You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Dolo 650 : તાવની આ ગોળી મામલે આટલો વિવાદ કેમ થયો?
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
"કોરોનામાં મને પણ ડોલો-650 ખાવાની ભલામણ કરાઈ હતી. તમે જે કહી રહ્યા છો તે અજુગતું લાગે છે, પણ આ મામલો ગંભીર છે."
સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન જ્યારે જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે ડોલો-650નું નામ લઈને આવું કહ્યું, તો આ દવા ફરી એક વાર સમાચારોમાં છવાઈ ગઈ.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ડોલો-650 બનાવનારી કંપનીએ ડૉક્ટરોને મફત ઉપહાર આપવા માટે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
આ રિપોર્ટનો આધાર ઇન્કમટૅક્સ વિભાગ તરફથી જાહેર કરાયેલ એક પ્રેસરિલીઝ હતી. જેનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કરવામાં આવ્યો હતો.
ડોલો-650, 'માઇક્રો લૅબ્સ લિમિટેડ' બનાવે છે. બીબીસી સાથેની વાતચીતમાં માઇક્રો લૅબ્સ લિમિટેડના ઍક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટિંગ) જયરાજ ગોવિંદ રાજુએ આ આરોપોને ફગાવી દીધા હતા.
આ પહેલાં કોરોનાની મહામારી દરમિયાન ડોલો 650ના રેકર્ડતોડ વેચાણ વખતે પણ આ દવા સમાચારમાં છવાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં જે અરજી પર સુનાવણી દરમિયાન ડોલો દવાનો ઉલ્લેખ થયો, એ મામલો ડોલો દવા પરનો નહોતો.
અરજી શાના વિશે હતી?
આ અરજીની સુનાવણી દરમિયાન ડોલો દવાનો ઉલ્લેખ થયો તે અરજી ફેડરેશન ઑફ મેડિકલ ઍન્ડ સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ દાખલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરજી એ વિશે હતી કે દવાકંપનીઓ માટે માર્કેટિંગ પ્રૅક્ટિસ અને ફૉર્મ્યુલેશન માટે યુનિફૉર્મ કોડ લાવવામાં આવે. જો સરકાર તેના પર કાયદો નથી લાવી રહી તો સુપ્રીમ કોર્ટ તેમાં દખલ કરે અને કેન્દ્રને આ અંગે નિર્દેશ આપે.
અરજદારોની દલીલ એવી હતી કે દવાકંપની પોતાની દવાને પ્રમોટ કરવા માટે માર્કેટિંગ પર ઘણો ખર્ચ કરે છે, જેના દબાણમાં ડૉક્ટર આ દવાઓ દર્દીઓને પ્રિસ્ક્રાઇબ કરે છે.
અરજદારોના વકીલ સંજય પરીખે બીબીસીને કહ્યું કે, "દવા લખવા માટે કંપનીઓ ડૉક્ટરોને ઘણા પ્રકારના મફત ઉપહારની લાલચ આપે છે."
"આ લાંચ આપવા જેવો મામલો છે. લાંચ લેતી કોઈ વ્યક્તિ પકડાય તો તેને સજા આપવામાં આવે છે, પરંતુ લાંચ આપનાર વ્યક્તિ પર કાર્યવાહી નથી થતી. દવાકંપનીઓ પણ લાંચ આપનારની જેમ કામ કરી રહી છે."
"ડૉક્ટરોને મફત ઉપહાર આપવા, લાંચ આપવાનો મામલો છે. આ મામલામાં કાર્યવાહી બંને પર થવી જોઈએ. આ જ કારણે અમે દવાની કિંમતો અને ફૉર્મ્યુલેશન બંને માટે યુનિફૉર્મ કોડની વાત કરી રહ્યા છીએ. અમે આ માગણી વર્ષ 2008-09થી કરી રહ્યા છીએ."
ડોલોનો ઉલ્લેખ કોર્ટમાં કેમ?
ભારતમાં ફાર્માકંપનીઓ માટે માર્કેટિંગ પ્રૅક્ટિસ યુનિફૉર્મ કોડની જરૂરિયાત કેમ છે, આ માટે અરજદારના વકીલે કોર્ટમાં દલીલ દરમિયાન ઘણાં ઉદાહરણો રજૂ કર્યાં હતાં. આ ઉદાહરણોમાં જુદા-જુદા રિપોર્ટનો હવાલો અપાયો હતો.
આવા જ એક ઉદાહરણમાં અરજદારના વકીલે કોરોના દરમિયાન ખૂબ ઉપયોગમાં લેવાયેલી દવા ડોલો-650નો ઉલ્લેખ કર્યો.
તેમણે મીડિયા રિપોર્ટનો હવાલો આપતાં કહ્યું કે ડોલો-650ના નિર્માતાઓ પર પણ આરોપ છે કે ડૉક્ટરોને તેમણે એક હજાર કરોડ રૂપિયાના મફત ઉપહાર આપ્યા છે.
મીડિયા રિપોર્ટમાં ઇન્કમટૅક્સ અને માઇક્રોલૅબ્સનું નામ લીધા વગર લખ્યું હતું કે બૅંગલુરુની એક મોટી ફાર્માકંપની પર ઇન્કમટૅક્સની રેડ થઈ. રેડમાં સેલ્સ અને પ્રમોશનના નામ પર ડૉક્ટરોને એક હજાર કરોડ રૂપિયા સુધી આપ્યા હોવાની ખબર પડી છે. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ આ કંપનીનું નામ માઇક્રોલૅબ્સ જણાવ્યું હતું.
બીબીસીએ માઇક્રોલૅબ્સ પાસેથી આ મામલે તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
માઇક્રોલૅબ્સ લિમિટેડના ઍક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટિંગ) ઍન્ડ કૉમ્યુનિકેશન, જયરાજ ગોવિંદ રાજુએ કહ્યું , "સુપ્રીમ કોર્ટમાં જે અરજી પર સુનાવણી થઈ રહી છે, તેમાં ડોલો-650નો ક્યાંય ઉલ્લેખ નહોતો. એક હજાર કરોડ રૂપિયાના ફ્રી ઉપહાર આપવાની વાત દુષ્પ્રાર જેવી છે, જે નિરાધાર છે."
"કોરોના મહામારીના સમયમાં ડોલો દવા વેચીને અમે 350 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પરિસ્થિતિમાં એક હજાર કરોડનો એક વર્ષમાં કોઈ દવાના માર્કેટિંગ પર ખર્ચ કરવાનો પ્રશ્ન તર્ક વગરનો છે."
ગોવિંદ રાજુ આગળ કહે છે કે, "ભારતમાં ડોલો-650 દવા પ્રાઇઝ કંટ્રોલ રેગ્યુલેશન અંતર્ગત બને છે. એવું કહેવું કે અમે પ્રાઇઝ કંટ્રોલ રેગ્યુલેશન અંતર્ગત નથી આવતા, તે ખોટું છે."
"અમે સરકાર દ્વારા નિર્દેશિત કિંમત કરતાં વધુમાં પોતાની દવાની કિંમતો નથી વધારી. અમારી દવાની કિંમત વર્ષોથી બે રૂપિયા પ્રતિ ટૅબ્લેટ છે. આજે પણ દવા આ જ કિંમતે વેચાઈ રહી છે."
"કોરોના દરમિયાન દવા બનાવવા માટે જરૂરી કાચા માલની કિંમતો પણ આકાશ આંબી રહી હતી. એ સમેય અમે એ સુનિશ્ચિત કર્યું કે જનતાને દવા મળતી રહે, દવાની કમી ન સર્જાય અને કિંમત ન વધે. આઈસીએમઆઈના કોવિડ ટ્રીટમૅન્ટ પ્રોટોકૉલમાં આ દવાનું નામ લખવામાં આવ્યું હતું, આ કારણે આ દવા લોકપ્રિય થઈ."
જોકે એ પણ સત્ય છે કે આઈસીએમઆરે કોવિડની ટ્રીટમૅન્ટમાં જે દવાઓનાં નામ લખ્યાં હતાં, કોરોના મહામારી દરમિયાન એ તમામના વેચાણમાં લાભ થયો.
ગોવિંદ રાજુએ જણાવ્યું કે જુલાઈમાં તેમના ત્યાં ઇન્કમટૅક્સની રેડ થઈ હતી અને ઇન્કમટૅક્સ વિભાગવાળા ઘણાં વર્ષોની ફાઇલ પોતાની સાથે લઈ ગયા હતા. એક હજાર કરોડ માર્કેટિંગ પર ખર્ચ કરવાનો આંકડો માત્ર એક વર્ષનો નહીં ઘણાં વર્ષોનો છે.
દવાઓનાં માર્કેટિંગ, ફૉર્મ્યુલેશન અને પ્રમોશન માટે શું છે કાયદો?
ભારતમાં દવાઓનાં માર્કેટિંગ અને પ્રમોશન માટે વૉલિંટરી કોડ લાગુ છે, જે ફાર્માકંપનીઓએ જાતે બનાવ્યો છે.
12 ડિસેમ્બર 2014ના રોજ કેન્દ્ર સરકારે આદેશ આપ્યો હતો કે ફાર્માકંપનીઓ પોતાના તરફથી આગામી છ માસ માટે આ દિશામાં વૉલિન્ટરી કોડ બનાવે. બાદમાં કેન્દ્ર સરકારે આ કોડની સમીક્ષા કરીને લીગલ ફ્રેમવર્ક બનાવવાની વાત કરી હતી.
અરજદારોના વકીલનો દાવો છે કે કેન્દ્ર સરકારે તેને પોતાની તરફથી કાયદામાં ઢાળવા માટે ડ્રાફ્ટ પણ તૈયાર કરી લીધો છે, ભલામણો પણ માગવામાં આવી, પરંતુ કાયદો ન બનાવવામાં આવ્યો.
આ વર્ષે ઑગસ્ટમાં લોકસભામાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે દવાઓનાં માર્કેટિંગ, પ્રમોશન ને ફૉર્મ્યુલેશન માટે વૉલિન્ટરી કોડને જ આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
આ દિશામાં કેન્દ્ર સરકાર કોઈ નવો કાયદો બનાવે - એવી ભલામણ કે પ્રસ્તાવ કોઈ સિવિલ સોસાયટી કે પેટન્ટ ગ્રૂપની તરફથી સરકાર સુધી નહોતો પહોંચ્યો.
પોતાના જવાબમાં કેન્દ્ર સરકારે એવું પણ કહ્યું કે દવાઓનાં પ્રમોશન અને માર્કેટિંગ માટે વૉલિન્ટરી કોડ સિવાય અન્ય બે કાયદા છે. કારણ કે એક મામલો કોર્ટમાં પણ ચાલી રહ્યો છે આ કારણે આ દિશામાં નવા કાયદા બનાવવાની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી સાત દિવસની અંદર જવાબ માગ્યો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો