હર્ષ સંઘવીના રાજીનામાની માગ કેમ વ્યાપક થઈ રહી છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ રાજ્યમાં ઠેર-ઠેર ઊંડા પ્રત્યાઘાત પડ્યા છે. સુરતના કામરેજના પોસાદરા પાટિયા પાસે 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ નામના યુવાને માતા સહિત અનેક લોકોની હાજરીમાં ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી હોવાનો આરોપ છે.

હર્ષ સંઘવીએ સુરતમાં ગ્રીષ્માના પરિવારની મુલાકાત લીધી હતી. મીડિયાને જણાવ્યું હતું, "આ દીકરીને ઝડપથી ન્યાય મળશે એની હું ખાતરી આપું છું. આ કેસ ઐતિહાસિક સમયમાં ચાલે અને ગુનેગારને કડકમાં કડક સજા મળે તેવી સૂચના આપવામાં આવી છે."

આ ઘટના બાદ રાજ્યનાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીના રાજીનામાંની માગ સતત થઈ રહી છે. આ પહેલાં મોટાપાયે ડ્રગ્સજપ્તી તથા ધંધુકામાં કિશન ભરવાડની હત્યા સમયે પણ રાજ્યના ગૃહવિભાગની સામે સવાલ ઉઠ્યા હતા.

વિપક્ષ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી છે. માઇક્રૉ-બ્લૉગિંગ પ્લૅટફૉર્મ ટ્વિટર પર હૅશટેગ #ResignHarshSanghvi ટ્રૅન્ડ થયો છે.

'રાજીનામું નહીં આપે તો શોધવા નીકળીશું'

'ભાજપની નિષ્ફળ સરકારમાં છડેચોક ગળા કાપી હત્યાઓ - કાયદોવ્યવસ્થાની કથળતી સ્થિતિ, ગૃહમંત્રી રાજીનામું આપે' એવા બેનર સાથે કૉંગ્રેસના ટોચના નેતાઓએ અમદાવાદમાં મંગળવારે (15મી ફૅબ્રુઆરીએ) પ્રદેશ કાર્યાલયની બહાર વિરોધપ્રદર્શન કર્યું હતું. મહિલાઓ પણ એમાં જોડાઈ હતી.

કૉંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની વિરોધ દરમ્યાન જ અટકાયત કરવામાં આવી હતી.

એ વિરોધપ્રદર્શનમાં ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયાને કહ્યં હતું કે, "હર્ષ સંઘવી જો રાજીનામું નહીં આપે તો અમે તેને શોધવા નીકળીશું. હર્ષ સંઘવીને શોધવાનો કાર્યક્રમ કૉંગ્રેસ કરશે. તેને પકડીને કહીશું કે ગાંડો ન થા ભાઈ. સમજ, નાની ઉંમર છે. માફીઓ માગવાનું ચાલુ કર. હું હર્ષ સંઘવીને પૂછું છું કે આવી રીતે જ જો દીકરીઓની હત્યા થતી હોય તો બંગડીઓ પહેરવાનું નથી કહેતો. બંગડીઓ તો સૌભાગ્યનું પ્રતીક છે. તુંકારો આપીને કહેવું પડે છે કે તારામાં જરાય શરમ હોય તો એ પરિવારની માફી માગી આવ."

આ અરસામાં જ હર્ષસંઘવીએ સુરત ખાતે મૃતક ગ્રીષ્મા વેકરિયા પરિવારની મુલાકાત લીધી હતી અને દિલસોજી પાઠવી હતી.

વડગામની બેઠક પરથી ધારાસભ્ય અને થોડા વખત પહેલાં કૉંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરનારા જિજ્ઞેશ મેવાણી પણ આ વિરોધપ્રદર્શનમાં જોડાયા હતા.

તેમણે કહ્યું હતું, "ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. એના કારણે જ સતત ખૂન થઈ રહ્યા છે. જે ક્રૂરતા અને બેશરમીપૂર્વક સૂરતની દીકરીની હત્યા કરવામાં આવી એ જોતાં એક ટકો શરમ બચી હોય તો ગૃહપ્રધાને રાજીનામું આપવું જોઈએ."

'આ રાજકારણ રમવાની ઘટના નથી'

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસીને જણાવ્યું હતું કે, "જગદીશ ઠાકોરે જે પ્રકારના શબ્દો વાપર્યા છે તે બિનસંસદીય છે. તેઓ સાંસદ રહી ચૂક્યા છે. તેમણે આ પ્રકારના શબ્દો ન પ્રયોજવા જોઈએ. રાજીનામાનાં મુદ્દે વાત કરીએ તો ગ્રીષ્મા વેકરિયા અને કિશન ભરવાડના કિસ્સામાં ગુનેગારો પકડાઈ ચૂક્યા છે. બંને કિસ્સા પ્રી-પ્લાન્ડ મર્ડર ન હતા. બંને કમનસીબ ઘટના હતી."

"ક્યાંય એવું નહોતું કે તેમણે સામે ચાલીને સરકારને કહ્યું હોય કે અમને આ પ્રકારની વ્યક્તિથી તકલીફ છે, અને સરકારે તેમને રક્ષણ ન આપ્યું હોય. તેમને જે તે લોકોથી તકલીફ હોય અને એની માહિતી આપી હોય અને સરકારે પગલાં ન લીધા હોય તેવું પણ નથી. તેથી આમાં સરકારનો એવી રીતે કોઈ વાંક નથી."

યજ્ઞેશ દવેએ એમ પણ કહ્યું કે, "રાજીનામું માગવું એ બાબતની અમે ટીકા નથી કરતા, પણ કોઈના કમનસીબ મૃત્યુ પર રાજકારણ રમીને રાજીનામાની વાત કરતા હોય તો એ ખોટું છે. રાજકારણ રમવા માટે ઘણી બધી જગ્યાઓ છે, મુદ્દાઓ છે. આ રાજકારણ રમવાની ઘટના નથી."

અત્રે એ યાદ અપાવવું ઘટે કે ગુજરાત ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડની તપાસ અનુસાર કિશન ભરવાડની હત્યા કરતાં પહેલાં આરોપીઓએ પૂરતી યોજના ઘડી હતી. મૃતક દ્વારા કથિત રીતે ઇશનિંદા કરતી મૂકવામાં આવતા ઉશ્કેરાયેલા હતા અને આ હત્યાને અંજામ આપ્યો હતો.

'ગૃહ મંત્રી કરતાં ભગવાન ભરોસે રહેવું સારું'

'સુરતમાં હત્યાનો સીલસીલો યથાવત્, ગૃહમંત્રી રાજીનામું આપે' એવાં પોસ્ટર્સ સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રભુત્વવાળા કામરેજ, યોગીચોક, સરથાણા, મિનિબજાર, માંગનાથ ચોક વગેરે વિસ્તારોમાં જોવા મળ્યા હતા.

આમ આદમી પાર્ટીએ પણ હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી હતી. આમ આદમી પાર્ટીએ પોતાના સત્તાવાર ફેસબુક હેન્ડલ પર એક પોસ્ટર શૅર કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, 'સુરતમાં જંગલરાજ તેર દિવસમાં સાત હત્યા'.

એ પોસ્ટરમાં હર્ષ સંઘવી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ફોટા સાથે લખ્યું હતું કે 'ભાઉના (પાટીલનું હુલામણું નામ) રાજમાં પોતાનું હોમટાઉન ન સંભાળી શકતા ગૃહમંત્રી રાજીનામું આપે.'

ગ્રીષ્મા વેકરિયાની અંતિમયાત્રામાં ગયેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "ગૃહ પ્રધાનને ભરોસે રહેવું એના કરતાં તો ભગવાનનાં ભરોસે રહવું સારું. હું પ્રાર્થના કરું કે ભગવાન આપણને સલામત રાખે. રોજ ઊઠીને એક ખૂનની ઘટના સામે આવે છે. મને નથી લાગતું કે ગૃહપ્રધાનનાં ભરોસે આપણે સલામત રહી શકીએ."

હર્ષ સંઘવી સુરત શહેરની મજુરા બેઠકથી વિધાનસભામાં પ્રતિનિધિત્ત્વ કરે છે.

વરિષ્ઠ નાગરિકો પર થતા અત્યાચાર હોય કે મહિલાઓ પર દુષ્કર્મ, ગુજરાતમાં અપરાધની ઘટનાઓ ઉત્તરોત્તર વધી રહી છે. આંકડા અનુસાર, વર્ષ 2020ની તુલનામાં વર્ષ 2021માં ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મની ઘટનામાં 15 ટકાનો વધારો થયો છે.

2020માં દુષ્કર્મના 493 બનાવ નોંધાયા હતા, જ્યારે કે 2021માં 566 કેસ નોંધાયા હતા. અલબત આ આંકડા હર્ષ સંઘવીએ ગૃહ મંત્રી તરીકે કાર્યકાળ સંભાળ્યો એ અગાઉના છે.

એનસીઆરબીના ડેટાને ટાંકીને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો એક અહેવાલ જણાવે છે કે લૉકડાઉનના વર્ષ દરમિયાન ગુજરાતમાં ગુનાઓની સંખ્યા બેવડી થઈ ગઈ છે.

રૅકોર્ડ કહે છે કે રાજ્યમાં અપરાધ વધી રહ્યા છે. રાજ્યમાં અલગ-અલગ સ્થળેથી મોટાપાયે ડ્રગ્સ પકડાયું હોય એવા સમાચાર પણ હાલના મહિનાઓમાં એકથી વધુ વખત સામે આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો