ગ્રીષ્મા હત્યાકાંડની જેમ અમદાવાદમાં પ્રેમીએ જાહેરમાં મહિલાની હત્યા કેમ કરી?

અમદાવાદમાં સુરતના ગ્રીષ્મા હત્યાકેસ જેવી જ એક ઘટના ઘટી છે, જેમાં એકતરફી પ્રેમમાં પ્રેમીએ મહિલાની હત્યા કરી નાખી છે. શહેરના માધુપુરા વિસ્તારમાં જાહેરમાં ચાકુના ઘા મારીને મહિલાની હત્યા કરી દેવાઈ છે.

એસીપી. ડી.એસ. પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે "મહિલાએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતા એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે શાકભાજી ખરીદી રહેલાં મહિલા પર ચાકુના ઘા કરતાં એમનું મૃત્યુ થયું છે."

આ ઘટના પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર બની હતી. ત્યારે એવા પણ સવાલો થઈ રહ્યા છે કે પોલીસસ્ટેશનથી આવી ઘટનાને અંજામ આપવાની આરોપીની હિંમત કેવી રીતે થઈ.

તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બનતી આવી ઘટનાને લઈને ફરી મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલો થઈ રહ્યા છે.

હત્યાનું કારણ શું? પોલીસે કર્યો ખુલાસો

મામલાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ કહ્યું છે કે શખ્સે જાહેરમાં મહિલાને છરીના ઘા માર્યા હતા. જેના પગલે ઘટનાસ્થળે જ આ મહિલાનું મૃત્યુ થયું હતું.

આ મહિલા પરણેલાં હતાં અને તેમનાં બે સંતાન પણ છે. પીડિતા અને આરોપી બંને એક જ વિસ્તારમાં થોડા અંતરે રહેતાં હતાં.

પોલીસનું કહેવું છે કે આરોપીને પોલીસ શોધી રહી છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

હત્યાના કારણ અંગે વાત કરતાં પોલીસ અધિકારી કહે છે કે એકતરફી પ્રેમનો આ મામલો છે, અને એથી જ હત્યા કરવામાં આવી છે.

સુરત જેવો જ હત્યાકાંડ

થોડા દિવસો પહેલાં સુરતમાં સરાજાહેર એક ગ્રીષ્મા નામની યુવતીનું ગળું કાપીને હત્યા કરી દેવાઈ હતી. આ હત્યાકાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા.

આ હત્યાનો વીડિયો વાઇરલ થયો હતો અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ સુધ્ધાં કરવામાં આવી હતી.

ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ફેનિલ ગોયાણી નામના શખ્સ પર તેણીના પરિવારજનોની હાજરીમાં જ જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હતી.

પોલીસ ફરિયાદ પ્રમાણે, 'છેલ્લા એક વર્ષથી આરોપી દ્વારા યુવતીનો પીછો કરવામાં આવતો હતો તથા તેમની સતામણી કરવામાં આવતી. આ અંગે બંને પરિવાર વચ્ચે સમાધાન પણ થયું હતું.'

સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો, જેના કારણે પોલીસતંત્રની સક્રિયતા તથા સ્થાનિક લોકોની સંવેદનશીલતા મુદ્દે પણ સવાલ ઉઠી રહ્યા છે.

આ મામલે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો