You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડમાં ફાંસીની સજા પામનાર ફેનિલનો ભૂતકાળ કેવો હતો?
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી ગુજરાતી
સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યાકેસમાં ગુરુવારે સુરતની કોર્ટે દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી હતી.
નોંધ : આ કહાણીની કેટલીક વિગતો સંવેદનશીલ વાચકને વિચલિત કરી શકે છે.
ગ્રીષ્માના પરિવારજનોએ અશ્રુભીની આંખે કોર્ટના ચુકાદા પરત્વે સંતોષ વ્યક્ત કર્યો હતો.
કોર્ટે પોતાના ચુકાદામાં નોધ્યું હતું કે આરોપીએ આ ગુનો આચરતી વખતે ક્રૂરતાનું અભૂતપૂર્વ હીન પ્રદર્શન કર્યું હતું તેમજ ગુના કે સુનાવણી દરમિયાન આરોપીને નવયુવતીની નિર્મમ હત્યા કર્યાના અપરાધનો કોઈ પસ્તાવો નહોતો.
આ કેસમાં મૃતક ગ્રીષ્માની સાથે તેમનો હત્યારો ફેનિલ ગોયાણી પણ માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
તેથી તેમના ભૂતકાળ અંગે પણ ચર્ચા શરૂ થવા લાગી હતી.
પોલીસ ફરિયાદ પ્રમાણે, 'છેલ્લા એક વર્ષથી આરોપી દ્વારા યુવતીનો પીછો કરવામાં આવતો હતો તથા તેમની સતામણી કરવામાં આવતી. આ અંગે બંને પરિવાર વચ્ચે સમાધાન પણ થયું હતું.'
સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો, જેના કારણે પોલીસતંત્રની સક્રિયતા તથા સ્થાનિક લોકોની સંવેદનશીલતા મુદ્દે પણ સવાલ ઊઠી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરોપીની સામે કારચોરીનો પણ એક કેસ નોંધાયેલો છે. જેના વિશે પોલીસતપાસ ચાલુ છે.
બુધવારે આરોપી ફેનિલની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
શું થયું, કેમ થયું?
કામરેજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, 'કામરેજના ખોલવડની લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતાં ગ્રીષ્મા વેકરિયા અમરોલીની જેજે શાહ કૉલેજમાં બી.કૉમમાં અભ્યાસ કરતાં હતાં. જેને ગારિયાધારની મોટી વાવડી ગામના વતની અને સુરતના કાપોદ્રાની સાગર સોસાયટીમાં રહેતા ફેનિલ પંજક ગોયાણી છેલ્લા એક વર્ષથી વારંવાર પજવતો હતો.'
'યુવતીના પરિવાર દ્વારા ફેનિલના પરિવારને આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હતી. યુવતીના મામા અને યુવતીના પિતાના મિત્રએ ફેનિલને સમજાવ્યા હતા અને આરોપી ફેનિલે પણ યુવતીની સતામણી બંધ કરી દેવાની ખાતરી આપી હતી.'
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, 'પરંતુ વૅલેન્ટાઇન-ડેના બે દિવસ પહેલાં શનિવારે સાંજે ફેનિલ સોસાયટીના ગેટ પાસે દેખાતા યુવતી એ તેમના પિતાના મોટા ભાઈ સુભાષ વેકરિયાને જાણ કરી હતી. સમજાવવા ગયેલા સુભાષભાઈને ઉશ્કેરાયેલા ફેનિલે પેટમાં ચપ્પુ હુલાવી દીધું.'
'યુવતીના 17 વર્ષીય ભાઈ અને ફરિયાદી ધ્રુવ વચ્ચે પડતાં તેમને ફેનિલે જમણા હાથે અને માથાના ભાગે ચપ્પુ મારી દીધું હતું.'
ફરિયાદ પ્રમાણે, 'ભાઈ અને મોટાબાપાને છોડાવવા વચ્ચે પડેલી યુવતી ગળે ફેનિલે ચપ્પુ ધરી દીધું. ફરિયાદી અને તેમના પરિવારજનોએ યુવતીને છોડી દેવા ઘણી આજીજી કરી, પરંતુ ફેનિલે પરિવારજનોની સામે જ ચપ્પુ ચલાવીને યુવતીનું ગળું રહેંસી નાખ્યું.'
ગ્રીષ્મા ભણીગણીને ભારતીય સેનામાં જોડાવા માંગતાં હતાં અને વિકલાંગ માતા-પિતાનો આધાર બનીને દેશની સેવા કરવાં માગતાં હતાં, પરંતુ શનિવારના ઘટનાક્રમે તેના જીવનનો અંત લાવી દીધો હતો.
આ ઘટના પછી સુરત રેન્જના આઈજીપી (ઇન્સ્પેક્ટર જનરલ પોલીસ) રાજકુમાર પાંડિયને જો કોઈ છોકરા દ્વારા છોકરીની છેડતી કરવામાં આવતી હોય તો તેને લાંછનરૂપ ન ગણતાં વહેલાસર પોલીસમાં ફરિયાદ કરવા નાગરિકોને વિનંતી કરી હતી.
'આરોપીએ મૃત્યુની ખાતરી કરી'
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, "આ જઘન્ય ઘટનાને અંજામ આપ્યા બાદ યુવતીને કોઈ બચાવવા આગળ ન આવે તે માટે તરફડી રહેલાં ગ્રીષ્માની ફરતે ફેનિલે આંટા માર્યા હતા."
મીડિયા અહેવાલો પ્રમાણે, ગ્રીષ્માના મૃત્યુ બાદ કથિતરીતે ફેનિલે ઝેરી પદાર્થ લઈને અને પોતાના શરીર પર ચપ્પુ મારીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો."
આના વિશે ડીવાયએસપી બીકે વનારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "આરોપીએ આપઘાતનો પ્રયત્ન નથી કર્યો પરંતુ વાસ્તવમાં યુવતીને ગળે ચપ્પુ માર્યા બાદ તે નીચે પડી ગઈ હતી, પરંતુ તે હજુ જીવતી હતી. તરફડતી હતી. કદાચ આરોપીનો એવો ઇરાદો હતો કે યુવતી મરી જવી જોઈએ. એટલે જ યુવતીને હૉસ્પિટલ ખસેડવા માટે તત્પર લોકોને તેમણે નજીક ન આવવા દીધા."
"તરફડતી યુવતી પાસે બે-ત્રણ મિનિટ ઊભા રહીને આરોપીએ તેના મૃત્યુની ખાતરી કરી. દરમિયાન તેમને તરફડતી યુવતી ઉપર ઊભા રહીને તમાકુ, સોપારી અને ચૂનાનું મિશ્રણ ખાધું હતું. યુવતીના મૃત્યુ બાદ તે એકઠા થયેલા લોકો સામે ચપ્પુ લઈને દોડ્યો હતો. દરમિયાન વધુ મોટું ટોળું થઈ જતાં લોકોને ડરાવવા માટે પોતાના હાથ ઉપર ચપ્પુ ફેરવ્યું હતું."
ડીવાયએસપી બી. કે. વનારના જણાવ્યા પ્રમાણે, મૃતક અને હત્યા કરનાર બન્નેની ઉંમર અંદાજે 20-21 વર્ષ છે.
ફેનિલના પિતા પંકજ ગોયાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કહ્યું હતું, "ફેનિલ અમારો ખોટો સિક્કો છે, જે અમારા કહ્યામાં નથી. ગ્રીષ્માના પરિવારજનોએ ફરિયાદ કરી હતી, ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો."
"ફેનિલે અમને કહ્યું હતું કે તે હવેથી ગ્રીષ્માને હેરાન નહીં કરે, પરંતુ એ પણ પછી તે સુધર્યો ન હતો. કાયદો તેને ફાંસીની સજા આપશે તો પણ અમને મંજૂર છે."
ફેનિલનાં માતા-પિતાના કહેવા પ્રમાણે, તેઓ સારવાર લઈ રહેલા ફેનિલના હાલચાલ પૂછવા હૉસ્પિટલે પણ નથી ગયાં.
બીજી બાજુ, યુવતીના પિતા નંદલાલ અને કાકા મંગળવારે આફ્રિકાથી સુરત પરત ફર્યા હતા. એ પછી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં યુવતીના પરિવારજનો અને સ્નેહીજનો ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.
'કૉલેજમાં અભ્યાસ અધૂરો છૂટી ગયો હતો'
જૂન-2020માં ફેનિલને કૉલેજમાં માત્ર 10 ટકા હાજરીને પગલે કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, એમ ફેનિલની કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પત્રકાર વંદન ભાદાણી કહે છે.
વંદન કહે છે, "હું કૉલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું અને મેં ફેનિલના કેસનો વિગતે અભ્યાસ કર્યો છે. કૉલેજમાં ફેનિલ તથા તેના ગ્રૂપના ત્રાસની ફરિયાદ રહેતી. ફેનિલને કૉલેજમાંથી દૂર કરાયાની, અન્ય વિદ્યાર્થીઓને પણ જાણ નહોતી. કેમ કે તે જવલ્લે જ વર્ગમાં જતો. કથિત રીતે આખો દિવસ કૅમ્પસમાં જ બેસી રહેતો."
ડીવાયએસપી વનાર કહે છે, "મિત્રોનું કહેવું છે કે કૉલેજના પહેલા વર્ષ સુધી ફેનિલે અભ્યાસ કર્યો હતો અને બીજા વર્ષથી ડ્રૉપ લઈ લીધો હતો. કૉલેજમાંથી નિવેદન લેવા માટે પોલીસ ટીમ ગઈ છે. તેને કાઢી મૂકવામાં આવ્યો હતો કે ડ્રૉપ-આઉટ છે, તેની ખરાઈ કરવાની છે."
તેઓ ઉમેરે છે કે ફેનિલ ઍમ્બ્રોઇડરી ક્ષેત્રમાં કામ કરતો હતો અને છેલ્લા 15-17 દિવસથી બેકાર હતો.
'એકતરફી ઉન્માદને કારણે આ પગલું ભર્યું હોય એવું જણાય છે'
સુરત પોલીસે ફેનિલની ઔપચારિક ધરપકડ કરી હતી અને કોર્ટ સમક્ષ રજૂ પણ કરાયો છે.
પોલીસ અનુસાર પ્રથમ દૃષ્ટિએ એકતરફી ઉન્માદને કારણે આ પગલું ભર્યું હોય એવું જણાય છે.
ફેનિલના કથિત અપરાધી ભૂતકાળ અંગે વાત કરતા ડીવાયએસપી વનાર કહે છે, "હા, તેમણે કારની ચોરી કરી હતી તે રેકર્ડ ઉપર છે. આ કૃત્યમાં ચાર કે પાંચ લોકો સામેલ હતા. કારચોરી પાછળનો તેમનો ઇરાદો શું હતો તે વિસ્તૃત તપાસ બાદ જાણી શકાશે."
વધુમાં વંદન ભાદાણી કહે છે, "અમુક લોકો કહે છે કે શનિવારે સાંજે યુવતીની સોસાયટીમાં ફેનિલ આવ્યો, ત્યારે તેમની સાથે ત્રણ-ચાર છોકરા પણ આવ્યા હતા અને તેઓ સોસાયટીમાં અંદર નહોતા પ્રવેશ્યા અને બાદમાં તેઓ ભાગી ગયા હતા. જોકે આ વાતને પોલીસનું સમર્થન નથી."
'એ દિવસે કૉલેજમાં જઈ દીકરી સાથે માથાકૂટ કરી હતી'
મૃતક યુવતીના કાકા અશોક વેકરિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે ગ્રીષ્માનાં માતા-પિતા પર તો જાણે આભ ફાટી પડ્યું છે.
તેમણે કહ્યું, "ગ્રીષ્માના પિતા વાત કરી શકે તેવી સ્થિતિમાં નથી. અમારી પ્રશાસન સમક્ષ એક જ માગ છે કે ગમે તેમ કરીને આ નરાધમને તમે ફાંસી અપાવો. જેથી આપણી દીકરીઓને બચાવી શકાય અને આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને."
ફેનિલને તમે પહેલાં પણ વાર્યો હતો, તેમની ગુનાહિત માનસિકતાથી તમે પરિચિત હતા?
પ્રશ્નના જવાબમાં અશોક વેકરિયા કહે છે, "અમે હજુ હમણાં 48 કલાકનો પ્રવાસ કરીને આફ્રિકાથી આવ્યા છીએ. વધુ વિગતો અમારી પાસે નથી, પરંતુ એટલી માહિતી મળી છે કે કૉલેજમાં દીકરી સાથે માથાકૂટ કરી હતી અને અહીંથી અમારા સંબંધી દીકરીને લેવા ગયા હતા. ઘરે દીકરીને લઈ આવ્યા પછી સાંજે હુમલો કર્યો."
"અમને એટલી માહિતી મળી છે કે તે ચાર-ચાર ચપ્પુ રાખતો. અમારા પુત્રે એક ચપ્પુ હાથમાંથી ઝૂંટવીને ફેંકી દીધું, તો બૅગમાંથી બીજું ચપ્પુ કાઢી લીધું. એ ત્રણ-ચાર ચપ્પુ લઈને આવ્યો હતો એમ કહે છે."
"અમે હજુ વીડિયો જોયા નથી પણ જેમણે જોયા તેઓ કહે છે કે અમારાથી રડી પડાયું ગયું છે."
"તે ખતરનાક માનસિકતા ધરાવતો હતો. બે-ત્રણ વાર ચેતવણી આપવામાં આવી હતી. તેના (ફેનિલના) પિતાએ બાંહેધરી આપી હતી કે તે હવેથી હેરાન નહીં કરે. વચ્ચે બે-ત્રણ મહિના બધું શાંત હતું. પણ ફરી પાછું આ થયું."
"દીકરી(ગ્રીષ્મા)એ તેના પિતાને જાણ નહોતી કરી, પરંતુ માતા, ફોઈ સહિતના ઘરના અન્ય સભ્યોને બધી હકીકતો જણાવી દીધી હતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો