You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ 2008 બ્લાસ્ટ : 'દીકરો એકટાણું કરવા ઘરે આવવાનો હતો પણ એનો મૃતદેહ આવ્યો', જુવાન પુત્ર ગુમાવનાર માતાની કહાણી
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
“અમારા ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે મારો દીકરો નોકરીની સાથે-સાથે ઍક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ભણતો પણ ખરો.”
“એ શનિવારનો દિવસ હતો. તેણે મને કહ્યું મમ્મી સાંજે ભાજીપાંઉ બનાવજે, મેં એવું જ કર્યું. પણ અંકિતના સ્થાને એનો મૃતદેહ ઘરે આવ્યો.”
આ છે 18 વર્ષીય નવયુવાન અંકિતનાં માતા દક્ષાબહેનનો આર્તનાદ.
વર્ષ 2008ના જુલાઈ માસમાં જુદી-જુદી જગ્યાએ થયેલ બૉમ્બ ધડાકામાં અમદાવાદ ધણધણી ઊઠ્યું હતું.
26 જુલાઈ 2008નો શનિવારનો એ ગોઝારો દિવસ હતો. સાંજે પોણા સાતની આસપાસ અમદાવાદની 20 જગ્યાએ થયેલા 21 બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકોએ જીવ ગુમાવ્યો અને 199 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં એક આશાસ્પદ યુવાન એવા અંકિત મોદી પણ હતા.
અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટના કેસમાં વિશેષ અદાલતે 49 દોષિતોમાંથી 38ને ફાંસીની સજા જાહેર કરી છે જ્યારે 11ને આજીવન કેદની સજા ફટકારી છે.
આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામનાં ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.
આ કેસના કેટલાક આરોપીઓને સુનાવણી દરમિયાન અમદાવાદની સલામત મનાતી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાંથી તેમણે સુરંગ ખોદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાવતરાનો સમયસર પર્દાફાશ થઈ ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘટનાની પ્રાથમિક વિગતો જાણ્યા પછી પાછા ફરીએ અંકિતની વાત તરફ.
રાયપુરના બાલા હનુમાન ફ્લૅટના એક રૂમરસોડાના ફ્લૅટમાં રહેતા અંકિતના પિતા શૈલેષભાઈ મોદી કાપડબજારમાં ખાનગી પેઢીમાં નોકરી કરતા હતા.
આવક ઓછી હતી. અંકિત મોટા દીકરા અને એમનાં નાનાં બહેન ડિમ્પી.
અંકિત પિતાને મદદ કરવા માટે દસમું ધોરણ પત્યા પછી રાયપુરમાં ખાનગી દુકાનમાં નોકરી કરતા. જેથી સ્કૂલ જવાની સાથોસાથ પિતાને આર્થિક મદદ પણ કરી શકાય.
‘એક ટાણું કરવા આવવાનો હતો અને મૃતદેહ આવ્યો’
એ દિવસે શનિવાર હતો. અંકિત હનુમાનજીના ભક્ત હતા એટલે તેઓ એકટાણું કરતા અને દર્શન કરીને સાંજે જમતા.
દક્ષાબહેન તેમના માટે ભોજન જ રાંધી રહ્યાં હતાં.
દક્ષાબહેન મોદીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "એ દિવસે મેં એના માટે ખાસ રસોઈ બનાવી હતી. રાતના આઠ વાગ્યે એ જમવા આવવાનો હતો અને પોણા સાતે રાયપુર ખાડિયામાં ધડાકા થયા."
"અમને પહેલાં લાગ્યું કે કોઈના ઘરે ગૅસનું સિલિન્ડર ફાટ્યો હશે. અમે બહાર નીકળ્યાં તો ભીડ હતી, લોકોએ અમને મહિલાઓને આગળ જવા ના દીધા, એટલી વારમાં એના પિતા આવ્યા."
"કોઈએ કહ્યું કે અંકિત ઘાયલ થયો છે એને વી.એસ. હૉસ્પિટલમાં લઈ ગયા છે અને એના પિતા સીધા હૉસ્પિટલ ગયા."
અંકિતનાં નાનાં બહેન ડિમ્પી મોદીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હું એ સમયે નવમા ધોરણમાં ભણતી હતી. મને કંઈ ખબર નહોતી."
"પપ્પા ઘરે નહોતા. એટલે મમ્મી રડતાં હતાં. પાડોશીઓ અને સગાં ભેગા થઈ ગયાં હતાં."
"ઘરમાં રોકકળ ચાલતી હતી. મોડી રાત્રે ખબર આવ્યા કે મારો ભાઈ બૉમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો છે."
"મારા અને મારાં માતા પર આભ ફાટી પડ્યું. મારા પિતા પણ ઘણા દિવસ સુધી ચૂપચાપ રહ્યા. પછી તેઓ કામે લાગ્યા.”
પુત્ર પછી પતિને પણ ગુમાવ્યા
ડિમ્પી પોતાના ભાઈ પ્રત્યેના પ્રેમ અંગે વાત કરતાં કહે છે કે, "મેં મારા ભાઈને વચન આપ્યું હતું કે હું ભણીશ. એટલે મેં ભણવામાં મન પરોવ્યું."
"પણ છેલ્લાં 13 વર્ષથી હું રક્ષાબંધન અને ભાઈબીજ નથી ઊજવતી. મારાં લગ્ન થયાં પણ મારા ભાઈ વગર બધું અધૂરું હતું."
"મારા પિતા મારાં માતા દુઃખી ના થાય એટલે કંઈ દેખાડતા નહીં પણ અંદર અંદરથી એમનું દુ:ખ તેમને અંદરથી કોરી ખાતું હતું. અને ત્રણ વર્ષ પહેલાં એમનું અવસાન થયું."
દક્ષાબહેન મોદી કહે છે કે, "મારા પતિના અવસાન પછી હું સાવ એકલી પડી ગઈ છું પણ મન કાઠું કરી ને જીવું છું."
"મારા દીકરાના અવસાન પછી મળેલા પૈસા અને મારા પતિની થોડી ઘણી બચતના વ્યાજ પર જીવું છું, દીકરી અને જમાઈ સારાં છે એટલે સધિયારો છે. પણ મારા નિર્દોષ છોકરાનો જીવ લેનાર આ લોકોને ફાંસી ની સજા થાય એવી મારી ઇચ્છા છે."
ડિમ્પી પણ કહે છે કે, "બૉમ્બ બ્લાસ્ટમાં મારા ભાઈનો જીવ લેનારાને ફાંસીથી ઓછી સજા થાય એ મને મંજૂર નથી, હું દર રક્ષાબંધને ભાઈ નથી એટલે ભગવાનને રાખડી બાંધી પ્રાર્થના કરું છું કે મારા ભાઈના હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ ."
રાયપુરના સામાજિક કાર્યકર રાકેશ ભાવસારે કહ્યું કે, "એ દિવસે સાંજે રાયપુરમાં એક સાથે બે બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. સાઇકલ પર ટિફિન બૉમ્બ મૂકી બ્લાસ્ટ કરાયો હતો અને સાંજે રાયપુરમાં ભીડ વધુ હોય એટલે ટિફિન બૉમ્બ વાળી સાઇકલ મૂકવામાં આવી હતી."
"સ્કૂટર કે કાર હોય તો તરત ખબર પડે પણ સાઇકલમાં વારાફરતી બે બૉમ્બ બ્લાસ્ટ થયા એમાં અંકિત સહિત ઘણા શાકભાજીની લારીવાળા અને બીજા લોકોનાં મોત થયાં હતાં, રાયપુરની એક ખાસિયત છે કે અંકિત જેવાના કુટુંબની અમે લોકો એક પરિવારની જેમ સંભાળ રાખીએ છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો