અબ્દુલ કદીર ખાન: 'દુનિયાના સૌથી ખતરનાક' અણુવિજ્ઞાનીને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતું અટકી ગયું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

પાકિસ્તાનના 'અણુબૉમ્બના જનક' ડૉ. અબ્દુલ કદીર ખાનનું રવિવારે 85 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ખાનનો જન્મ અવિભાજિત ભારતના ભોપાલમાં પહેલી એપ્રિલ 1936ના રોજ થયો હતો.

ડૉ. ખાનના મૃત્યુ પર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સહિત સેના તથા શાસનના અનેક લોકોએ સોશિયલ મીડિયા પર શોકસંદેશ પાઠવ્યા હતા.

જીવનના અંતિમ દિવસોમાં ડૉ. ખાન પાકિસ્તાનના વડા પ્રધાન તથા તેમના પ્રધાનોથી નારાજ હતા. ડૉ. ખાનનો આરોપ હતો કે તેઓ બીમારીમાં સબડતા હોવા છતાં તેમને સારી સારવાર મળી રહે તે માટે ઇમરાન ખાન સરકાર કે તેમના પ્રધાનો પૂરતા પ્રયાસ નહોતા કરી રહ્યા હતા.

ખાનની ઉપર લિબિયા, ઉત્તર કોરિયા તથા ઈરાન જેવા દેશોને અણુ પ્રૌદ્યોગિકી વેચવાના આરોપ લાગ્યા હતા. જીવનનાં અંતિમ વર્ષો તેમણે પોતાના ઘરમાં લગભગ નજરકેદ અવસ્થામાં જ વિતાવ્યાં હતાં. જેની સામે તેમણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવવ્યાં હતાં.

પાકિસ્તાનીઓની નજરમાં ડૉ. ખાન રાષ્ટ્રનાયક હતા, જેમણે ભારતના અણુહથિયારોના પડકારને પહોંચી વળવામાં દેશને મદદ કરી. 1980ના અંત ભાગમાં ભારત અને પાકિસ્તાન સરહદ પર સામ-સામે આવી ગયા હતા, ત્યારે કથિત રીતે ડૉ. ખાનને કારણે જ સ્થિતિ થાળે પડી હતી.

વિશ્વની સૌથી ખતરનાક વ્યક્તિઓમાં સ્થાન

ખાનના મૃત્યુ વિશે બીબીસીના સિક્યૉરિટી કૉરસ્પૉન્ડન્ટ ગૉર્ડન કોરેરાના મતે, "છેલ્લી લગભગ અડધી સદીથી તેઓ વૈશ્વિક સુરક્ષાની બાબતમાં કેન્દ્રસ્થાને રહેલા લોકોમાંથી એક હતા. વિશ્વની સૌથી ખતરનાક પ્રૌદ્યોગિકી ધરાવનારા તથા તેને હાંસલ કરવા માગનારાઓની વચ્ચે તેઓ કેન્દ્રસ્થાને હતા."

સીઆઈએના પૂર્વ ડાયરેક્ટર જ્યૉર્જ ટેનેટે ખાનને "કમસે કમ ઓસામા બિન લાદેન જેટલા ખતરનાક" ગણાવ્યા હતા. અમેરિકાની પર થયેલા 9/11ના હુમલા માટે લાદેનને જવાબદાર માનવામાં આવે છે.

કોરેરાએ લખ્યું : પશ્ચિમી દેશોના જાસૂસોના મતે એક્યુ ખાન વિશ્વના સૌથી ખતરનાક લોકોમાંથી એક હતા, જ્યારે ઘરઆંગણે તેઓ રાષ્ટ્રનાયક હતા, કારણ કે તેમણે ભારતની સામે સુરક્ષા માટે અણુ હથિયાર વિકસાવવામાં મદદ કરી હતી.

આ તથ્ય ખાનનું વ્યક્તિત્વ કેટલું જટિલ હતું તથા અણુ હથિયારોની બાબતો કેટલી સંકુલ હોય છે, તેનો નિર્દેશ આપે છે. કદાચ જ અન્ય કોઈ વ્યક્તિ ખાનની સરખામણીમાં અણુ હથિયારોના ફેલાવા માટે વધુ જવાબદાર હોય.

તેમણે પોતાના દેશને અણુ હથિયાર સંપન્ન રાષ્ટ્ર બનાવ્યું. ત્યારબાદ ઈરાન, ઉત્તર કોરિયા તથા લિબિયા જેવા દેશોને અણુહથિયારોની ટેકનૉલૉજી વિકસાવવામાં મદદ કરી. ખાને આ બધું પૈસા માટે કર્યું, વિચારધારા માટે કર્યું કે પાકિસ્તાની સરકારના કહેવાથી કર્યું, તે અસ્પષ્ટ છે.

પશ્ચિમી દેશો માટે અણુહથિયારોનો પ્રસાર અટકાવવો હંમેશા મહત્ત્વપૂર્ણ બાબત રહી છે. એટલે જ સીઆઈએ (અમેરિકાની ગુપ્તચર સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) તથા MI6 (યુકેની ગુપ્તચર સંસ્થા મિલિટરી ઇન્ટેલિજન્સ, સેક્શન 6) એ મળીને ખાનના નેટવર્કને તોડી પાડ્યું.

ખાન તથા અન્યોની દલીલ હતી કે જો પશ્ચિમી દેશો પોતાની સુરક્ષા માટે અણુહથિયાર વિકસાવતા હોય તો અન્યોને વિકસાવતા કેમ અટકાવે છે.

ભારતીય પત્રકાર સાથે મુલાકાત

તા. 28 જાન્યુઆરી, 1987ની સાંજે પાકિસ્તાનના અણુવિજ્ઞાની ડૉ. ખાનના ઘરે કેટલાક લોકો મહેમાન બનીને આવ્યા. સુરક્ષાઅધિકારીએ તેમને જણાવ્યું કે કેટલાક લોકો તેમને મળવા આવ્યા છે, જેમાં પાકિસ્તાનના વિખ્યત પત્રકાર મુશાહિદ હુસૈન સૈયદ પણ સામેલ હતા.

ડૉ. ખાને તેમને અંદર આવવા દેવા માટે સુરક્ષાકર્મીઓને જણાવ્યું. હુસૈને તેમની સાથે આવેલા વિખ્યાત ભારતીય પત્રકાર કુલદીપ નૈયર સાથે મુલાકાત કરાવી, જેઓ પંજાબમાં રહેતા હતા. નૈયર એક લગ્નકાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, જે એક અઠવાડિયા પછી યોજાવાનો હતો.

ડ્રૉઇંગરૂમમાં ત્રણેય વ્યક્તિ ભારત-પાકિસ્તાન સંબંધ, હિંદુ-મુસ્લિમ સંબંધ, પાકિસ્તાનના અણુકાર્યક્રમ સહતિના મુદ્દે ચર્ચા ઉપર વળગ્યા. પાકિસ્તાને ડૉ. ખાનના નેતૃત્વમાં અણુહથિયાર બનાવવાના કાર્યક્રમની શરૂઆત કરી દીધી હતી.

ખાને એ મુલાકાત અંગે બીબીસીને જણાવ્યું હતું, "મને એ મુલાકાત યાદ છે. મુશાહિદ હુસૈન સૈયદનું લગ્ન હતું તથા નૈયર તેમાં હાજરી આપવા માટે આવ્યા હતા. મુશાહિદ તેમને ઍરપૉર્ટથી સીધા જ મારા ઘરે લઈ આવ્યા હતા.અમારા ઘરે કોઈ નોકર ન હતો, એટલે મારાં પત્નીએ જ બધાને માટે ચા બનાવી હતી."

ભૂતકાળને યાદ કરતા ડૉ. ખાને વાતને દોહરાવી હતી કે કુલદીપ નૈયરે કહ્યું હતું, "હું સિયાલકોટનો (હાલમાં પાકિસ્તાનના ભાગરૂપ વિસ્તાર) છું અને નવી દિલ્હીમાં રહું છું. તમે (ડૉ. ખાન) ભોપાલના છો તથા ઇસ્લામાબાદમાં રહો છો."

નૈયરે કહ્યું કે ભારતનું વિભાજન 'અભિશાપ' હતો, ત્યારે ખાને તેમને કહ્યું, "તમે જે કંઈ કહ્યું તે ઇતિહાસનો ભાગ છે અને તેને બદલી ન શકાય. એટલે તેનો સ્વીકાર કરો તથા આગળ વધો."

નૈયરે કહ્યું કે "તમે જો 10 બૉમ્બ બનાવશો, તો અમે 100 બનાવીશું." જેના જવાબમાં ખાને કહ્યું, "આટલી મોટી સંખ્યામાં બૉમ્બ બનાવવાની જરૂર નહીં પડે. બંને પક્ષે ત્રણ કે ચાર બૉમ્બ જ પૂરતા હશે."

ડૉ. ખાને વાતને આગળ ધપાવતા કહ્યું હતું, "અમે બહુ થોડા સમયમાં ન્યુક્લિયર બૉમ્બ બનાવી શકવા માટે સક્ષમ છીએ." વાસ્તવમાં એ વખતે પાકિસ્તાન અણુહથિયાર બનાવવાથી લગભગ 12 વર્ષ દૂર હતું.

બ્રાસટેક : મુલાકાતની પૃષ્ઠભૂમિ

ડૉ. ખાન તથા નૈયરની મુલાકાત થઈ રહી હતી, ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તાન તથા ભારતની સેના પંજાબ તથા રાજસ્થાનના સૅક્ટરોમાં સામ-સામે ખડકાયેલી હતી. ભારતનું વાયુદળ હાઈઍલર્ટ પર હતું તથા તોપખાનાને પણ સરહદ પર પહોંચાડી દેવામાં આવ્યું હતું.

આ સંકટને બ્રાસટેક (ભારતીય સેનાની કવાયત)ના નામથી ઓળખવામાં આવે છે. 1986ના છેલ્લા ત્રીમાસિક ગાળા દરમિયાન હાથ ધરવામાં આવેલો આ અભ્યાસ, એ સમયે 'ડિવિઝન' તથા 'કોર' સ્તરનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ હતો.

આ અભ્યાસના કારણે પાકિસ્તાનમાં આશંકાના વાદળ ફરી વળ્યા તથા વહેલામાં વહેલી તકે પરમાણુ હથિયાર બનાવવાનું વ્યૂહરચનાકારોએ નક્કી કર્યું તથા એ દિશામાં ગંભીરતાથી કામ શરૂ કરી દીધું.

મુલાકાત પછી....

'લંડન ઑબ્ઝર્વર'માં કુલદીપ નૈયરના નામથી ઇન્ટરવ્યૂ કે સમાચાર પ્રકાશિત થયા. જેમાં ડૉ. ખાનને ટાંકતા જણાવવામાં આવ્યું, "કોઈ પણ પાકિસ્તાનને નષ્ટ કરી શકે તેમ નથી, અમે કોઈ સહેલાઈ ઓહિયાં કરી જઈ શકાય એવો કોળિયો નથી. અમે હંમેશાં ટકી રહેવા માટે બન્યા છીએ તથા તે વાતનો સંદેશ કોઈ પણના માનસમાં ન રહેવો જોઈએ. જો અમારા અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થશે તો અમે બૉમ્બ ફોડી નાખીશું."

ડૉ. ખાને દાવો કર્યો હતો, "કુલદીપ નૈયરે મારી સાથેની અનૌપચારિક વાતચીતને ઇન્ટરવ્યૂ બનાવીને બે હજાર પાઉન્ડમાં 'લંડન ઑબ્ઝર્વર'ને વેચી દીધી. તે ઇન્ટરવ્યૂ ન હતો અને ચા પર થતી ગપસપ હતી."

આનો એવો અર્થ કાઢવામાં આવ્યો કે પાકિસ્તાને પરમાણુબૉમ્બ બનાવવાને લાયક યુરેનિયમ તૈયાર કરી લીધું છે. ડૉ. ખાનના ઇન્ટરવ્યૂમાં રહેલી 'પરમાણુ ધમકી'ને કારણે ભારત એક મોટું યુદ્ધ શરૂ કરતા અટકી ગયું.

બીબીસીએ પૂછ્યું કે શું તેમના ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે કુલદીપ નાયર સાથેની તેમની વાતચીત અને પ્રકાશનને કારણે બંને દેશ વચ્ચેનો તણાવ હળવો કરવામાં મદદ મળી હતી.

કહેવાય છે કે તણાવને હળવો કરવામાં ઝિયાની ધમકીએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જયપુર ખાતે એક ક્રિકેટ મૅચ દરમિયાન જનરલ જિયા તથા ભારતના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી વચ્ચે મુલાકાત થઈ હતી.

જેમાં જનરલ જિયાએ દાવો કર્યો હતો કે જો ભારતની સેના તત્કાળ પાછી નહીં હઠે તો પાકિસ્તાન અણુબૉમ્બ વાપરશે, આને કારણે રાજીવ ગાંધી ગભરાઈ ગયા, પરિણામસ્વરૂપે તેઓ ભારતીય સેનાને પાછી બોલાવવા તૈયાર થઈ ગયા.

ડૉ. ખાનનું કહેવું છે, "બ્રાસટેકના અમુક અઠવાડિયા પહેલાં મેં જનરલ જિયાને લેખિત સંદેશ મોકલાવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન 10 દિવસની નોટિસમાં અણુબૉમ્બ બનાવી શકે તેમ છે. જેથી કરીને રાજીવ ગાંધી સાથે વાત કરતી વખતે તેમનામાં આત્મવિશ્વાસ પેદા થયો હતો."

વાસ્તવિકતા શું હતી?

દક્ષિણ એશિયાઈ બાબતોના મુખ્ય અમેરિકન વિશ્લેષક સ્ટિવન કોહેને પાંચ સભ્યોનું ગ્રૂપ બનાવ્યું, જેમાં ભારતના પીઆર ચારી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં નિઃશસ્ત્રીકરણના શિક્ષક કાંતિ વાજપેયી, ન્યૂ યૉર્કની હંટર કૉલેજમાં રાજનીતિ વિજ્ઞાનના પ્રો. સુમિત ગાંગુલી સામેલ હતા.

પાકિસ્તાનના ડૉ. ઇકબાલ પરવેઝ ચીમા પણ સામેલ હતા. જેણે ભારતની કવાયત બ્રાસટેક તેની પૃષ્ઠભૂમિ, કારણો અને ઘટનાઓનો અભ્યાસ હાથ ધર્યો તથા બે ભાગમાં પોતાના તારણ પ્રકાશિત કર્યા.

આ માટે સૈન્ય તથા વહીવટી અધિકારીઓ સાથે મુલાકાત કરવામાં આવી. બંને દેશના સૈન્ય જનરલ તથા કમાન્ડરોના નામ ગ્રૂપ દ્વારા જાહેર કરવામાં આવ્યા ન હતા. પોતાના અંતિમ રિપૉર્ટોમાં ઘટનાક્રમને સારી રીતે સમજવા માટે ગ્રૂપે અમેરિકાના વહીવટીતંત્રનો પણ આભાર માન્યો હતો.

ગ્રૂપે પોતાના નિષ્કર્ષમાં જણાવ્યું હતું કે ડૉ. ખાનની પરમાણુબૉમ્બની ધમકીએ કોઈ જ અસર કરી ન હતી, કારણ કે નૈયર અને ડૉ. ખાનની મુલાકાત પહેલાં જ આ વિવાદ ઉકેલાઈ ગયો હતો. બીજું એ કે બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે સંચારવ્યવસ્થાનો અભાવ હતો, જેના કારણે મોટાપાયા ઉપર અવિશ્વાસ તથા ગેરસમજણની પરિસ્થિતિ ઊભી થઈ હતી.

ભારત પંજાબમાં ઉગ્રવાદથી ત્રસ્ત હતું. આથી આ દબાણને દૂર કરવા માટે ભારતે પાકિસ્તાનની ઉપર દબાણ ઊભું કરવા માટે સિંધ પ્રાંતનો મોરચો ખોલી દીધો જ્યાં જનરલ જિયા વિરુદ્ધ રાજકીયપક્ષો આંદોલનો કરી રહ્યા હતા. પાકિસ્તાનની સૈન્ય સરકાર સામે માન્યતાનો પ્રશ્ન હતો.

ગ્રૂપના તારણ પ્રમાણે, તા. આઠમી ડિસેમ્બર 1986થી તા. 23 જાન્યુઆરી 1987 દરમિયાન ભારે તણાવ પ્રવર્તમાન હતો. ભારતનો સૈન્ય અભ્યાસ 15મી ડિસેમ્બર સુધી ચાલવાનો હતો અને ભારતના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સે આ મુદ્દે પાકિસ્તાનના ડીજીએમઓને જાણ કરી હતી, પરંતુ પાછળથી તેને લંબાવી દેવામાં આવ્યો, તે વાતની જાણ પાકિસ્તાનને કરવામાં આવી ન હતી.

સામે પક્ષે પાકિસ્તાનના વાયુદળ દ્વારા 'હાઈમાર્ક' અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો તથા તોપખાનાની મૂવમૅન્ટ પણ થઈ હતી. ભારતના વિદેશ મંત્રી નટવરસિંહે આ મુદ્દે નવી દિલ્હી ખાતે પાકિસ્તાનના હાઈકમિશનર હુમાયુ ખાન સાથે વાત કરી હતી તથા આ પગલાંને 'આક્રમક તથા ઉશ્કેરણીજનક' ગણાવ્યું હતું.

ડૉ. ખાનને બે વખત પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-ઇમ્તિયાઝથી નવાજવામાં આવ્યા હતા

પાકિસ્તાનમાં કવાયત લંબાવાથી, સૈનિકોના પરત નહીં હઠવાથી તથા આ મુદ્દે જાણ નહીં હોવાથી આશંકા ઊભી થઈ. પાકિસ્તાનના દક્ષિણપંથી અને ધાર્મિક નેતાઓ ભારત દ્વારા હુમલાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેમ જણાવવામાં આવ્યું.

પાકિસ્તાનના વડા પ્રધાન મહોમ્મદ ખાન જુનજો સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે ભારતના બેંગ્લુરુ ખાતે આવ્યા હતા. ત્યારે તેમની તથા રાજીવ ગાંધીની વચ્ચે મુલાકાત થઈ હતી, જેમાં ગાંધીએ જણાવ્યું કે આર્થિકકારણોસર બ્રાસ ટેક સૈન્યઅભ્યાસમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

જોકે, પાકિસ્તાનને આ વાત ઉપર વિશ્વાસ ન થયો, કારણ કે ધરાતલ ઉપર પરિસ્થિતિમાં ખાસ કંઈ સુધાર નહોતો થયો.

દરમિયાન બંને પક્ષો વચ્ચે રાજકીય સંપર્ક અને વાટાઘાટો થતી રહી.

ફેબ્રુઆરી-1987માં ભારત તથા પાકિસ્તાને તણાવ ઘટાડવા તેમના સૈનિકોને પાછા ખસેડવાની તથા બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધે તે માટે અનેક પગલાં લેવાની જાહેરાત કરી. ચોથી ફેબ્રુઆરીના કરાર બાદ બંને દેશો વચ્ચેનો તણાવ સમાપ્ત થઈ ગયો હતો.

પત્રકારો મારફત પરમાણુ ધમકી

સ્ટિવન કોહેનના નેતૃત્વવાળા અભ્યાસગ્રૂપનું તારણ હતું કે ડૉ. ખાને ભારતીય પત્રકારને આપેલી ધમકીમાં કશું નવું ન હતું. બ્રાસ ટેકના કારણે ઊભા થયેલા તણાવ સમયે તથા તે પહેલાં ડૉ. ખાન તથા તેમના જેવા પાકિસ્તાની અધિકારીઓ માટે આ પ્રકારની ધમકી આપવી સામાન્ય બાબત હતી.

પાકિસ્તાની પત્રકાર ઉમર ફારુક સાથે વાત કરતી વખતે ડૉ. ખાને સ્વીકાર્યું હતું અને કહ્યું હતું, "અમુક મહિનાઓના અંતરે જનરલ જિયા મને કહેતા કે મારે ભારતીય શહેરોને ધરતી ઉપરથી મીટાવી દઇશું, એવું નિવેદન આપવું. એ સમયે તે જરૂરી હતું."

તા. 28મી જાન્યુઆરી સુધીમાં બંને દેશો વચ્ચે પ્રવર્તમાન તણાવ મહદંશે સમાપ્ત થઈ ગયો હતો. ગ્રૂપનું કહેવું છે કે આપણે એ નોંધવું રહ્યું કે ડૉ. ખાન દ્વારા ઇન્ટરવ્યૂને રદિયો આપવામાં આવ્યો હતો અને તે છેતરામણી દ્વારા લેવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ અરસામાં અમેરિકાએ શીતયુદ્ધને દરમિયાન સોવિયેટ સંઘને કારણે દક્ષિણ એશિયા ઉપર લાદેલા વ્યૂહાત્મક નિયંત્રણોને હઠાવી લીધા. ભારત તથા પાકિસ્તાન બંને દેશ એકબીજાના પરમાણુકેન્દ્ર ઉપર હુમલા ન કરવા માટે સહમત થયા.

બંને દેશો દ્વારા દર વર્ષે પહેલી તારીખે પરમાણુકેન્દ્રોની યાદી એકબીજાને સુપ્રત કરવામાં આવે છે, આ પરંપરા આજ સુધી જળવાઈ રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો