એન્ગર એજ : અવિચારી, ઉન્માદયુગનો સામનો કરવા માટે તમે કેટલા સજ્જ?

    • લેેખક, રાજ ગોસ્વામી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે

તમે જો સામાજિક ફિલસૂફી અને ઇતિહાસના ચાહક હો, તો અમેરિકન લેખક દંપતી વિલ ડુરાં અને એરિયલ ડુરાંના તોતિંગ ગ્રંથ 'ધ સ્ટોરી ઑફ સિવિલાઇઝેશન'ની ખબર હશે.

1935થી 1975 સુધીના સમયગાળામાં લખાયેલા પશ્ચિમી અને પૂર્વી સંસ્કૃતિઓના આ ઇતિહાસમાં આ દંપતીએ ધ એજ ઑફ ફેઈથ, ધ એજ ઑફ રીઝન, ધ એજ ઑફ લુઇસ, ધ એજ ઑફ વોલ્તેર, ધ એજ ઑફ નેપોલિયન એવા શીર્ષક હેઠળ 11 ભાગ લખ્યા હતા.

ધારો કે તેમને એ ઇતિહાસમાં વર્તમાન સમયનો સમાવેશ કરવાનો આવે તો તેઓ તેનું નામ શું આપે? ઝાંસી, ઉત્તર પ્રદેશમાં જન્મેલા પંકજ મિશ્રા અંગ્રેજીમાં લખતા લેખકોમાં મોટું નામ છે.

એ લંડન-અમેરિકાના અનેક પત્ર-પત્રિકાઓમાં નિયમિત લખે છે. તેમણે દુનિયાના અલગ અલગ દેશોમાં જોર પકડી રહેલી કોમપરસ્તી, અલગતાવાદ અને અંધ રાષ્ટ્રવાદની હલચલ ઉપર એક પુસ્તક લખ્યું છે, જેનું શીર્ષક છે ધ એજ ઑફ એન્ગર (આક્રોશનો યુગ).

આપણે ટેકનૉલૉજી અને કથિત આર્થિક વિકાસના સમયગાળામાં સમાજમાં જે હિંસા, આક્રમકતા, ક્રોધ, નફરત જોઈ રહ્યા છીએ તે જોતાં, ડુરાં દંપતીએ તેમના આધુનિક ઇતિહાસ માટે પંકજ મિશ્રા પાસેથી એ શીર્ષક ઉધાર લીધું હોત.

એ પુસ્તકમાં પંકજ મિશ્રા લખે છે કે એક તરફ 18 દેશોમાં ઇસ્લામિક સ્ટેટનાં આતંકી સંગઠનો ક્રૂર હુમલાઓ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પશ્ચિમના દેશોમાં 'બાહુબલીઓ'ને સરકારમાં બેસાડવાની લોકોની લાગણી બળવત્તર બની રહી છે. અસુરક્ષાની લાગણીની અસર 'દૂરના અને સલામત' દેશોમાં પણ પડી રહી છે અને ત્યાં પણ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં માનતાં જૂથો મુખ્ય ધારામાં આવી રહ્યાં છે.

સંસારમાં કુલ 195 રાષ્ટ્રો છે. એમાંથી માત્ર 11 રાષ્ટ્રો જ એવાં છે, જ્યાં શાંતિ છે. બાકીનાં રાષ્ટ્રોમાં કોઈક ને કોઈક હિંસા જારી છે.

રિપોર્ટ કહે છે કે 2007 પછી હિંસાનું ચલણ વધતું રહ્યું છે, અને એમાં 10 દેશો, જ્યાં સૌથી ખૂંખાર રક્તપાત ચાલે છે, અને વિશ્વની શાંતિ માટે 'ફ્લેશ પૉઇન્ટ' સાબિત થઈ શકે છે.

વિચાર કરો કે દુનિયાના 184 દેશોની જનતા એમની ધાર્મિક, રાજકીય અને સામાજિક સ્થિતિને લઈને એક પ્રકારના ક્રોધમાં જીવી રહી હોય તો કેવી સ્થિતિ કહેવાય? અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં એમણે જે વાત કરી હતી એ અમેરિકાના 'વિશ્વદર્શન'ની ઝાંખી કરાવે છે.

મુસ્લિમ દેશોના ઇમિગ્રન્ટ્સ ઉપર પ્રતિબંધને લઈને એક ટીવી પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે "આનાથી દુનિયાના મુસ્લિમો ગુસ્સે નહીં થાય?' ત્યારે ટ્રમ્પે કહેલું, 'ગુસ્સો? આટલો બધો ગુસ્સો તો છે. વધારે કેવી રીતે થાય? દુનિયા કીચડમાં છે. વધુ ગુસ્સો થશે એટલે શું? દુનિયા ક્રોધમાં જ છે. ટોટલ ગડબડ છે."

સમાજ હિંસક અને ક્રોધિત થઈ રહ્યો છે. બે કારણો છે: એક, આપણા મગજની ઉત્ક્રાંતિ એવી રીતે થઈ છે કે આપણે ડર અને ખેદની લાગણી સરળતાથી વ્યક્ત કરી શકતા નથી, એટલે એમાંથી છૂટવા માટે કોઈકને બલિનો બકરો બનાવવો અનિવાર્ય બની જાય છે. અને બે, આપણી બાહ્ય દુનિયામાં અન્યાય, અસમાનતા અને અવ્યવસ્થાને કારણે માણસના ડર અને ખેદને પાણી પહોંચ્યું છે.

સોશિયલ મીડિયા અને અસમાનતા

2014માં પ્રસિદ્ધ થયેલા 'ધ ફોર્થ રિવોલ્યુશન' નામના પુસ્તકમાં એક વિધાન હતું કે, "વિકાસના પશ્ચિમના મૉડલ માટે 21મી સદી સડેલી સાબિત થઈ છે. 20મી સદીમાં એક એવી ધારણા મજબૂત થઈ કે દુનિયાનો ઉદ્ધાર પશ્ચિમે લખેલા પ્રિસ્ક્રિપ્શન (ઔદ્યોગિકીકરણ અને લોકતંત્ર) પ્રમાણે નુસખો કરવાથી જ થશે. યુરોપ-અમેરિકાની નેશન-સ્ટેટની થિયરીમાં ભવિષ્યવાણી એવી હતી કે પશ્ચિમનું રાજકીય-સામાજિક-ધાર્મિક મૉડલ ક્રમશ: પૂરા સંસારમાં અપનાવવામાં આવશે અને ઔદ્યોગિક મૂડીવાદમાંથી જન્મેલો મહત્ત્વાકાંક્ષી મધ્યમ વર્ગ જવાબદાર અને સ્થિર સરકારોને ચૂંટશે (જેવું પશ્ચિમમાં થયું હતું.)"

ટૂંકમાં, ખ્યાલ એવો હતો (અને હજુય છે) કે જે લોકો મેકડૉનાલ્ડ્સનાં બર્ગર ખાય એ યુદ્ધો ન કરે.

પંકજ મિશ્રા લખે છે, "19મી સદીના યુરોપમાં ઔદ્યોગિક મૂડીવાદની સાથે જે અભૂતપૂર્વ રાજકીય, આર્થિક અને સામાજિક અવ્યવસ્થા આવી હતી અને જેના કારણે 20મી સદીના પૂર્વાધમાં મહાયુદ્ધો, સર્વસત્તાવાદી સરકારો અને જાતિસંહારો આવ્યાં હતાં, આજે 21મી સદીમાં એ જ અવસ્થા યુરોપની બહારના વ્યાપક પ્રદેશો અને આબાદીને ઘેરી વળી છે."

છેલ્લી અડધી સદીથી દુનિયામાં મૂડીવાદનો એક આત્યંતિક ઢાંચો વ્યવહારમાં આવ્યો છે, જેણે મૂડીવાદના પાયાના એ સિદ્ધાંતોને ગલત સાબિત કર્યા છે કે માણસ એક તાર્કિક પ્રાણી છે અને બજારો તર્કસંગત રીતે વર્તે છે અને એ વિવેક પ્રમાણે કિંમતો નિર્ધારિત થાય છે.

પશ્ચિમનું આર્થિક મૉડલ માણસની અતાર્કિક નિર્ણયશક્તિ સામે નિષ્ફળ ગયું છે અને પૂરી દુનિયામાં વિવિધ રાષ્ટ્રો વચ્ચે, વિવિધ સમાજો-વર્ગો અને સમુદાયો વચ્ચે આર્થિક અસમાનતા વધી રહી છે જેનાથી સામાજિક-ધાર્મિક પાયાઓમાં પણ હલચલ થઈ રહી છે.

આમાંથી માણસના મગજમાં પડેલી ડર અને ખેદવાળી (ગરીબીનો ખેદ અને અન્યાયનો ડર) સર્કિટ સક્રિય થઈ છે. સુખ-સમૃદ્ધિ અને સંતોષ માટે માણસ વિવેકપૂર્ણ વ્યવહાર કરે છે એ ધારણા ન્યૂરોસાયન્સે ગલત સાબિત કરી છે.

દાખલા તરીકે દુ:ખી કે ઉદાસ માણસ સુખના ઉપાય શોધવાને બદલે ક્રોધ કરવાનું પસંદ કરે છે, એ અર્થશાસ્ત્રીઓને ખબર ન હતી. એટલે બર્ગર ખાય એ યુદ્ધ ન કરે એ માન્યતા ગલત થઈ ગઈ.

માનસિકતા અને ટેકનૉલૉજી

માણસની આ જ માનસિકતામાં, ટેકનૉલૉજી અને સોશિયલ મીડિયાએ આગમાં ઘી રેડવાનું કામ કર્યું છે.

ફેસબુકના સ્થાપક પ્રેસિડેન્ટ પૈકીના એક, 40 વર્ષીય શોન પાર્કરે, થોડાં વર્ષ પહેલાં એવો સાહસિક એકરાર કર્યો હતો કે ફેસબુકની રચના લોકોને આપસમાં જોડવા માટેના ઉમદા આશયથી નહીં, પણ તેમને એકબીજાની લાઇક્સ અને કૉમેન્ટ્સની આદત પડી જાય અને તેઓ વારંવાર પ્લૅટફૉર્મ આવતા રહે તેના માટે થઈ હતી.

"અમારો ઇરાદો એ હતો કે લોકોના સમય અને એટેન્શનમાં કેવી રીતે ખલેલ પાડવી," એમ પાર્કરે કહ્યું હતું.

ફેસબુકના ઇજનેરો અને ટેકનિશિયનોએ તેની રચનામાં હ્યુમન સાઇકોલૉજીની કમજોરીનો ફાયદો ઉઠાવ્યો હતો. દરેક માણસો, વધતા ઓછા અંશે, આત્મકામી (narcissistic) અહંકેન્દ્રિત (ego centric) હોય છે, અને દેખાદેખીથી વર્તે છે.

ફેસબુકની લાઇક્સ અને કૉમેન્ટ્સ વ્યક્તિની આ જરૂરિયાતોને સંતોષે છે. આપણે જ્યારે પણ એક લાઇક્સ કે કૉમેન્ટ મેળવીએ છીએ, ત્યારે આપણા મગજમાં ડોપેમાઇન નામનું કેમિકલ રિલીઝ થાય છે, અને આપણને 'સારું' લાગે છે. આપણે બીજાઓને જોઈને પણ વ્યવહારની નકલ કરતા રહીએ છીએ.

આપણી તમામ ભૂખ-તરસ, ડિઝાયર, મહત્ત્વાકાંક્ષા, વ્યસન, જુગાર, એડવેન્ચર અને સેક્સ ડ્રાઇવ પાછળ ડોપેમાઇનની ભૂમિકા હોય છે. ડોપેમાઇન 'આનંદનું કેમિકલ' કહેવાય છે. એક વાર આપણને તેનો પરિચય થઈ જાય, પછી આપણે, જેમ દારૂડિયો દારૂ શોધે તેમ તેની કિક શોધતા હોઈએ છીએ.

સોશિયલ મીડિયાનાં અલગોરિધમ એવી રીતે બનાવાયાં છે કે લોકો તેમાં ચોંટેલા રહે. અમેરિકાની ફૉક્સ ન્યૂઝ ચૅનલે કરાવેલા એક અભ્યાસમાં પણ એ સાબિત થયું હતું કે મોટા ભાગના લોકો 'મજા' આવે છે એટલે સોશિયલ મીડિયા પર હોય છે.

વાસ્તવમાં વ્યસન સોશિયલ મીડિયાનું નહીં, ડોપેમાઇનનું હોય છે. એ જ કારણથી ફેસબુક અને ટ્વિટર પર એ પણ આરોપ છે કે તે ભારત સહિત અનેક દેશોમાં hate speech, એટલે કે નફરતને પ્રોત્સાહન આપે છે. જેટલું એક્સ્ટ્રીમ લખો, એટલી લાઇક્સ અને કૉમેન્ટ્સ વધે. આવો વ્યવહાર જ છેવટે ડિપ્રેશન પણ લાવે.

સોશિયલ મીડિયા આપણને ઍન્ટિ-સોશિયલ બનાવી રહ્યું છે

આની સામાજિક અસરો પણ એટલી જ વ્યાપક છે. એક વર્ષ અગાઉ સુલ્લી બાઈ, અને આ વખતે બુલ્લી બાઈ નામની સોશિયલ મીડિયા એપ મારફતે, દેશની 100 જેટલી નામી-અનામી મુસ્લિમ મહિલાને સાર્વજનિક 'લિલામી' કરવાના, તેમને જાહેરમાં અપમાનિત કરવાના અને ડરાવવાના ષડ્યંત્રમાં, સારા ઘરના ભણેલા-ગણેલા યુવાન છોકરાઓ સામેલ હોય એ હકીકત, ભારતના રાજકારણે કઈ હદ સુધી લોકોના મનમાં ઝેર ભરી દીધું છે તે તો ઉજાગર કરે જ છે.

ઉપરાંત ટેકનૉલૉજી અને સોશિયલ મીડિયા કેટલી સરળતાથી તેજસ્વી અને આશાસ્પદ યુવા માનસને ગંદકીમાં ધકેલી રહ્યું છે તે પણ એટલી ચિંતાનું કારણ છે.

નવી ટેકનૉલૉજીઓ ઇતિહાસના દરેક પડાવ પર ફાયદાની સાથે ગેરફાયદાઓ લાવતી રહી છે, પણ રાજકારણ, ટેકનૉલૉજી અને યુવા માનસની આવી ઝેરી જુગલબંધી જોવા મળશે એ કોઈને કલ્પના પણ નહીં હોય.

એક બીજી એપ 'ટેક ફોગ' વૉટ્સએપ એકાઉન્ટ હેક કરીને અને ફેસબુક-ટ્વીટરના ટ્રેન્ડસ હાઇજેક કરીને ચોક્કસ પ્રકારનો માહોલ પેદા કરી રહ્યું છે.

ભારતના અનેક યુવાનો આમાં જાણે-અજાણે શિકાર બને છે. જે જાણીને શિકાર બને છે તેમના રાજકીય કે આર્થિક સ્વાર્થ છે. વિરાટ કોહલીની નવ મહિનાની દીકરીનો બળાત્કાર કરવાની ધમકી આપનાર એક ઇજનેર યુવાન જેલમાં છે.

દેશની બહુમતી પ્રજાને આ બધાથી ફરક નથી પડતો અને સોશિયલ મીડિયાનો એન્ટિ-સોશિયલ વ્યવહારને આપણે નૉર્મલ ગણતા થઈ ગયા છીએ એ બતાવે છે કે આપણે કેટલી હદ સુધી ટેકનૉલૉજીની તોતિંગ તાકાતના ગુલામ થઈ ગયા છીએ.

20 વર્ષ પહેલાં, આપણે સોશિયલ મીડિયાના નવા રમકડાને વાપરતા થયા હતા, ત્યારે આપણને અંદાજ પણ ન હતો કે એક દિવસ આ ટેકનૉલૉજી આપણી પેઢીને કુસંસ્કારી બનાવી દેશે અને તેમને માનસિક બીમાર કરી દેશે.

એક સમયે ટેલિવિઝન અને વીડિયો ગેમની ટેકનૉલૉજી સમયની બરબાદી અને સંતાનોના અભ્યાસમાં દખલઅંદાજી ગણાતી હતી, પણ સ્માર્ટફોન આવી ગયા પછી હવે ટેલિવિઝન એટલું 'નૉર્મલ' થઈ ગયું છે કે હવે કોઈ એવું નથી કહેતું કે તેને જોવાથી છોકરાં બગડી જાય છે.

છોકરાંને 'બગાડી' મૂકવાનું લાંછન હવે સ્ક્રીનટાઇમ પર આવ્યું છે. સ્ક્રીનટાઇમ એટલે મોબાઇલ, ટેલિવિઝન, કમ્પ્યુટર અને વીડિયો કન્સોલ જેવાં ડિવાઇસ પાછળ ખર્ચાતો સમય.

એક તરફ બદલાતી દુનિયા સાથે કદમ મિલાવતા રહેવાની અનિવાર્યતા અને બીજી તરફ ટેકનૉલૉજીની આપણા મન પર પડતી અસર, બેમાંથી એકની પસંદગી કેવી રીતે થાય?

અમેરિકાના પ્રિવેન્ટિવ મેડિસિન રિપોર્ટ નામની પત્રિકામાં જારી એક અભ્યાસ પ્રમાણે જે કિશોર-કિશોરીઓ દિવસના સાત કે તેથી વધુ કલાક સ્ક્રીન સામે પસાર કરે છે તેમનામાં ડિપ્રેશન અને એન્ગ્ઝાઇટી આવવાની સંભાવના વધી જાય છે. અભ્યાસ પ્રમાણે ચાર કલાકનો સ્ક્રીનટાઇમ 'આદર્શ' છે.

નેટફ્લિક્સ પર આવેલી 'ધ સોશિયલ ડિલેમા' નામની અત્યંત અર્થગંભીર ડૉક્યુમેન્ટરીમાં અગાઉ ગૂગલમાં કામ કરી ચુકેલા અને સિલિકોન વેલીનો ડાહ્યો અવાજ કહેવાતા ટ્રીસ્ટાન હેરીસ કહે છે, "ટેકનૉલૉજીએ આપણા પર મૂઠ મારી છે. સોશિયલ મીડિયા એપ્સ લોકોની અંદરનું સારાપણું અને વિકૃતિ બંને બહાર લાવે છે. એપ્સની પ્રોડક્ટ ફ્રી છે, તેનો અર્થ એ થયો કે તમે જ પ્રોડક્ટ બની ગયા છો અને અલગોરિધમ તમને વાપરી રહ્યું છે. આપણું એટેન્શન એક પ્રોડક્ટ છે અને વિજ્ઞાપનદાતાઓને તે વેચવામાં આવી રહ્યું છે. આપણે કોણ છીએ, શું કરીએ છીએ અને શું વિચારીએ છીએ તેને ટેકનૉલૉજી સતત નિયંત્રિત કરી રહી છે."

ડૉકયુમેન્ટરીની શરૂઆત ગ્રીક નાટ્યકાર સોફોક્લેસના વિધાનથી થાય છે; nothing vast enters the life of mortals without a curse- માનવજીવનમાં કોઈ મોટી ક્રાંતિ આવે ત્યારે સાથે અભિશાપ લઈને આવે છે.

સોશિયલ મીડિયા 21મી સદીની ક્રાંતિ બનીએ આવ્યું હતું, પણ એ સાથે જ એ રાજકારણનું, સામાજિક વિભાજનનું અને એકબીજાને નીચા પાડવાનું હથિયાર પણ બની ગયું છે, જ્યાં દુષ્પ્રચાર, ફેક ન્યૂઝ, ટ્રોલિંગ, હિંસા તેનાં મહત્વનાં પાસાં છે.

દસ વર્ષ પહેલાં આપણે વિચાર્યું પણ ન હતું કે જે સાઇટ્સ ખોવાયેલા દોસ્તોને પાછા મેળવવાનું કામ કરે છે, તેનો જ ઉપયોગ કરીને આપણે દોસ્તોને નફરત કરવાનું શરૂ કરી દઈશું.

સોશિયલ મીડિયા તંદુરસ્તી માટે હાનિકારક છે

પશ્ચિમમાં અનેક અભ્યાસોમાં પુરવાર થયું છે કે સોશિયલ મીડિયા માણસોની અંદરની નકારાત્મકતાને વધુ બહાર લાવે છે.

નકારાત્મક, રોષપૂર્ણ, સનસનાટીવાળી, પીડાદાયક, ફરિયાદવાળી, આરોપોવાળી વાતો (સ્ટેટસ અને કૉમેન્ટ્સ)ને જેટલો ટ્રાફિક મળે છે, તેટલો 'સારી' વાતોને નથી મળતો. લોકો નકારાત્મકતામાં આસાનીથી એંગેજ થઈ શકે છે.

સોશિયલ મીડિયા આ ચાર રીતે નુકસાન કરે છે:

1. તેનું વ્યસન થઈ જાય

સોશિયલ મીડિયા હેબિટ ફોર્મિંગ માધ્યમ છે. ઇજનેરોએ તેને બનાવ્યું છે જ એ રીતે કે વધુને વધુ લોકો સતત તેનો ઉપયોગ કરે. માણસની અંદરની સામાજિક વ્યવહારની માનસિકતાને ઓળખીને સોશિયલ મીડિયાનાં અલગોરિધમ બનાવવામાં આવ્યાં છે. આપણને સોશિયલ મીડિયા પર જે સ્વીકૃતિ મળે છે, તેના આનંદની આદત પડી જાય છે.

2. આત્મવિશ્વાસને ઓછો કરે છે

તમે જ્યારે સોશિયલ મીડિયા પર સતત બીજા લોકોની 'આદર્શ' જિંદગીનો સામનો કરો, ત્યારે તમે, પરોક્ષ કે પ્રત્યક્ષરૂપે, ખુદની સરખામણી કરતા થઈ જાઓ. એમાં બે વસ્તુ થાય; તમે એનું અનુકરણ કરવાની કોશિશ કરો, અથવા એમાં ત્રુટીઓ શોધીને ભાંડવાનું શરૂ કરો. 'જાણીતા' લોકોને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા પાછળ આ સરખામણીનો ભાવ કામ કરે છે. તમે જે ઊંચાઈ પર ના પહોંચી શકો, તો તે ઊંચાઈને ભોંય ભેગી કરવી તમારા મારે અનિવાર્ય બની જાય છે.

3. અહંકારને મજબૂત કરે છે

સોશિયલ મીડિયા વર્ચ્યુઅલ 'ફ્રેન્ડ્સ'ની દુનિયા છે, અને તેનો સઘળો પાવર તમારા હાથમાં, સ્માર્ટફોનમાં, આંગળીને ટેરવે છે. તમે ટોઇલેટમાં બેઠાં-બેઠાં કે બસ-ટ્રેનમાં ધક્કામુક્કી કરતાં-કરતાં કશું પણ લખી શકો છો, અને તેના માટે કોઈ જ ઉત્તરદાયિત્વ હોતું નથી. ફેસ ટુ ફેસ સંપર્કથી વિપરીત, ફેસબુક પર તમે એકલા જ હો છો (અને સામે ન્યૂઝફીડ હોય છે), એટલે તમને બે આંખની શરમ નડતી નથી. પરિણામે તમે ચિક્કાર અહંકાર અને રોષ સાથે લખવા મુક્ત હો છો.

4. વાતનું વતેસર જ થાય

આપણે કોઈને રૂબરૂ મળીને વાત કરીએ, તો એ જે બોલે છે, તેની સાથે આપણને તેના હાવભાવ, અવાજનો ટોન, આંખોના ભાવ પણ તેની વાત સમજવામાં મદદ કરે છે. સોશિયલ મીડિયામાં સામે વ્યક્તિ નથી હોતી, એટલે તમે તેના શબ્દોનું તમારી રીતે અર્થઘટન કરો છો. હું તમને રૂબરૂમાં એમ કહું કે 'તમને નહીં સમજાય,' તો તે વખતે તમને મારા હોઠ પરનું હાસ્ય પણ દેખાશે, અને તમે પણ હસી પડશો. ફેસબુક પર આ જ વાક્યનો અર્થ 'તમારામાં બુદ્ધિ ઓછી છે' એવો થશે. એટલા માટે ફેસબુક પર તમે ગમે તે લખો, ગેરસમજ કરનારા નીકળી જ આવશે, અને નકારાત્મકતામાં ઉમેરો કરશે.

(લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે, બીબીસીના નહીં)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો