You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોઢા રાજપૂત : પાકિસ્તાનના કેટલાય હિંદુ રાજપૂતોને ભારત વિઝા કેમ નથી આપી રહ્યું?
- લેેખક, શુમાઇલા ખાન
- પદ, ઇસ્લામાબાદથી, બીબીસી
"હું મજબૂર હતો. જ્યારે અંતિમ વીડિયો મારી સામે આવ્યો ત્યારે હું ખૂબ રડ્યો. બસ માત્ર એક અઠવાડિયાના વિઝા મળી ગયા હોત તો પણ હું જઈને ખાલી મારી માને જોઈ આવત, પણ હું ન જઈ શક્યો"
આ શબ્દો છે પાકિસ્તાનના ઉમરકોટમાં રહેતા ગણપતસિંહ સોઢાના. તેઓ કૅન્સરથી પીડિત પોતાનાં માતાના મૃત્યુ પહેલાંની હાલતનો ઉલ્લેખ કરતાં રડી પડ્યા હતા.
ગણપતસિંહનો મોટા ભાગનો પરિવાર રાજસ્થાનમાં રહે છે. જોકે, તેમને વારસામાં મળેલી જમીન ઉમરકોટમાં છે. તેઓ સોઢા રાજપૂત છે.
પાકિસ્તાનમાં ભારતીય સીમાને અડીને આવેલા ઉમરકોટ, થારપારકર અને સાંઘાર વિસ્તારોમાં સોઢા હિંદુ રાજપૂતોના હજારો પરિવાર રહે છે. આ સમુદાય પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓને લઈને પોતાની જ જનજાતિના અન્ય હિંદુઓ સાથે લગ્ન કરી શક્તા નથી.
એ જ કારણ છે કે ભારતના વિભાજન બાદથી આ સમુદાયના લોકો પોતાનાં બાળકોના લગ્ન માટે ભારતના અન્ય રાજપૂત સમૂહો પાસે જાય છે.
ગણપતે રાજસ્થાનના જોધપુર જિલ્લામાં લગ્ન કર્યાં. જ્યાં તેમનાં પત્ની અને પાંચ બાળકો રહે છે. તમનાં માતા અને એક ભાઈ પણ થોડાં વર્ષો પહેલાં ભારતમાં આવીને વસ્યા હતા.
ગણપત પોતાના પરિવારના એકમાત્ર સભ્ય છે, જેમણે ઉમરકોટમાં પોતાની વડીલોપાર્જિત જમીનની જવાબદારી સંભાળવા માટે પાકિસ્તાન છોડ્યું નથી.
તેઓ છેલ્લે 2017માં પોતાના પરિવારને મળવા ભારત આવ્યા હતા. આ દરમિયાન તેઓ પોતાના દિવંગત ભાઈનાં બાળકો માટે સગપણ શોધી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કામમાં સમય લાગ્યો તો તેમણે જોધપુરમાં 'ફૉરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઑફિસ'થી પોતાના વિઝાની મુદ્દત વધારી દીધી.
બાદમાં પાકિસ્તાન પાછા ફર્યા બાદ જ્યારે તેમણે ફરી વખત વિઝા માટે અરજી કરી તો તે રદ કરી દેવામાં આવી.
ગણપત પ્રમાણે, જાણકારી મેળવવા પર કહેવામાં આવ્યું કે નિયત મુદ્દતથી વધારે સમય સુધી રોકાવાને લીધે તેમનું નામ બ્લૅકલિસ્ટમાં નાખી દેવાયું છે.
ગયા વર્ષે કૅન્સરપીડિત તેમનાં માતાએ માનવીય આધાર પર તેમના પુત્રને વિઝા આપવા માટે ભારતીય અધિકારીઓને અઢળક અપીલો કરી. તેમણે વીડિયો બનાવીને પણ મોકલ્યા. તેમ છતાં કોઈ ફાયદો ન થયો. અંતે તેમનાં માતાનું મૃત્યુ થઈ ગયું અને ગણપત તેમને મળી પણ ન શક્યા.
શક્તિસિંહ સોઢાની મુશ્કેલી
ઉમરકોટના જ રહેવાસી ડૉ. શક્તિસિંહ સોઢા ચાર બહેનોના એકમાત્ર ભાઈ છે. ચારેય બહેનોનાં લગ્ન રાજસ્થાનના અલગઅલગ જિલ્લામાં થયાં છે. જેમને તેઓ અને તેમનાં માતા-પિતા છેલ્લે ચાર વર્ષ પહેલાં મળ્યા હતાં.
તે વખતે તેમને પણ 'ફૉરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઑફિસ' પાસેથી વિઝા ઍક્સટેન્શન મળ્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે ફરી વખત અરજી કરી પણ ભારતીય દૂતાવાસે વિઝા આપવાનો ઇનકાર કરી દીધો. તેના માટે કારણ દર્શાવવામાં આવ્યું કે તેઓ ગઈ વખતે નિયત સમય કરતાં વધુ સમય ભારતમાં રહ્યા હતા.
તેઓ કહે છે,"ભારતીય દૂતાવાસે ઘણા લોકોને બ્લૅકલિસ્ટ કર્યા છે. તેની પાછળ મુદ્દત કરતાં વધારે સમય રહેવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. એ જ લોકોએ અમને છ મહિના માટે ઍક્સટૅન્શન આપ્યું હતું. કોઈ વગર વિઝાએ તો નહીં જ રોકાયું હોય ને? "
શક્તિનાં માતા પણ લગ્ન બાદ ભારતથી પાકિસ્તાન આવ્યાં હતાં. તેઓ શક્તિનાં લગ્નને લઈને ઘણાં ચિંતાતુર લાગતાં હતાં. તેમનું કહેવું હતું કે જો વિઝા મળવાને વાર લાગશે તો શક્તિ માટે વહુ નહીં મળે.
જોકે, શક્તિને માતાની આ ચિંતા કરતાં વધારે ચાર બહેનોની યાદ વધારે સતાવે છે. તેઓ બહેનો સાથેના બાળપણના કિસ્સા સંભળાવે છે.
શક્તિએ ભાવુક થઈને કહે છે, "જુઓ, ઘણી સીમાઓ ખુલી રહી છે. કરતારપુર છે, લાહોર છે. જે કરતારપુર ફરવા આવે છે તે ધાર્મિક શ્રદ્ધાથી આવે છે. અમારો તો ત્યાં લોહીનો સંબંધ છે. અમને તો સરળતાથી વિઝા મળવા જોઈએ."
સોઢા રાજપૂતોને બ્લૅકલિસ્ટ કેમ કરવામાં આવી રહ્યા છે?
સોઢા હિંદુ રાજપૂતોનું કહેવું છે કે ભારતના કોઈ ખાસ શહેર માટે 30થી 40 દિવસના વિઝા તેમના માટે પૂરતા નથી. કારણ કે તેમને લગ્ન માટે વર-વધૂ શોધવામાં વધારે સમય લાગે છે.
આ જ કારણ છે કે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ એસ. કે. સિંહે 2007માં સોઢા રાજપૂતોના વિઝાની મુદ્દત વધારવાની મંજૂરી આપી હતી. દસ વર્ષ સુધી એટલે કે 2017 સુધી આ વધારો દિલ્હીની જગ્યાએ 'ફૉરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઑફિસ' ખાતેથી મેળવી શકાતો હતો.
ગણપતસિંહ અને શક્તિસિંહ એ લોકોમાં સામેલ છે, જેમણે વિઝાની મુદ્દત પૂરી થવાના થોડા સમય પહેલાં જ ઍક્સટેન્શન માગ્યું હતું
ભારતમાં ભાજપ સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન 2017માં પાકિસ્તાની સોઢા રાજપૂતો માટેની આ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી.
ઉમરકોટમાં પાકિસ્તાની સોઢા રાજપૂતોના રાજા રાણા હમીરસિંહ પ્રમાણે, અત્યાર સુધી લગભગ 900 પાકિસ્તાની સોઢા પરિવારોને બ્લૅકલિસ્ટ કરાયા છે. રાણા હમીરસિંહનો ખુદનો પરિવાર ભારત અને પાકિસ્તાનમાં વહેંચાયેલો છે.
તેઓ જણાવે છે, "થયું એમ કે ભાજપની સરકાર આવતાં જ આ જિલ્લા (રાજસ્થાનના જયપુર, જોધપુર, જેસલમેર જેવા સીમાડાના વિસ્તારો)માં જવાની અનુમતિ આપવામાં આવી."
તેઓ કહે છે, "એ લોકોના દિલ્હીમાં વિઝા ન વધારવામાં આવ્યા અને આ રાજ્યોમાં વિઝા આપવામાં આવ્યા. ગૃહમંત્રાલયને આ ખબર પડતાં તેમણે પ્રતિબંધ લગાવી દીધો અને તમામ લોકોને બ્લૅકલિસ્ટ કરી દીધા."
'વિઝા રોકવા માનવીય સમસ્યા છે'
'પાકિસ્તાન ઇન્ડિયા પીપલ્સ ફૉરમ ફૉર પીસ ઍન્ડ ડેમૉક્રસી'ના અનીસ હારુન પ્રમાણે, સામાન્ય સોઢા રાજપૂતો માટે ભારતીય વિઝા રોકવા એક માનવીય સમસ્યા છે. જેના પર તરત ધ્યાન આપવાની જરૂર છે.
તેઓ કહે છે, "ખરેખરની લડાઈ સરકારો વચ્ચે છે, લોકો વચ્ચે નથી અને મને લાગે છે કે સંયુક્ત રાષ્ટ્રે આ મુદ્દામાં હસ્તક્ષેપ કરવો જોઈએ. કારણ કે આ એક માનવીય મુદ્દો છે."
તેમના અનુસાર, "તમે આ પ્રતિબંધો લગાવી ન શકો. તમે એક એવી સંસ્થા બની શકો છો, જે સામાન્ય પૂછપરછ કરી લે. એવી વ્યવસ્થા કરી શકાય છે અને ત્યાર બાદ તેમને અવરજવરની મંજૂરી આપી શકાય. મને નથી લાગતું કે તેનાંથી કોઈને ફરક પડશે."
પાકિસ્તાનમાં રહેનારા સેંકડો સોઢા રાજપૂત પરિવાર વારંવાર ઇનકાર કરાતો હોવા છતાં ભારતીય ઉચ્ચાયોગનો એ આશાએ સંપર્ક કરતા રહે છે કે ક્યારેક તો તેમની વાત સાંભળી લેવાશે.
બીબીસીએ આ મામલે ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગ અને દિલ્હીમાં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો, પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી નહોતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો