કોરોના વાઇરસ : મેદસ્વી વ્યક્તિને કોરોનાના ચેપનું જોખમ વધી જાય?

    • લેેખક, માર્ટા ડોમિન્ગેઝ આલ્વારો અને સિલ્વિયા સેલાડો ફોન્ટ
    • પદ, ધ કન્વર્ઝેશન*

હોમરે લખેલા મહાકાવ્ય ઇલિયડની એક કથા વિશે તમે સાંભળ્યું હશે. વર્ષો સુધી ટ્રૉય સાથે યુદ્ધ કરનારા ગ્રીક લોકોએ આખરે એક ચાલાકીથી વિજય મેળવ્યો હતો. લાકડાનો ઘોડો બનાવ્યો અને તેની અંદર સૈનિકો છુપાવીને કિલ્લામાં ઘૂસી ગયા હતા.

રાત પડી એટલે અંદરથી સૈનિકો બહાર નીકળ્યા અને શહેર પર અંદરથી જ હુમલો કરીને જીતી મેળવી હતી.

એવું લાગે છે કે આપણા દુશ્મન SARS-CoV-2 વાઇરસે પણ ટ્રોજન હોર્સ શોધી કાઢ્યો છે: શરીરની ચરબી મારફત વાઇરસ ઘૂસી જાય છે.

કોરોના વાઇરસ ઘુસાડતો ટ્રોજન હોર્સ

SARS-CoV-2 વાઇરસ પર અંકોડા હોય છે એટલે કે પ્રોટીન એસ હોય છે, જે શરીરના કોષની સપાટી પરના પ્રોટીનની અંદર ભરાઈ જાય છે અને વળગી જાય છે.

શરીરમાં સ્થૂળતા હોય ત્યારે શરીરના કોષો પર એન્જિયોટેન્સિનને કન્વર્ટ કરવાનું કામ કરતા એન્ઝાઇમ ટાઇપ 2 પ્રોટીનના મેમ્બ્રેન મોલેક્યુલ્સની સંખ્યા વધી જાય છે.

એટલે કે શરીરમાં પ્રવેશ્યા પછી વાઇરસ માટે ચરબીના આવા થરમાં આશરો લેવાનું સરળ બની જાય છે. સ્થૂળ વ્યક્તિના શરીરમાં વાઇરસ લાંબો સમય રહી શકે છે.

આટલું પૂરતું ના હોય તેમ પ્રાણીઓમાં થયેલા અભ્યાસમાં જોવા મળ્યું છે કે એન્જિયોટેન્સિનને કન્વર્ટ કરવાનું કામ કરતા એન્ઝાઇમ ટાઇપ 2 ફેફસાના કોષમાં પણ વધી જાય છે.

એટલે કે વાઇરસને વળગી જવા માટે વધારે જગ્યા મળે છે અને તેના કારણે શ્વસનતંત્રમાં તે પ્રવેશી શકે છે.

આના કારણે ચેપનું પ્રમાણ વધે છે અને ફેફસામાં જ વાઇરસને નાબૂદ કરવા અને કોવિડ-19 બીમારી ના થાય તે માટેની શરીરની પ્રતિક્રિયા પણ તેજ બને છે.

સ્થૂળકાય વ્યક્તિમાં લૉ-ગ્રેડની ક્રોનિક ઇન્ફ્લેમેટરી સ્થિતિ પેદા થાય છે, જે ચેપ લાગ્યો હોય ત્યાં પ્રતિક્રિયા કરવા માટે કોશિશ કરે છે. તેના કારણે પ્રોઇન્ફ્લેમેટરી પદાર્થ પેદા થાય છે.

પરિણામે એવું થાય છે કે રોગપ્રતિકારક શક્તિનો પ્રતિસાદ નબળો પડે છે અને તેના કારણે ચેપની શક્યતા વધી જાય છે.

એક બાજુ પ્રતિકારક શક્તિ નબળી પડે અને ઇન્ફ્લેમેશનની સ્થિતિ હોય જ, તેના કારણે સાયટોક્લાઇન સ્ટોર્મ પેદા થવાની શક્યતા વધી જાય છે. વાઇરલ ઇન્ફેક્શનમાં સાયકોક્લાઇન સ્ટોર્મ આવે ત્યારે લક્ષણો તીવ્ર બની જાય છે.

સ્થૂળકાય વ્યક્તિનું પેટ પણ ફૂલેલું હોય એટલે શ્વાસોચ્છવાસની ક્રિયા માટે પાંસળીઓને ફુલાવા માટેની જગ્યા મળતી નથી. તેથી વધારે શ્વાસ લેવા અને હવા ભરવાની ફેફસાને જગ્યા મળતી નથી. તેનાથી પણ ફેફસામાં ચેપ વધે છે.

શ્વાસોચ્છવાસના વાઇરસના ચેપમાં સ્થૂળતાને કારણે જોખમ વધે છે તેવી આ જાણકારી આમ નવી પણ નથી.

2009માં પણ H1N1 ઇન્ફ્લુએન્ઝા વાઇરસ ફેલાયો હતો ત્યારે સ્થૂળકાય દર્દીઓને વધારે પ્રમાણમાં હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું અને આઈસીયુમાં તેમને રાખવા પડ્યા હતા.

ગીચતા અને પુરવઠાની સમસ્યા

સ્થૂળ શરીર એટલે કિલ્લેબંધ શહેરનો કોઈ ગીચ વિસ્તાર એવું સમજી લો.

એડિપોઝ ટિસ્યૂની સંખ્યા આમ પણ સ્થૂળકાય વ્યક્તિમાં વધારે હોય એટલે કે તેમના શ્વાસોચ્છવાસના માર્ગમાં આમ પણ ભીડ હોય. તેના કારણે સાંકડા ભીડભર્યા રસ્તા પર પડે તેવી આવનજાવનની તકલીફ પડતી હોય છે.

શ્વાસના આવનજાવનમાં મુશ્કેલી હોય ઉપરાંત ભોજનના પાચનની પણ મુશ્કેલી હોય (ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ અને ડાયાબિટીસ હોય) ત્યારે સમસ્યા વકરી જાય.

આવી સ્થિતિમાં એડિપોઝ ટિસ્યૂ ટ્રોજન હોર્સે તરીકે કામ કરે છે. આ ટિસ્યૂ આવા ગીચ માર્ગમાં પણ ઘૂસી જાય અને તેની સાથે નબળા પડેલા શરીરમાં વાઇરસને સહેલાઈથી તે ઘુસાડી દે છે.

એટલે કે આ ટિસ્યૂ નવા દુશ્મનને અંદર આવવા દઈને આશરો આપે છે. અંદર દાખલ થવા દીધા એટલે આ વાઇરસને હવે શરીરના ફેફસામાં પ્રવેશવાનો માર્ગ પણ મળી ગયો.

આવી સ્થિતિમાં શરીરની હાલત ખરાબ થઈ જવાની. રક્ષણનું કામ કરનારા શરીરના રોગપ્રતિકારક સૈનિકો દુશ્મનને ભગાવવા માટે કામે લાગશે ખરા. પરંતુ તેમનો પ્રતિસાદ નબળો હોય અને પહોંચી શકે નહીં એટલે વધારે નુકસાન થાય. એટલે કે સાયટોક્લાઇન સ્ટોર્મ પેદા થાય.

સાથે જ ટ્રોજન હોર્સને એટલે કે આપણા એડિપોઝ ટિસ્યૂની ઉપર પણ હુમલો થશે અને તેના કારણે એડિપોસાઇટ ડેથ પેદા થશે.

આ રીતે થયેલા ડેથ એટલે કે નકામા થઈ ગયેલા ચરબીના કણો જમા થવા લાગશે. સાંકડી શેરીમાં ભીડ વધવા લાગે તેવું શરીરમાં પણ થાય, ભરાવો થાય એટલે ફેટ અમ્બોલિઝમ સિન્ડ્રોમ પેદા થાય. આ સિન્ડ્રોમના કારણે થ્રોમ્બોટિક સ્થિતિ પેદા થતી હોય છે.

થ્રોમ્બોટિક સ્થિતિમાં પાચનની અને શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર અસર થાય. શેરીમાં જામ થઈ જવાથી સૌ અટકી પડે એવું થાય.

ટૂંકમાં શરીરમાં રહેલી વધારાની ચરબીને કારણે કોરોના વાઇરસનો ચેપ વકરે છે અને તેના કારણે હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે અને મૃત્યુ થવાનું જોખમ પણ વધી જાય છે.

*માર્ટા ડોમિન્ગેઝ આલ્વારો, કેમિલો હોઝે સેલા યુનિવર્સિટીમાં ઇપ્સોડૉક્ટરલ રિસર્ચર છે, જ્યારે સિલ્વિયા આ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. આ લેખ મૂળ ધ કન્વર્ઝેશનમાં પ્રગટ થયો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો