ઉત્તરાખંડ ચૂંટણી: આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં કૉંગ્રેસનો માર્ગ મુશ્કેલ કરશે?

    • લેેખક, રાજેશ ડોબરિયાલ
    • પદ, બીબીસી, ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં પાંચમી વિધાનસભા માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાય એવું લાગી રહ્યું છે.

રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પહેલી વાર મેદાનમાં ઝંપલાવ્યું છે અને ત્રીજા દાવેદાર તરીકે પોતાની હાજરી નોંધાવી છે.

જોકે, લગભગ દોઢ વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીએ જેવી આશા ઊભી કરી હતી, તે મતદાનની તારીખ નજીક આવતાં આવતાં ઘટતી જાય છે.

બાજી જીતશે કાં બગાડશે

વરિષ્ઠ પત્રકાર રાજકીય નિરીક્ષક યોગેશ ભટ્ટે જણાવ્યું કે ઉત્તરાખંડમાં હંમેશાં ત્રીજા વિકલ્પની જરૂર રહી છે.

લગભગ દોઢ વર્ષ પહેલાં જ્યારે આમ આદમી પાર્ટીએ ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારે એણે લોકોમાં આશા જગાડી હતી, જોકે પાછળથી એ અવઢવમાં પડી ગઈ. હાલ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ત્રીજી શક્તિરૂપે મોજૂદ છે.

વરિષ્ઠ પત્રકાર ડૉક્ટર અજય ઢૌંડિયાલે જણાવ્યું કે આમ આદમી પાર્ટી આ વખતે કુલ છ ટકા વોટ મેળવી શકે છે. એ કારણે એ ઘણી સીટની બાજી જીતી જશે અથવા બગાડી શકે છે.

ડૉક્ટર ઢૌંડિયાલે જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી જેટલું સારું પ્રદર્શન કરશે એટલું કૉંગ્રેસને નુકસાન થવાની આશંકા છે. કેમ કે ખાસ કરીને તે સત્તાવિરોધી લહેરવાળા વોટને વહેંચી દેશે.

જો આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં પોતાની હાજરી નોંધાવી ના હોત તો એ વોટ કૉંગ્રેસમાં પડતા. એનાથી, જ્યાં જીતનું માર્જિન ખૂબ ઓછું રહ્યું છે કે રહી શકે એવી ઘણી સીટોનો ફરક પડી શકે છે. જોકે, ભાજપને પણ ઘણી બેઠકોનું નુકસાન થઈ શકે છે.

ઢૌંડિયાલે જણાવ્યું કે, આપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર કર્નલ (રિટાયર્ડ) કોઠિયાલ સહિત મોટા ભાગના ઉમેદવારો જીતવાની કોઈ સંભાવના નથી પરંતુ ઉધમસિંહનગરની રુદ્રપુર અને કાશીપુર સીટ માટે આપના ઉમેદવાર સ્પર્ધામાં છે અને પરિણામ ચોંકાવનારું આવી શકે છે.

બીએસપીની વોટબૅન્ક પર નજર

ઉત્તરાખંડના રાજકારણમાં ભાજપ અને કૉંગ્રેસનો જ દબદબો રહ્યો છે. 2000માં રાજ્ય બન્યા બાદથી બંને વારાફરતી સત્તા પર આવતા રહ્યા છે. ક્યારેક સ્પષ્ટ બહુમત સાથે, તો ક્યારેક તડજોડ કરીને ભાજપ કે કૉંગ્રેસે જ સરકાર રચી છે.

પહેલી અને બીજી ચૂંટણીમાં તો બીએસપીએ ક્રમશઃ આઠ અને સાત સીટો જીતીને રાજ્યમાં ત્રીજી શક્તિ તરીકે પોતાની હાજરી નોંધાવી હતી. પરંતુ 2012ની ચૂંટણીમાં પાર્ટીની સીટો ઘટીને ત્રણ પર આવી ગઈ અને 2017માં એ શૂન્ય પર પહોંચી ગઈ.

ઉત્તરાખંડમાં બીએસપીનો વોટ શેર પણ ઘટી ગયો છે. 2002ની ચૂંટણીમાં એ 10.9 ટકા હતો, તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઘટીને 7.1 ટકા થઈ ગયો હતો. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીએસપીને 4.5 ટકા વોટ મળ્યા હતા.

યોગેશ ભટ્ટે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીની નજર આ જ વોટ પર છે.

તેમણે જણાવ્યું કે, "શરૂઆતમાં આમ આદમી પાર્ટીને લાગ્યું, કેમ કે કૉંગ્રેસની હાલત આખા દેશમાં નબળી છે, તેથી, તે એને ઉત્તરાખંડમાંથી સાફ કરી નાખશે અને ભાજપ સાથે સીધી સ્પર્ધામાં આવી જશે."

"પરંતુ જ્યારે આવું થતું નથી દેખાતું એટલે એણે ત્રીજો વિકલ્પ બનવા માટે અને ચૂંટણીને ત્રિપાંખિયો જંગ બનાવવાની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કર્યું."

ભટ્ટ એ વાત તરફ ધ્યાન દોરે છે કે, "શરૂઆતમાં આમ આદમી પાર્ટીના પ્રચારમાં બૅકગ્રાઉન્ડ સફેદ રહેતું હતું. રણનીતિ બનાવ્યાની સાથે જ એણે પોતાનું બૅકગ્રાઉન્ડ પણ બદલીને વાદળી કરી દીધું."

"આપે પાર્ટીનું જે સંગઠનનું માળખું તૈયાર કર્યું એમાં દલિતો અને મુસલમાનોને પણ સ્થાન આપવામાં આવ્યું."

ત્રીજા તબક્કામાં, આપને લાગ્યું કે બ્રાહ્મણ ભાજપથી નારાજ છે, તેથી પાર્ટીએ મોટી સંખ્યામાં બ્રાહ્મણોને પાર્ટીમાં સામેલ કર્યા. જોકે, પાછળથી મોટા ભાગના પાર્ટી છોડીને જતા રહ્યા. કર્નલ (રિટાયર્ડ) કોઠિયાલને સીએમપદના ઉમેદવાર બનાવવા પાછળનું એક કારણ એ પણ છે કે તેઓ બ્રાહ્મણ છે.

કોઠિયાલની રાજકીય મહત્ત્વાકાંક્ષા

ઉત્તરાખંડમાં સૌથી પહેલાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીપદના દાવેદારનું એલાન કરી દીધું હતું.

આપે કર્નલ (રિટાયર્ડ) અજય કોઠિયાલને પોતાના સીએમપદના ઉમેદવાર બનાવ્યા અને ગંગોત્રીથી ચૂંટણીજંગમાં ઉતાર્યા.

જણાવી જઈએ કે, ઉત્તરાખંડમાં ચૂંટણી સાથે જોડાયેલું એક મિથ એવું છે કે જે ગંગોત્રીથી જીતે, એમની પાર્ટી જ સરકાર બનાવે છે.

યોગેશ ભટ્ટે જણાવ્યું કે, "કર્નલ (કોઠિયાલ)એ પોતાના કાર્યકાળ દરમિયાન જ પોતાની ઇમેજ ઊભી કરી લીધી હતી. (જેમાં એમના પોતાના પ્રચારતંત્રની ભૂમિકા છે.) તેઓ સેનામાં અધિકારી હતા, નિમના પ્રિન્સિપાલ રહ્યા અને કેદારનાથ પુનર્નિર્માણ દરમિયાન એમણે ખ્યાતિ પણ મેળવી છે."

ભટ્ટે જણાવ્યું કે, "કર્નલ (રિટાયર્ડ) કોઠિયાલની રાજકીય મહત્ત્વાકાંક્ષા પણ કોઈનાથી છૂપી નથી. 2019માં લોકસભાની ચૂંટણી વખતે તેમના પ્રયત્ન હતા કે તેમને ભાજપની ટિકિટ મળી જાય કે કૉંગ્રેસ જ એમને ઉમેદવાર બનાવી દે, પરંતુ એમાં તેઓ સફળ ન થયા."

ત્યાર બાદ ના તો તેઓ અપક્ષ લડવાની હિંમત કરી શક્યા કે બિનસરકારી સંગઠન યૂથ ફાઉન્ડેશનના કારણે યુવાઓ તરફથી એમને સ્વીકૃતિ હતી તેમ છતાં તેઓ ના તો કોઈ રાજકીય પાર્ટી ઊભી કરી શક્યા.

યૂથ ફાઉન્ડેશન સૈન્યમાં ભરતી થવા માગતા યુવાઓને ટ્રેનિંગ આપીને એમને ભરતી થવામાં મદદ કરે છે.

યોગેશ ભટ્ટે જણાવ્યા અનુસાર, "કર્નલ (રિટાયર્ડ) કોઠિયાલ સાથે સંકળાયેલા લોકો પણ એવી અપેક્ષા રાખતા હતા કે કર્નલ કોઠિયાલ ભાજપ–કૉંગ્રેસથી જુદો માર્ગ અપનાવે અને યુવાઓનો સાથ લઈને એક રાજકીય દળ બનાવે."

એમની સાથે સંકળાયેલા ઘણા લોકો તેમના આમ આદમી પાર્ટીમાં જોડાવાના નિર્ણય સાથે સંમત નથી. એવું બની શકે કે કર્નલ કોઠિયાલના જોડાવાના કારણે આપને ફાયદો થાય, પરંતુ કર્નલ કોઠિયાલ માટે આ પગલું ફાયદાકારક નથી રહ્યું.

ઉત્તરકાશીના સ્થાનિક પત્રકાર હરીશ થપલિયાલે પણ આ જ વાત કહી.

ગંગોત્રીની બેઠક જીતી શકશે કોઠિયાલ?

હરીશ થપલિયાલે જણાવ્યા અનુસાર, "કર્નલ કોઠિયાલ ગંગોત્રીથી જીતે એવી સંભાવના તો નથી દેખાતી પરંતુ તેઓ ભાજપને ત્રીજા નંબરે ખસેડીને રનર–અપ બની શકે એમ છે."

"એમને યૂથ ફાઉન્ડેશન દ્વારા કરેલાં કામોના લીધે વોટ મળશે, આમ આદમી પાર્ટીના કારણે નહીં."

થપલિયાલે જણાવ્યું કે, "યૂથ ફાઉન્ડેશનના માધ્યમથી ઉત્તરકાશીના જ બેથી ત્રણ હજાર યુવક સૈન્યમાં ભરતી થવામાં સફળ થયા છે."

"વાસ્તવમાં, યૂથ ફાઉન્ડેશનમાં એ જ યુવકોને ટ્રેનિંગ આપવામાં આવે છે જેઓ સૈન્યમાં ભરતી થવા માટે લાયક હોય છે. આકરા પ્રશિક્ષણ બાદ મોટા ભાગના યુવા સૈન્યમાં ભરતી થઈ જ જાય છે."

તેમણે જણાવ્યું કે ગંગોત્રીમાં લોકોનું માનવું છે કે કર્નલ (રિટાયર્ડ) કોઠિયાલ જો કૉંગ્રેસમાંથી કે ભાજપમાંથી ચૂંટણી લડતા તો જીતી જતા. જો તેઓ અપક્ષ તરીકે પણ લડતા તો જીતી જાત, પરંતુ આપમાંથી નહીં. આપને સ્થાનિક લોકો હજુ પણ બહારની પાર્ટી જ માને છે.

ડૉક્ટર અજય ઢૌંડિયાલે જણાવ્યું કે, "કર્નલ (રિટાયર્ડ) કોઠિયાલે ખોટી બેઠક પસંદ કરી લીધી. જો તેઓ કેદારનાથથી લડ્યા હોત અને 10 હજાર વોટ પણ મેળવી લે તો એમની જીતની શક્યતા હતી, ગંગોત્રીમાં તો હાર નક્કી છે."

ના પ્રદેશ અધ્યક્ષ, ના કાર્યકર્તા

પરંતુ સવાલ એ પણ છે કે આમ આદમી પાર્ટીને લોકો બહારની પાર્ટી કેમ માને છે?

વાસ્તવમાં, આપ ઉત્તરાખંડમાં પણ દિલ્હી મૉડલની જેમ જ ચૂંટણી લડી રહી છે.

પાર્ટીનો મુખ્ય ચહેરો અરવિંદ કેજરીવાલ છે અને એમના પછી છે રાજ્યમાં મુખ્યમંત્રીપદના ઘોષિત ઉમેદવાર કર્નલ (રિટાયર્ડ) અજય કોઠિયાલ. બધાં પ્રચાર-માધ્યમોમાં પહેલાં કેજરીવાલને તક આપવાનું કહેવાઈ રહ્યું છે, પછી કોઠિયાલને.

યોગેશ ભટ્ટે જણાવ્યું કે, આ એવી ભૂલ છે જેને આમ આદમી પાર્ટી સમજતી નથી. ઉત્તરાખંડ રાજ્ય ખૂબ ડાઇવર્સ છે, એ દિલ્હી નથી.

ઉત્તરાખંડમાં નાનકડી મુલાકાતમાં પાર્ટીની મૂંઝવણ નજરે પડે છે. એ અલગ વિકલ્પ આપવાનો વાયદો કરે છે અને ઉત્તરાખંડમાં પાર્ટીને, ભાજપ–કૉંગ્રેસની જેમ, કઠપૂતળીની જેમ દિલ્હીથી ચલાવે છે.

લગભગ દોઢ વર્ષ પહેલાં ચૂંટણીજંગમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીએ રાજ્યમાં ત્રીજા વિકલ્પની આશા ઊભી કરી અને ઘણા યુવા અને પ્રબુદ્ધ વર્ગના લોકો આપમાં જોડાયા પણ ખરા, પરંતુ ધીરે ધીરે તેઓ એને છોડીને જતા રહ્યા.

મતદાન થવાના 10 દિવસ પહેલાં ચોથી ફેબ્રુઆરીએ જ રિટાયર્ડ મેજર જનરલ જખમોલા અને પાર્ટીના પ્રદેશ સચિવ રાજેશ શર્માએ આપનો સાથ છોડી દીધો.

એક કૉંગ્રેસમાં જોડાયા તો બીજા ભાજપમાં. થોડા સમય પહેલાં પૂર્વ આઇએએસ સુવર્ધને પણ લગભગ એક વર્ષ આપમાં રહ્યા પછી એને છોડી દીધી હતી, તો પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ રહેલા પૂર્વ આઈપીએસ અધિકારી અનંતરામ ચૌહાણ એમની પહેલાં જ આપ સાથેનો સંબંધ તોડી ચૂક્યા હતા.

પાર્ટીના અધ્યક્ષ એસ.એસ. ક્લેરે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, કેમ કે તેઓ ખટીમાથી ચૂંટણી લડવા માટે સમય ફાળવવા માગતા હતા. ત્યાર બાદ પાર્ટીના ત્રણ કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા, જેમાંથી એક અનંતરામ ચૌહાણ વર્ષની શરૂઆતમાં કૉંગ્રેસમાં જોડાઈ ગયા.

આમ આદમી પાર્ટીના મીડિયા પ્રભારી અમિત રાવતે દાવો કર્યો છે કે પાર્ટીની પાંચ ગરૅન્ટીઓ માટે કુલ 28 લાખ રજિસ્ટ્રેશન થયાં છે. એમાંથી 17 લાખ યુનિક છે, એટલે કે 17 લાખ લોકોએ આ ગરૅન્ટીઓ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

જોકે, પાર્ટી કાર્યકર્તા કેટલા છે, એ સવાલના જવાબમાં અમિતે જણાવ્યું કે ઉત્તરાખંડમાં આપના કાર્યકર્તા બનાવવાનું અભિયાન ચલાવાયું જ નહોતું, તેથી એ બાબતમાં તેઓ કશું જણાવી શકે એમ નથી.

આ રીતે આમ આદમી પાર્ટી ઉત્તરાખંડની અને કદાચ દેશની એકલી એવી પાર્ટી હશે જેની પાસે રાજ્યમાં ના કોઈ સ્થાયી અધ્યક્ષ છે કે ના તો કાર્યકર્તાઓની માહિતી.

રાજકીય દલ કે કૉર્પોરેટ કંપની?

યોગેશ ભટ્ટને તો વાસ્તવમાં આમ આદમી પાર્ટી રાજકીય દળ લાગતી પણ નથી. તેમણે જણાવ્યું કે, "આમ આદમી પાર્ટી એક કૉર્પોરેટ કંપની છે, જેના સીઇઓ અરવિંદ કેજરીવાલ છે અને વાઇસ ચેરમૅન મનીષ સિસોદિયા છે. એમના માટે કાર્યકર્તાનો કોઈ મતલબ નથી, ના તો નેતાઓનો અને સંગઠનનો પણ નહીં."

દહેરાદૂનસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્યાલયમાં જવાથી આ વાત સમજાય છે પણ ખરી. ચૂંટણીપ્રચારની ભરમારો વચ્ચે બે માળની ઇમારત મોટા ભાગે ખાલી જ નજરે પડે છે. એમ તો સવાલોના જવાબ આપવા માટે આપના મીડિયા પ્રભારી અમિત રાવત હાજર રહે છે.

આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં ચૂંટણી લડવા માટે પ્રોફેશનલ કન્સલ્ટન્સી ફર્મ્સની મદદ તો લઈ જ રહી છે, પાર્ટીએ પોતે પણ ચૂંટણી અભિયાન માટે ઘણા યુવાઓને કૉન્ટ્રાક્ટ પર રાખ્યા છે. એમાં ઘણા પત્રકારો પણ સામેલ છે, જેમના માટે મેઇનસ્ટ્રીમ મીડિયામાં ઘટતી જતી નોકરીઓના દોરમાં આ તક મોટી રાહત સમાન છે.

જોકે, એમાંના ઘણા લોકો ચિંતિત પણ છે કે 14 ફેબ્રુઆરીએ મતદાન થયા બાદ શું થશે, જ્યારે એમને અહીંથી પણ છૂટા કરી દેવાશે?

સવાલ એ પણ છે કે કન્સલ્ટન્સી ફર્મો અને કૉન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા લોકોના આધારે ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીનું ચૂંટણી પછી શું થશે? અને શું ચૂંટણીપરિણામ જાહેર થયા પછી પણ કર્નલ (રિટાયર્ડ) કોઠિયાલ આમ આદમી પાર્ટીના સર્વમાન્ય નેતા તરીકે ચાલુ રહેશે?

ડૉક્ટર અજય ઢૌંડિયાલે જણાવ્યું કે, જો ચૂંટણીમાં બીજા ધારાસભ્યો કર્નલ કોઠિયાલ કરતાં સારું પ્રદર્શન કરે, જીતી જાય તો પછી તેમનું નેતા બની રહેવું સરળ નહીં હોય. એમ પણ ચૂંટણીપરિણામ પછી તો આમ આદમી પાર્ટીએ રાજ્યમાં નેતૃત્વ જ નહીં, આખી પાર્ટી વિશે પુનર્વિચાર કરવાની જરૂર ઊભી થવાની છે.

યોગેશ ભટ્ટે જણાવ્યું કે કર્નલ કોઠિયાલને રાજકારણમાં આવવાની પ્રેરણા રાજ્યના લોકો દ્વારા જ મળી છે.

કેદારનાથમાં કરેલાં પુનર્નિર્માણનાં કાર્ય અને પછી યૂથ ફાઉન્ડેશનના માધ્યમથી યુવાઓને નોકરીમાં ભરતી કરાવવાના લીધે જે પ્રશંસા એમને મળી એણે જ એમને રાજકારણમાં ઝંપલાવવા પ્રેરિત કર્યા છે.

આવા વ્યક્તિ વધારે સમય સુધી આમ આદમી પાર્ટી જેવા દળમાં નહીં રહી શકે જે કઠપૂતળીની જેમ એમનો ઉપયોગ કરવા માગતી હોય.

10 માર્ચે ચૂંટણીપરિણામ પછી રાજ્યમાં સરકાર બદલાય, ના બદલાય પણ એક વાત તો નિશ્ચિત છે કે ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીમાં ઘણું બધું બદલાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો