You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન : સેક્સવર્કર બનવા મજબૂર મહિલાની કહાણી, 'શરમ આવે છે પણ શું કરું? વિકલ્પ નથી'
- લેેખક, આમિર નાતેગ
- પદ, બીબીસી ન્યૂઝ
"હું જે કરું છું એની મને શરમ છે પરંતુ મારી પાસે વિકલ્પ શો છે?" આ સવાલ છે તેહરાનની ત્યક્તા નિદાના.દિવસે તે હૅરડ્રેસર તરીકે કામ કરે છે પરંતુ પોતાની આજીવિકા ચલાવવા માટે નિદા રાતના અંધારામાં સેક્સવર્કર બની જાય છે.
નિદાએ જણાવ્યું કે, "હું એવા દેશમાં રહું છું જ્યાં મહિલાઓને આદરથી નથી જોવાતી, અર્થવ્યવસ્થા ડામાડોળ છે, રાજિંદી જરૂરિયાતોના ભાવ દરરોજ વધી રહ્યા છે. મારે એક બાળક પણ છે. દીકરાની સારસંભાળની જવાબદારી મારા પર છે, સેક્સવર્કથી સારા પૈસા મળી જાય છે."
"હવે હું ડાઉનટાઉનમાં એક નાનું ઘર ખરીદવાનું વિચારું છું. આ મારા જીવનની દુઃખદ સચ્ચાઈ છે. હું દરરોજ મારા આત્માનો સોદો કરું છું."
2012માં ઈરાને દેશમાંની દેહવિક્રયની સમસ્યાને કાબૂ કરવા માટે એક રાષ્ટ્રીય કાર્યક્રમની ઘોષણા કરી હતી. પરંતુ બિનસરકારી સંગઠનો અને સ્વતંત્ર શોધકર્તાઓ અનુસાર આ ઘોષણા થયા પછીથી દેશમાં સેક્સ ઇન્ડસ્ટ્રી સતત વધતી ગઈ છે.
ઈરાનનું પરંપરાગત ધાર્મિક સત્તા પ્રતિષ્ઠાન ઘણા સમયથી દેશમાં સેક્સવર્કરોની હાજરીને માનવાનો સત્તાવાર રીતે ઇનકાર કરતું રહ્યું હતું.
પશ્ચિમી દેશોનું કાવતરું
ઈરાનના અધિકારીઓ અનુસાર, દેહવિક્રય એ દેશના યુવાઓનું ધ્યાન ભટકાવવા માટેનું પશ્ચિમનું કાવતરું હતું, એમાં સામેલ થવાનો મહિલાઓ પર આક્ષેપ કરવામાં આવ્યો.
બિનસત્તાવાર આંકડા અનુસાર, ઈરાનમાં નાની ઉંમરની મહિલાઓ સેક્સવર્કમાં જોડાયેલી છે. જુદાં-જુદાં બિનસરકારી સંગઠનો અનુસાર, 2016માં ઈરાનમાં 12 વર્ષની છોકરીઓ સેક્સવર્કમાં સામેલ હતી.
ઈરાનમાં ડ્રગ્સ સેવન કરનારી મહિલાઓની સારવાર કરનારા એક બિનસરકારી સંગઠન આફતાબ સોસાયટીએ 2019માં અંક અંદાજ પ્રકટ કર્યો હતો કે તેહરાનમાં 10 હજાર સેક્સવર્કર સક્રિય છે, એમાં 35 ટકા મહિલાઓ પરિણીત હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેહરાન યુનિવર્સિટીમાં સોશિયલ વેલ્ફેરના પ્રોફેસર આમિર મહમૂદ હારિકીનું અનુમાન છે કે તેહરાનમાં એનાથી બે ગણી સંખ્યામાં મહિલા સેક્સવર્કર હશે.
ઈરાનમાં મહિલાઓ માટે કામ કરવાની તક ઓછી હોવાના લીધે અને લૈંગિક ભેદભાવ હોવાના કારણે ઘણી મહિલાઓ ગરીબીરેખા નીચે જીવન જીવવા માટે મજબૂર છે. આવી મહિલાઓ પોતાના ભરણપોષણ માટે સેક્સવર્ક કરવા મજબૂર છે. જોકે, આ વ્યવસાય સાથે સંકળાયેલાં તમામ જોખમો પણ છે.
તેહરાન યુનિવર્સિટીની વિદ્યાર્થિની અને પાર્ટ ટાઇમ સેક્સવર્ક કરનારી મેહનાઝે જણાવ્યું કે, "પુરુષો જાણે છે કે ઈરાનમાં દેહવિક્રય ગેરકાયદે છે, એમાં સંકળાયેલી મહિલાઓ માટે કડક દંડની જોગવાઈ છે. એનો, પુરુષો પોતાના લાભ માટે ઉપયોગ કરે છે."
મેહનાઝે જણાવ્યા અનુસાર, "એવું મારી સાથે પણ ઘણી વખત થયું છે, જ્યારે સેક્સ કર્યા પછી પણ લોકોએ પૈસા ના આપ્યા અને (હું) અધિકારીઓને એની ફરિયાદ પણ નહોતી કરી શકતી."
મેહનાઝના કહ્યા અનુસાર, તેહરાનમાં રહેવું ખૂબ ખર્ચાળ થતું જાય છે અને બીજું કોઈ પણ કામ કરીને એ આ શહેરમાં પોતાના જીવનનિર્વાહના ખર્ચને પહોંચી વળે એમ નથી.
'આનંદ માટે લગ્ન'
ઈરાનની 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદ નવા શાસન દરમિયાન ઘણી સેક્સવર્કરોને ફાંસી આપી દેવાઈ હતી, ઘણાં વેશ્યાલય બંધ થઈ ગયાં હતાં. એ દરમિયાન સેક્સ માટે મહિલાઓના ઉપયોગને કાયદેસર બનાવવા માટે ઈરાનમાં ઝાવાઝ અલ-મુતા એટલે કે આનંદ માટે લગ્નનું ચલણ ખૂબ વધી ગયું.
આ ચલણ અનુસાર, મહિલાઓ એક નિશ્ચિત સમય માટે નિશ્ચિત રકમના બદલામાં કામચલાઉ ધારણે કોઈ પુરુષની પત્ની બને છે.
ઈરાનની શિયા ઇસ્લામી વ્યવસ્થા હેઠળ મુતા વિવાહની મંજૂરી છે અને એને દેહવિક્રય માનવામાં નથી આવતો. આ ચલણ મશહાદ અને ક્યોમ જેવાં ધાર્મિક શહેરોમાં પણ વ્યાપ્ત છે, જ્યાં દુનિયાભરના શિયા સમુદાયના લોકો ધાર્મિક કારણોથી જાય છે.
સોશિયલ મીડિયા પર એવા વીડિયોઝ ઉપલબ્ધ છે જેમાં એવું દેખાય છે કે ઈરાની પુરુષ મશહાદમાં સેક્સની માગ કરી રહ્યા છે, જ્યારે અધિકારી એવું કહી રહ્યા છે કે માત્ર કામચલાઉ લગ્ન કરી શકો છો.
હવે તો ઘણી બધી ઑનલાઇન સર્વિસ છે જે ઈરાનમાં મુતા વિવાહ કરાવી આપે છે. એ સર્વિસ ટેલિગ્રામ અને વ્હૉટ્સ ઍપ પર પણ ઉપલબ્ધ છે અને આવી સર્વિસ આપનારા સમૂહોનો દાવો છે કે એમને સરકારની મંજૂરી મળેલી છે.
એમ તો ઈરાનમાં ખાનપાનની વસ્તુઓના વધેલા ભાવના કારણે પણ દેહવિક્રય વધ્યો છે. ખાનપાનની વસ્તુઓના વધતા જતા ભાવનું એક કારણ ઈરાનના આણ્વિક કાર્યક્રમોના લીધે અમેરિકાએ લાદેલા આર્થિક પ્રતિબંધો છે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં ઈરાનમાં મોંઘવારીનો દર 48.6 ટકા વધી ગયો છે.
ઈરાનમાં બેરાજગારી સતત વધી રહી છે અને જે લોકો નોકરી કરે છે એમને પૂરતું વેતન નથી મળતું.
દેશની હાલની સ્થિતિના પરિપ્રેક્ષ્યમાં 20થી 35 વર્ષના એવા પુરુષોની સંખ્યા વધી છે, જેઓ પૈસાના બદલામાં મહિલાઓ સાથે સેક્સ સંબંધ બાંધવા તૈયાર છે. ઈરાનનાં મુખ્ય શહેરોમાં પુરુષ સેક્સવર્કરોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.
28 વર્ષના કામયાર એવા જ એક યુવાન છે. સુપરમાર્કેટમાં કૅશિયરનું કામ કરતા કામયાર ગયા વર્ષ સુધી માતા-પિતા સાથે રહેતા હતા કેમ કે તેઓ પોતાનો ખર્ચ વેઠી શકવાની સ્થિતિમાં નહોતા. પરંતુ હવે તેઓ સેન્ટ્રલ તેહરાનમાં ભાડાના એક ઍપાર્ટમેન્ટમાં રહે છે અને એમને આશા છે કે એક દિવસ તેઓ વિદેશ જતા રહેશે.
એમણે જણાવ્યું કે, "સોશિયલ મીડિયા દ્વારા મને મારા ગ્રાહક મળે છે. એ મહિલાઓ 30થી 40 વર્ષની છે. એક વાર તો 54 વર્ષની મહિલા પણ મારી ગ્રાહક હતી. એ લોકો મારું સારું ધ્યાન રાખે છે, સારા પૈસા આપે છે અને હંમેશાં રાત્રે પોતાને ત્યાં સુવડાવે છે. માઉથ પબ્લિસિટી દ્વારા મારા ઘણા ગ્રાહક છે."
કામયાર એક એન્જિનિયર છે પરંતુ એમને લાગે છે કે જે ફિલ્ડમાં એમનો લગાવ છે એમાં કશું ભવિષ્ય નથી.
તેમણે જણાવ્યું કે, "હું પહેલેથી જ એન્જિનિયર બનવા માગતો હતો, પરંતુ મારા માટે કોઈ નોકરી નથી. હું એક છોકરીને પ્રેમ કરતો હતો પરંતુ હું એની સાથે લગ્ન ના કરી શક્યો કેમ કે મારી પાસે નોકરી નહોતી."
"હવે હું જે કરું છું, એના માટે મને ગર્વ નથી. પૈસા માટે કોઈ પણ અજાણ્યા સાથે સૂવું, એ મારું સપનું નથી. હું શરમ અનુભવું છું, પરંતુ મારે મારા ખર્ચની વ્યવસ્થા પણ કરવાની છે. હું એક એવા દેશમાં છું જ્યાં ભવિષ્યમાં માત્ર દુઃખ જ છે, જેની હું કલ્પના કરું છું."
(ઓળખ છતી ન થાય તે માટે સેક્સવર્ક સાથે સંકળાયેલા લોકોનાં નામ બદલવામાં આવ્યાં છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો