શિક્ષકોની ભરતી : ગુજરાત સરકાર પ્રવાસી શિક્ષકોને લઈને 'સરકારી ભરતી બંધ' કરવા માગે છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારા પિતા મજૂરી કરે છે. મને ભણાવીને શિક્ષક બનવવા માગતા હતા. દોઢ લાખ રૂપિયા ખર્ચીને B.Ed. કરાવી ટેટની પરીક્ષા અપાવી, હું સારા ગુણ મેળવી પાસ પણ થયો."

"સરકારી શાળામાં નોકરી માટે ફૉર્મ ભર્યાં, સરકારે ભરતી ના કરી. છેવટે થાકીને મેં ખાનગી કંપનીમાં કમ્પ્યુટર ઑપરેટરનું કામ શરૂ કર્યું. મારા ભાઈ ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવે છે અને બી. એડ. કર્યા વગર મારાથી વધુ કમાય છે."

આ વ્યથા છે પાંચ વર્ષથી શિક્ષક બનવા મથી રહેલા વિરલ પ્રજાપતિની.

ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ જાહેરાત કરાઈ હતી કે ગુજરાત સરકાર દસ હજાર પ્રવાસી શિક્ષકોની 'તાત્કાલિક' ભરતી કરશે.

રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ શનિવારે જણાવ્યું હતું કે, "સરકાર શૈક્ષણિક સ્ટાફની અછતનો સામનો કરી રહેલી સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકની તત્કાલ ભરતી કરશે અને તે માટે રૂપિયા 10.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે."

શનિવારે મંત્રી જિતુ વાઘાણીએ ટ્વિટર પર 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાના શિક્ષણ વિભાગના નિર્ણયની જાહેરાત કરી હતી.

વિરલ પ્રજાપતિ ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડામાંથી આવે છે, એમના પિતા ખેતમજૂરી કરે છે. તેમના પિતાએ આર્થિક મુશ્કેલીઓ વેઠીને પુત્રને સરકારી નોકરી મળે તે સપનાં સાથે ભણાવ્યો.

વિરલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "12મા ધોરણમાં ભણતો હતો ત્યારે એમ લાગતું હતું કે કમ્પ્યુટરનો અભ્યાસ કરીશ તો ભવિષ્ય સારું થશે એટલે મેં બી.સી.એ. કર્યું. હું ભણતો હતો એ સમયે સરકારે 2011માં જાહેરાત કરાઈ કે બી.સી.એ. થયેલા વિદ્યાર્થીઓ બી.એડ. કરશે તો એમને માધ્યમિક સ્કૂલમાં કમ્પ્યુટર શિક્ષકની નોકરી મળશે."

"એટલે એક લાખ રૂપિયા ફી ભરીને હું બી. એડ. થયો. એ પછી ટેટની પરીક્ષા આપવાની હતી. ગાંધીનગર ખાનગી ક્લાસમાં 50 હજાર ભરીને ટેટની પરીક્ષા પાસ કરી."

"2014માં પરીક્ષા આપી શિક્ષક બનવા માટે લાઇન લગાવીને બેઠો હતો, ત્યાં કોઈએ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ કરી અને અમે લટકી પડ્યા."

તેઓ વધુમાં કહે છે, "હાઈકોર્ટમાં કેસ પત્યો એટલે સરકાર દ્વારા 2019માં ફરી ટેટની પરીક્ષા લેવાઈ. સરકારી નોકરી મળવાની આશામાં પાંચ વર્ષ કાઢ્યાં, આ દરમિયાન મારા ભાઈને પણ મેં કહ્યું કે તું પણ ભણ, શિક્ષક બનીશ તો રૂપિયા 30 હજાર જેટલો પગાર મળશે."

"એની પાછળ પણ મારા પિતાએ પૈસા ભેગા કર્યા. હું ભણેલો બેકાર હતો, નાનું મોટું કામ કરીને પિતાને આર્થિક મદદ કરતો હતો."

"આમ છતાં 2019થી કોઈ ભરતી ન થતાં થાકીને મેં ખાનગી કંપનીમાં નોકરી લઈ લીધી. આજે મારો પગાર 14 હજાર છે."

વિરલ પ્રજાપતિની કહાણી એ વાતનો દાખલો છે કે સરકારી શિક્ષક બનવાનાં સપનાં જોતાં ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ માટે આ રસ્તો કેમ કપરો બની જાય છે.

'પહેલેથી અટકેલી ભરતી હજી આગળ ઠેલાઈ જશે'

ગુજરાતમાં સરકારી શાળાઓમાં 15 હજાર શિક્ષકોની ઘટ છે અને ઘણાં વર્ષોથી એ જગ્યાઓ ભરાઈ નથી.

આ વર્ષે શિક્ષકોની ભરતી કરવાની હતી ત્યારે ગુજરાત સરકારના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ નવી જાહેરાત કરી છે કે, "સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે બાળકોનું શિક્ષણ લાંબા સમય સુધી ઑનલાઇન ચાલ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓના ભણતર પર અસર ના પડે એટલે પહેલી માર્ચથી સરકાર દસ હજાર પ્રવાસી શિક્ષકોની ભરતી કરશે, જેમને એક પિરિયડ ભણાવવાના 350 રૂપિયા મળશે અને આ પ્રવાસી શિક્ષકો માટે 10.5 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે."

આ પ્રવાસી શિક્ષકોને યોગ્યતાના ધોરણે નિયુક્ત કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે.

ખાનગી ક્લાસ ચલાવનારા શિક્ષક પ્રફુલ ગઢવીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ જાહેરાત લોકોની આંખમાં ધૂળ નાખવા બરાબર છે, કારણ કે અમારા ક્લાસમાં પીએસઆઈ, કૉન્સ્ટેબલ અને ટેટની પરીક્ષા માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઓ ગામડેથી આવે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ગરીબ ઘરના હોય છે."

તેમનું માનવું છે કે ટેટની પરીક્ષાની તૈયારી કરતા ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા થકી નોકરી મેળવવાનું સપનું મહત્ત્વપૂર્ણ હોય છે.

તેઓ કહે છે કે, "પ્રવાસી શિક્ષકોની ભરતી કરે તો 11 મહિના સુધી નવી ભરતી થાય નહીં, એટલે સરકારી શિક્ષકોની ભરતી એક વર્ષ સુધી અટકી પડે. 2017માં જે લોકો પાસ થયા હતા એમાંથી સરકારે 18,000 વિદ્યાસહાયકોની ભરતી કરવાની હતી એમાંથી માત્ર 3300 લોકોની ભરતી કરી છે."

"બાકીના વિદ્યાર્થીઓ આંખમાં સપનાં લઈ બેકાર ફર્યા કરે છે. હવે આ પ્રવાસી શિક્ષકોની ભરતી થશે એટલે સરકારી ભરતી બંધ થઈ જશે."

"15,000 શિક્ષકોની ભરતી અટકી પડશે અને ફરી ભરતીની પ્રક્રિયા દર વખતની જેમ ત્રણ-ચાર વર્ષ માટે લંબાઈ જશે, ત્યાં સુધીમાં નવા બી.એડ., એમ.એડ. થયેલા વિદ્યાર્થીઓ આવશે એટલે જે લોકો ચોટલી બાંધીને ભણ્યા છે, પૈસા ખર્ચ્યા છે એ શિક્ષકોમાંથી કોઈ નાની મોટી નોકરી લઈ લેશે અને શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ફરી એક વાર અટકી પડશે."

ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં?

બીજી તરફ સ્કૂલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય ઇલિયાસ કુરેશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ જાહેરાતથી સરકાર લોકોની આંખમાં ધૂળ નાખવાની કોશિશ કરી રહી છે."

"આ પ્રવાસી શિક્ષકોની ભરતી માર્ચ મહિનાથી શરૂ થશે અને અને મે મહિનાની શરૂઆતમાં અથવા એપ્રિલના અંતમાં પરીક્ષાઓ આવશે એટલે આ પ્રવાસી શિક્ષકોને બે મહિનાનો જ નોકરીનો લાભ મળશે."

"જો સરકારની નિયત સાફ હોત તો ગયા વર્ષે જૂન મહિનામાં પ્રવાસી શિક્ષકો લીધા હોત તો બાળકો અને પ્રવાસી શિક્ષકોને પણ લાભ મળત."

તેઓ કહે છે, "સરકાર આ પ્રયોગ ગરીબ વિદ્યાર્થીઓ પર કરી રહી છે, કારણ કે પ્રવાસી શિક્ષક સરકારી શાળામાં આવશે, જેમને ખબર છે કે એમને પિરિયડ પર 350 અને મહિને વધુમાં વધુ 10,500 રૂપિયા મળવાના છે તો એ લોકો ભણવવામાં કેટલો રસ લેશે? એટલે ગરીબ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થશે, આ સરકારી શાળામાં ભણતાં ગરીબ બાળકોના ભણતર સાથે ચેડાં થઈ રહ્યાં છે."

તો વિદ્યાર્થીનેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગુજરાત સરકારે 1995થી ગ્રાન્ટ-ઇન-એઇડ નવી શાળાઓ શરૂ નથી કરી, 4500 ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાંથી 1500 શાળાઓ બંધ થઈ ગઈ છે એટલે ગરીબ બાળકોના ભણતર સામે સમસ્યા ઊભી થઈ રહી છે."

"ગરીબ બાળકોને ભણાવવા માટે સરકાર ખુદ કબૂલ કરે છે કે એમની પાસે 10,000 શિક્ષકોની ઘટ છે, ત્યારે સરકારી શિક્ષકની નિમણૂક નહીં કરી એક પિરિયડના 350 રૂપિયા આપશે તો એ મજૂરના મિનિમમ વેતન જેટલી છે."

"એમાં બી. એડ. સુધી અઢળક પૈસા ખર્ચીને ભણીને શિક્ષક બનનારાનું સરકાર ખુદ શોષણ કરે છે. આ દરમિયાન સરકાર નવા પ્રવાસી શિક્ષક લાવીને નવા શિક્ષકને વાસી શિક્ષક બનાવી રહ્યા છે."

કાયમી શિક્ષકો ન હોવાને કારણે બાળકોને નુકસાન થઈ રહ્યું છે એવું નિષ્ણાતો માને છે.

તો જાણીતા શિક્ષણવિદ્ ડૉ. કિરીટ જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "કોરોનાકાળમાં બાળકોના શિક્ષણ પર ઘણી અસર થઈ છે, ત્યારે તાત્કાલિક સરકારી શિક્ષકની ભરતી કરવામાં આવે તો એ પ્રક્રિયા પૂરી થતા શૈક્ષણિક સત્ર પૂરું થઈ જાય અને વિદ્યાર્થીઓને નુકસાન જાય- માટે આ નિર્ણય લેવાયો છે."

તેમનું માનવું છે કે આ નિર્ણય સારો છે પણ પ્રવાસી શિક્ષકોના નામે હંગામી શિક્ષકો રાખવાને બદલે તાત્કાલિક પૂર્ણ સમયના શિક્ષકો નીમવા જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો