સમ્રાટ પૃથ્વીરાજ : ભારત એક હજાર વર્ષ સુધી મુસલમાન શાસકોનું ગુલામ હતું?

    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

અક્ષયકુમાર અભિનિત 'સમ્રાટ પૃથ્વીરાજ' ફિલ્મ ચર્ચામાં છે અને ફિલ્મમાં એવો દાવો પણ કર્યો છે કે દિલ્હીના સમ્રાટ પૃથ્વીરાજ બાદ ભારત સદીઓ સુધી મુસ્લિમ શાસકોનું 'ગુલામ' બની ગયું હતું.

આવો જ અન્ય એક કિસ્સો પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનનો પણ છે.

ઇમરાન ખાને મધ્યકાળના મુસ્લિમ શાસકોને તુર્ક ગણાવીને ગર્વ સાથે કહેલું કે એમણે હકૂમત કરેલી અને એ કારણે એમની કોમને ખુશી મળે છે.

2020ના ફેબ્રુઆરીમાં તુર્કસ્તાનના રાષ્ટ્રપતિ અર્દોઆન પાકિસ્તાનની મુલાકાતે ગયેલા. એ મુલાકાત દરમિયાન એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં ઇમરાન ખાને ખૂબ જ ગર્વથી કહેલું કે, "તુર્કોએ હિંદુસ્તાન પર 600 વર્ષ શાસન કર્યું હતું."

તો ગત વર્ષે વ્હાઇટ હાઉસમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જો બાઇડન સાથેની મુલાકાતમાં કહેલું કે તેઓ ભારતમાં બાઇડન અટક સાથે સંબંધિત કેટલાક દસ્તાવેજો લઈને આવ્યા છે.

આ વાત પર રાષ્ટ્રપતિ બાઇડન હસી પડ્યા અને પૂછ્યું કે, શું આપણે સગા-સંબંધી છીએ? જવાબમાં મોદીએ પણ હસતાં હસતાં કહેલું, "હા".

રાષ્ટ્રપતિ બાઇડને ભારતમાં બાઇડન અટક છે તેના વિશે કહ્યું કે, "એમને ખબર પડેલી કે ઈસ્ટ ઇન્ડિયા ટી કંપનીમાં જ્યૉર્જ બાઇડન નામના એક કૅપ્ટન હતા." બાઇડન એ જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરતા હતા જેણે ભારતને ગુલામ બનાવેલું.

બીજી બાજુ, ઇમરાન ખાને મધ્યકાળના મુસ્લિમ શાસકોને તુર્ક ગણાવીને ગર્વ સાથે કહેલું કે એમણે હકૂમત કરેલી અને એ કારણે એમની કોમને ખુશી મળે છે.

ખોટું અભિમાન અને પોતાપણું

પાકિસ્તાનના ઇતિહાસકાર મુબારક અલીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગોરાઓ પ્રત્યે ભારતના નેતાઓનો પોતીકાપણાનો ભાવ અને મધ્યકાલીન શાસકો તરફ પાકિસ્તાનીઓ અને મુસલમાનોમાં એક સ્તરે જોવા મળતી ગર્વની ભાવના, બંને પરેશાન કરનારી વાત છે.

મુબારક અલી જણાવે છે કે, "જ્યારે એક મુસલમાન કહેશે કે હિંદુસ્તાન પર અમે એક હજાર વરસ રાજ કર્યું તો હિંદુ એમ જ વિચારશે કે મુસલમાન પોતાને અહીંના નથી માનતા. આવી ગર્વની પછેડી ઓઢેવાને કારણે મુસલમાનોને બહારથી આવેલા કહેવું, હિંદુઓ માટે વધારે આસાન બની જાય છે."

"મુસલમાનોએ વિચારવું જોઈએ કે મધ્યકાલીન ભારતમાં જે મુસ્લિમ શાસન હતું એ સામાન્ય મુસલમાનોનું શાસન નહોતું. એ એક સત્તાવર્ગ હતો. તમે જ્યારે એમ કહો છો કે મુસલમાનોએ સેંકડો વરસો સુધી તમારા પર રાજ કર્યું, એનો ભાવાર્થ એ જ થાય કે હિંદુઓને દબાવીને રાખ્યા."

મુબારક અલી જણાવે છે, "જે અંગ્રેજોએ આપણા પર અતિજુલમ ગુજાર્યો, એમનામાં પણ હવે આ અભિમાનનો ભાવ નથી, જ્યારે મુસ્લિમ શાસકો તો ભારતને અપનાવી ચૂક્યા હતા. અહીંની ધૂળને પોતાની માટી માની હતી. એ મુસ્લિમ શાસકોનો આધાર લઈને મજહબી મુસલમાનોનો આ ગર્વભાવ હિંદુઓઓને ચીડવનારો છે. પાકિસ્તાનની સ્કૂલોમાં જે ચોપડીઓ ભણાવાઈ રહી છે એને વાંચીએ તો એમ જ લાગે છે કે બધા મુસ્લિમ શાસક બહાદુર હતા અને હિંદુ તેમની સામે આત્મસમર્પણ કરતા ગયા. હકીકતમાં આ સાચું નથી."

મુબારક અલીએ જણાવ્યું કે, "પાકિસ્તાનની ચોપડીઓ હિંદુઓ અને ભારત માટે નફરતની લાગણી જ જન્માવે છે. અહીંના શાસકવર્ગને લાગે છે કે મધ્યકાળના મુસ્લિમ શાસક તેમના પોતાના હતા અને હિંદુઓને સીધા દોર કરીને રાખ્યા. અહીંની મિસાઇલો અને હથિયારોનાં નામ તો જુઓ! - ગઝની, ઘોરી, ગઝનવી. આવી માનસિકતા, જમણેરી હિંદુ રાજનીતિ માટે ઈંધણનું કાર્ય કરે છે. અને એનાથી, ભારતમાં રહેતા મુસલમાનોને જીવવું મુશ્કેલ થઈ જાય છે."

1200 વર્ષ સુધી ભારત ગુલામ?

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી 11 જૂન 2014એ પહેલી વાર લોકસભાને સંબોધી રહ્યા હતા.

પોતાના પહેલા જ ભાષણમાં માદીએ કહેલું કે, "1200 વરસોની ગુલામીની માનસિકતા હેરાન-પરેશાન કરી રહી છે. ઘણી વાર, આપણાથી ઊંચો માણસ આપણને મળે તો, માથું ઊંચું કરીને વાત કરવાની આપણી હિંમત નથી થતી."

વડા પ્રધાનની આ વાતે ઘણા પ્રશ્નો ઊભા કર્યા. શું ભારત 1200 વરસો સુધી ગુલામ હતું? શું બ્રિટિશ શાસનની પહેલાં પણ ભારત ગુલામ હતું?

પીએમ મોદીએ જ્યારે 1200 વરસની ગુલામીની વાત કરી તો એમાં તેમણે સિંધના હિંદુ રાજા પર આઠમી સદીમાં થયેલા મીર કાસિમના હુમલા (ઈ.સ. 712)થી 1947 સુધીના ભારતને ગુલામ ગણાવ્યું. ભારતમાં અંગ્રેજોનો શાસનકાળ મોટા ભાગે 1757થી 1947 સુધીનો મનાય છે, એટલે કે 190 વર્ષ. આ હિસાબે ગુલામીનાં બાકીનાં લગભગ એક હજાર વરસ ભારત મુસ્લિમ શાસકોને અધીન રહ્યું.

કેટલાં વરસ ભારત ગુલામ હતું, એ પ્રશ્નનો કોઈ પણ ભારતીય શો જવાબ આપશે?

ભારતમાં સ્કૂલોની ચોપડીઓ અનુસાર 1757ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબની સામે અંગ્રેજોની જીત થઈ એ પછી ભારતને ગુલામ બનાવવામાં આવ્યું એમ મનાય છે. પરંતુ હવે ભારતમાં ઇતિહાસમાં ફેરબદલ કરવાની વાતો થઈ રહી છે અને કહેવાય છે કે મધ્યકાળમાં મુસ્લિમ શાસકો આક્રમણખોર હતા અને એમણે ભારતને ગુલામ બનાવી રાખ્યું હતું.

શું ભારત સાચે જ મુસલમાન શાસકોનું ગુલામ હતું?

ભારતના મધ્યકાળના ઇતિહાસ માટે જાણીતા ઇતિહાસકાર ઇરફાન હબીબે જણાવ્યું કે, "મધ્યકાળની જુદી જુદી વ્યાખ્યાઓ છે. 19મી સદીમાં સાંપ્રદાયિક ઇતિહાસલેખન શરૂ થયું. એવું અંગ્રેજોએ તો કર્યું જ, હિંદુઓ અને મુસલમાનોએ પણ કર્યું. ભારતીય ઇતિહાસના ધર્મના આધારે વિભાગો પાડવા એ કંઈ નવી વાત નથી. સ્વાતંત્ર્યસંગ્રામ સાથે જોડાયા હોય તેવા લોકો કહેતા રહ્યા છે કે ભારત બ્રિટિશ શાસનનું ગુલામ હતું, તો બીજી તરફ, હિંદુત્વવાદીઓ કહે છે કે 13મી સદી અથવા એની પણ પહેલાંથી ભારતમાં વિદેશી શાસન હતું."

હબીબ જણાવે છે કે, "ઇશ્તિયાક હુસૈન કુરેશી જેવા મુસ્લિમ ઇતિહાસકાર મધ્યકાળને મુસ્લિમ શાસનનો સમયગાળો કહે છે. એટલે સુધી કે મુસ્લિમ લીગના લોકો પણ કહે છે કે એમણે આખા ભારત પર રાજ કરેલું. ઇતિહાસની આવી વ્યાખ્યા બંને તરફથી થઈ છે અને સાચા રાષ્ટ્રવાદી આ વ્યાખ્યાઓ અમાન્ય ઠરાવે છે."

ઇરફાન હબીબ જણાવે છે કે, "મધ્યકાળના ઘણા શાસકોનો જન્મ વિદેશમાં થયેલો, પરંતુ એમણે પોતાને ભારતીય રંગમાં ઢાળી લીધા હતા. ઘણા સ્વાતંત્ર્યસેનાનીઓનો તર્ક છે કે બ્રિટિશ શાસન એની પહેલાંના મુસલમાન રાજાઓના કરતાં બિલકુલ જુદું હતું, કેમ કે અંગ્રેજો, ભારતની સંપત્તિને ઢસડી જતા હતા પરંતુ મુસલમાન બાદશાહોએ ભારતની સંપત્તિ ભારતમાં જ રહેવા દીધી."

"આ વાત તમને આર.સી. દત્ત અને દાદાભાઈ નવરોજીના લેખનમાંથી પણ મળશે. અહીં જ વસી જનારા અને સંપત્તિને પોતાના દેશમાં લઈ જનારા લોકો વચ્ચેનું અંતર બંને તરફના સાંપ્રદાયિક લોકો ઘણી વાર ભૂલી જાય છે."

ઇરફાન હબીબ જણાવે છે કે, "આર.સી. મજુમદાર જેવા ઇતિહાસકાર ભારતમાં મુસ્લિમ શાસનને અત્યાચારી માને છે પણ તેઓ પણ પોતાની વાત તથ્યોને આધારે જ કરે છે. આર.સી. મજુમદારને એટલા માટે પણ ગંભીર ઇતિહાસકાર માનવામાં આવે છે કેમ કે એમણે જે કંઈ કહ્યું-લખ્યું એ તથ્યો પર આધારિત હતું. એ તથ્યોનો બીજા ઇતિહાસકારો પણ સ્વીકાર કરે છે. પણ તમે જે તથ્યો પસંદ કરો છો એ સિવાયનાં બીજાં તથ્યો પણ હોય છે. પરંતુ આરએસએસએ 1950ના દાયકામાં જે ઇતિહાસગાન શરૂ કરેલું એ તો તદ્દન જુદું છે."

"તેઓ ઐતિહાસિક તથ્યોની વાતો નથી કરતા. એમના માટે શું થયેલું એ ઇતિહાસ નથી, એમનો ઇતિહાસ એ છે કે શું થવું જોઈતું હતું. આવનારા સમયમાં ભારતીય રાજનીતિમાં આવું ઘણું બધું જોવા મળશે. આપણે પાકિસ્તાનમાં આવું જોયું છે. પાકિસ્તાનમાં તો તક્ષશિલા અને મોહેંજો-દરોને ઇતિહાસ બહાર કરી દેવાયાં છે."

ભારતીય ઇતિહાસના ત્રણ કાલખંડ

ભારતીય ઇતિહાસને પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત એવા ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. ગુપ્તકાળ પછી પ્રાચીન ભારતનો અંત અને મધ્યકાળની શરૂઆત થાય છે.

પ્રાચીન ભારતમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મોનો ઉદય થયો. મધ્યકાળ, એમાં પણ મુગલકાળ એટલે કે 1526થી માંડીને ઔરંગઝેબના મૃત્યુ (1707) સુધીનો તબક્કો મહત્ત્વનો ગણાય છે.

ઔરંગઝેબનું લગભગ આખા ભારત પર શાસન હતું. ઔરંગઝેબ પછી મુગલશાસન પતનના પંથે પડ્યું. 1857માં મુગલવંશના છેલ્લા શાસક બહાદુરશાહ ઝફરને અંગ્રેજોએ બર્મામાં નિર્વાસિત કરી દીધા હતા.

બહાદુરશાહ ઝફર પછી આખું ભારત અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયું અને એને આધુનિકકાળ કહેવાય છે. કેટલાક ઇતિહાસકારો બ્રિટિશકાળને આધુનિકકાળ કહેવા સામે પ્રશ્ન કરી રહ્યા છે. ઇરફાન હબીબ નામધારી બીજા એક ઇતિહાસકાર જણાવે છે કે, "જે બ્રિટિશ શાસન જુલમોથી ભરેલું હતું તેને આધુનિકકાળ કહેવો હાસ્યાસ્પદ છે."

મધ્યકાલીન ભારતના ઇતિહાસ માટે જાણીતા ઇતિહાસકાર પ્રોફેસર હરબંસ મુખિયા જણાવે છે કે, "બ્રિટિશ લેખક જેમ્સ મિલે પોતાના પુસ્તક 'હિસ્ટરી ઑફ બ્રિટિશ ઇન્ડિયા'માં પહેલી વાર ભારતીય ઇતિહાસને સાંપ્રદાયિક બનાવવાનો પ્રયાસ કર્યો અને આ પ્રવૃત્તિ ભાગલા કરાવનારાં તત્ત્વોને માફક આવી ગઈ. જેમ્સ મિલે પ્રાચીન ભારતને હિંદુ શાસન, મધ્યકાળને મુસ્લિમ શાસન અને પોતાના (અંગ્રેજોના) અત્યાચારી શાસનને આધુનિક ભારત કહ્યું."

અલ્લામા ઇકબાલ વિ. સાવરકર

મુસલમાનોને વિદેશી અને મુસ્લિમ શાસકોને વસાહતી (બહારથી આવી વસેલા) શક્તિઓ ગણાવવાનો વિવાદ નવો નથી.

મુખિયા અને હબીબ જેવા ઇતિહાસકારો જણાવે છે કે એની શરૂઆત અંગ્રેજોએ કરી જ દીધી હતી અને આ કથાનકને હિંદુ-મુસલમાન બંને પક્ષના એવા લોકોએ સ્વીકારી લીધું જેમને પોતાની સાંપ્રદાયિકતા પર આધારિત રાજનીતિ કરવા માટે કોઈ મુદ્દો જોઈતો હતો.

આ તો ઐતિહાસિક તથ્ય છે કે જ્યારે અંગ્રેજોની ગુલામીથી આઝાદ થવા માટેની લડાઈ ચરમસીમાએ હતી તે વખતે અલ્લામા ઇકબાલ મુસ્લિમ રાષ્ટ્ર અને સાવરકર હિન્દુત્વની વાતો કરતા હતા.

ઇલાહાબાદ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર હેરંબ ચતુર્વેદી જણાવે છે કે, જ્યારે વડા પ્રધાન સંસદમાં કહે છે કે ભારત 1200 વરસ સુધી ગુલામ રહ્યું તો એનાં નિશાન દેશના મુસલમાન બને છે. પ્રોફેસર ચતુર્વેદી જણાવે છે કે, "વડા પ્રધાન કહેવા માગે છે કે મુસલમાનો બહારના છે અને એમની નિષ્ઠા પર શંકા કરી શકાય છે."

પરંતુ આઝાદી પહેલાં જ આ વિવાદ શરૂ થઈ ચૂક્યો હતો. આવી વાત કરનારા વડા પ્રધાન મોદી કંઈ પહેલા વ્યક્તિ જ નથી. આઝાદી પછી પણ ઘણાં એવાં પગલાં ભરાયાં જેનાથી એ સંદેશ જ પહોંચ્યો કે મુગલ, બહારથી આવેલા, વસાહતી હતા.

ભારતે રસ્તા અને શહેરોનાં નામ બદલવાનું શરૂ કર્યું છે. એની શરૂઆત બ્રિટિશ શાસન દરમિયાન અપાયેલાં નામોને બદલવાથી થઈ છે. જેમ કે, બૉમ્બેને મુંબઈ, કલકત્તાને કોલકાતા, ત્રિવેન્દ્રમ્-ને તિરુઅનંતપુરમ્ અને મદ્રાસને ચેન્નઈ કરવામાં આવ્યું છે.

આ બદલાવ પછી મુગલ શાસકોએ આપેલાં નામ બદલવાનું શરૂ થયું. 1583માં જે અલાહાબાદની સ્થાપના અકબરે કરી હતી એનું નામ બદલીને પ્રયાગરાજ કરી દેવાયું. આ નામ-બદલો 2018માં ચૂંટાયેલી સરકારે કર્યો. આ નામબદલાથી એ સંદેશો મળ્યો કે મુગલ પણ અંગ્રેજોની જેમ વસાહતી શક્તિ હતા.

પરંતુ આ પ્રકારના બદલાવ માત્ર ભારતમાં જ નથી થયા, બલકે, પાકિસ્તાનમાં પણ કરાયા છે. પાકિસ્તાનમાં પણ આ જ રીતે હિંદુ, શીખ અને બંગાળી ઓળખ ભૂંસી નાખવાનું અભિયાન થયું હતું.

પાકિસ્તાનનાં પુસ્તકો અને દસ્તાવેજોમાંથી પૂર્વીય પાકિસ્તાનને ભૂંસી નખાયું છે. માત્ર થોડાક પાકિસ્તાનીઓ એ વાતને યાદ કરે છે કે 1971માં હિંસાના તાંડવ પછી બાંગ્લાદેશનો જન્મ થયો હતો.

કોલંબિયા યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર મનાન અહમદ આસિફે પોતાના પુસ્તક 'ધ લૉસ ઑફ હિંદુસ્તાન'માં લખ્યું છે કે કઈ રીતે હિંદુસ્તાન ઇન્ડિયામાં તબદીલ થયું અને બહુસંખ્યકવાદનું સામર્થ્ય વધતું ગયું. આ વાત સમજાવવા માટે આસિફ એક દાખલો આપે છે.

હરદયાલ નામના એક યુવા ક્રાંતિકારીએ 1904માં લાહોરમાં ફોરમૅન ક્રિશ્ચિયન કૉલેજની સામે લોકોને એકઠા કર્યા. એમાં પોતાના એક મિત્ર યુવાકવિ મોહમ્મદ ઇકબાલને પણ આમંત્રિત કર્યા.

ઇકબાલ ત્યારે એક સરકારી કૉલેજમાં ભણાવતા હતા. ઇકબાલે એ બેઠકમાં પોતાની એક નવી જ કવિતા સંભળાવી હતી. એ કવિતા હતી - સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા. આ કવિતાને એ બેઠકમાં ઉપસ્થિત સૌ કોઈએ જોરશોરથી ગાઈ.

એમાંના જ એક શ્રોતાએ એ કવિતા સાંભળીને લખી અને એ વખતની ઉર્દૂ પત્રિકા ઇત્તેહાદમાં મોકલી આપી. આ કવિતા 1904માં ઇત્તેહાદ પત્રિકાના ઑગસ્ટના અંકમાં પ્રકાશિત થઈ હતી.

ઇકબાલની આ કવિતા પછી 1924માં તેમના પહેલા કાવ્યસંગ્રહમાં છપાઈ. ઇકબાલ એ ચળવળનો એક ભાગ હતા, જેમાં હિંદુસ્તાનને બધાં માટેનો દેશ જણાવાતો હતો. એમની આ કવિતામાં ગંગા, હિમાલયનો ઉલ્લેખ પણ છે, જે હિંદુ માન્યતાઓમાં ખાસ્સાં આસ્થાપૂર્ણ છે.

ઇકબાલની કવિતા એ વાતની સાબિતી આપતી હતી કે લોકો પહેલાં હિંદુસ્તાની છે, એના પછી કોઈ હિંદુ કે મુસલમાન છે. ઇકબાલની કલ્પનાનું હિંદુસ્તાન એ હતું જે હજારો વરસોથી અસ્તિત્વ ધરાવતું હતું. ઇકબાલની આ કવિતા એટલી લોકપ્રિય બની કે લોકકવિતા બની ગઈ.

કૉંગ્રેસનાં અધિવેશનોના ઉદ્‌ઘાટન સમારોહમાં આ કવિતા ગવાવા લાગી. સ્વાતંત્ર્યચળવળ દરમિયાન આ કવિતા લોકજીભે ચડી ગઈ. એટલે સુધી કે મહાત્મા ગાંધીને પણ આ કવિતા ખૂબ ગમી હતી.

20મી સદીના પહેલા દાયકામાં આઇડિયા ઑફ હિંદુસ્તાનના કારણે ઇકબાલની વિચારદિશામાં પણ ધરખમ ફેરફાર થયો. ઇકબાલના કાવ્યસંગ્રહમાં 'તરાના-એ-મિલ્લી' નામે એક કવિતા સમાવેશ પામી, જેમાં ઇકબાલે મુસ્લિમ રાષ્ટ્રની વાત કરી છે.

એમણે સ્થાનિક અને વૈશ્વિક બંને સ્તરે મુસ્લિમ સમુદાયની વાત કરી. 'તરાના-એ-મિલ્લી' કવિતામાં એક પંક્તિ છે - ચીન ઓ અરબ હમારા, હિંદુસ્તાં હમારા, મુસ્લિમ હૈં હમ, સારા જહાં હમારા.

1930 આવતાં આવતાં તો ઇકબાલના વિચારો બદલાઈ ગયા. એમણે ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગમાં અધ્યક્ષીય ભાષણ આપ્યું. આ સંબોધનમાં એમણે ભારતની આંતરિક વાતો કરી. એમણે ભારતને "દુનિયાનો સૌથી મહાન મુસ્લિમ દેશ" કહ્યો.

ઇકબાલે પોતાના ભાષણમાં કહેલું, "ભારતમાં ઇસ્લામની સાંસ્કૃતિક શક્તિ કોઈ ખાસ ક્ષેત્રમાં મુસલમાનોના કેન્દ્રીકરણ પર નિર્ભર રહેશે. આ કેન્દ્રીકરણ એ વિસ્તારોમાં થવું જોઈએ, જ્યાં મુસલમાનોની સંખ્યા વધુ છે. મુસલમાનો બ્રિટિશ સેના અને પોલીસમાં પણ છે, તેમના લીધે અંગ્રેજો અહીંયાં શાસન કરે છે. અગર કોઈ ખાસ ક્ષેત્રમાં મુસલમાનોનું કેન્દ્રીકરણ થાય છે તો એનાથી ભારત અને એશિયાની સમસ્યાઓનું સમાધાન થઈ શકે."

ઇકબાલ, મુસલમાનોના વૈશ્વિક સમુદાયની વકીલાત કરવા માંડ્યા હતા. 1947માં ભારતના ભાગલા પડ્યા અને ઇસ્લામિક રિપબ્લિક ઑફ પાકિસ્તાન બન્યું. ભાગલા પછી તરત બંને દેશ વચ્ચે યુદ્ધ થયું.

આગળ જતાં 1970ના દાયકામાં પાકિસ્તાનના સૈન્ય-શાસક જિયા-ઉલ-હક્કે અલ્લામા ઇકબાલને પાકિસ્તાનના 'નૅશનલ ફિલોસૉફર'ની ઉપાધિ આપી. ઇસ્લામી રાષ્ટ્ર જોવાનું સપનું લઈને ઇકબાલે 1938માં આંખ મીંચી દીધી હતી.

મધ્યકાલીન ઇતિહાસના જાણીતા ઇતિહાસકાર પ્રોફેસર હરબંસ મુખિયા જણાવે છે કે અલ્લામા ઇકબાલ જર્મની ગયા એ પછી સંપૂર્ણ બદલાઈ ગયા હતા.

મુખિયા જણાવે છે કે, "ઇકબાલ જ્યારે દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા જર્મની ગયા તો ત્યાંનો રાષ્ટ્રવાદ જોઈને તેઓ પ્રભાવિત થયા અને તેમના દિમાગમાં ઇસ્લામિક રાષ્ટ્રવાદનો વિચાર આવ્યો. જર્મની ગયા પછી ઇકબાલ પૂરેપૂરા બદલાઈ ગયા હતા અને 'સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા'વાળો વિચાર ભૂતકાળની ગર્તમાં છોડી દીધો હતો."

મુબારક અલી પણ માને છે કે અલ્લામા ઇકબાલ યુરોપ ગયા એ પછી જ રૂઢિચુસ્ત મુસલમાન બની ગયા હતા.

મુસલમાનોની નિષ્ઠા પર શંકા

પરંતુ, અલ્લામા ઇકબાલ કરતાં વધુ સ્પષ્ટ શબ્દોમાં વિનાયક દામોદર સાવરકર હિંદુ રાષ્ટ્રની વાત કરતા હતા. સાવરકર ખુલ્લેઆમ કહેતા હતા કે, "ભારત સાથે એકનિષ્ઠ પ્રેમ માત્ર હિંદુઓને જ થઈ શકે."

ભારતમાં, સાવરકર હિંદુ શ્રેષ્ઠતા અને હિંદુત્વની રાજનીતિના મશાલધારક રહ્યા છે. આમ જુઓ તો, હિંદુત્વ શબ્દનો પહેલો ઉપયોગ એમણે જ કર્યો હતો.

લંડનમાં રાજદ્રોહના મામલામાં સાવરકરની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને 1911માં આજીવન કારાવાસની સજા માટે આંદામાનની જેલમાં પૂરી દેવાયા હતા.

અંગ્રેજી હકૂમત-વિરોધી રાજનીતિ નહીં કરે એવો વાયદો કરતું માફીનામું આપવાના કારણે 1924માં જેલમાંથી છૂટેલા સાવરકર 1937 સુધી મહારાષ્ટ્રમાં રત્નાગિરિ ખાતે રહ્યા. મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં સાવરકરને પણ સહ-આરોપી બનાવાયેલા, પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી દેવાયા હતા.

ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસે પણ સાવરકરની હિંદુત્વની વિચારધારાથી પ્રેરાયા હતા.

સાવરકરનું 'ભારતનું સપનું' એક ગૌરવશાળી હિંદુ રાષ્ટ્રનું સપનું હતું. 1908માં સાવરકરે મરાઠીમાં એક કવિતા લખેલી. એ કવિતા હતી - અમુચે પ્રિયકર હિંદુસ્થાન (આપણું પ્યારું હિંદુસ્થાન).

સાવરકરે આ કવિતા લંડનમાં જ લખેલી. એક રીતે જોઈએ તો લાગે કે સાવરકર પણ 'હિન્દુસ્થાન'ને, અલ્લામા ઇકબાલની જેમ, બાકી બીજા બધા દેશો કરતાં વધારે સારું ગણાવતા હતા. એમણે પણ પોતાની કવિતામાં હિમાલય અને ગંગાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ, સાવરકરે પોતાની કવિતામાં મુસલમાનો અને બ્રિટિશરો બંનેને બહારની-વસાહતી શક્તિઓ તરીકે જ દર્શાવ્યા છે.

સાવરકરે પોતાની કવિતામાં પહેલી સદીમાં વિક્રમાદિત્ય સામે હારી જનાર ગ્રીકો માટે મલેચ્છ શબ્દ પ્રયોજ્યો છે. મલેચ્છ શબ્દ અશુદ્ધ અને ગંદાના પર્યાય તરીકે વપરાશમાં હતો. પછીથી મુસલમાનો પ્રતિ ઘૃણા દર્શાવવા માટે પણ આ શબ્દનો પ્રયોગ થતો રહ્યો.

1923માં પહેલી વાર સાવરકરનો લેખ 'એસેન્શિયલ્સ ઑફ હિંદુત્વ' પ્રકાશિત થયો. આ લેખમાં સાવરકરે પોતાના એ વિચારનો વિસ્તાર કર્યો કે મુસલમાનો બહારથી આવેલા આક્રમણખોર હતા. આ લેખમાં પહેલી વાર સાવરકરે હિંદુત્વ શબ્દનો પ્રયોગ-ઉપયોગ કર્યો.

એમાં એમણે 'હિંદુસ્થાન'ની પરિકલ્પના કરી. સાવરકરે 'હિંદુસ્તાન'ના બદલે 'હિન્દુસ્થાન'ની વકીલાત કરી. સાવરકરે હિંદુની સાથે સંસ્કૃત શબ્દ 'સ્થાન' જોડ્યો, ના કે ફારસી 'સ્તાન'. સાવરકર એ મુદ્દે અસહમત હતા કે હિંદુસ્તાન નામ વિદેશીઓએ આપ્યું હતું.

સાવરકરે પોતાના પુસ્તક 'હિંદુત્વઃ હૂ ઇઝ અ હિંદુ'માં લખ્યું છે કે, "જ્યારે મોહમ્મદનો જન્મ નહોતો થયો અને અરબ લોકો વિશે દુનિયા નહોતી જાણતી, એના ઘણા પહેલાંથી આ પ્રાચીન દેશને બહારના લોકો હિંદુ કે સિન્ધુ રૂપે ઓળખતા હતા. અરબ લોકોએ આ નામ નથી આપ્યું."

આ પુસ્તકમાં સાવરકરે લખ્યું છે કે, "હિન્દુસ્થાનનો મતલબ હિન્દુઓની ભૂમિ છે. હિન્દુત્વ માટે ભૌગોલિક એકતા ખૂબ જરૂરી છે. એક હિન્દુ પ્રાથમિકરૂપે અહીંનો નાગરિક છે અથવા પોતાના પૂર્વજોના કારણે 'હિન્દુસ્થાન'નો નાગરિક છે."

સાવરકર હિન્દુત્વને પરિભાષિત કરતાં પહેલાં 'હિન્દુસ્થાન'ને પરિભાષિત કરે છે. એની શરૂઆત ભૌગોલિક રૂપથી કરે છે. તેઓ ક્ષેત્રિય અખંડતા પછી ધાર્મિક અને સાંસ્કૃતિક મુદ્દા પર વાત કરે છે.

સાવરકર પાંચ હજાર વર્ષ જૂના હિન્દુસ્થાનની વાત કરે છે અને જણાવે છે કે જ્યાં સુધી ગઝનીએ હુમલો નહોતો કર્યો ત્યાં સુધી અહીં 'સૌન્દર્યની સાથે શાંતિ' રહી.

સાવરકર જણાવે છે કે વર્ષોવર્ષ, દાયકાઓ પર દાયકા અને સદીઓની સદીઓ મુસ્લિમ આક્રમકો અને હિન્દુ પ્રતિકારકો વચ્ચે અથડામણો થતી રહી.

સાવરકર જણાવે છે કે આ હુમલા અને તેના પ્રતિકારમાંથી હિન્દુત્વનો જન્મ થયો છે. સાવરકરે કહ્યું છે કે મુસ્લિમ શાસકો સાથે જે સંઘર્ષ રહ્યો એમાંથી હિન્દુ રાષ્ટ્ર પરિભાષિત થાય છે.

મુસલમાનોને તો સાવરકર હંમેશાં બહારના જ માનતા રહ્યા.

સાવરકરે 'હિન્દુત્વઃ હૂ ઇઝ એ હિન્દુ'માં લખ્યું છે કે, "મુસલમાનો અને ઈસાઈઓના આપણા કેટલાક મામલામાં, જેમને જબરજસ્તી બિન(અ)-હિન્દુમાં ધર્માંતરિત કરવામાં આવ્યા, એમની પિતૃભૂમિ પણ આ જ છે અને મોટા ભાગની સંસ્કૃતિ પણ એક જેવી જ છે તોપણ, તેમને હિન્દુ માની શકાય નહીં. જોકે, હિન્દુઓની જેમ જ એમની પિતૃભૂમિ પણ 'હિન્દુસ્થાન' જ છે, પણ પુણ્યભૂમિ નથી. એમની પુણ્યભૂમિ સુદૂર અરબ છે. એમની માન્યતાઓ, એમના ધર્મગુરુ, વિચાર અને નાયક આ માટીની પેદાશ નથી. એમાં પાછાં એમનાં નામ અને દૃષ્ટિકોણ મૂળરૂપે વિદેશી છે, એમનો પ્રેમ વિભાજિત છે."

સાવરકરના આ તર્ક પર ઇતિહાસકાર ઇરફાન હબીબ (બીજા) જણાવે છે કે ભગતસિંહ તો નાસ્તિક હતા અને એમની ક્યાંય કોઈ પુણ્યભૂમિ નહોતી. ઇરફાન હબીબ જણાવે છે કે, "રાષ્ટ્રવાદ અને ધર્મની ઘાલમેલ ન કરી શકાય. ધર્મ બિલકુલ જુદી ચીજ છે. ધર્મથી કોઈનોય રાષ્ટ્રવાદ પ્રભાવિત નથી થતો."

મુસલમાનો માટેનો આ માત્ર સાવરકરનો મત નથી, બલકે બ્રિટિશ શાસનના પ્રશંસક રહેલા સર જદુનાથ સરકારે પણ કંઈક આવું જ કહેલું.

હરબંસ મુખિયા જણાવે છે કે, જદુનાથ સરકારે મુગલકાળમાં જે કંઈ લખ્યું એ હવે બીજેપીના ખાનામાં બરાબર ફિટ બેસી જાય છે.

જદુનાથ સરકારે મદ્રાસમાં 1928માં એક લેક્ચર આપેલું. એ ભાષણ 'ઇન્ડિયા થ્રૂ ધ એજ' શીર્ષકથી છપાયેલું. જેમાં જુદનાથ સરકારે મુસ્લિમ શાસનને વિદેશી અને સાંસ્કૃતિકરૂપે અલગ શાસન કહેલું.

સરકારે પોતાના એ ભાષણમાં કહેલું કે, "ભારત પરની મુસ્લિમોની જીત પહેલાંના હુમલા કરતાં એક બાબતમાં બિલકુલ જુદી હતી. ભારતના લોકો માટે મુસલમાન તદ્દન જુદા હતા અને અહીંના લોકો ક્યારેય તેમને અપનાવી ન શક્યા. હિન્દુ અને મુસલમાન, અને આગળ જતાં, હિન્દુ-ઈસાઈ પણ, એકસાથે રહેતાં છતાં પણ એકબીજામાં ભળી શક્યા નહીં. મુસલમાન આજે પણ પોતાનો ચહેરો મક્કાની દિશામાં રાખીને નમાજ અદા કરે છે."

સરકારે 'ઇન્ડિયા થ્રૂ ધ એજ'માં લખ્યું છે કે 1200થી 1580 સુધી (અકબરના શાસન પહેલાં) મુસ્લિમ શાસક ભારતની ધરતી પર એક સૈન્ય કૅમ્પની જેમ જ રહ્યા.

પ્રોફેસર હરબંસ મુખિયા અને પ્રોફેસર હેરંબ ચતુર્વેદી સર જદુનાથ સરકારની આ વાતને અતાર્કિક કહે છે.

હસબંસ મુખિયા જણાવે છે કે, "બાબર અને હુમાયુ મધ્ય એશિયાથી આવેલા. અકબરનો જન્મ ઉમરકોટમાં એક રજપૂત રાજાના ઘરમાં થયેલો. અકબર હિન્દુસ્તાનમાંથી બહાર ક્યારેય નથી ગયા. અકબર પછી જેટલા મુગલ શાસક થયા એ બધાનો જન્મ હિન્દુસ્તાનમાં જ થયો. એમણે તો હિન્દુસ્તાનની બહાર પગ પણ નથી મૂક્યો."

હેરંબ ચતુર્વેદી જણાવે છે કે ભક્તિ અને સૂફી આંદોલનના કારણે ધર્મોની દીવાલો પડી ભાંગી હતી. મુસલમાન કવિ કૃષ્ણભક્તિની કવિતાઓ લખતા હતા અને રજપૂત ઘરોમાં મુસલમાનોની શાદીઓ થઈ રહી હતી. હેરંબ ચતુર્વેદી જણાવે છે કે આનાથી વધારે હળવું-મળવું-ભળી જવું એ કેવું હોય?

મુસ્લિમ શાસકોએ હિંદુઓ પર અત્યાચાર કરેલો?

મધ્યકાળના મુસ્લિમ શાસકોને ઘણા લોકો આક્રમણખોર કહે છે. ઇતિહાસનાં અધ્યેતા અને જહાંગીર પર 'ઇન્ટિમેટ પોટ્રેટ ઑફ ધ ગ્રેટ મુગલ' પુસ્તકનાં લેખિકા પાર્વતી શર્મા જણાવે છે કે સત્તા માટે એકબીજાં રાજ્યો પર હુમલો કરવો એ કંઈ નવી વાત નહોતી.

પાર્વતી જણાવે છે કે, "મૌર્યોનું શાસન અફઘાનિસ્તાન સુધી હતું. આ રીતે તો તેઓ પણ આક્રમણખોર થયા. સત્તાનો વિસ્તાર અને સત્તા પ્રાપ્ત કરવાની ઇચ્છાને આપણે ચાહે જે રૂપે જોઈએ પણ આ અપેક્ષાનો કોઈ પણ ખાસ ધર્મ પ્રતિ કોઈ સંબંધ નથી."

મુસ્લિમ શાસકો પર જ્યારે અત્યાચારનો આરોપ મુકાય છે તો સૌથી પહેલાં જજિયાવેરાની વાત થાય છે. જજિયાવેરો અકબરે બંધ કરેલો અને ઔરંબઝેબે 1679માં એને ફરી લાગુ કરેલો. આ ટૅક્સ હતો, જે ગેર-મુસ્લિમ પર લાગુ થતો હતો.

ઔરંગઝેબના આ પગલાને એમની ધાર્મિક કટ્ટરતાની સાબિતીરૂપે જોવામાં આવે છે. ઔરંગઝેબનો આ ફેંસલો રાજપૂતો અને મરાઠાને પણ અસ્થિર કરનારો હતો. કેટલાક ઇતિહાસકારો એમ પણ કહે છે કે મુગલ શાસન માટે હિન્દુઓના વધતા જતા વિરોધના કારણે ઔરંગઝેબે જજિયાવેરો દાખલ કરેલો, જે એક રાજનૈતિક પગલું હતું.

ઇતિહાસકાર સતીશ ચંદ્રાએ લખ્યું છે કે જજિયાવેરો ફરીથી લાગુ કરવા પાછળ ત્યારનાં રાજનીતિવિષયક અને આર્થિક પાસાં પણ મહત્ત્વનાં છે. જજિયાવેરો ફરી લાગુ કરવાના પગલા પાછળનાં કારણો માટે ઘણા સમકાલીન ઇતિહાસકારોના પણ મતમતાંતરો છે.

સતીશચંદ્રએ લખ્યું છે કે, "ઔરંગઝેબના શાસનકાળના અધિકારી ઇતિહાસકાર મનાતા મોહમ્મદ સાકી મુસ્તૈદ ખાનના મત અનુસાર, ઇસ્લામિક શાસકોને ફરમાન હતું કે તેઓ ઇસ્લામિક કાનૂનનો પ્રસાર કરે અને કાફિરો(ગેર-મુસલમાન)ની સાથે એ પ્રમાણે જ વર્તાવ કરે. આ નિર્દેશ અંતર્ગત ઔરંગઝેબે દીવાની અધિકારીઓને આદેશ આપેલો કે બીજી એપ્રિલ 1679થી કુરાનનું પાલન કરતાં, કાફિરો પાસેથી જજિયાવેરો વસૂલ કરવામાં આવે."

સતીશચંદ્રએ લખ્યું છે કે, "એ પ્રશ્નનો જવાબ નથી મળતો કે શરિયાનું જ્ઞાન ધરાવતા ઔરંગઝેબે સત્તામાં આવ્યાનાં 22 વર્ષ પછી જજિયાવેરો કેમ નાખ્યો? ભારત આવનારા સમકાલીન યુરોપીય પ્રવાસીઓ અને વેપારી કંપનીઓના એજન્ટોના જજિયાવેરાસંબંધી મત જરા જુદા છે."

સુરતમાં ઇંગ્લિશ ફૅફ્ટરીના પ્રમુખ થૉમસ રોલે 1679માં લખેલું કે, "માત્ર ઔરંગઝેબના ખાલી થયેલા ખજાનાને ભરવા માટે જ જજિયાવેરો લાગુ નહોતો કરાયો, બલકે, ગરીબોને મુસલમાન બનવા મજબૂર કરવા માટે પણ ચાલુ કર્યો હતો."

પરંતુ, સતીશચંદ્ર આ વાત સાથે સંમત નથી થતા કે ઔરંગઝેબે ગરીબ હિન્દુઓને મુસલમાન બનવા મજબૂર કરવા જજિયાવેરો લાગુ કર્યો હોય.

તેઓ જણાવે છે કે, "દેશમાં મોટા ભાગના પ્રદેશો પર 400 વર્ષના મુસ્લિમ શાસન છતાં હિન્દુઓ પોતાના ધર્મમાં શ્રદ્ધાળુ અને અડગ રહ્યા. આ અવધિમાં ઘણા શાસકોએ જજિયાવેરો વસૂલ કર્યો હતો. ઔરંગઝેબને ખબર હશે કે જજિયાવેરો ફરી લાગુ કરવાથી પરિણામ કશું નહીં મળે. મતલબ કે ગરીબ હિન્દુ મુસલમાન નહીં બની જાય."

"દેખીતું છે કે આ વેરાને લીધે ગરીબોને મુશ્કેલી પડી પણ એનો કોઈ પુરાવો નથી કે જજિયાવેરાને લીધે મોટા પ્રમાણમાં ધર્માંતરણ થયું. જો એવું કશું થયું હોત તો મુસ્લિમ શાસકોના દરબારીઓએ આને મોટી જીત રૂપે જોયું હોત અને તેની નોંધ કરી હોત."

સતીશચંદ્ર જણાવવા ઇચ્છે છે કે, "આને અગર આર્થિક દૃષ્ટિકાણથી જોવામાં આવે તો, એ વાત સાચી છે કે ઔરંગઝેબે જ્યારે પોતાના શાસનના 13મા વરસે આર્થિક સમીક્ષા કરી તો માલૂમ પડ્યું કે છેલ્લાં 12 વરસોમાં આવક કરતાં ખર્ચ વધુ થયો છે. એનું પરિણામ એ આવ્યું કે સુલતાનો, બેગમો અને શાહજાદાઓના ખર્ચમાં પણ કાપ મુકાયો. 1676 પછી દક્ષિણમાં સતત યુદ્ધના કારણે સરકારી ખજાના ખાલી થયા હતા. એ ઉપરાંત, પૂર્વોત્તરમાં ફ્રંટિયર વૉરની સાથે, સિસોદિયા અને રાઠોર સાથે પણ અથડામણો ચાલતી હતી. આ લડાઈઓના કારણે ના તો ઔરંગઝેબના સામ્રાજ્યનો વિસ્તાર વધ્યો કે ના તો આર્થિક લાભ થયો."

આ બધાં ઉપરાંત, ઔરંગઝેબના ખજાના પર ઘણા પ્રકારના ઉપકરોમાં આપેલી છૂટને કારણે અસર પડેલી.

કેટલાક લોકો એવો તર્ક પણ રજૂ કરે છે કે ઇસ્લામિક કાનૂન જે ઉપકરો લેવાની મનાઈ ફરમાવે છે એ બધાને ઔરંગઝેબે બંધ કરી દીધા હતા. એમાં આ, શરિયા અનુસાર જજિયાવેરો લગાડવાનો વિકલ્પ પસંદ કરાયો.

ઇતિહાસના અધ્યેતા અને ધાર્મિક રાષ્ટ્રવાદ પર પુસ્તક લખનાર રામ પુનયાની જણાવે છે કે, "આપણે આખા મધ્યકાળને માત્ર ઔરંગઝેબના આયનામાં ન જોઈ શકીએ. જો ઔરંગઝેબ હિન્દુઓ પાસેથી જજિયાવેરો લેતા હતા તો મુસલમાનો પાસેથી જકાત પણ લેતા હતા. જજિયા તો 1.5 ટકા જ હતો. જકાત એથી વધુ ટકા હતી. જજિયા વ્યક્તિગત કર હતો અને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને એમાંથી મુક્તિ હતી. આની પહેલાં અકબરે તો જજિયા નાબૂદ જ કરી દીધો હતો."

ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદ (આઇસીએચઆર) સાથે જોડાયેલી જેએનયુના ઇતિહાસના પ્રોફેસર ઉમેશ અશોક કદમ માને છે કે મધ્યકાળમાં હિન્દુઓ પર મુસ્લિમ શાસકોએ અત્યાચાર કરેલા અને જજિયા એ ભેદભાવભર્યા શાસનનું ઉદાહરણ છે.

ઉમેશ કદમ જણાવે છે કે, "ભારતમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનું આગમન સાંસ્કૃતિક ઝટકો હતો. મધ્યકાળ કેવળ દિલ્લી સલ્તનત અને મુગલોનો ઇતિહાસ જ નથી. 8મી સદીથી 18મી સદી વચ્ચે હિન્દુઓનાં રજવાડાં પણ હતાં અને બહુ સારું શાસન કરતાં હતાં. મુસ્લિમ શાસકોએ ભારતીય ભાષાને બિલકુલ કિનારે કરી દીધી અને બધાં ક્ષેત્રોમાં ફારસી દાખલ કરી દીધી. મુસ્લિમ શાસકોએ ગેર-મુસ્લિમોનાં પૂજાસ્થળોને પણ છોડ્યાં નહીં. હિન્દુ રજવાડાં પર કબજો કરવો એ મુસ્લિમ શાસકો માટે જેહાદ હતો."

જોકે આઝાદ ભારતમાં પણ અંગ્રેજી ભાષાને કેટલાય લોકો આયાતી ભાષા કહે છે અને આ ભાષામાં જ બધું કામકાજ ત્યારે થઈ રહ્યું છે જ્યારે દેશની મોટા ભાગની જનતા એને સમજી નથી શકતી. સત્તાની હંમેશાં એક જ ભાષા રહી છે.

પ્રોફેસર ઉમેશ કદમ જણાવે છે કે, મધ્યકાળમાં મુસ્લિમ શાસકોએ હિન્દુઓને મુસલમાન બનવા માટે મજબૂર કરેલા.

ધર્માંતરણ

શું ખરેખર મુસ્લિમ શાસકોએ હિન્દુઓને જબરદસ્તીથી મુસલમાન બનાવ્યા? આ પ્રશ્નના જવાબમાં પ્રોફેસર હેરંબ ચતુર્વેદી જણાવે છે કે, "ધર્માંતરણ તો થયું છે. એમાં કોઈ શંકા નથી. પરંતુ ધર્માંતરણ સમ્રાટ અશોકના સમયમાં પણ થયેલું. મોટી સંખ્યામાં હિન્દુઓ બૌદ્ધ બની ગયેલા."

"મધ્યકાળમાં પણ ધર્માંતરણ ત્રણ રીતે થયું. એક તો લોકોએ પોતાની જમીન બચાવવા ધર્મ બદલ્યો, બીજી, સૂફીઓના પ્રભાવમાં પોતે મુસલમાન બન્યા અને ત્રીજી, યુદ્ધમાં હારી ગયા પછી પોતાનો જીવ બચાવવા માટે પણ લોકો મુસલમાન બન્યા. ભારતમાં મુસ્લિમ શાસક આવ્યા તો એમની સાથે એમનો ધર્મ પણ આવ્યો અને એમની રાજનીતિમાં ધર્મનો ફેલાવો કરવાની વાત હતી. શાસકનો જે ધર્મ હોય એના પ્રભાવથી ત્યાંની જનતા બચી ન શકે."

પ્રોફેસર ચતુર્વેદી જણાવે છે કે, "બ્રિટિશરાજમાં પણ ખ્રિસ્તી મિશનરીઓનું આગમન થયેલું અને ધર્માંતરણ પણ થયું. જો ઈસાઈઓ પણ અહીંયાં એક હજાર વર્ષ રહેતાં તો ભારતની વસતીમાં એમની સંખ્યા પણ 15 ટકા હોત."

ઇતિહાસકારોનું એક જૂથ ઔરંગઝેબને મુગલકાળના સૌથી ક્રૂર શાસકરૂપે જુએ છે. આર.સી. મજુમદારની ખ્યાતિ રાષ્ટ્રવાદી ઇતિહાસકાર તરીકેની છે. ભારતીય વિદ્યાભવને 'ધ મુગલ એમ્પાયર' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં આખા મુગલકાળ પર જુદા જુદા લેખકોના લેખો છે. એનું સંપાદન આર.સી. મજુમદારે કર્યું છે.

આ પુસ્તકની ભૂમિકામાં આર.સી. મજુમદારે લખ્યું છે કે, "જો અકબરને બાદ કરીએ તો બધા મુગલ કુખ્યાત અને ધર્માંધ હતા. અકબરે હિન્દુઓ સાથે હળવામળવાનું વધાર્યું હતું અને હિન્દુઓ વિરોધી ઘણી વસ્તુઓને નાબૂદ-ખતમ કરી દીધી હતી. હિન્દુઓ પર ઇસ્લામિક કાનૂન લાદી દેવાયો હતો. મુસલમાનોની તુલનામાં એમનો સામાજિક અને રાજકીય દરજ્જો પણ ઓછો હતો. હિન્દુઓની સાથેનું અન્યાયી વલણ મુગલોએ દિલ્લી સલ્તનતની જેમ જ જાળવી રાખ્યું હતું. પરંતુ ઔરંગઝેબના સમયમાં એ અમર્યાદ વધી ગયું હતું. ઔરંગઝેબે તો જાણીબૂઝીને હિન્દુ મંદિરો અને મૂર્તિઓને નષ્ટ કરાવ્યાં. આ પ્રમાણેની સચ્ચાઈ આપણા કેટલાક નેતાઓને ઠીક નથી લાગતી પણ ઇતિહાસનું એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ કે તે સાચું જ કહેશે, ચાહે એ પ્રિય હોય કે અપ્રિય."

આર.સી. મજુમદારે લખ્યું છે કે, "એક ઇતિહાસ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની છત્રછાયામાં લખાયો, જે માનવા તૈયાર નથી કે મુસ્લિમ શાસકોએ મંદિરો તોડ્યાં હતાં. આ ઇતિહાસમાં એમ દર્શાવવાનો પ્રયાસ થયો છે કે ધાર્મિકરૂપે મુસ્લિમ શાસકો ઘણા સહિષ્ણુ હતા. કેટલાક તો જદુનાથ સરકારે ઔરંગઝેબ પર કરેલા સંશોધનને નકારે છે અને ઔરંગઝેબનો જ બચાવ કરવા લાગે છે. દિલચસ્પ તો એ છે કે સંશોધિત એન્સાઇક્લોપીડિયા ઑફ ઇસ્લામમાં ઔરંગઝેબ પર ફરી એક વાર સર વિલિયમ ઇરવિને લેખ લખ્યો અને કહ્યું કે ઔરંગઝેબ પરનો મંદિર તોડવાનો આરોપ વિવાદિત છે."

ન્યૂ જર્સી-સ્થિત રકર્સ યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાઈ ઇતિહાસનાં પ્રોફેસર ઑડ્રી ટ્રુશ્કેએ 'ઔરંગઝેબઃ ધ મૅન ઍન્ડ ધ મિથ' નામનું પુસ્તક લખ્યું છે. તેઓ એમ કહે છે કે ઔરંગઝેબમાં કેટલીક બહુ ખાસ વસ્તુ હતી પરંતુ લોકો ઘણી વાર ઉત્સાહમાં એમને કાળા કે સફેદ રંગમાં રંગી નાખે છે અને તે વસ્તુઓ કિનારી પર રહી જાય છે.

ટ્રુશ્કે જણાવે છે કે, "આપણે હજી 21મી સદીમાં છીએ. દેખીતું છે કે ઇતિહાસને આપણે વર્તમાનના હિસાબે જોઈ રહ્યા છીએ, જે બરાબર નથી. વર્તમાનના સંદર્ભો સાથે આપણે જ્યારે ઇતિહાસને જોઈશું તો આપણે ખોટાં આકલનો કરી બેસીશું. ઔરંગઝેબને આજની હિન્દુ-મુસ્લિમ અથડામણોના આયનામાં જોવો યોગ્ય નથી. કેટલાક લોકો તો ઔરંગઝેબનો ફૂટબૉલની જેમ પોતાનાં હિતો માટે ઉપયોગ કરે છે અને આ જ ભારતમાં મુસ્લિમ-વિરોધી વિચારોને ફેલાવામાં મદદ કરે છે."

તેઓ જણાવે છે કે, "વર્તમાન સમયે, ઔરંગઝેબને હિન્દુઓ પ્રતિ નફરત કરનારા ધર્માંધ ઇસ્લામિક શાસકરૂપે જોવામાં આવે છે પણ ઔરંગઝેબના ઐતિહાસિક પાત્રનું આવું ચિત્રણ ખરું સાબિત નથી થતું. ઔરંગઝેબે જે કંઈ પગલાં ભર્યાં, તે આજની તારીખે બીભત્સ મનાય છે. જેમ કે, હિન્દુઓ અને જૈન મંદિરોનો નાશ કરવો, ગેર-મુસલમાન પાસેથી જજિયાવેરો વસૂલવો."

ટ્રુશ્ક માને છે કે, "એની સાથે જ ઔરંગઝેબે ઘણાં હિન્દુ અને જૈન મંદિરોની સુરક્ષા કરી અને મુગલ દરબારમાં હિન્દુઓની સંખ્યા પણ વધારી હતી. જેઓ ઔરંગઝેબને ઇસ્લામિક ધર્માંધરૂપે જુએ છે તેમણે એ પણ જણાવવું જોઈએ કે એમણે હિન્દુ તથા જૈન મંદિરોની રક્ષા કેમ કરેલી. સાંપ્રદાયિક દૃષ્ટિકોણ ઐરંગઝેબની નીતિઓને સમજવામાં મદદ ન કરી શકે. મને લાગે છે કે ઔરંગઝેબ વ્યવહારુ શાસક હતો અને એને સત્તાની ભૂખ હતી અને એ કારણે બધાં કામ કરી રહ્યો હતા; હિન્દુઓ માટેની નફરતને લીધે કામ નહોતો કરતો."

હિન્દી સાહિત્યનો ઇતિહાસ લખનાર આચાર્ય રામચંદ્ર શુક્લ પણ માને છે કે મધ્યકાળમાં હિન્દુઓ ઘણા નિરાશ હતા અને એની જ પ્રતિક્રિયારૂપે ભક્તિઆંદોલન શરૂ થયું હતું.

આચાર્ય શુક્લએ પોતાના પુસ્તક ગોસ્વામી તુલસીદાસમાં લખ્યું છે કે, "દેશમાં મુસ્લિમ સામ્રાજ્ય પૂર્ણપણે પ્રતિષ્ઠિત થઈ ગયા પછી વીરોત્સાહના સમ્યક સંચાર માટે સ્વતંત્ર ક્ષેત્ર બચ્યું નહોતું. દેશનું ધ્યાન પોતાના પુરુષાર્થ અને બળ-પરાક્રમ પરથી ખસીને ભગવાનની ભક્તિ તરફ ગયું. દેશનો આ નિરાશાકાળ હતો, જેમાં ભગવાન સિવાય બીજો કોઈ સહારો દેખાતો નહોતો."

જોકે, હિન્દી સાહિત્યના જાણીતા આલોચક હજારી પ્રસાદ દ્વિવેદી આચાર્ય શુક્લના આ તર્કને ગેરમાન્ય ઠરાવે છે અને જણાવે છે કે જો એમ હતું તો ભક્તિકાળની શરૂઆત દક્ષિણથી નહીં, ઉત્તરમાંથી થવી જોઈતી હતી, કેમ કે, મુસ્લિમ શાસક પહેલાં ઉત્તરમાં આવેલા, જ્યારે આંદોલન દક્ષિણમાંથી શરૂ થયું હતું.

શું મોદી સરકાર ઇતિહાસને 'સુધારવા' માંડી છે?

અલ્હાબાદનું નામ બદલી પ્રયાગરાજ કરી દેવાયું છે. દિલ્લીના ઔરંગઝેબ રોડનું નામ પણ બદલી નખાયું છે. મુગલસરાય સ્ટેશનનું નામ દીનદયાલ ઉપાધ્યાય કરી દેવાયું છે. ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી હૈદરાબાદ શહેરનું નામ બદલવાની વાતો કરે છે, હલ્દીઘાટીની લડાઈમાં રાણા પ્રતાપને વિજેતા ઘોષિત કરી દેવાયા છે.

બીજેપીના નેતાઓ એમ કહે છે કે, આ નામ મુસ્લિમ આક્રમકોએ રાખ્યાં હતાં અને તેને બદલવાની જરૂર છે. ઇતિહાસનાં પુસ્તકો બદલવાની માગણી થઈ રહી છે. એવા આરોપ પણ થઈ રહ્યા છે કે બીજેપી સરકાર ભારતના બહુલતાવાદને નષ્ટ કરવા મથી રહી છે. યોગી આદિત્યનાથ કહી ચૂક્યા છે કે મુગલ ભારતીયોના નાયક ના હોઈ શકે, અને ના તો એમની બનાવેલી ઇમારતો આપણી ધરોહર.

પ્રોફેસર ઉમેશ અશોક કદમ જણાવે છે કે સાચો ઇતિહાસ શોધી લાવવો પડશે.

તેઓ જણાવે છે કે, "મધ્યકાળનો ઇતિહાસ બરાબર નથી લખાયો. મધ્યકાળને માત્ર દિલ્લી સલ્તનત અને મુગલોના શાસનની રીતે જોવાય છે, એ સાચું નથી. મધ્યકાળનો જે કંઈ ઇતિહાસ લખાયો એનો સ્રોત ફારસી અને અરબીમાં લખાયેલું સાહિત્ય છે, જ્યારે ભારતીય ભાષાઓમાં એ વખતે જે કંઈ લખાતું હતું એની ઉપેક્ષા કરવામાં આવી છે. મોદી સરકાર ઇતિહાસને સરખો (સુધારો) કરી રહી છે. જો શહેરો અને રસ્તાનાં નામ બદલાઈ રહ્યાં છે તો એ લોકલાગણી છે અને એક લોકપ્રિય નેતા લોકલાગણીને માટે કામ કરે છે."

પ્રોફેસર ઉમેશ કદમ જણાવે છે કે, "આપણે ગુલામીનાં પ્રતીકોને રદ કરવાં જોઈએ. હું બાળપણથી વિચારતો હતો અને મને એ વાત પરેશાન કરતી હતી કે લાલ કિલ્લા પરથી આઝાદ ભારતનો રાષ્ટ્રધ્વજ શા માટે લહેરાવાય છે. આ મને ક્યારેય યોગ્ય નથી લાગ્યું."

પ્રોફેસર ઉમેશ કદમ ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદના સદસ્ય પણ છે. તેમણે કહ્યું કે, પરિષદ ઇતિહાસ પર કામ કરી રહી છે અને મધ્યકાળના ઇતિહાસને સુધારવાનું કામ ચાલી રહ્યું છે.

લાલ કિલ્લાને મુગલ શાસક શાહજહાંએ બનાવડાવ્યો હતો અને પ્રોફેસર ઉમેશ કદમને લાગે છે કે એ ઇમારત પણ ભારતની ગુલામીનું પ્રતીક છે. પ્રોફેસર ઉમેશ કદમ જણાવે છે કે ભારતીય ઇતિહાસમાં ડાબેરીઓએ તથ્યોની ઉપેક્ષા કરીને લખ્યું છે અને એને સરખું કરવાની જરૂર છે.

પરંતુ શું ઇતિહાસને 'કરેક્ટ' કે પોતાના હિસાબે ખરો કરી શકાય?

જ્યૉર્જ ઑરવેલે પોતાની નવલકથા 1984માં લખ્યું છે કે વર્તમાન જેમના નિયંત્રણમાં છે, અતીત પણ એમના જ નિયંત્રણમાં હોય છે. એનો અર્થ એ થયો કે ભૂતકાળને તમે જેમ ઇચ્છો, તોડી-મચડીને, ઊંધો-સીધો કરી શકો છો. કેમ કે, વર્તમાનમાં તમને એની જરૂર પડે છે.

આવી પ્રવૃત્તિ વિશે જર્મન દાર્શનિક જ્યૉર્જ હેગલે કહ્યું છે કે, "ઇતિહાસમાંથી આપણે આ જ શીખીએ છીએ કે ઇતિહાસમાંથી કશું નથી શીખતા."

મોદી સરકાર મધ્યકાલીન ઇતિહાસથી અસ્વસ્થ કેમ થાય છે? એને બદલવાની વાત શા માટે કરે છે?

પાર્વતી શર્મા જણાવે છે કે, "ઇતિહાસ એ વેર વાળવાનો વિષય નથી પણ શાસકવર્ગ ઇતિહાસની વ્યાખ્યા પોતાના હિસાબે કરે છે, જેથી, બહુસંખ્યકવાદને ખાતરપાણી મળ્યાં કરે. ધ્રુવીકરણની રાજનીતિ કરવી છે તો એ અનિવાર્ય થઈ જાય છે કે એવાં કથાનકો રચવામાં આવે જેમાં અસલી મુદ્દા ઢંકાઈ જાય. આખા મધ્યકાળમાં જોઈએ તો જલિયાંવાલા બાગ જેવો જુલમ ક્યાંય નહીં મળે. પણ ભારતના નેતાઓ અને જનતાના મનમાં અંગ્રેજો પ્રતિ એટલી નફરત નથી જેટલી નફરત મુસલમાનો માટે છે."

પાર્વતી શર્મા કહે છે કે "અંગ્રેજો તો અહીં રોકાયા નહીં એટલે એમના તરફની નફરત આપણી રાજનીતિને કામમાં ન આવે. મુસલમાન અહીં છે અને ધ્રુવીકરણ માટે એમને જ તાક પર રાખી શકાય. બહુસંખ્યકવાદની રાજનીતિને મધ્યકાળમાંથી જ ઈંધણ પૂરું પડાશે, નહીં કે બ્રિટિશકાળમાંથી. એમને લાગે છે કે બાબરી મસ્જિદની જગ્યાએ રામમંદિર બનાવી નાખવાથી ઇતિહાસ સરખો થઈ જશે, તો એ ખોટું છે, ભલે એનાથી એમની રાજનીતિ ચાલતી રહેશે."

(આ અહેવાલ સૌપ્રથમ ઑક્ટોબર 2021માં પ્રકાશિત કરાયો હતો)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો