Dolo 650 ટ્રૅન્ડમાં કેમ છે? આ દવા ક્યારે લેવી અને શું છે આડઅસર?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ટોચના ટ્રૅન્ડ્સમાંથી એક #Dolo650 છે, જે દવાનું નામ છે. ઘણા લોકોને અચરજ થઈ રહ્યું છે કે અચાનક આ દવાની ચર્ચા કેમ થઈ રહી છે?

સુપ્રીમ કોર્ટમાં થઈ રહેલી એક સુનાવણી દરમિયાન આ દવાના નામનો ઉલ્લેખ થતાં ફરી આ અંગે ચર્ચા થવા લાગી છે.

કોરોના વાઇરસની બીજી લહેર વખતે ગુજરાત અને દેશમાં ઠેકઠેકાણે આરોગ્ય સંલગ્ન ચીજો અને કેટલીક દવાઓની અછત પણ સર્જાઈ હતી, જેમાંથી એક Dolo 650 પણ હતી. એ વખતે પણ આની ચર્ચા થઈ રહી હતી.

સુપ્રીમ કોર્ટમાં Dolo 650 અંગે ઉલ્લેખ કેમ થયો?

"કોરોનામાં મને પણ ડોલો-650 ખાવાની ભલામણ કરાઈ હતી. તમે જે કહી રહ્યા છો તે અજુગતું લાગે છે, પણ આ મામલો ગંભીર છે."

સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન જ્યારે જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે ડોલો-650નું નામ લઈને આવું કહ્યું, તો આ દવા ફરી એક વાર સમાચારોમાં છવાઈ ગઈ.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ડોલો-650 બનાવનારી કંપનીએ ડૉક્ટરોને મફત ઉપહાર આપવા માટે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ રિપોર્ટનો આધાર ઇન્કમટૅક્સ વિભાગ તરફથી જાહેર કરાયેલ એક પ્રેસરિલીઝ હતી. જેનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કરવામાં આવ્યો હતો.

ડોલો-650, 'માઇક્રો લૅબ્સ લિમિટેડ' બનાવે છે. બીબીસી સાથેની વાતચીતમાં માઇક્રો લૅબ્સ લિમિટેડના ઍક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટિંગ) જયરાજ ગોવિંદ રાજુએ આ આરોપોને ફગાવી દીધા હતા.

આ પહેલાં કોરોનાની મહામારી દરમિયાન ડોલો 650ના રેકર્ડતોડ વેચાણ વખતે પણ આ દવા સમાચારમાં છવાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં જે અરજી પર સુનાવણી દરમિયાન ડોલો દવાનો ઉલ્લેખ થયો, એ મામલો ડોલો દવા પરનો નહોતો.

Dolo 650 દવા શું છે અને તે ક્યારે લેવી જોઈએ?

માઇક્રૉલૅબ્સ લિમિટેડ નામની કંપની દ્વારા આ દવા બનાવવામાં આવે છે. કોરોના વાઇરસ મહામારી શરૂ થઈ ત્યારથી આ દવાનો ઉપયોગ વધી ગયો હોવાનું તબીબો પણ સ્વીકારે છે.

કોરોના વાઇરસની રસી લીધા બાદ આડઅસરને ટાળવા માટે પણ આ દવા લોકો લેતા હોય છે.

જોકે વિશ્વ આરોગ્ય સંગઠને થોડા મહિના અગાઉ ચેતવ્યા હતા કે કોરોના રસી લેતા પહેલાં પેરાસિટામોલ કે અન્ય પેઇનકિલર દવાઓ ન લેવી જોઈએ. જો રસી લીધા બાદ આડઅસર થાય તો જ તે લેવી જોઈએ.

સાથે જ તબીબની સલાહ લીધા વગર દવા લેવી ન જોઈએ.

આ અંગે દિલ્હીની મહારાજા અગ્રસેન હૉસ્પિટલમાં કાર્યરત્ ડૉ. દુર્ગેશ મોદી બીબીસી ગુજરાતીના પાર્થ પંડ્યા સાથે વાત કરતાં કહે છે કે "ડોલો 650 દવા ઍન્ટિપાયરેટિક એટલે કે તાવ ઉતારનારી અને ઍન્ટિઇન્ફ્લૅમેટરી છે. તે તાવ ઉતારવાની સાથે શરીરમાં થતી પીડા કે બળતરાને પણ ઘટાડે છે."

ફૅમિલી ફિઝિશિયન ઍસોસિયેશનના વડોદરા એકમના પ્રમુખ ડૉ. કેતન શાહ માને છે કે આ દવાનો ઉપયોગ વધ્યો છે, કારણ કે કોરોના સહિત અન્ય ફ્લૂની સારવારમાં આ દવા ડૉક્ટર્સ દ્વારા આપવામાં આવે છે.

Dolo 650 આડઅસર

અન્ય દવાઓની જેમ આ દવાની પણ આડઅસર થવાની શક્યતા રહેલી છે.

ડૉ. કેતન શાહ કહે છે કે, "ઘણી બધી દવાઓ એવી હોય છે, જેને લાંબા ગાળા સુધી લેવાથી લીવરને માઠી અસર થઈ શકે છે."

"આ દવાનું પણ એવું જ છે, ડૉક્ટર્સ દ્વારા સૂચવ્યા પ્રમાણે ચાર-પાંચ દિવસ સુધી કે ટૂંકા ગાળા માટે તેને લેવામાં આવે તો તેની આડઅસર થતી નથી. પણ લાંબા ગાળા સુધી આ દવા લેવાથી લીવરને આડઅસર થાય છે."

ડૉ. દુર્ગેશ મોદી કહે છે કે, "આ દવા જો દિવસમાં ત્રણ ગ્રામથી વધારે દવા દર્દીના શરીરમાં જાય તો લીવર ફેઇલ થવાની શક્યતા રહે છે."

ડૉ. મોદી કહે છે કે આ દવાનો ઓવરડોઝ જોખમી સાબિત થઈ શકે છે.

કેટલાક તબીબો એવી પણ સલાહ આપે છે કે કિડની અને લીવરની બીમારીઓ ધરાવતા દર્દીઓએ ડોલો 650 ન લેવી જોઈએ.

Dolo 650 ડોઝ કેટલો હોવો જોઈએ?

ડૉ. દુર્ગેશ મોદી કહે છે કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની સ્વસ્થ વ્યક્તિના શરીરમાં આ દવા એક દિવસમાં ત્રણ ગ્રામથી વધુ ન જવી જોઈએ, એટલે કે દિવસમાં ચારથી વધુ ગોળી લેવી જોખમી સાબિત થઈ શકે છે.

તેઓ કહે છે કે બાળકો માટે આ દવાનું પ્રમાણ જુદું હોય છે, એટલે તેમને ઓછા પાવરવાળી દવા આપવામાં આવે છે.

ડૉ. કેતન શાહ કહે છે કે "આ દવાની દિવસમાં ત્રણથી વધારે ગોળી આપવી ન જોઈએ, જો વધારે જરૂર હોય તો જ ચાર ગોળી આપવામાં આવે છે."

"ચારથી વધારે ગોળી કોઈ પણ સંજોગોમાં આપવી ન જોઈએ."

તેઓ કહે છે કે બે ડોઝના વચ્ચે ઓછામાં ઓછા આઠ કલાકનું અંતર રાખવું જરૂરી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો