You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Valentine's Day : 'પ્રેમ કર્યો તો ગામે બહિષ્કાર કર્યો, અમને ભૂખે મારવાના? મહેસાણાનાં દંપતીની આપવીતી
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
સામાજિક બહિષ્કાર. આ શબ્દ મહેસાણાનાં દંપતી અને તેમના પરિવાર માટે હાલની હકીકત બની ગયો છે.
ઉત્તર ગુજરાતના વિકસિત મહેસાણા જિલ્લાના પુદ ગામનાં મયુરી પટેલ અને વિશ્વાસ સથવારા માટે તેમનો પ્રેમ અને આંતરજ્ઞાતીય લગ્ન કરવાની તેમની હિંમત તેમના અને તેમના પરિવારના સામાજિક બહિષ્કારનું કારણ બન્યાં છે.
આ બંનેનો આરોપ છે કે પુદ ગામમાં ગામલોકોએ તેમનાં પ્રેમલગ્ન વિરુદ્ધ કોઈ પણ સેવા કે વસ્તુ ન પૂરી ન પાડવા નિર્ધાર કરી લીધો છે. જેથી વિશ્વાસ, મયુરી અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધી છે.
યુગલનો આરોપ છે કે તે ગામની દૂધમંડળીમાંથી દૂધ કે ઘી ખરીદી શકતું નથી. શાકભાજીની ખરીદી માટે મહેસાણા શહેર સુધી જવું પડે છે.
આ સિવાય ગામના મંદિરમાં પણ તેમને અને તેમના પરિવારને જવાની મનાઈ ફરમાવી દેવાઈ છે. તેમજ ખેતી માટે પણ પરિવારને પાણી આપવાની પાબંદી છે અને જો કોઈ ગામવાસી આ નિર્ણયના વિરુદ્ધમાં જાય તો એમના પર 25 હજાર રૂપિયા દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલાની વિગત જાણવા માટે બીબીસી ગુજરાતીએ સંબંધિત પક્ષકારો અને સત્તાધીશો સાથે વાતચીત કરી હતી.
એ પહેલાં જાણીએ વિશ્વાસ અને મયુરી કેવી રીતે પ્રેમના કારણે સમગ્ર ગામનાં અળખામણાં સંતાન બની ગયાં?
શું છે સમગ્ર મામલો?
વિશ્વાસ અને મયુરી બીબીસી સાથેની વાતચીતમાં તેમની મુલાકાત કેવી રીતે પ્રેમમાં પરિણમી અને આ સંબંધની જાણ થયા પહેલાં ગામલોકોનું તેમની સાથેનું વર્તન કેવું હતું તેના વિશે જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વાસ કહે છે કે, "હું વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરું છું અને મયુરીએ પણ એમ. એસ. ડબ્લ્યૂ. કર્યું છે. તેથી ગામલોકો અમારાં ભણતરને કારણે અમને ખૂબ માન આપતાં. ભણવામાં હું તેજસ્વી હોવાથી ગામના પટેલોએ મને વૈજ્ઞાનિક બનાવવા માટે તમામ ખર્ચ ઉપાડવાની તૈયાર પણ બતાવી હતી."
તેઓ કહે છે કે, "મયુરીને પણ સમાજસેવામાં રસ હતો. તે ગામલોકોને અવારનવાર મદદરૂપ થતી અને ગામમાં વિકાસ માટેની તમામ અરજીઓમાં મારી સલાહ લેવાતી હતી. પરંતુ અમારાં પ્રેમ અને લગ્ન પછી બધું બદલાઈ ગયું."
મયુરી જણાવે છે, "અમે એકસાથે કૉલેજ જતાં એટલે અમે ક્યારે પ્રેમમાં પડી ગયાં તેની ખબર જ ન પડી. હું પટેલ અને વિશ્વાસ સથવારા. એના કારણે આ મુશ્કેલી સર્જાઈ. લૉકડાઉન લદાયું તે બાદથી અમારું જીવન બદલાઈ ગયું. બહાર મળવાનું બંધ થતાં અમે ગામની આસપાસ મળવાની શરૂ કર્યું, આમાં એક દિવસ આ વાતની બધાને જાણ થઈ ગઈ અને ગામમાં હોબાળો મચી ગયો."
વિશ્વાસ કહે છે કે, "આ પછી અમારા પર ઘણું દબાણ કરાયું પણ અમે ન માન્યાં અને ઘરેથી નાસી છૂટીને લગ્ન કરી લીધાં. અમે નાસી છૂટ્યા બાદ ગામના ઉજળિયાત લોકો મારા પરિવારનાને ધમકાવતા, પરેશાન કરતા. અમે એક મહિના સુધી તો ઘરે પરત ફર્યાં જ નહીં. ત્યાર બાદ લોકોએ કહ્યું કે જો તેમની દીકરી લગ્ન કરવા રાજી હોય તો તેમને કોઈ વાંધો નથી. આવું કહેતા અમે પરત આવ્યાં."
'હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે'
વિશ્વાસ કહે છે કે, "બસ અહીંથી કઠણાઈ શરૂ થઈ. અમે ગામલોકોને ભરોસે પાછા આવ્યાં. અમને એમ હતું કે લોકો મદદ કરશે પણ અમને મારવા માટે લોકોનું ટોળું ભેગું થયું. મારા પરિવાર કે અમારા પર કોઈ હુમલો કરે એ પહેલાં મેં પોલીસને મદદ માટે જાણ કરી દીધી અને મારી પત્નીએ '108 અભયમ્'માં જાણ કરી. પોલીસ આવી એટલે સમાધાન થયું, ગામમાં રહેવાનું હતું એટલે કોઈ ફરિયાદ ના કરી."
તેઓ આગળ કહે છે કે, "થોડો સમય બધું બરોબર ચાલ્યું પણ પછી ગામના લોકોએ રંગ દેખાડવાનું શરૂ કર્યું."
"દિવાળીમાં લગભગ અમારો બહિષ્કાર થયો. અમારા ખેતરમાં બોર નથી એટલે ગામના બીજા ઉજળિયાત લોકોના બોરનાં પાણીથી અમે ખેતી કરતા હતા."
"ગામમાં ફરમાન આપી દેવાયું કે જો કોઈ અમને ખેતી માટે પાણી આપશે તો 25 હજારની સજા થશે. ખેતી માટે પાણી મળવાનું બંધ થઈ ગયું, ગામની ડેરીમાંથી દૂધ અને ઘી મળવાનાં બંધ થઈ ગયાં કારણ કે ગામલોકો અમને કોઈ પણ વસ્તુ આપે તો 25 હજારની સજા થાય. મારે અને મારા કાકા-બાપાના તમામ પરિવારજનોને હિજરત કરવી પડે એવું થઈ ગયું છે."
મયુરી આ અંગે કહે છે કે, "ઘરમાં અનાજ છે એટલે ચાલે, પણ સવારની ચા માટે પણ દૂધ ના મળે એવું કર્યું, ગામમાં બહાર નીકળો તો લોકો મહેણાંટોણાં મારે છે."
"ગામમાં માતાજીના પાટોત્સવમાં બધાને શ્રદ્ધા છે પણ અમને આ મંદિરમાં પ્રવેશવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે. રોજ શાકભાજી લેવા મહેસાણા જવું પડે, આવતાં વર્ષે પણ અમને ખેતી માટે પાણી નહીં મળે."
"અમે પ્રેમ કર્યો એટલે અમારા આખાય પરિવારનો બહિષ્કાર કરી અમને ભૂખે મારવાના?"
તેઓ આ અંગે પોતાની મજબૂરી વિશે વાત કરતાં આગળ જણાવે છે, "ગામના સરપંચને પણ મદદ માટે વાત કરી પણ 25 હજારના દંડના લીધે કોઈ અમને મદદ કરવા તૈયાર નથી, છેવટે અમે રક્ષણ માટે મહેસાણાના કલેક્ટર પાસે ગયા, એમણે અમારી વાત સાંભળી અને મદદની ખાતરી આપી છે."
આ અંગે ગામનાં સરપંચ રમીલાબહેન સથવારાનો સંપર્ક સાધવા પ્રયાસ કરતાં એમના પતિ ચુનીલાલ સથવારાએ સરપંચ રમીલાબહેન નાદુરસ્ત તબિયતના કારણે વાત નહીં કરી શકે તેવું જણાવ્યું અને કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી.
મહેસાણાના કલેક્ટર ઉદિત અગ્રવાલે આ અંગે જણાવ્યું કે, "આ પરિવાર મારી પાસે આવ્યો હતો."
"બંને પુખ્ત છે, લગ્ન કરવાનો અધિકાર છે એટલે મેં એમને રક્ષણ આપવાની ખાતરી આપી છે."
"જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. ગામમાં આ પરિવારનો બહિષ્કાર થાય એ યોગ્ય નથી એટલે બંને કોમ વચ્ચે સમાધાન કરાવવા સામાજિક ન્યાયઅધિકારીઓને ગામ મોકલી કાયદો અને વ્યવસ્થા તથા સામાજિક સૌહાર્દ જળવાય એના આદેશ આપ્યા છે. તે માટે ટીમને પણ રવાના કરી દીધી છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો