You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીકૃષ્ણની દ્વારકાનગરી ખરેખર પાણીમાં ડૂબી ગઈ હતી?
- લેેખક, મિથુન પ્રમાણિક
- પદ, બીબીસી ટ્રાવેલ
પ્રાચીન નગરી દ્વારકા અરબી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનું મનાય છે. આ નગરના કિલ્લાની દીવાલનો પાયો શોધીને પ્રાચીન દ્વારિકા નગરી હતી તે સાબિત કરવા માટે અંડરવૉટર આર્કિયોલૉજિસ્ટની ટીમ કામ કરી રહી છે.
ભારતનાં સાત પવિત્ર યાત્રાધામમાં એક દ્વારકા છે, જેનું માત્ર ધાર્મિક જ નહીં, પણ પુરાતત્ત્વની રીતે પણ મહત્ત્વ છે. મહાભારતમાં કૃષ્ણની રાજધાની તરીકે દ્વારકાનું વર્ણન મળે છે અને તેમાં તે 85 ચોરસ કિમીમાં ફેલાયેલી હોવાનું જણાવાયેલું છે.
ગોમતી નદીના કિનારે, નદી સમુદ્રને મળે છે ત્યાં એક વિશાળ કિલ્લાની અંદર રાજધાની વસેલ હતી. કૃષ્ણના દેહોત્સર્ગ પછી દ્વારકા નગરી સમુદ્રના પાણીમાં ડૂબી ગઈ હોવાનું ગ્રંથમાં જણાવાયું છે.
ગત સદીના બીજા ભાગમાં પુરાતત્ત્વ વિશેષજ્ઞોએ દરિયામાં ડૂબેલી દ્વારકા નદીના અવશેષો શોધવાની કોશિશ શરૂ કરી હતી. હાલ દ્વારકા આવેલું છે તેની આસપાસના વિસ્તારમાં ઉત્ખનન તથા દરિયામાં શોધખોળ કરાઈ હતી, જેથી પ્રાચીન દ્વારિકાનું અસ્તિત્વ સાબિત કરી શકાય.
મરજીવાઓએ તળિયેથી ઘણા પથ્થરો અને સ્તંભોના અવશેષો શોધી કાઢ્યા છે. તે કેટલા જૂના હશે તેની ચર્ચા હજી ચાલી રહી છે. હવે આર્કિયોલૉજિસ્ટ્સ સમુદ્રના તળિયે ખોદકામ કરીને કિલ્લાની દીવાલનો પાયો શોધવા માટેનું આયોજન કરી રહ્યા છે.
પ્રાચીન નગરી ખરેખર ક્યાં વસી હતી તેનો આ રીતે પાકો પુરાવો મળી જાય તો તે ભારત માટે ઐતિહાસિક રીતે બહુમૂલ્ય માહિતી હશે.
ખોવાયેલી સોનાની દ્વારકાની શોધ
દ્વારકાનું આગવું માહાત્મ્ય છે. વર્તમાન યુગમાં આ એક માત્ર એવું ધામ ઉપસ્થિત છે, જેનું વર્ણન મહાભારતમાં થયેલું છે.
ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકાધામથી પોતાના ધામ તરફ જવા રવાના થયા તે પછી તે પછી અહીંના સમુદ્રનું જળ સમગ્ર નગરી પર ફરી વળ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રીકૃષ્ણે મહાભારતમાં કહ્યું છે કે દ્વારકા સમુદ્રમાં જમીન પુરાણ કરીને મેળવેલી જમીન પર વસેલી છે.
જોકે સમુદ્રની જળસપાટી વધવા લાગી તે પછી દ્વારકા તેમાં ડૂબી ગઈ.
આર્કિયોલૉજિકલ સર્વ ઑફ ઇન્ડિયાના એડિશન ડિરેક્ટર જનરલ ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, "હું સમુદ્રની અંદર ડૂબકી મારીને શોધખોળ કરનારો (અંડરવૉટર આર્કિયોલૉજિસ્ટ) પુરાતત્ત્વખોજી છું. દરિયામાં ગરકાવ થઈ ગયેલા પુરાતત્ત્વીય સ્થળનું સ્થાન હું શોધી રહ્યો છે."
"દ્વારકા જ્યાં ડૂબી હોવાનું અનુમાન છે તે સ્થળે એક મહત્ત્વનું ઉત્ખનન કરવામાં આવ્યું છે. આ સ્થળ દ્વારકા તેની ઐતિહાસિકતા, તેના ધાર્મિક માહાત્મ્ય, અને સાથે જ ઇતિહાસ અને પુરાતત્ત્વની રીતે પણ મહત્ત્વનું છે."
મહાભારતમાં કૃષ્ણની રાજધાની તરીકે દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કૃષ્ણના દેહોત્સર્ગ પછી દ્વારકા સમુદ્રના પાણીમાં ડૂબી ગઈ હોવાનું મનાય છે.
દ્વારકા મંદિરના પૂજારી મુરલી ઠાકર કહે છે, ''પોતાની કર્મભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણે 100 વર્ષ સુધી નિવાસ કર્યો હતો. દ્વારકાપુરી 84 ચોરસ કિલોમિટરમાં ફેલાયેલી કિલ્લેબંધ નગરી હતી. તે ગોમતી નદીના કિનારે વસી હતી. ગોમતી અહીં આવીને અરબી સમુદ્રને મળે છે અને સંગમ થાય છે."
દ્વારકાધીશ મંદિર સાથે સંકળાયેલા નારાયણ બ્રહ્મચારી કહે છે, "મહાભારતના ત્રીજા અધ્યાયમાં 23મા અને 24મા શ્લોકમાં લખાયું છે કે 'દ્વારકામ્ ત્યકતામ્ હરણામ્ સમુદ્રોપ્લાવત ક્ષણાત્, વર્જ ઇત્વામ્ મહાભાગ શ્રીમદભગવત આલય...' આ વ્યાસજી દ્વારા લખાયું છે. આ દ્વાપર યુગમાં લખાયેલું છે."
ડૉ. આલોક ત્રિપાઠીએ કહ્યું, "ગત સદીના બીજા ભાગમાં આર્કિયોલૉજિસ્ટ્સે આ નગરીના અવશેષો મળી આવે તે માટે કોશિશ આદરી હતી, જેથી આ નગરીની ઐતિહાસિકતા સંશય વિના સાબિત કરી શકાય. પ્રથમ ઉત્ખનન 1960ના દાયકામાં પૂણેની ડૅક્કન કૉલેજ દ્વારા કરવામાં આવ્યું હતું."
"એ બાદ 1979માં આર્કિયોલૉજી સર્વે ઑફ ઇન્ડિયાએ બીજું ઉત્ખનન કર્યું હતું, જેમાં કેટલાંક વાસણોના અવશેષો મળી આવ્યા હતા. તે ઈ.સ. પૂર્વ 2000 વર્ષના હોવાનું માનવામાં આવ્યું હતું. દ્વારકા અને આસપાસમાં ઉત્ખનન અને શોધ ચાલતી રહી અને તે દરમિયાન ઘણા પુરાતત્ત્વીય અવશેષો મળતા રહ્યા."
તેમણે ઉમેર્યું, "ખૂબ સારી રીતે રંગ કરેલાં વાસણો મળી આવ્યાં છે. પોલિક્રોમ કરેલી વસ્તુઓ મળેલી છે, જેમાં ઘણા બધા રંગોનો ઉપયોગ છે. બાયક્રોમ પણ મળ્યા છે, જેમાં લાલ સપાટી પર કાળા રંગે ચીતરામણ કરેલું છે."
"500 કરતાં વધારે અવશેષો મળ્યા છે. આ રીતે મળેલા પદાર્થોનું કાર્બન ડેબિંગ કરાયું તેના પરથી સાબિત થાય છે કે કઈ રીતે અહીં સંસ્કૃતિ તબક્કાવાર વિકસી હશે અને પૉટરી મળી છે તે ઈસૂ પૂર્વે 2000 વર્ષ જૂની છે. દરિયાની અંદરથી પણ પથ્થર બનેલી વસ્તુઓ મળી છે. જોકે તેની સાથે પૉટરી વગેરે નથી મળ્યા, કેમ કે તે ભાગમાં દરિયાનો પ્રવાહ બહુ તેજ રહ્યો છે."
જગતમંદિર પાસે ઉત્ખનન
સીએસઆઈઆર-એનઆઈઓ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી)ના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. રાજીવ નિગમ કહે છે, "ડૂબી ગયેલી દ્વારકાની શોધ માટે હાલનું દ્વારકાધીશ મંદિર આવેલું છે તેની નજીકમાં ઉત્ખનનની શરૂઆત કરવામાં આવી હતી."
"મંદિરના ચોકમાં ઘણી જગ્યાએ ઉત્ખનન કરવામાં આવ્યું. તે દર્શાવે છે કે મંદિર ધીમે ધીમે જમીન તરફ ખસતું રહ્યું છે, કેમ કે દરિયાની સપાટી વધી રહી હતી."
તેઓ ઉમેરે છે, "આના કારણે ભારતના સુપ્રસિદ્ધ આર્કિયોલૉજિસ્ટ ડૉ. એસ. આર. રાવને વિચાર આવ્યો કે દરિયાકિનારેથી થોડે દૂર થઈને પાણીમાં સર્વે કરવો જોઈએ કે જેથી ડૂબી ગયેલા શહેરનો કોઈ અવશેષ હોય તો મળી આવે."
ડૉ. આલોક ત્રિપાઠી જણાવે છે કે "તે પછી 2007ની સાલમાં મોટા પાયે જળસપાટીની અંદર શોધખોળ કરવામાં આવી હતી. હું તે પ્રોજેક્ટમાં ડાયરેક્ટર તરીકે હતો. દ્વારકા ભારતના એકદમ પશ્ચિમના દરિયાકિનારે વસેલું છે."
"ગ્રંથોમાં જે રીતે વર્ણન કરાયું છે તે રીતની જગ્યાઓ અહીં મળી આવે છે. આ નાનકડો નદીપ્રવાહ અહીં આવીને સમુદ્રને મળે છે, તેને ગોમતી નદી તરીકે ઓળખવામાં આવે છે. અહીં જ (નદીના કિનારે) દ્વારકા શહેર વસેલું છે."
તેમણે ઉમેર્યું, "અહીં 200 મીટર બાય 200 મીટરનો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો અને આર્કિયોલૉજીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે શોધખોળ શરૂ કરી હતી. તેમાં પણ અમને 50 મીટરનો વિસ્તાર મળી આવ્યો હતો, જેમાં વધુ અવશેષો મળી આવ્યા હતા. તે વધારે મોટા કદના હતા અને સારી રીતે જળવાયેલા હતા."
"અહીં લગભગ 10 મીટર જેટલો થર મળી આવ્યો હતો, જે દરિયાના વધતાં પાણીથી નાશ પામ્યા હતો. અમે કિનારેથી બે નોટિકલ બાય અને એક નોટીકલ માઇલ સુધીના દરિયામાં હાઇડ્રોગ્રાફિક સર્વે પણ કર્યો હતો. તેની હાઇડ્રોગ્રાફિક શિટ્સ પણ તૈયાર કરાઈ હતી. તેમાં નદીનો પ્રવાહ બદલાયો હતો તેનાં ચિહ્ન મળ્યાં હતાં."
ઉપયોગમાં લેવાયેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે વાત કરતાં તેઓ વધુમાં ઉમેરે છે, "અમે બહુ ચોક્સાઇ સાથે તેનું (પ્રવાહ કેટલો પલટાયો) માપ લીધું હતું. તેના પર બરાબર નિશાની કરીને ક્યાં ડૂબકી મારીને શોધ કરવી તે વિસ્તાર નક્કી કર્યો હતો. "
"અમે દરિયાના તળિયે ગ્રીડ્સ પણ લગાવી હતી અને ગ્રીડ્સને નંબરો પણ અપાયા હતા. તેથી દરેક ગ્રીડ નંબર પ્રમાણે અમે એક પછી એક ચોકઠાની તપાસ શરૂ કરી હતી. તમે ડૂબકી મારીને નીચે જાવ એટલે ખ્યાલ આવે કે અવશેષો પર વનસ્પતિઓ ઊગી નીકળેલી હોય છે. તેને દૂર કરવામાં આવે ત્યારે અંદર અવશેષનો આકાર કેવો છે તે દેખાવા લાગે."
"ઘણા બધા પથ્થરો ગોઠવેલા જોવા મળે છે. અહીંથી મળેલા મોટા પથ્થરો એવું દર્શાવે છે કે અહીં પ્રાચીન બંદર હતું. તેમાં કોઈ શંકા રહેતી નથી."
કાળક્રમે ઊંચી-નીંચી થયેલી દરિયાની સપાટી અંગે વાત કરતાં સીએસઆઈઆર-એનઆઈઓના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. રાજીવ નિગમ કહે છે, "અહીં એનઆઈઓમાં અમે છેલ્લાં 50,000 વર્ષ દરમિયાન દરિયાની સપાટીમાં કેવી રીતે ફેરફારો થયા છે તેનો ડૅટા એકઠા કર્યો છે. 15000 હજાર વર્ષ પહેલાં દરિયાની સપાટી અત્યારે છે તેના કરતાં 100 મીટર નીચી હતી."
તેઓ ઉમેરે છે, "તે પછી દરિયાની સપાટી ફરી થોડી ઊંચી ગઈ હતી અને 7000 વર્ષ પહેલાં અત્યારે છે તેના કરતાં પણ એ ઉપર થઈ ગઈ હતી. તે પછી 3500 વર્ષ પહેલાં તે ફરીથી નીચે આવી હતી અને લગભગ તે ગાળામાં દ્વારકા નગરીની સ્થાપના થઈ હતી. પરંતુ તે પછી ફરી દરિયાની સપાટી વધવા લાગી એટલે નગર તેમાં ડૂબવા લાગ્યું."
શું શું મળી આવ્યું?
દરિયાના તળિયેથી પ્રાચીન દ્વારકાના ઘણા બધા અવશેષો મળ્યા છે. જેમાં ઘડાયેલા પથ્થર, સ્તંભ મળ્યા છે અને સિંચાઈ માટેની નહેર પણ બનેલી જણાય છે.
જોકે આ અવશેષો ખરેખર કેટલાં વર્ષ જૂના છે તેના વિશે હજી ચર્ચા ચાલી રહી છે અને હવે આર્કિયોલૉજિસ્ટ્સ સમુદ્રના તળિયે ખોદકામ કરવાનું આયોજન કરી રહ્યા છે. જેથી પ્રાચીન કિલ્લાની દીવાલનો પાયો શોધી શકાય.
ડૉ. આલોક ત્રિપાઠી જણાવે છે, "જો આપણને પ્રાચીન નગરી ખરેખર ક્યાં વસી હતી તેનો આ રીતે પાકો પુરાવો મળી જાય તો તે ભારતના ઇતિહાસ માટે બહુ જ મૂલ્યવાન શોધ સાબિત થશે."
નોંધ: આ અહેવાલ બીબીસી ટ્રાવેલની ડૉક્યુમેન્ટરી 'Dwarka: India's submerged ancient city'નું લેખ સ્વરૂપ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો