વિમાન ઊડ્યું અને રાષ્ટ્રપતિના મૃતદેહને 4000 કિલોમીટર દૂર લઈ ગયું, સિક્રેટ મિશનની દુનિયાથી છુપાવી રખાયેલી કહાણી

    • લેેખક, બુશરા મહમ્મદ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

તારીખ 9 જાન્યુઆરી, 1995ના રોજ, કેન્યાના બે પાઈલટ્સ રાજધાની નૈરોબી નજીક આવેલા વિલ્સન ઍરપૉર્ટ પર પોતાની ઓફિસમાં હાજર હતા. તે સમયે એક અજાણ્યો શખ્સ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પાઈલટ્સને એક ભૂતપૂર્વ પ્રમુખના મૃતદેહને એક દેશથી બીજા દેશ લઈ જવા માટે વિનંતી કરી.

આ કામ અત્યંત જોખમી હતું, કારણ કે તે મૃતદેહ સોમાલિયાના ભૂતપૂર્વ શાસક સિયાદ બર્રેનો હતો, જેમને તેમના દેશમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. આ વિનંતી કરનાર વ્યક્તિ નાઈજીરિયાના એક રાજદ્વારી હતા.

'બ્લૂ બર્ડ ઍવિએશન' નામની કંપની ચલાવતા બે પાઈલટ્સ, હુસૈન મહમદ અંશૂર અને મહમદ આદન આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. અગાઉ કેન્યાના હવાઈ દળમાં કૅપ્ટન રહી ચૂકેલા અંશૂરે લગભગ 31 વર્ષ બાદ પ્રથમ વખત મીડિયા સમક્ષ આ ઘટનાનો ખુલાસો કર્યો છે.

અંશૂરે બીબીસીને જણાવ્યું કે, "રાજદ્વારીએ અમને એક વિમાન ભાડે રાખીને મૃતદેહને નાઈજીરિયાના લાગોસ શહેરથી સોમાલિયાના ગરબહારેય લઈ જવા કહ્યું. ગરબહારેય સિયાદ બર્રેનું વતન હતું, જે આફ્રિકાના બીજા છેડે આશરે 4,300 કિલોમીટર દૂર આવેલું હતું."

ભૂતપૂર્વ પ્રમુખના મૃતદેહ લઈ જવામાં શું જોખમ રહેલું હતું?

વાસ્તવમાં, 28 જાન્યુઆરી, 1991ના રોજ વિદ્રોહી જૂથોએ સિયાદ બર્રેને સોમાલિયાની સત્તા પરથી હટાવ્યા હતા, જેના કારણે તેઓ દેશ છોડીને નાસી ગયા હતા. 2 જાન્યુઆરી, 1995ના રોજ નાઈજીરિયામાં તેમનું નિધન થયું.

તેમના પાર્થિવ દેહને પરત સ્વદેશ લઈ જવો રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ બાબત હતી; તેનાથી અનેક સરકારો નારાજ થઈ શકે તેમ હતી અને રાજદ્વારી વિવાદ સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી.

અંશૂરના જણાવ્યા અનુસાર, જો કેન્યા સરકારને આ વાતની જાણ થઈ હોત તો ગંભીર સમસ્યા ઊભી થઈ હોત. ખાસ કરીને તત્કાલીન પ્રમુખ ડેનિયલ અરાપ મોઈની સરકારની જાણ બહાર આ મિશન પાર પાડવું અનિવાર્ય હતું.

સિયાદ બર્રે 1969માં રક્તવિહીન સત્તાપલટો કરીને શાસક બન્યા હતા. તેમના સમર્થકો તેમને વંશીય ભેદભાવ વિરુદ્ધ લડનારા આફ્રિકાના નેતા માનતા, જ્યારે ટીકાકારો તેમને સરમુખત્યાર ગણાવતા હતા, જેમના શાસનમાં માનવ અધિકારોનું વ્યાપક ઉલ્લંઘન થયું હતું.

મૃતદેહને ગુપ્ત રીતે શા માટે લઈ જવાઈ રહ્યો હતો?

સત્તા પરથી હટાવાયા બાદ બર્રે કેન્યા ભાગી ગયા હતા, પરંતુ ત્યાંની સંસદ અને માનવ અધિકાર સંગઠનોના દબાણને કારણે તેમણે નાઈજીરિયામાં આશ્રય લેવો પડ્યો હતો. તે સમયે નાઈજીરિયામાં જનરલ ઈબ્રાહિમ બબંગીદાનું લશ્કરી શાસન હતું. લાગોસમાં વસવાટ દરમિયાન ડાયાબિટીસને કારણે તેમનું અવસાન થયું.

મિશન જોખમી હોવાથી પાઇલટ્સે વિચારવા માટે એક દિવસનો સમય માંગ્યો. તેમને આ કામ માટે મોટી રકમ મળવાની હતી, પરંતુ જોખમ પણ તેટલું જ મોટું હતું. અંશૂર કહે છે, "અમે રાજદ્વારીને નાઈજીરિયન ઍરફૉર્સના વિમાનનો ઉપયોગ કરવા સૂચવ્યું, પણ તેમણે ના પાડી દીધી. આથી અમારે ખાતરી કરવી પડી કે કેન્યા સરકારને આની જરા પણ ગંધ ન આવે."

સિયાદ બર્રેના પુત્ર અયાનલે મહમદ સિયાદ બર્રેએ પણ આ વિશે પ્રથમ વાર વાત કરતા જણાવ્યું કે, આમાં કંઈ ગેરકાયદેસર નહોતું, પરંતુ ઈસ્લામ ધર્મના નિયમ મુજબ મૃતદેહને વહેલી તકે દફનાવવાનો હોવાથી લાંબી દસ્તાવેજી પ્રક્રિયા ટાળવા માટે ગુપ્તતા જાળવવામાં આવી હતી.

આ બે પાઇલટ્સને જ શું કામ પસંદ કરવામાં આવ્યા?

નાઈજીરિયન અધિકારીઓના જણાવ્યા મુજબ, ગરબહારેયનો હવાઈ પટ્ટો લશ્કરી વિમાનો માટે ટૂંકો હતો, તેથી 'બ્લૂ બર્ડ ઍવિએશન'ના નાના વિમાનની મદદ લેવાઈ. 10 જાન્યુઆરી, 1995ના રોજ પાઇલટ્સે આ કામ સ્વીકાર્યું.

જોકે પાઈલટ્સનો બર્રે પરિવાર સાથે સીધો સંપર્ક નહોતો, પરંતુ ભૂતકાળમાં જ્યારે આ પરિવાર મુશ્કેલીમાં હતો ત્યારે પાઇલટ્સે તેમને ખોરાક અને દવાઓ પહોંચાડી મદદ કરી હતી. પાઇલટ્સે નાઈજીરિયન સરકાર પાસેથી એવી બાંયધરી માંગી હતી કે જો કોઈ રાજકીય મુશ્કેલી સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.

આ રીતે નક્કી થઈ હવાઈ સફર

11 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 3 વાગ્યે તેમના નાના વિમાન 'બીચક્રાફ્ટ કિંગ ઍર B200' એ વિલ્સન ઍરપૉર્ટ પરથી ઉડાન ભરી. કાગળ પર તેમણે જણાવ્યું કે તેઓ કેન્યાના કિસુમુ શહેર જઈ રહ્યા છે, જેથી કોઈને શંકા ન જાય. અંશૂરે જણાવ્યું કે, "કિસુમુ નજીક પહોંચતા જ અમે રડાર બંધ કરી દીધું અને યુગાન્ડાના એન્ટેબી તરફ વળી ગયા."

તે સમયે આ વિસ્તારમાં રડાર કવરેજ ઓછું હોવાનો તેમણે લાભ લીધો. એન્ટેબીમાં ઇંધણ ભરીને તેઓ કેમેરૂનના યાઉન્ડે પહોંચ્યા અને ત્યાંથી લાગોસ. નાઈજીરિયાની એર સ્પેસમાં પ્રવેશતી વખતે તેમણે શંકા ટાળવા માટે નાઈજીરિયન વાયુસેનાના કોલ સાઈન "WT001" નો ઉપયોગ કર્યો. 12 જાન્યુઆરીએ લાકડાનું કોફિન પ્લેનમાં મૂકવામાં આવ્યું અને પરિવારના સભ્યો સાથે તેઓ પરત એ જ ગુપ્ત રસ્તે ગરબહારેય પહોંચ્યા, જ્યાં દફનવિધિ સંપન્ન થઈ.

મિશનની પૂર્ણાહુતિ

જ્યારે તેઓ પરત વિલ્સન ઍરપૉર્ટ આવ્યા ત્યારે પકડાઈ જવાનો ડર હતો, પરંતુ ઍર ટ્રાફિક કંટ્રોલને તેમણે જણાવ્યું કે તેઓ ઉત્તર-પૂર્વ કેન્યાના મંદેરાથી આવી રહ્યા છે, જેથી તે સ્થાનિક ઉડાન લાગે. કોઈએ સવાલ ન કર્યો અને મિશન સફળતાપૂર્વક પૂરું થયું.

આજે 65 વર્ષની ઉંમરે અંશૂર કહે છે કે, "હવે હું આવું સાહસ ન કરી શકું. અત્યારની તકનીક અને રડાર કવરેજ એટલું સચોટ છે કે 1995 જેવી નબળાઈઓનો લાભ લેવો હવે અશક્ય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન