અસિત વોરાએ ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅનપદેથી રાજીનામું કેમ આપવું પડ્યું?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન અસિત વોરાએ રાજીનામું આપી દીધું છે.

બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં અસિત વોરાએ રાજીનામાની પુષ્ટિ કરી છે.

તેમણે ભાર્ગવ પરીખને જણાવ્યું કે "મેં આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને રાજીનામું આપ્યું છે. મારી નૈતિક જવાબદારીને ધ્યાને રાખીને મેં રાજીનામું આપ્યું છે."

તેમણે વધુમાં કહ્યું કે "અગાઉ પણ મેં રાજીનામાની તૈયારી દર્શાવી હતી, પણ મારી ક્યાંય સંડોવણી ન હોવાથી મારું રાજીનામું સ્વીકાર્યું નહોતું."

ઉલ્લેખનીય છે કે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું એમાં અસિત વોરાનું નામ પણ ઊછળ્યું હતું. આથી તેમણે આ કારણે રાજીનામું આપ્યું હોવાનું ગુજરાતના સ્થાનિક મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

અગાઉ કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષે ગૌણ સેવા પસંદગી મંડળ (જીએસએસએસબી)ના ચૅરમૅન અસિત વોરાના રાજીનામાની માગ કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા તેમને છાવરવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

તો આમ આદમી પાર્ટીએ આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા તેને પોતાની જીત ગણાવી હતી.

આપનું કહેવું છે કે લોકાક્રોશ સામે ગુજરાત સરકારે 'ઝુકવું' પડ્યું છે અને તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે. અમદાવાદ, જૂનાગઢ, ઉપરાંત અલગ-અલગ શહેરોમાં આપ દ્વારા ફટાકડા ફોડીને તથા સરઘસ કાઢીને ઉજવણી કરી હતી.

વોરા ઉપરાંત આઈકે જાડેજા (સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિ), ગ્રામ્ય ગૃહનિર્માણ બોર્ડના વડા મૂળુભાઈ બેરા, ગુજરાત બિન-અનામત આયોગના ચૅરમૅન હંસરાજ ગજેરાએ પણ રાજીનામાં આપ્યાં હોવાના અહેવાલ છે.

વિશ્લેષકોના મતે, આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને સંગઠન કે સરકારમાં ન હોય તેવી, અગાઉ સત્તામાં ન હોય તેવા સિનિયર નેતાઓ અને કાર્યકરોને બોર્ડના ચૅરમૅન, વાઇસ ચૅરમૅન તથા ડિરેક્ટર બનાવવામાં આવશે. સાથે જ જ્ઞાતિ-જાતિનાં સમીકરણોને પણ ધ્યાને લેવામાં આવશે.

હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ પેપર લીક સમયે અસિત વોરા સામે આંગળી ચીંધવામાં આવી હતી.

12મી ડિસેમ્બરે 180 કરતાં વધુ જગ્યાઓ માટે રાજ્યભરમાં 180 કરતાં વધુ પરીક્ષાકેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.

પરીક્ષાનું પેપર લીક થયું હોવાની ચર્ચા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી ચાલી રહી હતી, પરંતુ રાજ્ય સરકારે તેનો ઔપચારિક સ્વીકાર મોડેથી કર્યો હતો.

અસિત વોરાની રાજકીય કારકિર્દી

અસિત વોરાની રાજકીય કારકિર્દીને નજીકથી જોનારા ભાજપના એક પદાધિકારીના કહેવા પ્રમાણે, "તેઓ મણિનગરમાંથી કૉર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને અહીંથી જ શરૂ થઈ હતી તેમની રાજકીય કારકિર્દી."

"લગભગ 15 વર્ષ સુધી તેમની રાજકીય કારકિર્દીમાં કોઈ નોંધપાત્ર પરિવર્તન આવ્યું ન હતું. તેઓ એક ખાનગી કંપનીમાં જનસંપર્ક અધિકારી હોવાની સાથે રાજકીય પ્રવૃત્તિઓ કરતા હતા."

"તેઓ સંગીતમાં ઋચિ ધરાવે છે અને પાર્ટી તથા મિત્રવર્તુળમાં મુકેશનાં ગીતોની તેમની સમક્ષ ફરમાઇશ કરવામાં આવે છે."

"ડિસેમ્બર-2002ની વિધાનસભા ચૂંટણી વખતે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ-2ની ભાજપના ગઢસમાન બેઠક છોડીને મણિનગરની બેઠક પસંદ કરી, ત્યારથી તેમની રાજકીય કારકિર્દીનો ગ્રાફ સડસડાટ ઉપર ગયો છે."

"નરેન્દ્ર મોદી પ્રચાર કરવા આવે અથવા તો તેમના મતવિસ્તારમાં જાહેર સેવાનાં કામોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત હોય ત્યારે અસિત વોરા તેમની આસપાસ કે સાથે જ હોય."

"એ પછી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને પછી અઢી વર્ષ (2013 સુધી) મેયર પણ બન્યા."

તેઓ કહે છે, "આગામી વિધાનસભા ચૂંટણીના અનુસંધાને જૂન-જુલાઈ 2020માં ગુજરાત ભાજપમાં નેતૃત્વપરિવર્તનની ચર્ચા ચાલતી હતી, ત્યારે અસિતભાઈનું નામ પણ ચર્ચાતું હતું, પરંતુ કદાચ તેમની કાર્યશૈલી તેમની વિપરીત ગઈ હતી."

"આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન ધારાસભ્ય તરીકેની ટિકિટ માટે તેમને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. હજુ પણ મણિનગરની બેઠક તેમના માટે સલામત હોઈ શકે છે, પરંતુ કેટલાક પેપર લીક કેસોને કારણે રાજ્યસ્તર પર તેમની ઉમેદવારીના પડઘા પડી શકે છે."

2014માં નરેન્દ્ર મોદી વડોદરા તથા વારાણસીથી લોકસભાની ચૂંટણી લડ્યા, એ પછી પણ વોરાનો દબદબો ઓછો ન થયો અને તેઓ જીએસએસએસબીના ચૅરમૅન બન્યા.

એટલું જ નહીં, અગાઉના કાર્યકાળ દરમિયાન પેપર લીક થયાં હોવા છતાં બીજી વખત તેમને આ પદ સોંપવામાં આવ્યું હતું.

સરકાર, વિપક્ષ અને વોરા

આમ આદમી પાર્ટીની યુવાપાંખના ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરતાં આરોપ મૂક્યો હતો કે શંકાની સોઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન તરફ છે.

આ પહેલાં પાર્ટીએ ગુજરાત ભાજપના કાર્યાલય 'શ્રીકમલમ્' ખાતે ઘેરાવોનો કાર્યક્રમ આપ્યો હતો.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ જગદીશ ઠાકોર તથા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે મંગળવારે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું.

જીએસએસએસબી અને ભૂમિકા

ગુજરાત સ્ટેટ સબઑર્ડિનેટ સિલેક્શન બોર્ડની સ્થાપના ગુજરાત રાજ્ય સરકારમાં તૃતીય કક્ષાની ભરતીપ્રક્રિયા માટે કરવામાં આવી હતી. 1980ના દાયકાના અંતભાગમાં તેને પંચસ્વરૂપ આપવાનો પ્રયાસ થયો હતો.

'ગુજરાત લોકસેવા આયોગ' સ્વરૂપે અગાઉથી જ એક પંચ અસ્તિત્વમાં હતું, એટલે પંચ સ્વરૂપે વધુ એક આયોગ અસ્તિત્વમાં આવી શકે તેમ ન હોવાથી તેને મંડળ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને ઠરાવ આધારે તે અસ્તિત્વમાં આવ્યું હતું.

જેની મુખ્ય કામગીરીઓમાં બિનસચિવાલય સંવર્ગ-3ની સીધી ભરતીથી ભરાતી જગ્યાઓ, રાજ્ય સરકાર હેઠળના વિભાગો/ખાતાઓના વડાઓની કચેરીઓની વર્ગ-3ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોમાં જગ્યાઓ ભરવાની છે.

પરીક્ષાઓ આયોજિત કરવા ઉપરાંત ફરજ દરમિયાન મૃત્યુ પામનારા ગુજરાત સરકારના કર્મચારીઓના નિકટના પરિવારજનોને રહેમરાહે નિમણૂક આપવા જેવી કામગીરી પણ કરે છે.

જે સંવર્ગ પરીક્ષાના નિયમો જાહેર ન થયા હોય, તેમાં જગ્યાના પ્રમાણમાં મળેલાં અરજીપત્રકોના આધારે પ્રાથમિક લેખિત પરીક્ષા (ક્વૉલિફાઇંગ ટેસ્ટ) લેવી કે સીધી મૌખિક પરીક્ષા લેવી તેનો નિર્ણય લેવામાં આવે છે.

જો અરજીઓ મોટી સંખ્યામાં આવે તો 100 માર્ક્સની લેખિત તથા તેના માટે જરૂરી માર્કસના આધારે બીજા તબક્કામાં 100 માર્ક્સની મૌખિક કસોટી લેવામાં આવે છે. ક્વૉલિફાઇંગ પરીક્ષા (100 માર્ક્સની ઓએમઆર) પ્રકારની હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો