરતાં ચાર-પાંચ લાખ વધુ છે."

રાહીની વાતમાં વજન છે. કારણ કે ટાટા નેક્સૉનના ત્રણ મૉડલની ઑન-રોડ કિંમત રૂપિયા 14થી 17 લાખ છે.

આથી થોડા ઓછા ભાવમાં મહિન્દ્રાની ઇલેક્ટ્રિક કાર ઉપલબ્ધ છે, પરંતુ તે ખાસ પૉપ્યુલર નથી.

'હ્યુંડાઈ કોના ઇલેક્ટ્રિક' કારનો ભાવ રૂપિયા 25 લાખ કરતાં વધુ છે.

આ સિવાય લક્ઝરી ઇલેક્ટ્રિક કારોના ભાવ રૂપિયા 90 લાખથી સવા કરોડ સુધી છે.

વિશ્વભરમાં ભારતનો ઑટોમોબાઇલ-ઉદ્યોગ પાંચમા ક્રમે છે તથા તે વિકસી રહ્યો છે. હાલમાં તે પ્રારંભિક સમયમાં છે, જેવી રીતે 1990ની શરૂઆતનાં વર્ષોમાં ઇન્ટરનેટ તથાં મોબાઇલ હતાં.

ટૂંક સમયમાં તે જીવનનો અભિન્ન અંગ બની જશે.

સરકારનું લક્ષ્યાંક

નરેન્દ્ર મોદી સરકાર વર્ષ 2030 સુધીમાં ઇલેક્ટ્રિક કાર તથા તેના ઇકૉસિસ્ટમને 206 અબજ ડૉલરનું બજાર બનાવવા માગે છે.

જેમાં દેશભરના અડધાંથી વધુ વાહનો ઇલેક્ટ્રિક હોય તથા દેશભરમાં ચાર્જિંગ સ્ટેશનનું જાળું પાથરવાના લક્ષ્યાંકનો પણ સમાવેશ થાય છે.

આ સિવાય દેશમાં બૅટરી બનાવનારાઓને અનેક પ્રકારની આર્થિક રાહતો આપવાની યોજનાનો પણ સમાવેશ થાય છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે 185 અબજ ડૉલરની જરૂર પડશે.

માર્કેટ રિસર્ચ એજન્સીઓનું કહેવું છે કે વિદેશી મૂડીરોકાણ વગર આ લક્ષ્યાંક હાંસલ કરવું સરળ નહીં હોય.

ઇલેક્ટ્રિક કાર બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની ટેસ્લાએ ભારતમાં ઇલેક્ટ્રિક કાર સપ્લાય કરવાની તથા તેની ફેકટરી નાખવાની પણ વાત કહી છે.

કંપનીએ બેંગ્લુરુ ખાતે ભારતની ઑફિસ પણ ખોલી છે. કંપની ઇચ્છે છે કે ઇલેક્ટ્રિક કારો ઉપરની ઇમ્પૉર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે, પરંતુ ભારત સરકારે તેનો અસ્વીકાર કરી દીધો છે.

ફૉક્સવેગન 2025 સુધીમાં ટેસ્લા પછી વિશ્વની બીજા ક્રમાંકની ઇલેક્ટ્રિક કારનિર્માતા કંપની બનવા માગે છે.

આ જર્મન કંપનીએ પણ મોદી સરકાર પાસે ઇમ્પૉર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવાની માગ કરી છે.

વાલાવલકર કહે છે કે અમુક વર્ષો માટે વિદેશી ઇલેક્ટ્રિક કારનિર્માતા કંપનીઓને ભારતમાં આવવા દેવી જોઈએ, પરંતુ લાંબાગાળાની યોજનામાં ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપવું જોઈએ.

તેઓ કહે છે, "ઇંડિયા ઍનર્જી સ્ટોરેજ અલાયન્સનું માનવું છે કે ટૂંકાગાળા માટે આયાતમાં છૂટ આપવી જોઈએ, કારણ કે ભારતની કારનિર્માતા કંપનીઓ ખાસ વિકલ્પો ઉપલબ્ધ કરાવી નથી શકી. આથી, જો આગામી બે-ત્રણ વર્ષ માટે છૂટ આપવામાં આવે તો ગ્રાહકોને અનેક વિકલ્પ આવશે તથા માર્કેટમાં માગ ઊભી થશે. આ એક સારી બાબત બની રહેશે."

દરેક નવી કાર ઇલેક્ટ્રિક હશે

ભારતમાં ઇલેક્ટ્રિક વ્હિકલના ઉદ્યોગે હજુ લાંબી મજલ કાપવાની છે, પરંતુ તેની ગતિ વધશે. અમેરિકા, યુરોપ તથા ચીનમાં લોકો પેટ્રોલ કે ડીઝલથી ચાલતી ગાડીઓને બદલે ઇલેક્ટ્રિક કાર કે સ્કૂટર ખરીદી રહ્યા છે.

સ્થાનિક વહીવટીતંત્ર પણ તેના પબ્લિક ટ્રાન્સપૉર્ટમાં ઈ-બસોને સામેલ કરી રહ્યું છે.

ગત વર્ષે 43 ટકાના ઉછાળા સાથે વિશ્વભરમાં 32 લાખ કરતાં વધુ ઇલેક્ટ્રિક કારો વેંચાઈ હતી, જેમાં સૌથી વધુ 14 લાખ ચીનમાં વેંચાઈ હતી, જ્યારે પાંચ લાખ કરતાં પણ ઓછી ગાડીઓના વેચાણ સાથે અમેરિકા બીજા ક્રમે હતું.

વાસ્તવમાં કોરોનાની મહામારી સમયે ગાડીઓના વેચાણમાં ભારે ઘટાડો થયો હતો.

હાલમાં કુલ ગાડીઓના વેચાણમાંથી ઇલેક્ટ્રિક ગાડીઓનું પ્રમાણ માત્ર 5 ટકા છે. છતાં ભવિષ્ય ઇલેક્ટ્રિક ગાડીઓનું જ હશે.

યુબીએસ બૅન્કના તાજેતરના રિપૉર્ટમાં એવી આગાહી કરવામાં આવી છે કે વર્ષ 2025 સુધીમાં વિશ્વમાં કુલ વેચાતી નવી ગાડીઓમાંથી 20 ટકા ઇલેક્ટ્રિક હશે, 2030માં આ આંકડો 40 ટકા પર તથા 2040માં નવી વેચાતી લગભગ દરેક ગાડી ઇલેક્ટ્રિક હશે.

ઇલેક્ટ્રિક ગાડીઓનું ભવિષ્ય

વૈશ્વિકસ્તરે નજર કરીએ તો ઉદ્યોગના નિરીક્ષકોનું કહેવું છે કે, 'ઇલેક્ટ્રિક કારોનું વેચાણ પેટ્રોલ કે ડીઝલની કાર પર ભારે પડતું હોય એવા મહત્ત્વપૂર્ણ મુકામને આપણે પાર કરી ચૂક્યા છીએ.'

દુનિયાના મોટા કારનિર્માતા પણ આ દિશામાં વિચારી રહ્યા છે અને પોતાની યોજનાઓ ઘડી રહ્યા છે.

મોંઘી ગાડીઓના સૅગ્મૅન્ટમાં જેગ્યુઆરે વર્ષ 2025થી માત્ર ઇલેક્ટ્રિક ગાડીઓને વેંચવાની યોજના ઘડી છે. બ્રિટિશ સ્પૉર્ટ્સકારનિર્માતા કંપની લૉટસ 2028થી તથા વૉલ્વો 2030થી માત્ર ઇલેક્ટ્રિક કાર મૉડલ વેંચવાની યોજના ધરાવે છે.

આનાથી થોડી સસ્તી ગાડીઓ બનાવતી કંપનીઓ પણ આવી જ યોજના ધરાવે છે, જનરલ મૉટર્સે વર્ષ 2035થી માત્ર ઇલેક્ટ્રિક ગાડીઓ જ બનાવવાનું જાહેર કર્યું છે.

ફૉર્ડનુ માનવું છે કે વર્ષ 2030 સુધીમાં યુરોપમાં વેંચાનારા બધા વાહન ઇલેક્ટ્રિક જ હશે. ફૉક્સવૅગનનું માનવું છે કે વર્ષ 2030માં તેની કુલ ગાડીઓના વેચાણમાંથી 70 ટકા ઇલેક્ટ્રિક હશે.

ટેસ્લા ઇલેક્ટ્રિક કાર બનાવનારી વિશ્વની સૌથી મોટી કંપની છે તથા વર્ષ 2025 સુધીમાં ફૉક્સવૅગનથી આગળ નીકળી જવા માગે છે.

બંને કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રિક કાર વેંચવા માગે છે. તેમણે ભારત સરકાર સમક્ષ માગ કરી છે કે આ વાહનો પરની 60થી 100 ટકાની ઇમ્પૉર્ટ ડ્યૂટીને ઘટાડવામાં આવે.

અત્રે એ પણ નોંધનીય છે કે સરકારો પેટ્રોલ-ડીઝલની ગાડીઓ ઉપર પ્રતિબંધ નથી લાદી રહી, ખાનગી કારનિર્માતા કંપનીઓ પોતાના બળે જ આ પહેલ કરી રહી છે, જેના કારણે ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.

નવી ટેકનૉલૉજીને કારણે પેટ્રોલ-ડીઝલ ગાડીઓમાં વપરાતા એંજિનનો મૃત્યુઘંટ વાગી જશે, તે નિશ્ચિત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો