'હોડીમાં જન્મ, હોડીમાં મરણ, અમારી બીજી કોઈ દુનિયા નથી', નદી ઉપર ભવસાગર તરનારાઓની કથા

    • લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
    • પદ, બીબીસી માટે

આ નદીના કિનારે વસેલું એક નાનકડું નગર છે. નગરનાં ઘરો પાણીમાં તરતાં દેખાય છે, પરંતુ આ ઘરોને કોઈ દીવાલ, દરવાજા કે ચોક્કસ સરનામું નથી; છતાં ત્યાં જીવન ધબકે છે.

આ બધાં ઘર આંધ્રપ્રદેશના પોલાવરમ જિલ્લાના ચિંતૂરમાં સબરી નદીમાં તરતી હોડીઓમાં આવેલાં છે. અહીં વસતા પરિવારો જન્મથી મૃત્યુ સુધીનું આખું જીવન હોડી પર જ વિતાવે છે.

નદી, રેતીના ટેકરા, હોડીઓ અને કેટલાક એવા પરિવારો છે, જે આ સિવાય બીજું કશું જ જાણતા નથી. તેઓ દાયકાઓ પહેલાં આજીવિકાની શોધમાં નદીમાં સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરીને ચિંતૂરમાં સબરી નદીના કિનારે પહોંચ્યા હતા.

આ તે 11 માછીમાર પરિવારોની કથા છે, જેઓ આંધ્રપ્રદેશના મારેડુમિલી જંગલનો વિસ્તાર પાર કર્યા પછી ચિંતૂરમાં પુલ નીચે હોડીઓને જ ઘર બનાવીને રહે છે.

હોડીઓમાં જીવન

હોડીઓમાં રહેતા લોકોની સ્થિતિ જાણવા માટે બીબીસી ન્યૂઝની ટીમ ચિંતૂર પહોંચી હતી. સબરી નદી પરના પુલ પરથી જોયું તો રેતીના ટેકરા પાસે કેટલીક હોડીઓ જોવા મળી.

સવારના પોણા છ વાગ્યા હતા અને કકડતી ઠંડી હતી. હોડીઓની વચ્ચેથી ધુમાડો ઉપર જઈ રહ્યો હતો. અમે હોડીઓ પાસે પહોંચ્યા ત્યારે એક હોડી પર બેઠેલો કૂકડો બાંગ પોકારી રહ્યો હતો અને લોકો ધીમે ધીમે જાગી રહ્યા હતા.

થોડીવારમાં માછીમારોએ જાગીને ચા બનાવવા માટે ચૂલા સળગાવ્યા. અમને ઠંડીથી થરથરતા જોઈને તેમણે પ્રેમથી પૂછ્યું, "તમે ચા પીશો?"

અમે 'હરમમથલ્લી' નામની એક હાઉસબોટ પર પહોંચ્યા. તે બોટમાં સિમ્હાદ્રી અને વેંકટેશ્વર રાવ તેમનાં બે સંતાનો સાથે રહે છે. બાજુની અન્ય હોડીઓમાં પણ પરિવારો જાગીને પોતાની દિનચર્યા શરૂ કરી રહ્યા હતા.

હાઉસબોટ કેવી હોય છે?

હોડી પરના તુલસીના છોડ પર સૂર્યનો કોમળ પ્રકાશ પડી રહ્યો હતો. વેંકટેશ્વર રાવે ધાબળો સંકેલ્યો અને પત્ની સિમ્હાદ્રીને ચૂલો સળગાવવા લાકડાં આપ્યાં.

હોડીના મધ્ય ભાગને તાડપત્રી વડે ઢાંકીને ઝૂંપડી જેવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તેમાં છાજલીઓ પર ચોખાના ડબ્બા અને અન્ય સામાન રાખવામાં આવ્યો હતો. ઉપર સુશોભનની વસ્તુઓ હતી, જ્યારે નીચે તેલ, શાકભાજી તથા અન્ય ઘરગથ્થુ વસ્તુઓ ગોઠવાયેલી હતી.

બાળકો નદી કિનારે રેતીમાં રમતાં હતાં, જ્યારે મહિલાઓ અને પુરુષો ભોજન બનાવવામાં એકબીજાને મદદ કરતાં હતાં.

કેટલીક હોડીઓ સામાન લાવવા બીજા કિનારા તરફ રવાના થઈ હતી. તમામ હોડીઓ પર 'હરમ્મા' અને 'પોલમ્મા' જેવાં નામ લખેલાં હતાં, જે વાસ્તવમાં તેમનાં ઘરનાં સરનામાં હતાં. ભલે આ ઘરોને કોઈ સ્થાયી ઠેકાણું ન હોય, પણ આ પરિવારો માટે આ હોડીઓ જ તેમની આખી દુનિયા છે.

'જન્મ ભલે ગમે ત્યાં થાય, આ હોડી પર ચડવું જ પડે'

સિમ્હાદ્રીનું પિયર ગોદાવરી નદીના કિનારે આવેલું ધવલેશ્વરમ છે, પરંતુ તેમનાં માતા-પિતા વર્ષો પહેલાં અહીં આવ્યાં હતાં. સિમ્હાદ્રીનો જન્મ ચિંતૂરમાં થયો હતો અને 45 વર્ષની વયે પણ તેઓ સબરી નદીમાં હોડી પર જ જીવન જીવી રહ્યાં છે.

તેમણે જણાવ્યું કે, "મારાં માતા-પિતાએ પણ આ જ હોડીમાં પ્રવાસ કર્યો હતો અને વારસામાં મળેલી આ હોડીમાં જ અમે અમારું જીવન આગળ વધારી રહ્યાં છીએ."

તેમણે વધુમાં ઉમેર્યું, "મારી માતાને પ્રસૂતિ માટે આ હોડીમાં બેસાડીને જ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. જન્મ ભલે હૉસ્પિટલમાં થયો, પણ તરત જ મને આ હોડીમાં લાવવામાં આવી હતી. મારા સંતાનોનો જન્મ અને ઉછેર પણ અહીં જ થયો છે."

સિમ્હાદ્રીના મતે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, તેથી તેઓ મજબૂરીમાં અહીં રહે છે.

ભણવા માટે નદી પાર જવાનું

હાલ આ હોડીઓમાં 9 બાળકો ઊછરી રહ્યાં છે, જ્યારે 2 બાળકો ધવલેશ્વરમમાં અભ્યાસ કરે છે. બાકીનાં બાળકો હોડી દ્વારા નદીના બીજા કિનારે આવેલી સરકારી શાળામાં જાય છે.

બાળકો શાળાએ જાય પછી માતા-પિતા માછીમારી કરવા નીકળે છે. તેઓ પકડેલી માછલીઓ તરત વેચી નાખે છે અને હોડી પર જ ભોજન બનાવીને જમે છે. સાંજે બાળકો પાછાં આવે તેની રાહ જોવાય છે.

સિમ્હાદ્રી કહે છે, "મારા બાળકો અમારાં જેવું જીવન જીવે તેવું હું નથી ઈચ્છતી. મારો જીવ જશે તો પણ હું તેમનું શિક્ષણ અટકાવીશ નહીં."

મહેશ નામના માછીમારે પણ ઉમેર્યું કે તેઓ વડીલો પાસેથી મળેલી આ હોડીઓમાં રહીને પોતાનાં બાળકોને બહેતર જીવન આપવા પ્રયત્નશીલ છે.

'આ હોડીઓ અમારી સંપત્તિ, અમારો વારસો'

આ માછીમારો તેમની હોડીઓને મંદિર સમાન પવિત્ર ગણે છે. મહેશે કહ્યું, "અમે દેવતાઓનાં નામ પરથી હોડીઓનાં નામ રાખ્યાં છે અને અમે તેના પર ચપ્પલ પહેરીને ચડતા નથી."

50 વર્ષના વેંકટેશ્વર રાવ પાસે 3 હોડીઓ છે – એક રહેવા માટે, એક માછીમારી માટે અને એક વધારાની. એક હોડીની કિંમત આશરે 1 લાખ રૂપિયા છે. તેઓ કહે છે કે 40 વર્ષની માછીમારી પછી આ હોડીઓ જ તેમની મૂડી અને વારસો છે.

'આ આદત છે...પરંતુ ડર પણ લાગે છે'

રોજિંદી સમસ્યાઓ વિશે વાત કરતા મહેશે ભય વ્યક્ત કર્યો.

તેમણે કહ્યું, "અમને નદીમાં રહેવાની આદત છે, પણ ડર પણ લાગે છે. રાત્રે કોઈ બીમાર પડે તો હોડી લાંગરીને ડૉક્ટર પાસે પહોંચવું મુશ્કેલ હોય છે. અંધારું થતાં જ બાળકો શિયાળની ચીચીયારીઓ સાંભળીને ડરી જાય છે."

'તમે ઘરે કેમ ચાલ્યા નથી જતા?'

આ 11 પરિવારો વતનથી 130 કિલોમીટર દૂર રહે છે. રેશનકાર્ડ ચાલુ રાખવા માટે તેમને મહિને એકવાર ધવલેશ્વરમ જવું પડે છે, જેમાં 1,000 રૂપિયાનો ખર્ચ થાય છે.

માછીમાર બુજ્જીબાબુએ કહ્યું, "રેશનકાર્ડ અમારી ઓળખ છે, તે રદ ન થાય તે માટે અમારે ત્યાં જવું જ પડે છે." આમ, સરકારની ગણતરીમાં રહેવા માટે આ પરિવારો સંઘર્ષ કરે છે. જોકે, લગ્ન કે અન્ય પ્રસંગો તેઓ નદીના રેતીના ટેકરા પર જ ઉજવે છે.

માછીમારીમાં અનિશ્ચિતતા

માછીમારીમાં દર વખતે સફળતા મળતી નથી. ક્યારેક 700 થી 800 રૂપિયાનું ડીઝલ બાળ્યા પછી પણ ખાલી હાથે પાછા ફરવું પડે છે.

મહેશે જણાવ્યું કે હવે તેઓ આધુનિક ટેકનૉલૉજીનો ઉપયોગ કરે છે; માછલી પકડીને તેના ફોટા વૉટ્સઍપ પર મૂકે છે જેથી કિનારે ગ્રાહકો તૈયાર રહે. સ્થાનિક લોકો સાથેની દોસ્તીને કારણે તેઓ મોબાઈલ ચાર્જ કરવા કે અન્ય મદદ માટે તેમના ઘરે જાય છે.

શું અપેક્ષાઓ સંતોષાશે?

હલેસાંની જગ્યા હવે મોટરવાળી હોડીઓએ લીધી છે. વીજળી નથી, પણ મોબાઇલ ફોન છે. હોડીઓ પરનું જીવન કઠિન છે, છતાં આ પરિવારો સંતાનોના ભવિષ્ય માટે આશાવાદી છે.

પાણી પર તરતા રહીને પેઢીઓથી આજીવિકા રળતા આ લોકોની કહાણી સબરી નદીના પ્રવાહની માફક નિરંતર વહેતી રહે છે. તેમને આશા છે કે તેમની ભાવિ પેઢીનું નસીબ આ હોડીઓ પૂરતું સીમિત નહીં રહે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન