એબીજી શિપયાર્ડ : ભારતના કથિત સૌથી મોટા બૅન્ક કૌભાંડમાં 22 હજાર કરોડ ડુબાડનારી શિપિંગ કંપની

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ભારતમાં કરોડો રૂપિયાનું દેવું કરીને નાસી છૂટેલા ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, નીરવ મોદીની જેમ જ બૅન્કો સાથેની છેતરપિંડીનો એક નવો કેસ નોંધાતાં ગુજરાતસ્થિત એબીજી શિપયાર્ડ કંપની ચર્ચામાં છે.

સુરત અને હજીરાસ્થિત એબીજી શિપયાર્ડ લિમિટેડ સામે સીબીઆઈએ હાલમાં રૂપિયા 22,842 કરોડનો ભારતની સૌથી મોટી કથિત બૅન્ક છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.

જહાજ બાંધવાનું અને જહાજના રિપેરિંગનું કામ કરતી સુરત અને હજીરાસ્થિત કંપની એબીજી શિપયાર્ડે એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ સહિત કુલ 28 બૅન્કો પાસેથી લોન મેળવી હતી.

સીબીઆઈએ નોંધેલા કેસ મુજબ કંપનીએ બૅન્કો 22,842 કરોડ રૂપિયાનું ભારતના ઇતિહાસનું સૌથી મોટું કથિત કૌભાંડ કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

વિપક્ષે જ્યાં આ કથિત છેતરપિંડીને દેશનું સૌથી મોટું બૅન્ક કૌભાંડ ગણાવતાં ભાજપ પર બૅન્કિંગ સિસ્ટમને બરબાદ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે ત્યાં ભાજપે બચાવ કરતાં કહ્યું છે કે આ લોન યુપીએ સરકાર હેઠળ આપવામાં આવી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે, "એબીજી શિપયાર્ડ એકાઉન્ટ યુપીએની સરકાર હતી તે વખતે એનપીએમાં ફેરવાયું હતું અને બૅન્કોએ સામાન્ય કરતાં ઓછા સમયમાં આ કૌભાંડ પકડી પાડ્યું છે."

તેમણે કહ્યું કે, "52-56 મહિનાનો સમય સામાન્ય રીતે બૅન્કોને આવા કેસ શોધી કાઢવામાં લાગે છે પરંતુ આ કેસમાં હું બૅન્કોને શ્રેય આપીશ કે તેમણે ઘણો ઓછો સમય લીધો હતો."

શું છે આ બૅન્કોની સાથે છેતપિંડીનો કેસ?

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, "હજારો કોરોડ રૂપિયાની બૅન્કની છેતરપિંડીના કેસમાં, સીબીઆઈ દ્વારા એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના ભૂતપૂર્વ ચૅરમૅન અને મૅનૅજિંગ ડાયરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ અને અન્યો સામે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની આગેવાની હેઠળની બૅન્કોના કન્સોર્શિયમ સાથે કથિત રીતે 22,842 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે."

અગ્રવાલ ઉપરાંત, તત્કાલીન ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર્સ અશ્વિની કુમાર, સુશીલકુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય એક કંપની એબીજી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડની પણ કથિત ગુનામાં સંડોવણી હોવાનું ફરિયાદમાં છે.

સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "શનિવારે ખાનગી કંપની, સુરત, ભરૂચ, મુંબઈ, પુણે વગેરે ખાતેના ડાયરેક્ટરો સહિત આરોપીઓના પરિસરમાં 13 સ્થળોએ તપાસ કામગીરીમાં પુરાવાઓ મળી આવ્યા હતા."

બૅન્કે સૌપ્રથમ આઠ નવેમ્બર, 2019ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેના પર સીબીઆઈએ 12 માર્ચ, 2020ના રોજ કેટલીક સ્પષ્ટતાઓ માંગી હતી.

બૅન્કે તે વર્ષે ઑગસ્ટમાં નવી ફરિયાદ નોંધાવી હતી.

દોઢ વર્ષથી વધુ સમય સુધી "તપાસ" કર્યા પછી, સીબીઆઈએ સાત ફેબ્રુઆરીએ એફઆઈઆર દાખલ કરીને ફરિયાદ પર કાર્યવાહી કરી છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કંપનીને આઈસીઆઈસીઆઈ બૅન્કની આગેવાની હેઠળની 28 બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવી હતી જેમાં એસબીઆઈની લોન રૂપિયા 2,468.51 કરોડની હતી.

સીબીઆઈએ જણાવ્યું હતું કે, નાણાનો ઉપયોગ બૅન્કો દ્વારા જે હેતુ માટે ફાળવાયા હતા તે સિવાયના હેતુઓ માટે કરવામાં આવ્યો હતો.

લોનને જુલાઈ 2016માં નૉન-પર્ફોર્મિંગ ઍસેટ (એનપીએ) અને 2019માં છેતરપિંડી તરીકે જાહેર કરવામાં આવી હતી.

ભારતની સૌથી મોટી જહાજ નિર્માતા કંપની

ફરિયાદમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે એબીજી શિપયાર્ડ લિમિટેડ (એબીજીએસએલ) એ એબીજી જૂથની મુખ્ય કંપની છે જે જહાજ બાંધવાનો અને જહાજનું સમારકામ કરવાનો વ્યવસાય કરે છે.

બિઝનેસ સ્ટૅન્ડર્ડના અહેવાલ અનુસાર, "સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે એબીજી શિપયાર્ડ લિમિટેડ (એબીજીએસએલ) એ એબીજી ગ્રૂપની મુખ્ય કંપની છે અને તે શિપ બિલ્ડિંગ અને શિપ-રિપેરનો વ્યવસાય કરે છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, "જહાજનિર્માણની ભારતની આ મોટી કંપનીએ છેલ્લાં 16 વર્ષોમાં 165 થી વધુ જહાજો (નિકાસ બજાર માટે 46 જહાજો સહિત)નું નિર્માણ કર્યું છે જેમાં ન્યૂઝપ્રિન્ટ કેરિયર્સ જેવાં વિશિષ્ટ જહાજોનો સમાવેશ થાય છે. તેમણે લૉયડ્સ, અમેરિકન બ્યૂરો ઑફ શિપિંગ, બ્યૂરો વેરિટાસ, આઇઆરએસ, ડીએનવી જેવી તમામ આંતરરાષ્ટ્રીય ક્લાસિફિકેશન સંસ્થાઓની માન્યતા સાથે બલ્ક સિમેન્ટ કેરિયર્સ, ફ્લોટિંગ ક્રૅન્સ વગેરેને સેલ્ફ-ડિસ્ચાર્જિંગ અને લોડીંગ જહાજો બનાવ્યાં છે. "

પીટીઆઈ અનુસાર ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, "વૈશ્વિક કટોકટીની અસરને પગલે કૉમોડિટીની માગ અને કિંમતોમાં ઘટાડાને પગલે કાર્ગોની માગ પણ ઘટી અને તેની જહાજઉદ્યોગ પર માઠી અસર પડી છે. કેટલાક જહાજો અને વેસલ્સના કરારો રદ થવાને પરિણામે ઇન્વેન્ટરીનો ઢગલો થયો છે."

"આના પરિણામે કાર્યકારી મૂડીની તંગી સર્જાઈ અને તેને કારણે ઑપરેટિંગ સાયકલમાં ઘણો વધારો થયો. જેનાથી તરલતાની સમસ્યા અને નાણાકીય સમસ્યામાં વધારો થયો છે."

એસબીઆઈએ જણાવ્યું હતું કે, "ઉદ્યોગ મંદીમાં સપડાતા વ્યાપારી જહાજોની કોઈ માગ નથી, ડિફેન્સ ઑર્ડર નહીં મળતાં ઉદ્યોગમાં 2015માં મંદી વધુ ઘેરી બની જેના કારણે કંપની માટે પુન:ચૂકવણીનું શેડ્યૂલ જાળવવાનું મુશ્કેલ બન્યું હતું. "

વધુમાં જણાવ્યું છે કે "આઈસીઆઈસીઆઈ બૅન્ક દ્વારા કંપનીને કૉર્પોરેટ નાદારી રિઝૉલ્યૂશન પ્રક્રિયા માટે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ, અમદાવાદ સમક્ષ ઢસડવામાં આવી છે."

નાણાંના દુરુપયોગનો આરોપ

ઇકોનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, "અર્ન્સ્ટ અને યંગ દ્વારા ફૉરેન્સિક ઑડિટમાં દર્શાવવામાં આવ્યું છે કે 2012-17 ની વચ્ચે, આરોપીઓએ સાથે મળીને ભંડોળને ડાઇવર્ટ કર્યું, તેના દુરુપયોગ અને ગુનાહિત ભંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. "

કંપની પર ફંડનો ઉપયોગ બૅન્કો દ્વારા જે હેતુ માટે કરવામાં આવ્યો હતો તે સિવાયના હેતુઓ માટે કરવાનો આરોપ પણ છે.

સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "શનિવારે સુરત, ભરૂચ, મુંબઈ, પુણે વગેરે ખાતેના ડાયેરેક્ટરો સહિત આરોપીઓનાં પરિસરોમાં 13 સ્થળોએ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા."

કઈ બૅન્કનાં કેટલાં નાણાં સલવાયાં?

નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ, અમદાવાદ બૅન્ચે 25 એપ્રિલ 2019ના રોજ એબીજી શિપયાર્ડ લિમિટેડની નાદારીની પ્રક્રિયા શરૂ કરવા આદેશ કર્યો હતો.

ત્યારબાદ ઇન્સૉલવન્સી ઍન્ડ બૅન્કરપ્સી બોર્ડ ઑફ ઇન્ડિયા (લિક્વીડેશન પ્રૉસેસ) હેઠળ જાહેર નિવિદા આપવામાં આવી હતી.

કંપની પાસે 28 જૂન 2019 અનુસાર, બૅન્કોનું દેવું આ પ્રમાણે હતું:

એબીજી શિપયાર્ડ લિમિટેડ પર આઈસીઆઈસીઆઈ બૅન્કના 7089 કરોડ, આઈડીબીઆઈ બૅન્કના 3641 કરોડ, એસબીઆઈ બૅન્કના 2944 કરોડ, બૅન્ક ઑફ બરોડાના 1360 કરોડ, બીઓબી-સિંગાપોરના 194 કરોડ, પંજાબ નેશનલ બૅન્કના 1081 કરોડ, ઍક્ઝિમ બૅન્ક ઑફ ઇન્ડિયાના 1327 કરોડ રૂપિયાનું દેવું છે.

આ સિવાય ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કના 1228 કરોડ, બૅન્ક ઑફ ઇન્ડિયાના 768 કરોડ, ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સની 769 કરોડ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્કની 743 કરોડ, સિન્ડીકેટ બૅન્કની 440 કરોડ, એસબીઆઈ-સિંગાપોરના 459 કરોડ, દેના બૅન્કના 406 કરોડ તથા આંધ્રા બૅન્કના 268 કરોડ રૂપિયાનું દેવું છે.

આ રીતે કંપની પર સિકોમ લિમિટેડના 260 કરોડ, આઈએફસીએલના 300 કરોડ, એસબીએમ બૅન્કની 125 કરોડ, ફૉનિક્સ એઆરસી પ્રા.લિ.ના 141 કરોડ, એલઆઈસીના 136 કરોડ, ડીસીબી બૅન્ક લિ.ના 106 કરોડ, આર્કી લૉજિસ્ટિક્સ લિ.ના 96 કરોડ, પંજાબ નેશનલ બૅન્ક (ઇન્ટરનેશનલ) લિમિટેડના 97 કરોડ, લક્ષ્મી વિલાસ બૅન્કના 61 કરોડ, ઇન્ડિયન બૅન્કના 17 કરોડ, ઇન્ડિયન બૅન્ક સિંગાપોરના 43 કરોડ, કેનરા બૅન્કના 40 કરોડ, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાના 39 કરોડ, એસ્સાર પ્રોજેક્ટ ઇન્ડિયા લિમિટેડના 39 કરોડ, પંજાબ સિંધ બૅન્કના 37 કરોડ, એસ્સાર પાવર ઝારખંડ લિમિટેડના 17 કરોડ અને યસ બૅન્કના બે કરોડ રૂપિયાનું દેવું છે.

ઉલ્લેખનીય છે કે કંપનીની વેબસાઇટ આ લખાયા બાદથી ઉપલબ્ધ નથી.

નાની-મોટી 180 કંપનીઓનાં નાણાં અને કર્મચારીઓનું મહેનતાણું ફસાયું

કંપનીની વેબસાઇટ અનુસાર 5 જુલાઈ 2019 અનુસાર દાવાઓ જોઈએ તો, કંપની ઉપર કર્મચારી અને કામદારો સિવાયના 167 ઑપરેશનલ ક્રેડિટર (નાણાં ધીરનાર)ના 13,77,52,53,486 રૂપિયાનાં લેણાંના દાવા થયા હતા જેમાંથી 13,07,25,64,673 સ્વીકારવામાં આવ્યા હતા.

જેમાં હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ, ટાટા કૅપિટલ ફાયનાન્સ સર્વિસ સહિતની નાની-મોટી 165 કંપનીઓનાં નાણાં ડૂબી ગયાં હતાં.

જોકે 1 માર્ચના રોજ ઑપરેશનલ ક્રેડિટરની સંખ્યા 167થી વધીને 180 થઈ હતી અને દાવાની રકમ વધીને 40,94,95,89,852 રૂપિયા થયા હતા.

કંપની વેબસાઇટ પરની વિગત અનુસાર, 617 કામદારોના 43 કરોડ રૂપિયા જેટલી રકમના લેણાના દાવા થયા હતા. જે પૈકી 33 કરોડ 22 લાખના દાવા સ્વીકારાયા હતા. આ કામદારો પૈકી મોટાભાગના ભરૂચ જિલ્લાના હતા. લેણાં નીકળતાં હોય તેવા કામદારોની સંખ્યા 1 માર્ચ 2020ના રોજ વધીને 639 થઈ હતી.

243 કર્મચારીઓનો 69 કરોડ 32 લાખ રૂપિયાનાં લેણાંનો દાવો કરાયો હતો જે પૈકી 48 કરોડ 87 લાખના દાવા સ્વિકારાયા હતા. દેશના દરેક ખૂણાના કર્મચારીઓ અહીં કામ કરતા હતા પરંતુ તેમાં વધારે તો મહારાષ્ટ્રના હતા.

કંપનીની ક્યાં અને કેટલી સંપત્તિ?

એબીજી શિપયાર્ડ લિમિટેડનું સરનામું ગુજરાતમાં સુરતના મગદલ્લા ગામ ખાતે નોંધાયેલું છે.

કંપનીની વેબસાઇટ અનુસાર મિલકતમાં સુરતના વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાં આવેલી 66.27 એકર જમીન, દહેજ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં 56.28 એકર અને ઉમરાજ ગામમાં 18.72 એકર જમીનનો સમાવેશ થાય છે. ઉપરાંત સુરત જિલ્લા, અમદાવાદ અને કોલકાતામાં કેટલીક પ્રૉપર્ટીનો સમાવેશ થાય છે.

કંપનીની માલિકીમાં મુંબઈની કેટલીક પ્રૉપર્ટીનો સમાવેશ થાય છે.

બૅન્ક ઑફ બરોડાની સિંગાપોર શાખાએ આપેલી લોન જેને ગિરવે લઈને અપાઈ હતી તે બે જહાજો વરદા બ્લેસિંગ અને વરદા લાલીમાને ચાઇના કોર્ટ અને સિંગાપુર કોર્ટે હરાજી પણ કરી દીધી છે.

બીબીસી ગુજરાતીએ કંપનીની દાવા સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે નિમેલા લિક્વિડેટર સનમ મુનોટનો સંપર્ક કરતા તેમણે આમ કહીને વિગતો આપવાની અક્ષમતા બતાવી હતી કે, 'મેં ઘણા સમય પહેલા કંપની છોડી દીધી છે તેથી મારી પાસે કોઈ વિગતો નથી.'

એબીજી શિપયાર્ડ લિમિટેડના મુખ્ય લિક્વિડેટર સુંદરેશ ભટ્ટ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને આ અંગે કંઈ પણ કહેવાની અસમર્થતા બતાવીને વાર્તાલાપ ટૂંકાવ્યો હતો.

બીબીસી ગુજરાતીએ કંપનીની મુંબઈ ઑફિસ અને સુરતના મગદલ્લા પૉર્ટ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વેબસાઇટ પર આપેલા ફોન નંબરો અસ્તિત્વમાં નહીં હોવાનું જણાવાઈ રહ્યું છે.

કંપનીના ભુતપૂર્વ કર્મચારી રવીન્દ્ર ભાવસાર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "હવે અમે ઘણું કહ્યું ત્યારે અમારું કોઈએ ન સાંભળ્યું, હવે અમને કોઈ રસ નથી."

આક્રોશ સાથે વાત કરતાં રવીન્દ્ર કહે છે, "મારા છ મહિનાનો પગાર, ગ્રેચ્યુઇટી મળીને બે લાખ રૂપિયા બાકી છે. મેં કંપની છોડી એ પછી પાંચ-છ મહિના સુધી ઘણા કર્મચારીઓ પગાર મળવાની આશાએ કંપનીમાં જતા હતા. કેટલાક કર્મચારીના 12-15 લાખ રૂપિયા બાકી છે."

વિપક્ષના આક્ષેપો

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અંગે ટ્વીટ કર્યું હતું કે, "મોદી કાળમાં અત્યાર સુધી 5,35,000 કરોડ રુપિયાના બૅન્ક ફ્રૉડ થઈ ચૂક્યા છે. 75 વર્ષોમાં ભારતના લોકોના પૈસાથી આવી ધાંધલી ક્યારેય નથી થઈ. લૂંટના આ દિવસો માત્ર મોદી મિત્રો માટે 'અચ્છે દિન' છે."

કૉંગ્રેસ મહામંત્રી રણદીપસિંહ સુરજેવાલાએ આક્ષેપ કર્યો કે, "75 વર્ષમાં ભારતની 22,842 કરોડ રૂપિયાની સૌથી મોટી બૅન્ક છેતરપિંડી મોદી સરકારની દેખરેખ હેઠળ થઈ છે."

તેમણે આક્ષેપ કર્યો છે કે મોદી સરકારનાં સાત વર્ષના શાસનમાં 5.35 લાખ કરોડના 'બૅન્ક કૌભાંડો'એ 'બૅન્કિંગ સિસ્ટમ'ને બરબાદ કરી દીધી છે.

"નીરવ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી, વિજય માલ્યા, જતીન મહેતા, ચેતન સાંડેસરા, નીતિન સાંડેસરાની યાદીમાં એબીજી શિપયાર્ડ લિમિટેડના ઋષિ અગ્રવાલનો ઉમેરો થયો છે."

સુરજેવાલાના નિવેદન પ્રમાણે, "'8મી નવેમ્બર 2019ના રોજ એસબીઆઈ દ્વારા એબીજી શિપયાર્ડના ઋષિ અગ્રવાલ અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે સીબીઆઈને ફરિયાદ કરી હતી."

"25 ઑગસ્ટ 2020ના રોજ એસબીઆઈએ એફઆઈઆર દાખલ કરવા માટે સીબીઆઈને બીજી ફરિયાદ દાખલ કરી હતી. આખરે પાંચ વર્ષના વિલંબ પછી 7મી ફેબ્રુઆરી 2022ના રોજ સીબીઆઈએ એબીજી શિપયાર્ડ લિમિટેડના ઋષિ અગ્રવાલ અને અન્યો સામે છેતરપિંડી, કૌભાંડ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર દાખલ કરી."

"રસપ્રદ બાબત એ છે કે 25મી ઑગસ્ટ 2020ની ફરિયાદમાં એસબીઆઈએ તમામ બૅન્કરોને દોષમુક્ત જાહેર કરી દીધા."

કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કર્યો કે, "એબીજી શિપયાર્ડને 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ગુજરાત સરકાર દ્વારા 1,21,000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. સીએજીએ ગુજરાત સરકાર પર એબીજી શિપયાર્ડ લિમિટેડ અને ઋષિ અગ્રવાલને પ્રતિ ચોરસ મીટર રૂપિયા 1400નો બજારભાવ ચાલતો હતો ત્યારે રૂપિયા 700ના ભાવે જમીન ફાળવવા બદલ દોષિત ઠરાવી હતી."

ત્યારે સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ભાજપે કૉંગ્રેસના આરોપોનો જવાબ આપતાં કહ્યું કે, "આ લોન યુપીએ સત્તા પર હતું ત્યારે મંજૂર કરાઈ હતી જ્યારે મોદી સરકાર આવાં કૌભાંડો પાછળ રહેલા પ્રમોટર્સની પાછળ પડી હતી."

ગુજરાત કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ રવિવારે એક પત્રકારપરિષદ યોજીને કહ્યું હતું કે, "વિજય માલ્યાને પણ ટૂંકા સાબિત કરે તેટલું મોટું આ કૌભાંડ છે."

તેમણે આગળ કહ્યું હતું કે, "એબીજી શિપયાર્ડ અને એબીજી સિમેન્ટ સાથે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કર્યાં અને એમઓયુના આધારે બૅન્કમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે."

તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, એસ્સાર અને એબીજી કંપનીના માલિક મામા-ભાણિયા છે અને ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ મામલે ન્યાયિક તપાસ નહીં થાય તો તેમાં સામેલ મોટી હસતીઓનાં નામ સામે નહીં આવે.

આ સાથે શક્તિસિંહ ગોહિલે એબીજી કંપનીને મૅરિટાઇમ યુનિવર્સિટી બનાવવા જે જમીન આપી હતી, તે પણ પાછી લેવાની માગ કરી હતી.

ત્યારે નિર્મલા સીતારમણે કહ્યું કે, "એનડીએના શાસનમાં બૅન્કિંગ તંત્રનું સ્વાસ્થ્ય સુધરી ગયું છે અને હવે બૅન્કો બજારમાંથી પૈસા ભેગા કરવાની પરિસ્થિતિમાં છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો