Women’s Day 2022 : હજારો મહિલાઓના બળાત્કાર છતાં વળતરનું પ્રમાણ 10 ટકાથી ઓછું

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર તાલુકાનાં 21 વર્ષીય યુવતી પર વર્ષ 2020માં દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ યુવતી આંશિક મૂક છે. ફરિયાદી યુવતીનાં માતાનું કહેવું છે કે તેમની યુવતી પર બળાત્કાર થયાની ઘટનાનાં બે વર્ષ બાદ પણ પીડિતોને મળતા નાણાકીય વળતર પેટે એક પણ રૂપિયો મળ્યો નથી.

યુવતીનાં માતાની ફરિયાદ છે કે તેમની અરજી જિલ્લા લીગલ સર્વિસ ઑથૉરિટીની કચેરીમાં ધૂળ ખાઈ રહી છે, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી નથી કરાઈ.

અમરેલીના રાજુલાની 13 વર્ષીય સમજશક્તિના પડકારનો સામનો કરી રહેલી બાળકીનો કિસ્સો પણ કંઈક આવો જ છે.

13 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારાયાના છ માસ બાદ તેમના પરિવારજનોનેઆ વાતની ખબર પડી હતી. અત્યાચારના કારણે માત્ર 13 વર્ષની કુમળી વયે બાળકી માતા બનવાની હતી.

બાળકીના કિસ્સાથી વાકેફ એક સમાજસેવકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "જિલ્લા કાનૂની સેવા સત્તામંડળે આ કેસમાં દોઢ વર્ષ પછી માત્ર એક લાખ રૂપિયા વળતર ચૂકવ્યું હતું. ત્યાં સુધી બાળકીના પરિવારે ખૂબ જ દુ:ખ વેઠીને દિવસો પસાર કરવા પડ્યા હતા."

બીબીસી ગુજરાતીની તપાસ અને માહિતી અધિકારની અરજીઓના જવાબોના વિશ્લેષણ બાદ એવું જાણવા મળ્યું છે કે માત્ર એક-બે જિલ્લામાં જ નહીં. પરંતુ સમગ્ર દેશમાં મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાની બાબતે વળતરનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું છે.

બીબીસી ગુજરાતીએ ત્રણ રાજ્યોમાં સાત માહિતી અધિકારની અરજી કરી હતી. જેના આધારે જુદા જુદા જિલ્લામાંથી 100 કરતાં વધુ પાનાંની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ માહિતીના ગહન વિશ્લેષણ બાદ માલૂમ પડ્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી જેવાં કહેવાતાં વિકસિત રાજ્યોમાં મહિલાઓ પર અત્યાચારના વાર્ષિક ધોરણે હજારો મામલા નોંધાય છે. પરંતુ તેની સામે નાણાકીય વળતર દસ ટકા કરતાં પણ ઓછા મામલામાં ચૂકવવામાં આવે છે.

તેમાં પણ સૌથી વધુ ચોંકાવનારી બાબત તો અમદાવાદ શહેર કાનૂની સેવા સમિતિના જવાબ પરથી સામે આવી હતી. લાખોની વસતિ ધરાવતા આ શહેરમાં મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ કાનૂની સેવા સમિતિને આજ દિન સુધી મહિલાઓ સામે અત્યાચારના ગુનામાં એક પણ મામલામાં વળતર માટેની અરજી નથી મળી.

બીબીસી ગુજરાતીએ આ અંગે કેટલાક વકીલો અને સમાજસેવકો સાથે વાત કરી હતી.

એ પહેલાં જાણીએ કે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ દ્વારા કરાયેલી માહિતી અધિકારની અરજીઓની છણાવટ બાદ વધુ કેવાં પરિણામ જોવા મળ્યાં?

અપરાધના કિસ્સા હજારો પણ વળતર અમુક જ કિસ્સામાં

બીબીસી ગુજરાતીએ દેશનાં ત્રણ'વિકસિત રાજ્યો'ના 35 જિલ્લામાં મહિલાઓ સામે થયેલા અપરાધ બદલ ચૂકવાતા વળતરની ટકાવારી જાણવા માટે માહિતી અધિકારની અરજી કરી હતી.

જેના જવાબમાં સામે આવ્યું છે કે પાછલાં દસ વર્ષમાં મહિલાઓની સામે અપરાધની સંખ્યા હજારોમાં હોવા છતાં આ અપરાધ બાદ મહિલાઓને વળતરનું પ્રમાણ દસ ટકા કરતાં પણ ઓછું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર નેશનલ કમિશન ફૉર વિમૅનને ગત વર્ષે મહિલાઓ વિરુદ્ધ આચરાયેલા ગુના બાબતે લગભગ 31 હજાર ફરિયાદો મળી હતી.

જેમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ તેમજ બીજા અને ત્રીજા ક્રમે અનુક્રમે દિલ્હી અને મહારાષ્ટ્ર હતાં.

જો ગુજરાતની વાત કરીએ તો નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના 2020ના રિપોર્ટના આંકડા અનુસાર માત્ર અમદાવાદ શહેર અને રાજકોટ જિલ્લામાં અનુક્રમે મહિલા સામે અપરાધના અનુક્રમે 1,524 અને 494 કિસ્સા નોંધાયા હતા.

જ્યારે રાજકોટ જિલ્લા કાયદાકીય સેવા ઑથૉરિટી દ્વારા વર્ષ 2020માં મહિલાઓ સામે અપરાધના 60 કિસ્સામાં વળતર ચૂકવવામાં આવ્યું હતું, આ અંગે માહિતી અધિકારની અરજીના જવાબમાં જાણવા મળ્યું છે.

કંઈક આવી જ પરિસ્થિતિ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ જોવા મળી હતી.

મહારાષ્ટ્રમાં કરાયેલી અરજીના જવાબમાં જાણવા મળ્યું હતું કે આજ સુધી મહિલાઓ સામે અપરાધના કિસ્સાઓમાં માત્ર 2,372 અરજીઓ મળી હતી. જે પૈક 709 પર કાર્યવાહી પેન્ડિંગ છે અને 126 રદ કરી દેવાઈ છે.

સમગ્ર મહારાષ્ટ્રમાં માત્ર 2020માં મહિલાઓ વિરુદ્ધ અપરાધના 31,954 મામલા સામે આવ્યા હતા.

દિલ્હીમાં પણ વર્ષ 2020ની માહિતી પ્રમાણે મહિલાઓ વિરુદ્ધ અપરાધના કુલ 10,093 મામલા નોંધાયા હતા. જેની સામે રાજ્ય ન્યાયિક સેવા ઑથૉરિટી દ્વારા માત્ર 950 કિસ્સામાં વળતર ચૂકવવામાં આવેલ છે.

આમ માલૂમ પડે છે કે આપણા દેશમાં મહિલાઓ વિરુદ્ધ થતાં અપરાધના કેસોમાં વળતરની ટકાવારી ખૂબ જ ઓછી અને ઘણી જગ્યાએ દયનીય છે.

આ પરિસ્થિતિ માટે કારણભૂત કેટલાંક પરિબળો વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીએ બિનસરકારી સંસ્થા દિશા (ડેવલપિંગ ઇન્ટરવેન્શન ફૉર સોશિયલ હ્યુમન ઍક્શન) ફૉર વિક્ટિમ અને કાયદાકીય બાબતોના નિષ્ણાતો સાથે વાત કરી હતી.

કેમ વળતરની ટકાવારી દયનીય?

દિશા ફૉર વિક્ટિમ સંસ્થાના ડિરેક્ટર જ્યોતિ ખાંડપસોલે મહિલાઓ વિરુદ્ધ થતાં અપરાધના કિસ્સાઓમાં ગુનાના પીડિતોને મળનાર વળતરનું પ્રમાણ ઓછું હોવાની વાત સાથે સંમત થાય છે.

તેઓ આ માટેનાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, "વળતર ચૂકવવા માટે બનાવાયેલ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથૉરિટીની સમિતિના સભ્યો એવા પૂર્વાગ્રહથી પીડાતા હોય છે કે મોટા ભાગના દુષ્કર્મના કિસ્સામાં આરોપી અને પીડિત વચ્ચે સંમતિથી સંબંધ સ્થાપવામાં આવ્યા હોય છે."

"તેમજ તેઓ એવું પણ માને છે કે આવા મોટા ભાગના કિસ્સાઓમાં ફરિયાદી અને આરોપી વચ્ચે અંતે સમાધાન થઈ જાય છે, તેથી ગુનાનાં સાચાં પીડિતાને પણ મદદ નથી મળી શકતી."

તેઓ આ સિવાયનાં કારણો અંગે જણાવતાં કહે છે કે આપણી ન્યાયપ્રણાલી હજુ પણ ગુનાના આરોપીને કેન્દ્રિત વલણ ધરાવે છે. ગુનાના પીડિતને કેન્દ્રિત વલણના અભાવના કારણે આ દશા છે.

જ્યોતિ આગળ જણાવે છે કે, "ઉપરોક્ત કારણો સિવાય ગુનાના પીડિતને એ વાતની જાણકારી પણ નથી હોતી કે આવું કોઈ સત્તામંડળ તેમને વળતર આપી શકે છે. તેથી ઘણા કિસ્સાઓમાં અરજી નથી થતી."

"પોલીસ અને ન્યાયતંત્રમાં પણ ગુનાના પીડિતો માટે સંવેદનશીલતાનો અભાવ જોવા મળે છે. તેઓ પણ પીડિતને તેમના અધિકારો અંગે જાણ કરતા નથી."

તેઓ એ વાત સાથે પણ સંમત થાય છે કે મહારાષ્ટ્ર, ગુજરાત કે દિલ્હીમાં જ નહીં, પરંતુ આવું જ વલણ દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પીડિતોને વળતરના મામલે જોઈ શકાય છે.

આ સિવાય મહિલા સાથે દુષ્કર્મના અનેક કેસોમાં તેમના વકીલ તરીકે હાજર રહી ચૂકેલા ઍડ્વોકેટ ઇદરીશ પઠાણ મહિલા સામેના અત્યાચારના કિસ્સામાં પીડિતને નહિવત્ કિસ્સાઓમાં વળતર મળતું હોવાની વાત જણાવે છે.

તેઓ આ વલણના કારણ અંગે વાત કરતાં કહે છે કે, "જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની કચેરીમાં કામ કરતાં લોકો પીડિતોને વળતર મળે તે માટે ઉદાસીન વલણ ધરાવે છે. તેથી મોટા ભાગના કિસ્સામાં પીડિત વળતરથી વંચિત રહે છે."

અન્ય એક વકીલ અને સમાજસેવી અરવિંદ ખુમાણ જણાવે છે કે કાનૂની સેવા સત્તામંડળના કર્મચારીઓમાં સંવેદનહીનતાને ગુનાના પીડિતોને વળતર અંગેના ઓછા પ્રમાણ માટે કારણભૂત માને છે.

ધ હિંદુ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર વર્ષ 2019માં જાહેરહિતની એક અરજીમાં કેરળ રાજ્યમાં અપરાધપીડિતો માટે વળતરની સ્કીમ અંગે જાગૃતિ ફેલાવવાની માગ કરાઈ હતી.

તેવી જ રીતે ડેક્કન હેરાલ્ડના એક અહેવાલમાં પશ્ચિમ બંગાળના કાનૂની સેવા સત્તામંડળે નાણાંના અભાવે અરજીઓના નિકાલ ન કરાતા હોવાની વાત સ્વીકારી હતી.

અપરાધના પીડિતો કઈ રીતે અરજી કરી શકે અને શું છે જોગવાઈ?

ધ લીફલેટ ડોટ ઇનના એક અહેવાલ અનુસાર વર્ષ 2008માં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 357 (A) અમલમાં આવી.

જેમાં રાજ્ય પર ગુનાના પીડિતોને વળતર ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી.

જે અંતર્ગત અપરાધના પીડિતો માટે જુદાં-જુદાં રાજ્યોમાં વિક્ટિમ કૉમ્પનસેશન સ્કીમ લાવવામાં આવી.

નેશનલ લીગલ સર્વિસ ઑથૉરિટીની કૉમ્પનસેશન સ્કીમ ફૉર વિમૅન વિક્ટિમ્સ/ સર્વાઇવર્સ ઑફ સેક્સુઅલ અસોલ્ટ/ અધર ક્રાઇમ પ્રમાણે આ સ્કીમ અંતર્ગત કવર કરાયેલ ગુનાઓ બાબતે થયેલ FIRની કૉપી જે-તે પોલીસસ્ટેશનના અધિકારી, એસ.પી. અથવા ડી.સી.પી. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને મોકલે એ ફરજિયાત છે.

આ સિવાય ગુનાના પીડિત, તેમના સ્વજનો કે ગુનો જે પોલીસસ્ટેશનની હદમાં નોંધાયો છે, તેના પોલીસ અધિકારી દ્વારા રાજ્ય કે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સમક્ષ વળતર માટેની અરજી કરી શકાય છે.

તે માટે FIRની કૉપી, કોર્ટ દ્વારા સંજ્ઞાન લેવાયું હોય તો તે અંગેની વિગતો, મેડિકલ રિપોર્ટ, મૃત્યુ પ્રમાણપત્ર, ઇત્યાદીમાંથી લાગુ પડતા દસ્તાવેજો ફૉર્મ 'I' સાથે જમા કરાવવાના હોય છે.

આવી રીતે મળે અરજીનો નિકાલ 60 દિવસની મર્યાદામાં કરવાનું ઠરાવાયું છે. તેમજ અલગ-અલગ અપરાધના પીડિતોને એક લાખ રૂપિયાથી દસ લાખ રૂપિયાની મર્યાદામાં વળતર મળવાપાત્ર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો