You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભરતસિંહ સોલંકી જ્યારે દાદાની હારનો બદલો લેવા રાજનીતિમાં આવ્યા અને રાજનેતા બની ગયા
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વર્ષો પહેલાંની વાત છે, યઝદી મોટરસાઇકલ પર જઈ રહેલા કૉલેજિયન યુવકને ટ્રાફિક પોલીસે પકડીને મોબાઇલ કોર્ટમાં મોકલ્યો. કોર્ટે ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડ કર્યો. દંડની રસીદ બનાવનાર પોલીસ કર્મચારીએ જ્યારે એનું આખું નામ સાંભળ્યું, તો પોલીસે કહ્યું કે તમે જાઓ હું દંડ ભરી દઈશ. પણ તે યુવકે દસ રૂપિયાનો દંડ ભરી દીધો હતો.
આ યુવક એટલે ભરતસિંહ માધવસિંહ સોલંકી.
ઉપરનો કિસ્સો ભરતસિંહના જૂના મિત્ર અનિલ ક્ષત્રિયને આજે પણ યાદ છે.
કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ વાઇરલ વીડિયો બાદ અંગત કારણોસર રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે પોતાનાં બીજાં પત્ની પર કેટલાક આક્ષેપો કર્યા છે, જેથી તેઓ ચર્ચામાં છે.
ભરતસિંહ સોલંકીની રાજકીય કારકિર્દી કેવી રહી છે અને કેવું હતું તેમનું અંગત જીવન?
'ભરતસિંહ સોલંકી રાજકારણમાં જોડાવા નહોતા માગતા'
ગુજરાતના રાજકારણમાં મુખ્ય મંત્રી તરીકે માધવસિંહ સોલંકીનો સૂરજ સોળે કળાએ ખીલેલો હતો, એ વખતે અમદાવાદના નવરંગપુરાના બે બેડરૂમના અર્ચિતા ઍપાર્ટમૅન્ટમાં રહેતા ભરતસિંહ સોલંકી કૉમર્સ છ રસ્તા પાસે દોસ્તો સાથે રોજ સાંજે ગપ્પા મારવા બેસતા હતા.
એ સમયે કૉમર્સ છ રસ્તા પાસે દાળવડાની લારી ચલાવતા જયેશભાઈ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "એ વખતે કૉમર્સ કૉલેજની પોલીસ ચોકી ન હતી અને ત્રિકોણિયો ખૂણો પડતો હતો."
"એમાં ભરતસિંહ સોલંકી અને એમના દોસ્તોની બેઠક હતી. ભરતસિંહ સોલંકી એ સમયે યઝદી મોટરસાઇકલ રાખતા હતા. 1981 સુધી ભરતસિંહ અહીં બેસતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભરતસિંહ સોલંકી સિવિલ એન્જિનિયર થયા એ પછી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કર્યું હતું.
એમના એ સમયના મિત્ર અનિલ ક્ષત્રિય કહે છે કે "ભરતસિંહના પિતા મુખ્ય મંત્રી હતા પણ એમણે કોઈ સરકારી મદદ લીધી ન હતી, જેના કારણે કન્સ્ટ્રક્શનના ધંધામાં ભરતસિંહને મોટી ખોટ આવી હતી."
"એ પછી થોડો સમય એમણે નોકરી કરી. આ સમયમાં એમનાં લગ્ન અમદાવાદનાં જાણીતાં ડર્મિટૉલૉજિસ્ટ ડૉક્ટર રેખા સોલંકી સાથે થયાં હતાં. લગ્ન પછી એમણે અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના પી. કે. હાઉસમાં બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયનો ધંધો શરૂ કર્યો. તેઓ રાજકારણમાં આવવા પણ માગતા ન હતા."
એ બનાવ જે રાજકારણમાં લઈ આવ્યો
ભરતસિંહ સોલંકીએ 2007માં એક ખાનગી ગુજરાતી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે, "તેમને ક્યારેય રાજકારણમાં નહોતું આવવું." જોકે, ભરતસિંહ સોલંકીના જીવનમાં એક બનાવ એવો બન્યો કે જે તેમને રાજકારણમાં લઈ આવ્યો.
ભરતસિંહને દાદા ઈશ્વરસિંહ ચાવડા સાથે લગાવ હતો. એ લાંબા સમય સુધી આણંદના સંસદસભ્ય તરીકે રહ્યા, પણ 1988ની લોકસભાની ચૂંટણીમાં એમની હાર થઈ ગઈ.
દાદા હારી ગયા એ પછી ભરતસિંહ પહેલી વાર રાજકારણમાં સક્રિય થયા અને ઈશ્વરસિંહ ચાવડા 1991માં ફરી ચૂંટણી લડ્યા, ત્યારે બૂથથી માંડી પ્રચાર સુધીની તમામ જવાબદારી ભરતસિંહે સંભાળી હતી. એ ચૂંટણીમાં ઈશ્વરસિંહ ચાવડાની જીત થઈ હતી.
વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભરતસિંહ સોલંકીનું નામ એ સમયે રાજકારણમાં હતું જ નહીં. એ સમયે 1991ની ચૂંટણીમાં આણંદમાં થયેલાં તોફાનોને કારણે ભરતસિંહ સોલંકી ચર્ચામાં આવ્યા હતા."
એ સમયે એમની પર ચૂંટણી સમયે તોફાન કરવાના તથા બૂથ કૅપ્ચર કરવાના ગંભીર આરોપો પણ લાગ્યા હતા, પણ કોઈ આરોપ સાબિત થયો ન હતો. આમ, પહેલી વાર ભરતસિંહનું નામ ગુજરાતના રાજકારણમાં વિવાદોમાં સપડાયું હતું.
ભરતસિંહે 2007માં એક ખાનગી ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દાદાની એ ચૂંટણી પછી હું રાજકારણમાં સક્રિય થયો અને 1992માં હું સક્રિય રાજકારણમાં આવ્યો. એ અગાઉ ચૂંટણી લડવાનો કોઈ નિર્ણય લીધો ન હતો.
તેમણે કહ્યું હતું કે, "1994માં પહેલી વાર અમદાવાદના સર્કિટ હાઉસમાં મારો જન્મદિવસ ઊજવવાનું નક્કી થયું. અનેક લોકોનો આગ્રહ હતો કે હું ચૂંટણી લડું. એ સમયે પૂર્વ ગૃહમંત્રી જિતુ શાહે એક વર્ષ પછી આવનારી ચૂંટણીમાં લડવા માટે મને પ્રોત્સાહન આપ્યું અને 1995માં કૉંગ્રેસે મને ટિકિટ આપી અને હું પહેલી વાર ધારાસભ્ય થયો."
જ્યારે ભરતસિંહ સોલંકીને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા
1995માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય બનનાર ભરતસિંહ સોલંકી ફરી 1997માં વિવાદમાં આવ્યા અને એ વિવાદ એટલી હદ સુધી વકર્યો કે ભરતસિંહ સોલંકીને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.
એ સમયે ભરતસિંહ સાથે સસ્પેન્ડ થયેલાં કૉંગ્રેસનાં રાજ્યસભાનાં પૂર્વ સભ્ય અલકા ક્ષત્રિય બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "એ સમયે કૉંગ્રેસમાં માધવસિંહ સોલંકીને રાજ્યસભાની ટિકિટ નહીં આપવાનું આંતરિક રાજકારણ રમાયું હતું જેનો અમે વિરોધ કર્યો હતો."
"જેમાં એ સમયના કૉંગ્રેસના નેતા નવીન શાસ્ત્રી, જિતુ શાહ, સુરેન્દ્ર રાજપૂત, હાલના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિત 6 લોકોને સસ્પેન્ડ કરાયા હતા."
અલકા ક્ષત્રિય કહે છે કે, "ભરતસિંહ સોલંકીએ કોઈ ભાષણ પણ આપ્યું ન હતું, છતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ વિવાદ ઘણો ચગ્યો હતો અને એ પછી સસ્પેન્શનનો ઑર્ડર પરત લેવાયો હતો."
ભરતસિંહે 1998 અને 2002ની વિધાનસભાની ચૂંટણી જીતી હતી. એ પછી દાદા ઈશ્વરસિંહ ચાવડા નિવૃત્ત થયા, ત્યારે 2004માં ભરતસિંહ સોલંકી લોકસભાની ચૂંટણી લડ્યા હતા.
ભરતસિંહના પિતા માધવસિંહ સોલંકી લાંબા સમયથી રાજકારણમાં શાંત હતા, પરંતુ 2004માં તેઓ ભરતસિંહના પ્રચાર માટે બહાર આવ્યા હતા.
માધવસિંહ સોલંકીની રણનીતિ અને પ્રચારને કારણે ભરતસિંહ સોલંકી એ ચૂંટણી જીતી ગયા હતા. આ ચૂંટણી અઘરી હતી કારણ કે 1999ની લોકસભા ચૂંટણીમાં ભરતસિંહના દાદા ઈશ્વર ચાવડા હારી ચૂક્યા હતા.
મધ્ય ગુજરાતમાં પાવર અને વિવાદ
એ સમયે ભાજપ મધ્ય ગુજરાતમાં નબળો હતો અને મધ્ય ગુજરાતમાં કૉંગ્રેસને મજબૂત કરવાની રણનીતિના ભાગરૂપે ભરતસિંહ સોલંકીને ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી-એઆઈસીસીમાં સભ્ય બનાવવામાં આવ્યા.
2006માં ભરતસિંહને કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા. 2007ની ચૂંટણીમાં કૉંગ્રેસનો દેખાવ સહેજ સારો થયો હતો અને કૉંગ્રેસ આઠ બેઠકો વધારે જીતી હતી.
વરિષ્ઠ પત્રકાર પ્રકાશ રાવલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "2007ની ચૂંટણી વખતે પણ ભરતસિંહ સોલંકીની કથિત સેક્સ સીડી બહાર પડી હતી, પણ વધારે વિવાદ થયો ન હતો."
"એ પછી કૉંગ્રેસનાં કેટલાંક મહિલા નેતાઓએ એમને વિવાદમાં ઢસડવાનો પ્રયાસ કર્યો હતો. એમનાં પ્રથમ પત્ની ડૉક્ટર રેખા સોલંકીના મામલે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થયો હતો.
ભરતસિંહ સોલંકીનો પ્રમુખપદનો બીજો કાર્યકાળ પણ વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો. એ પ્રમુખ હતા ત્યારે 2016માં કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને હરાવવા શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ટપોટપ રાજીનામાં આપ્યાં હતાં.
રાજ્યસભાની ચૂંટણીમાં હાર
એ વખતે ભરતસિંહ સોલંકીએ ધારાસભ્યોને પહેલાં આણંદના એક રિસોર્ટમાં રાખ્યા હતા અને પછી બૅંગ્લુરુ લઈ ગયા હતા. ભારે મથામણ પછી કૉંગ્રેસ અહેમદ પટેલને રાજ્યસભાની ચૂંટણી જિતાડવામાં સફળ રહી હતી.
2017ની ચૂંટણીમાં કૉંગ્રેસને 77 બેઠક પર જીત મળી હતી અને ભાજપ 99 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.
2020ની રાજ્યસભાની ચૂંટણીમાં ચાર બેઠકો પર પાંચ ઉમેદવાર હતા. ભાજપે ત્રણ અને કૉંગ્રેસે બે ઉમેદવાર જાહેર કર્યા હતા.
ભરતસિંહે ક્રોસ વોટિંગનું આયોજન કર્યું હતું પણ આખરી ઘડીએ ગણતરી ખોટી પડી અને ભાજપના ત્રણ ઉમેદવારની જીત થઈ હતી. અહીં સોલંકી પરિવારની બમણી હાર થઈ કારણ કે એમના કૌટુંબિક ભાઈ અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ હતા.
ભરતસિંહનો રાજકીય દુશ્મનો પર આરોપ
હવે ભરતસિંહ સોલંકી નવા વિવાદમાં ઘેરાયા છે, તેમનાં બીજાં પત્ની રેશમા પટેલે એક વીડિયો વાઇરલ કર્યો છે. જેમાં ભરતસિંહ એક યુવતી સાથે દેખાય છે. જોકે ભરતસિંહે તેમની પત્ની દ્વારા કરાયેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે.
ભરતસિંહ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમનાં પત્ની સાથેના વિવાદનો મામલો હાલ કોર્ટમાં છે. તેઓ કહે છે કે "અમારા છૂટાછેડા અંગે માટે સમાધાનના પ્રયાસ થઈ રહ્યા છે, પણ મારા કેટલાક રાજકીય દુશ્મનો દરેક વખતે ચૂંટણી સમયે આવા મુદ્દાઓને લઈને પ્રચાર કરે છે. હું કોર્ટમાં આ અંગે કાર્યવાહી કરીશ."
ભરતસિંહનું કહેવું છે કે, "આ સંજોગોમાં હું હાલ પૂરતો રાજકીય વિરામ લઈ રહ્યો છું પણ સમાજસેવા છોડી નથી રહ્યો."
આ અંગે અમે ભરતસિંહનાં બીજાં પત્ની રેશ્મા પટેલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમનો સંપર્ક થઈ શક્યો નથી. ભરતસિંહ સોલંકીનાં પ્રથમ પત્ની રેખા સોલંકીએ આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો