You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અટક' ઓળખ મટીને ઊંચનીચ માટેનું જ્ઞાતિગુમાન કઈ રીતે બની ગઈ?
- લેેખક, ચંદુ મહેરિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
દુનિયાના સમૃદ્ધ અને વિકસિત દેશોમાંના એક જાપાનની સરકારે તાજેતરમાં સવાસો વરસ જૂના, લગ્ન પછી દંપતીને એક સમાન અટક અપનાવવાના કાયદામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
એ જ દિવસોમાં ગુણવંતી ગુજરાતના, અમદાવાદ જિલ્લાના સાણંદમાં, 21 વરસના દલિત યુવાનને દરબાર જેવી અટક હોવાના લીધે માર મારવામાં આવ્યો છે. ઈ.સ. 1896માં જાપાને કાયદો કરીને લગ્ન પછી પતિ-પત્નીએ એક સરખી અટક રાખવાનું ઠરાવ્યું હતું.
એક અંદાજ મુજબ જાપાનના 96 ટકા મહિલાઓને લગ્ન પછી પતિની અટક અપનાવવી પડે છે. મહિલા જાગૃતિકરણ અને સમાનતાના આ જમાનામાં સ્ત્રીઓને તે ખટકતું હોઈ તેઓ લાંબા સમયથી આ કાયદો બદલવાની માંગ કરે છે.
જાપાનના વડાપ્રધાને દેશના લોકમત અને પોતાના પક્ષની ઉપરવટ જઈને સ્ત્રીઓની તરફેણમાં કાયદો બદલીને કોઈને લગ્ન પછી અટક બદલવાની જરૂર નથી તેવો નિર્ણય લીધો છે.
ઘરઆંગણે ગુજરાતમાં કોરોના મહામારીની હાડમારીથી રાહત મેળવવા જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાડી ગામનો દલિત યુવાન ભરત જાદવ સાણંદના કારખાનામાં મજૂરી કરવા આવ્યો હતો.
સાણંદ વિસ્તારના દરબારો જેવી જાદવ અટકના કારણે ભરતને દરબારોએ માર મારીને ભગાડી મૂક્યો છે. જાપાનમાં પિત્રુસત્તા અને ગુજરાતમાં જ્ઞાતિસત્તાને કારણે આજકાલ અટક વિવાદમાં છે.
નામ, અટક અને જ્ઞાતિ
ભલે શૅક્સપિયરે કહ્યું હોય કે નામમાં શું બળ્યું છે પરંતુ વર્ણ-વર્ગમાં વહેંચાયેલા- વહેરાયેલા ભારતીય, ખાસ તો હિંદુ સમાજમાં, નામ અને અટક પણ ઉચ્ચાવચતાનું પ્રતીક છે.
હિંદુ શાસ્ત્રોનો આદેશ છે કે બ્રાહ્મણનું નામ મંગલકારી, ક્ષત્રિયનું બળયુક્ત, વૈશ્યનું ધનયુક્ત અને શૂદ્રનું જુગુપ્સાપ્રેરક હોવું જોઈએ. ઊંચી જાતિના બ્રાહ્મણના નામમાં બે દેવના નામ(દા.ત. રામક્રુષ્ણ) અને સામાન્ય બ્રાહ્મણના નામમાં એક દેવ(દા.ત.રામપ્રસાદ) આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઊંચી જાતિના ક્ષત્રિયો પોતાના નામ સાથે "સિંહ" લગાવે અને નીચી જાતિના "જી' લગાવે. ઊંચા મનાતા વૈશ્યોના નામ પાછળ "ચન્દ્ર" અને નીચાની પાછળ "લાલ" લાગે.
ઊંચી જાતિના શૂદ્રોના નામ પાછળ "ભાઈ" લાગે પણ અવર્ણ કે પંચમ વર્ણના લોકોનાં નામો તુંકારે બોલાય તેવા કે માનવાચક શબ્દ વિનાનાં હોવા જોઈએ અને હોય છે.
અટકનો ઉદ્ભવ ક્યારે?
આદિમાનવોની ઓળખ તેમની ટોળી કે શિકારનાં સ્થળો પરથી થતી હતી અને તે કાયમી નહોતી પણ બદલાતી રહેતી હતી. માનવી સમૂહમાં રહેતો થયો, કુટુંબ સંસ્થા અસ્તિત્વમાં આવી તે પછી અટકો અસ્તિત્વમાં આવી હશે.
સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીના મતે, "નામ એ વ્યક્તિગત ઓળખ છે પરંતુ અટક એ જૂથગત ઓળખ છે. આ જૂથ જ્ઞાતિ, ગૌત્ર, કુંટુબ સમૂહ, ગામ કે વ્યવસાયનું સ્વરૂપનું હોઈ શકે".
ઈતિહાસવિદ નરોત્તમ પલાણનું માનવું છે કે "વસ્તી વધારો અને વ્યવહારની ઘનતા વધતાં માણસને અટકની જરૂરિયાત ઊભી થયેલી છે. મોટાભાગે તે ગામ અને વ્યવસાય પરથી આવી છે."
પહેલાં કર્મ મુજબની વર્ણવ્યવસ્થા પછી જન્મગત બની. વ્યક્તિના કામ સાથે પવિત્ર-અપવિત્રના અને ઊંચાં-નીચાં કામોના ખ્યાલો દાખલ થયા. એટલે કર્મ આધારિત વર્ણવ્યવસ્થા જન્મ આધારિત બની અને જ્ઞાતિ પ્રથા જન્મી.
અટક, જ્ઞાતિનો અને જ્ઞાતિઅહંકારનો પર્યાય
મૂળે પશ્ચિમના દેશોમાં જન્મેલી અને વ્યવસાય, વતનગામ, બાપદાદાના નામ પરથી બનેલી અટકો ભારતમાં જ્ઞાતિનો પર્યાય બની ગઈ છે.
ખરી મુશ્કેલી ભરત જાદવ જેવા કિસ્સામાં થાય છે. એવી ઘણી અટકો છે જે કથિત ઊંચી જાતિ અને કથિત નીચી એમ બંનેમાં સમાન હોય છે.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1942માં પ્રકાશિત "ગુજરાતી અટકોના ઈતિહાસ" પુસ્તકમાં વિનોદિની નીલકંઠ રાજપૂતોની જે 24 અટકો નોંધે છે, તેમાંથી અડધોઅડધ અટકો જેવી કે ગોહિલ, ચાવડા, ચૌહાણ, જાદવ, જાડેજા, ઝાલા, ડાભી, પરમાર, રાઠોડ, રાણા, વાઘેલા અને સોલંકી વરસોથી દલિતોની પણ અટકો છે.
જ્ઞાતિગુમાનમાં રાચતા લોકો દલિતોને તેમની આ અટકને કારણે રંજાડે છે તો કેટલાક દલિતો પણ પોતાની જ્ઞાતિ છૂપાવવા આ અટકનો સહારો લે છે.
"જાતિ, વર્ણ, જ્ઞાતિ અને અટક(એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય)"ના સંપાદક મહેન્દ્ર વાળા જુદાજુદા જ્ઞાતિ સમૂહોની એક સમાન અટક સંદર્ભે લખે છે, "એક જ અટકવાળા સમૂહો, જૂથો કે જાતિઓ ભાયાતો હોવા જોઈએ."
પણ આ વાત જ કથિત ઊંચી જાતિઓને ખટકે છે.
તેઓ જ્ઞાતિએ તો ઉચ્ચ થઈ બેઠા છે પણ તેમના જેવી અટક દલિતોની કેમ છે તે વાતે વાંકું પાડે છે.
માર્ટિન મેકવાનનો ગ્રામીણ ગુજરાતમાં પ્રવર્તતી આભડછેટનો અહેવાલ જણાવે છે કે ગુજરાતનાં 64.7 ટકા ગામોમાં દલિતોએ દરબાર પુરુષોને 'બાપુ' અને સ્ત્રીઓને 'બા' કહીને બોલાવવા પડે છે.
મોટી ઉમરના દલિત સ્ત્રી-પુરુષોને પણ નાની ઉંમરનાં દરબાર બાળકોને બા-બાપુના માનાર્થે સંબોધનથી જ બોલાવવાં પડે છે.
હદ તો ત્યારે થાય છે કે ગુજરાત વિધાનસભામાં ક્ષત્રિય મંત્રીઓને અધ્યક્ષ સુધ્ધાં 'બાપુ'નું સંબોધન કરે છે અને શાયદ વિધાનસભાના અધિકૃત રૅકર્ડમાં પણ તે નોંધાતું હશે.
દલિતો કેમ બદલે છે અટકો?
ભારતીય નાગરિકને કેટલાક પ્રતિબંધો સાથે ધર્મપરિવર્તનનો અધિકાર મળેલો છે પરંતુ જ્ઞાતિ બદલી શકાતી નથી. કહેવાતા અસ્પૃશ્યો કે નીચલા વર્ણો અટકો બદલી શકે છે. નામ પણ બદલી શકે છે.
તબીબી કૉલેજોમાં દલિત વિધાર્થીઓને જ્ઞાતિને કારણે ભેદભાવનો ભોગ બનવું પડે છે. તેથી મેડિકલ કૉલેજોના દલિત વિધાર્થીઓ અને ડોકટરો, કૉન્ટ્રેક્ટરો, પ્રાઈવેટ સૅકટરમાં કામ કરવા માગતા અને અન્ય વ્યવસાયિકો પોતાની અટકો બદલે છે.
પંદરેક વરસ પૂર્વે ડૉ.હસમુખ પરમારે દલિતોના અટક બદલવાના વલણનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કર્યો હતો. જે પછીથી "ન ઓળખાવાની નવીન તરાહ-અટક બદલો" પુસ્તકરૂપે પણ પ્રગટ થયો છે.
આ અભ્યાસના સર્વેક્ષણનું તારણ હતું કે 30થી 40 વરસના46.67 ટકા દલિતોએ પોતાની અટકો બદલી હતી.
અટક બદલવાનાં કારણો અસ્પ્રુશ્યતા, અપમાન, અન્યાય, બાળકોનો ઉચ્ચ અભ્યાસ, વ્યવસાય, ધર્મપરિવર્તન અને લઘુતાગ્રંથિ હતાં. જે આજે પણ અકબંધ છે.
જોકે ઉચ્ચ જ્ઞાતિની અટકો ધારણ કરવા છતાં 83.33 ટકા લોકોને તેમના સામાજિક દરજ્જામાં બદલાવ આવ્યાનું લાગ્યું નથી.
સર્વેક્ષણ હેઠળના જે 40 ટકા લોકોએ અટક બદલવાથી લાભ થયાનું જણાવ્યું હતું તેમણે અટક બદલ્યા પછી જ્ઞાતિની ઓળખ ન થયાનો, સારી વર્તણૂંકનો, અન્ય પ્રાંતના ગણી લીધાનો, ખાનગી ક્ષેત્રમાં નોકરી મળ્યાનો લાભ થયાનું જણાવ્યું હતું.
મેડિકલ કૉલેજમાં અભ્યાસ દરમિયાન નામ અટક બદલનાર જાણીતા આંબેડકરી લેખક- કર્મશીલ ડૉ. પારિતોષ શાહે એકવાર કહ્યું હતું કે "આટલાં વરસે હવે ક્યારેક લાગે છે કે મારે મૂળ અટક સાચવી રાખીને સામાજિક સ્વીકૃતિ માટે સંઘર્ષ કરવો જોઈતો હતો."
અમદાવાદની સિવિલ હૉસ્પિટલના મનોરોગવિભાગના નિવૃત વડા અને બી.જે. મેડિકલ કૉલેજના પ્રોફેસર ડૉ. ગણપત વણકરે તેમની જ્ઞાતિ અને વ્યવસાય સૂચક મૂળ 'વણકર' અટક જાળવી રાખી છે. જાણીતા ગાયિકા દિવાળીબહેન ભીલને પણ પોતાની ભીલ અટકની કોઈ નાનમ નહોતી.
જોકે આવડત કે ક્ષમતા પર અટકને હાવી ન થવા દેતાં આવાં ઉદાહરણો બહુ ઓછાં જોવા મળે છે. જાણીતા સમાજશાસ્ત્રી અને ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્રવિભાગના નિવૃત વડા ડૉ. મનુભાઈ મકવાણાએ પોતાની અટક તો જાળવી રાખી છે પરંતુ તેમનાં સંતાનોની અટક બદલાવીને તેમના ગામની સ્મૃતિમાં "શેરડીવાળા" રાખી છે.
પ્રતિબદ્ધ નીરવ પટેલની ઓળખ કાયમ દલિત કવિની જ રહી છે પરંતુ તેમણે નામ અને અટક બદલ્યાં હતાં!
અટકનાબૂદી જ્ઞાતિનાબૂદીની દિશાનું પ્રથમ પગલું
'ગૂજરાત વિદ્યાપીઠ'ના સાર્થ ગુજરાતી જોડણીકોશમાં 'અટક'નો પર્યાય 'અડક' જણાવી તેનો અર્થ "ગોત્ર, ધંધો, કે વતન ઈત્યાદિ બતાવતું નામ જોડે મૂકવામાં આવતું ઉપનામ" એવો દર્શાવ્યો છે.(પ્રુષ્ઠ-૧૩)
લોકબોલીમાં 'શાખ', 'નુખ' અંગ્રેજીમાં 'સરનેમ' અને સંસ્કૃતમાં 'અવટંક' જેવા શબ્દોથી ઓળખાતી અટકનો એક અર્થ સાર્થ જોડણીકોશમાં "નડતર' કે 'અવરોધ' પણ આપ્યો છે. જે દલિતો માટે યથાર્થ છે.
વરિષ્ઠ કર્મશીલ પત્રકાર ઇંદુકુમાર જાની અટકોને "જાતિપ્રથાના પર્યાયરૂપ અને સમાનતાની વિરોધી" ગણે છે.
સ્વામી સચ્ચિદાનંદે દલિતોને "જ્ઞાતિદર્શક ન હોય તેવી અટકો ધારણ કરવા અને અનાદર પેદા કરનારી અટકો ફગાવી દેવા" અપીલ કરી હતી.
કહેવાતી ઉચ્ચજ્ઞાતિઓ માટે ગૌરવ, ગુમાન ,શૌર્ય, અહમ કે ઉચ્ચતા દર્શાવતી અને દલિતો માટે અપમાન, અનાદર, ઘૃણા અને નફરત જન્માવતી જ્ઞાતિસૂચક અટકો નાબૂદ થાય તે જ્ઞાતિનાબૂદીની દિશામાં પ્રથમ પગલું બની શકે.
(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો