પાકિસ્તાનમાં હિંદુ યુવતીની હત્યા, 'અપહરણ ન કરી શક્યા તો ગોળી મારી દીધી'

    • લેેખક, મહમદ ઝુબેર ખાન
    • પદ, બીબીસી ઉર્દૂ માટે

પાકિસ્તાનના સિંધ પ્રાંતના સક્કર જિલ્લામાં 18 વર્ષની હિંદુ યુવતી પૂજાની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ સક્કરમાં વિરોધપ્રદર્શનો થયાં છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

પૂજાકુમારીના નજીકના સંબંધી અજયકુમારે બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે "આ ઘટના પછી, પૂજા પ્રતિકારનું પ્રતીક બની ગઈ છે અને અમારા હૃદયમાં તેના પ્રત્યેનો આદર વધી ગયો છે."

સક્કર પોલીસમથકે નોંધાયેલા કેસ પ્રમાણે, પૂજાકુમારીના પિતા સાહિબ આદિએ આરોપ લગાવ્યો છે કે ત્રણેય આરોપીઓ તેમની પુત્રીનું અપહરણ કરવા માટે તેમના ઘરમાં ઘૂસ્યા હતા, પરંતુ પૂજાએ પ્રતિકાર કર્યો તો તેઓએ પૂજાને મારી નાખી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ આ મામલાની ઉચ્ચ સ્તરે તપાસ કરી રહી છે, તેનાં દરેક પાસાંની સમીક્ષા કરવામાં આવી રહી છે અને બાકીના આરોપીઓની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવશે એવી આશા છે.

સંબંધી અજયકુમારે કહ્યું કે પૂજાની હત્યાનો સ્થાનિક હિંદુઓ ઉપરાંત આ વિસ્તારના મુસ્લિમોએ પણ વિરોધ કર્યો છે અને શોક વ્યક્ત કરવા માટે પૂજાના ઘરે ભેગા થઈ રહ્યા છે.

'પ્રતિકાર કરતા હત્યા' કરી

અજયકુમારનું કહેવું છે કે હત્યારાઓએ એક 'બહાદુર દીકરી'ની હત્યા કરી છે. તેઓ કહે છે કે પૂજા એક એવી છોકરી હતી જેનું ઉદાહરણ આખા વિસ્તાર અને સમાજમાં આપવામાં આવતું હતું.

"પૂજાને વિસ્તારના દરેક લોકો પસંદ કરતા હતા. તે બધાનું ધ્યાન રાખતી હતી, બધા તેનાં વખાણ કરતાં હતાં. તે કેવી રીતે તેના પિતાનો સહારો બની હતી તેનાં ઉદાહરણો આપવામાં આવતાં હતાં. તે બાળપણથી જ થોડી અલગ હતી. તે સામાન્ય બાળકો જેવી નહોતી, બલકે ખૂબ બહાદુર અને હિંમતવાન હતી."

અજયકુમાર કહે છે કે આ કેસનો આરોપી પૂજાકુમારીનો પાડોશી છે જે શક્તિશાળી અને પૈસાદાર છે, જ્યારે પૂજા અને તેના પિતા સાહિબ આદીનો પરિવાર નબળો અને ગરીબ છે.

તેમણે કહ્યું કે આરોપી લાંબા સમયથી પૂજાકુમારીની પાછળ પડ્યો હતો અને તેને સતત હેરાન કરતો હતો. તેમણે કહ્યું કે કથિત હત્યારાએ પહેલાં પણ ભીડભર્યા બજારમાં પૂજા સાથે ગેરવતન કર્યું હતું. ત્યારબાદ પોલીસ કેસ દાખલ કર્યો હતો, પરંતુ પોલીસ કાર્યવાહી છતાં તે વ્યક્તિને જામીન મળી ગયા હતા.

અજયકુમારનું કહેવું છે કે ઘટનાના દિવસે જ્યારે પૂજાના પિતા ઘરની બહાર ગયા હતા ત્યારે આરોપી તેના અન્ય બે સાથીઓ સાથે ઘરે પહોંચ્યો હતો અને પૂજાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

"પરંતુ પૂજા ખૂબ બહાદુર હતી. તેણે પ્રતિકાર કર્યો. સામે ત્રણ હતા અને પૂજા એકલી હતી. તે સમયે પૂજા સિલાઈ કરી રહી હતી. તેની પાસે કાતર હતી. પૂજાએ તે કાતરનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો અને જ્યારે પૂજા કોઈ રીતે કાબૂમાં ન આવી તો આરોપીએ પિસ્તોલ વડે ગોળી મારીને પૂજાની હત્યા કરી નાખી."

'દીકરી નહીં દીકરો હતો'

પૂજાકુમારીના પિતાએ બીબીસીને જણાવ્યું કે તેમને છ દીકરીઓ છે, દીકરો નથી. "હું પૂજાને ભણાવી શકું એવી સ્થિતિ જીવનમાં ક્યારેય ન આવી. ઘરનો ખર્ચ પૂરો કરું કે પૂજાની સ્કૂલનું ધ્યાન રાખું. તેથી તે હંમેશાં ઘરમાં જ રહેતી."

તેમણે કહ્યું કે પૂજા તેની મોટી દીકરી હતી જે ઉંમરમાં નાની હોવા છતાં તેમને મદદ કરવા માગતી હતી.

સાહિબ આદિએ તેમની પુત્રીને યાદ કરતાં કહ્યું કે પૂજાએ ક્યારેય કપડાં વગેરેનો આગ્રહ કર્યો નહોતો અને ક્યારેય કંઈ પણ માગ્યું નહોતું.

"જ્યારે તે થોડી મોટી થઈ ત્યારે મને કહેતી કે હું તમારો દીકરો છું. હું તમારી સાથે કામ કરવા આવીશ. તેને હું મજૂરી કરવા માટે તો સ્વાભાવિક ન લઈ જઈ શકું. પણ તેને સીવણ અને ભરતકામનો શોખ હતો. તેથી મેં તેને ઘરની નજીક સીવણ-ભરતકામનો કોર્સ કરાવી આપ્યો હતો."

સાહિબ આદિ જણાવે છે કે પૂજાએ સીવણ-ભરતકામનો કોર્સ પૂરો કર્યા પછી પાડોશીઓ માટે સીવણ-ભરતકામ કરવાનું શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું, "તેનું કામ એટલું ચોખ્ખું હતું કે કોઈ એમની પાસે એક વાર કામ કરાવતું, પછી પૂજા પાસે જ કામ કરાવતું હતું. આવી રીતે તેનું કામ ચાલવા માંડ્યું. તે પોતે ભણી શકી નહોતી, પણ તેણે તેની નાની બહેનોને શાળામાં દાખલ કરાવી દીધી હતી."

તેમણે કહ્યું કે કામ શરૂ કર્યા બાદ પૂજા તેમનો સહારો બની ગઈ હતી. "તે કહેતી હતી કે મારી બહેનોનો કોઈ ભાઈ નથી તો શું થયું, હું તેમનો ભાઈ છું. તમારો કોઈ દીકરો નથી તો શું થયું, હું તમારો દીકરો છું."

પૂજાના પિતાનું કહેવું છે કે તેઓ ઘરે ન હોય તો પણ તેમને ક્યારેય ચિંતા નહોતી થતી, કારણ કે તેમને ખાતરી હતી કે પૂજા ઘરનું બધું સંભાળી લેશે.

"હું વૃદ્ધ થઈ ગયો છું, પણ પૂજાની મહેનતે મારામાં જોમ ભરી દીધું હતું. પણ હવે લાગે છે કે હું ફરી વૃદ્ધ થઈ ગયો છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો