સુરેશ કોટક : ભાજપને 30 કરોડનું સૌથી વધુ દાન આપનારા ગુજરાતીની કહાણી

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

નાણાકીય વર્ષ 2024-25માં ભાજપને લગભગ 6,000 કરોડ રૂપિયા દાનમાં મળ્યા હતા, જેમાંથી આશરે રૂ. 3,689 કરોડની (62%) રકમ ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા પ્રાપ્ત થઈ હતી. આથી, ઇલેક્ટોરલ બૉન્ડ સિવાય વ્યક્તિગત રીતે ભાજપને કોણે સૌથી વધુ દાન આપ્યું, તેની યાદી તપાસવી રસપ્રદ બની રહે છે.

આ યાદીમાં સુરેશ અમૃતલાલ કોટક મોખરે છે, જેમણે વ્યક્તિગત રીતે ભાજપને રૂ. 30 કરોડનું દાન આપ્યું હતું. ત્યારે પ્રશ્ન થાય કે કોણ છે સુરેશ કોટક?

'કૉટનમૅન' સુરેશ કોટક

'કોટનમૅન' સુરેશ કોટક સુરેશ કોટકનો પરિવાર મૂળ રાજકોટના ઠક્કર છે. સુરેશ કોટકના પિતા અમૃતલાલ અને તેમના ભાઈઓએ કપાસનો વેપાર કરવાના હેતુથી વર્ષ 1927માં 'કોટક ઍન્ડ કંપની'ની સ્થાપના કરી હતી.

અમૃતલાલ કરાચીમાં પરિવારનો વેપાર સંભાળતા હતા, જે અવિભાજિત ભારતમાં ગુજરાતીઓ માટે વેપારનું મોટું મથક હતું. કચ્છના દરિયાઈ વેપારના પતન બાદ કરાચી વેપાર-ધંધા અને નિકાસનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું.

સુરેશ કોટકનું બાળપણ મોટે ભાગે અહીં જ વીત્યું. આ અરસામાં ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની ચળવળ તેજ બની હતી. દેશ આઝાદ થયો, પણ સાથે વિભાજન પણ થયું. તે સમયે કરાચીના સેંકડો હિન્દુ પરિવારોની જેમ કોટક પરિવારે પણ ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યું. અનેક કચ્છી-ગુજરાતી પરિવારોની જેમ તેમણે પણ બૉમ્બેની (હાલનું મુંબઈ) વાટ પકડી.

સુરેશ કોટકે મુંબઈની પ્રતિષ્ઠિત સિડનહેમ કૉલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ પરિવારના કપાસના વેપારમાં જોડાયા. તેમણે આ વ્યવસાયના વિસ્તાર માટે ખૂબ મહેનત કરી.

વીર સંઘવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સુરેશ કોટકના પુત્ર ઉદય કોટકે નાનપણના કૌટુંબિક માહોલ વિશે વાત કરી હતી. ઉદયના જણાવ્યા પ્રમાણે:

"બાબુલનાથ મંદિર પાસે 60 સભ્યોનો કોટક પરિવાર સાથે રહેતો અને એક જ રસોડે ભોજન બનતું. ત્યારબાદ સુરેશ કોટક અને તેમના ભાઈઓ નવા ઘરમાં રહેવા ગયા. અમારો પરિવાર મધ્યમવર્ગીય હતો, પરંતુ જીવનધોરણની દૃષ્ટિએ અમે ઉચ્ચ-મધ્યમવર્ગીય હતા."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "જો પરિવારે ઈચ્છ્યું હોત તો મને કોઈ પણ પ્રતિષ્ઠિત અંગ્રેજી શાળામાં ભણવા મૂકી શક્યા હોત, પરંતુ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા હોવાથી મને મરીન ડ્રાઇવ પર આવેલી 'હિન્દી વિદ્યા ભવન' શાળામાં ભણવા મૂકવામાં આવ્યો."

કપાસની નિકાસ માટે સુરેશ કોટકે વિદેશના વ્યાપક પ્રવાસો કર્યા. આ દરમિયાન તેમને 'મર્ચન્ટ બૅન્કિંગ'નું મહત્ત્વ સમજાયું અને ભારતમાં પણ આવું કંઈક શરૂ કરવાનો વિચાર આવ્યો. ઉદય કોટકના કહેવા પ્રમાણે, "મેં નવસારી બિલ્ડિંગ (પરિવારની ઓફિસ) ખાતેનો એ માહોલ જોયો હતો, જ્યાં એક નિર્ણય માટે 14 લોકોની મંજૂરી લેવી પડતી. તેથી મેં કપાસના વેપારથી અલગ કંઈક કરવાનું વિચાર્યું."

જ્યારે ઉદય કોટક દેશની અગ્રણી ખાનગી કંપનીમાં નોકરી કરીને આંતરરાષ્ટ્રીય કંપનીમાં જોડાવા માંગતા હતા, ત્યારે પિતાએ તેમને ફાઈનાન્સ કંપની શરૂ કરવાનું સૂચન કર્યું. અહીંથી જ દેશની અગ્રણી ખાનગી બૅન્ક 'કોટક મહિન્દ્રા બેન્ક'નો પાયો નખાયો. પરિવાર, મિત્રો અને હિતેચ્છુઓ પાસેથી તે સમયની માતબર રકમ (રૂ. 30 લાખ) એકઠી કરીને ઉદય કોટકે ફાઈનાન્સ કંપની શરૂ કરી. તેના પ્રારંભિક રોકાણકારોમાં આનંદ મહિન્દ્રા પણ હતા.

શરૂઆતના વર્ષોમાં ઉદયની ઓફિસ પરિવારની નવસારી બિલ્ડિંગમાં જ હતી, ત્યારબાદ હિતેશ મહિન્દ્રાના સૂચનથી તેમણે નરિમાન પોઈન્ટ ખાતે નવી ઓફિસ શરૂ કરી.

નિવૃત્તિ પછી પણ સક્રિય

નિવૃત્તિ પછી પણ સક્રિય 1955થી 1985 સુધી કપાસના વેપારમાં સક્રિય રહ્યા બાદ, નવી પેઢીએ વ્યવસાય સંભાળ્યો ત્યારે સુરેશ કોટકે નિયમિત કામકાજમાંથી નિવૃત્તિ લઈ સમાજ અને ઉદ્યોગ જગતને સમય આપવાનું શરૂ કર્યું. સુરેશ કોટકને કેટલાક લોકો 'કોટનમૅન ઑફ ઇન્ડિયા' તરીકે ઓળખે છે. તેઓ 'કોટન ઍસોસિએશન ઑફ ઇન્ડિયા'ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કર્યું છે.

વર્ષ 2022માં કેન્દ્ર સરકારે સુરેશ કોટકની અધ્યક્ષતામાં 'કોટન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા'ની રચના કરી હતી. આજે તેમના પૌત્રો પણ વ્યવસાયિક જગતમાં પદાર્પણ કરી ચૂક્યા છે.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, "જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે કપાસઉદ્યોગના પ્રતિનિધિ તરીકે મારી તેમની સાથે મુલાકાત થતી. 'શંકર કોટન'ને વિકસાવવામાં તેમણે ખૂબ ઉત્સાહ દાખવ્યો હતો. તેમના પ્રયાસોને કારણે જ ગુજરાતમાં કૃષિ ક્રાંતિ આવી છે."

આજે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં 'શંકર' જાતના કપાસનું મોટા પાયે વાવેતર થાય છે.

રાજકોટના કપાસ ઉદ્યોગના એક અગ્રણીના જણાવ્યા અનુસાર, જો 'ફાર્મ-ટુ-ફેબ્રિક' પ્રક્રિયામાં માનવ હસ્તક્ષેપ ઓછો હોય અને જિનિંગ-સ્પિનિંગમાં આધુનિક ટેકનૉલૉજીનો ઉપયોગ થાય, તો 'શંકર' કપાસ ગુણવત્તામાં અમેરિકા, બ્રાઝિલ કે ચીનના કપાસની બરાબરી કરી શકે તેમ છે. આ અગ્રણી સુરેશ કોટકને 'કોટન જગતના ભીષ્મ પિતામહ' ગણાવે છે.

ભારતમાં નોંધાયેલાં રાજકીય પક્ષો કંપનીઓ, પેઢીઓ કે નાગરિકો પાસેથી દાન લઈ શકે છે, પરંતુ તેની વિગતો ચૂંટણીપંચને આપવી અનિવાર્ય છે.

વર્ષ 2024-25માં સુરેશ અમૃતલાલ કોટકે ભાજપને રૂ. 30 કરોડનું સૌથી મોટું વ્યક્તિગત દાન આપ્યું હતું. આ સાથે જ તેમણે કૉંગ્રેસને પણ રૂ. 7.5 કરોડનું દાન આપ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન