નેપાળને ફરીથી હિંદુરાષ્ટ્ર બનાવવાની માગ કેમ ઊઠી રહી છે?

    • લેેખક, વિષ્ણુ પોખરેલ
    • પદ, બીબીસી નેપાળી

અઢી વર્ષ પહેલાં જૂનું રાષ્ટ્રગાન ગાવા બદલ પોલીસે બુટવાલમાં બે યુવકોની ધરપકડ કરી હતી.

પોલીસે તેમની પર 'અશિષ્ટતાના પ્રદર્શન'નો આરોપ મુક્યો હતો. બંને યુવાનોની ધરપકડ બાદ તેમના મિત્રોએ સમગ્ર દેશમાં જૂનું રાષ્ટ્રગાન ગાવા માટે એક અભિયાન શરૂ કરવાની વાત કરી હતી.

આ યુવાનો નેપાળમાં ફરીથી રાજાશાહી સ્થાપવાની માંગણી કરી રહ્યા હતા.

યુવાનોના આ જૂથે રાજા જ્ઞાનેન્દ્ર અને મહારાણી કોમલના ફોટાવાળી ટી-શર્ટ પણ લોકો વચ્ચે વહેંચવાની શરુઆત કરી. ટી-શર્ટ વહેંચતી વખતે યુવાનો જૂનું રાષ્ટ્રગાન પણ ગાઈ રહ્યા હતા.

'વીર ગોરખાલી અભિયાન' આ યુવાનો જૂથનું નામ છે.

કમલ થાપાના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીથી નારાજ થયેલા યુવાનોએ આ અભિયાનની શરૂઆત કરી હતી. ટી-શર્ટ વહેંચવી અને જૂનું રાષ્ટ્રગાન ગાવાથી આગળ નીકળી રાજાશાહીની માગણી કરતું આ અભિયાન હવે વિરોધપ્રદર્શનનમાં ફેરવાઈ ગયું છે.

સમગ્ર દેશમાં તેને લઈને આંદોલનો થઈ રહ્યાં છે. માન્યતા ધરાવતા ન હોય એવા ઘણા રાજકીય દળો આગળ આવીને આ આંદોલનમાં ભાગ લઈ રહ્યાં છે.

ખાસ કરીને મોટાં શહેરોમાં જ્યાં યુવાનો મોટરસાઇકલ રેલી કાઢી રહ્યા છે અને 'રાજા જ આવીને દેશને બચાવશે' એવા નારા લગાવી રહ્યા છે.

લોકો પોતાની પ્રવત્તિઓનો મોટા પાયે સોશિયલ મિડિયામાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.

જોકે આંદોલનનો આકાર લઈ રહેલા આ વિરોધપ્રદર્શનોને લઈને લોકશાહીનું સમર્થન કરતા લોકો કહે છે આ હાલની સરકાર સામે લોકોમાં જે અસંતોષ છે, તેના કારણે આ થઈ રહ્યું છે. તેના કારણે રાજાશાહીની તરફેણ કરનાર લોકોને મોકો મળી ગયો છે.

આંદોલનનું નેતૃત્વ

દેશમાં ઘણી જગ્યાએ વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે, જેનું આયોજન જુદાં-જુદાં જૂથો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વિરોધ પ્રદર્શનનું આયોજન કરનાર લોકોમાં સામેલ સૌરભ ભંડારી અનુસાર હાલમાં જે વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે, તેની શરૂઆત 8 સપ્ટેમ્બરના રોજ 'વીર ગોરખાલી અભિયાન'ના નેજા હેઠળ કરવામાં આવી છે.

તેઓ જણાવે છે કે વહીવટી તંત્ર દ્વારા વિરોધપ્રદર્શન દબાવી દેવાના કારણે પોતાની અપેક્ષા મુજબ આયોજન કરી શક્યા નહીં અને થોડા સમય માટે આંદોલનને અટકાવવું પડ્યું હતું.

જોકે, 30 ઑક્ટોબરનો રોજ બુટવાલમાં મોટરસાઇકલ રેલીના સ્વરૂપે ફરીથી આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી.

કહેવાય છે કે મોટરસાઇકલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જે બાદ ઘણાં બેનરોના નેજા હેઠળ રાજાશાહીની પુન:સ્થાપના માટે વિરોધપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિરોધપ્રદર્શનનું નેતૃત્વ 'રાષ્ટ્રવાદી નાગરિક સમાજ', 'નેપાળ વિદ્વત પરિષદ', 'સ્વતંત્ર દેશભક્ત નેપાળી નાગરિક', 'પશ્ચિમાંચલબાસી નેપાળી જનતા', 'નેપાળ રાષ્ટ્રવાદી સમૂહ', 'રાષ્ટ્રીય શક્તિ નેપાળ', '2047 સંવિધાન પુનઃસ્થાપના' જેવાં સંગઠનો કરી રહ્યાં છે.

જોકે સૌરભ ભંડારી કહે છે કે 'વીર ગોરખાલી અભિયાન' થકી જે યુવાનોને ભેગા કરવામાં આવી રહ્યા છે, તેઓ આ બધાં સંગઠનોના વિરોધપ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે.

કાઠમાંડુમાં શનિવારે રાષ્ટ્રીય નાગરિક આંદોલન દ્વારા વિરોધપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા સંગઠને દેશના બીજા ભાગમાં આ પ્રકારનું આયોજન કર્યું હતું.

કોરોના વાઇરસની મહામારીને લઈને નેપાળની સરકારે આ વિરોધપ્રદર્શન સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. પરંતુ સરકારની ચેતવણીને અવગણીને દેશના ઘણા ભાગોમાં મોટરસાઇકલ રેલી અને વિરોધપ્રદર્શનો કરાઈ રહ્યાં છે.

પ્રદર્શન કરનારા લોકોનું કહેવું છે કે કોઈ એક વ્યક્તિ અથવા કોઈ શક્તિ આ આંદોલનને ચલાવી રહી નથી. રાષ્ટ્રીય નાગિરક આંદોલનના કો-ઑર્ડિનેટર બાલકૃષ્ણ ન્યૌપાને કહે છે, "આ લોકો દ્વારા શરૂ કરવામાં આવેલ તાત્કાલિક આંદોલન છે. આમાં કોઈ નેતા નથી. આવતી કાલે લોકો આ આંદોલનના નેતૃત્વ અંગે નિર્ણય કરશે."

પત્રકાર અને લેખક યુવરાજ ગૌતમ નેપાળમાં રાજાશાહીની જરૂરિયાતની તરફેણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, આ આંદોલનમાં કોઈ નેતા નથી પરતું બધાની નીતિ એક છે અને એટલા માટે કોઈ નેતા જરૂર નીકળશે.

આંદોલનકારીઓની માગણી

આંદોલનમાં ભાગ લેનાર લોકો મુખ્યત્વે જૂનું સંવિધાન ફરીથી લાગુ કરવાની માંગણી કરી રહ્યા છે. આંદોલનમાં સામેલ બધા પક્ષો રાજાશાહીને લઈને એકમત છે પરંતુ હિંદુ રાષ્ટ્રને લઈને તેમના મત જુદા-જુદા છે.

અમુક જૂથો બિનસાંપ્રદાયિક હિંદુ રાષ્ટ્રની માંગણી કરી રહ્યાં છે, જ્યારે બીજાં જૂથો હિંદુ સામ્રાજ્યની સ્થાપના કરવા માગે છે. પ્રદર્શનમાં સામેલ વર્લ્ડ હિંદુ ફેડેરેશન હિંદુ સામ્રાજ્યની માંગણી કરી રહ્યું છે.

વર્લ્ડ હિંદુ ફેડેરેશનના ઇન્ટરનૅશનલ કમિટીનાં મહામંત્રી અસ્મિતા ભંડારી કહે છે, "અમને હિંદુ સામ્રાજ્ય પર ભરોસો છે. અને એટલા માટે અમે આ આંદોલનનું સમર્થન કરી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે."

રાજાશાહીની માંગણી કેમ કરી રહ્યા છે?

પત્રકાર યુવરાજ ગૌતમ કહે છે કે રાજકીય પક્ષો દેશને બરબાદ કરી રહ્યા છે. જે લોકો એક મજબૂત રાષ્ટ્રવાદની તરફેણ કરી રહ્યા છે તેઓ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. તેઓ એક સશ્ક્ત વિકલ્પ શોધી રહ્યા છે.

તેઓ કહે છે કે નેપાળના યુવાનો એ વાતથી ઘણા નારાજ છે કે રાષ્ટ્રહિતના નામે નેપાળ વિદેશીઓ અને નેતાઓના હાથની કઠપૂતળી બની રહ્યું છે.

બીજી બાજુ કૃષ્ણ ખનાલ જેવી વ્યક્તિઓ લોકશાહીની તરફેણ કરી રહી છે.

તેઓ કહે છે કે "હાલની સરકારની કામ કરવાની પદ્ધતિ કારણે યુવાનોમાં આ આંદોલન પ્રત્યેનું આકર્ષણ વધી રહ્યું છે. તેઓ કહે છે કે સરકાર લોકોની અપેક્ષા પ્રમાણે કામ કરી શકી નથી".

તેઓ કહે છે, "સરકારની નિષ્ફળતા અને સોશિયલ મિડિયાના વધતા પ્રભાવના કારણે આ આંદોલન આગળ વધી રહ્યું છે."

રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી પર શંકા વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે "આ આંદોલન પાછળ પક્ષનો હાથ છે. તેઓ કહે છે કે એવું લાગે છે કે પ્રજાતંત્ર પાર્ટી કંઈ ખાસ અસર ઊભી કરવામાં સફળ થઈ નથી અને સિવિલ મૂવમૅન્ટ થકી આ કરવાનું પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."

જોકે પ્રદર્શન કરી રહેલા લોકો આ આરોપોને નકારી કાઢે છે.

નન્યૌપાને કહે છે, "રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના કારણે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે અને રાજાશાહી ખતમ કરવામાં આ પાર્ટીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. "

"અમે કહ્યું છે કે દરેક વ્યક્તિની મિલકતની તપાસ થવી જોઈએ. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના નેતાઓની મિલકતની પણ તપાસ થવી જોઈએ."

ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્રના અંગત સચિવ સાગર તિમિલસિનીયા સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે રાજાશાહી માટે આખા દેશમાં ચાલી રહેલા આંદોલન પાછળ રાજાની કોઈ ભૂમિકા નથી.

તેઓ કહે છે, "અમારે કોઈ લેવાદેવા નથી, પરતું અમે આંદોલન પર નજર રાખી રહ્યા છીએ."

બીજાં કારણો

આ આંદોલન અત્યારે મોટું થઈ રહ્યું છે, તેની પાછળ બીજાં પણ કારણો છે. બીબીસીને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂ દરમિયાન ઈતિહાસકાર મહેશ રાજ પંતે કહ્યું હતું કે નેપાળમાં પહેલી વખત મંદિરોમાં પૂજા બંધ કરવામાં આવી છે.

કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને લઈ નેપાળ સરકારે મંદિરોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે પ્રખ્યાત પશુપતિનાથ મંદિર બંધ કરવાના નિર્ણયથી હિંદુઓ ધણા નારાજ થયા છે.

આ લોકો હવે પ્રદર્શનમાં સામેલ થઈ રહ્યા છે અને રાજાશાહીની માંગણી કરી રહ્યા છે.

સૂત્રો અનુસાર જનકપુરમાં 26 નવેમ્બરના રોજ નેપાળ નૅશનલિસ્ટ ગ્રૂપ દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેનું આયોજન મંદિરના પુજારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ હિંદુ ફેડેરેશનનાં અસ્મિતા ભંડારી કહે છે, "ઘણાં ધાર્મિક સંગઠનો આ આંદોલનમાં ભાગ લઈ રહ્યાં છે કારણકે નેપાળની સંસ્કૃતિ બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."

સરકાર શું કહે છે?

આખા દેશમાં જે વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે, તેને લઈને ગૃહમંત્રાલયનું કહેવું છે કે આ કાર્યક્રમો માટે સ્થાનિક વહીવટ પાસેથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી.

કોરોના વાઈરસનું કારણ આગળ ધરીને ગૃહમંત્રાલયે આ અઠવાડિયે બધા કાર્યક્રમોને બંધ કરવા માટે જણાવ્યું છે.

મંત્રાલયના પ્રવક્તા ચક્ર બહાદુર બુઢા કહે છે, જો વિરોધપ્રદર્શન બંધ નહીં થાય તો પ્રદર્શન કરનાર લોકો સામે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

સત્તાધારી પક્ષે કહ્યું કે લોકશાહી, સંઘવાદ અને બિનસાંપ્રદાયિકતાનો વિરોધ કરી રહેલ આ આંદોલન ક્યારેય સફળ નહીં થાય. તેઓ આને પ્રતિકારવાદીઓ દ્વારા દિવાસ્વપ્ન જોવા જેવું ગણાવી રહ્યા છે.

સત્તાધારી નેપાલ કૉમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી)ના પ્રવક્તા નારાયણકાજી શ્રેષ્ઠે અઠવાડિયાની શરુઆતમાં કહ્યું હતું કે પ્રતિગામી શક્તિઓ ફરીથી સફળ થવાની અપેક્ષા ન રાખે.

તેઓ કહે છે, "અમે લોકશાહીને મજબૂત કરવાની દિશામાં આવનાર દરેક બાધાની સમીક્ષા કરીને આગળ વધી રહ્યા છીએ. પરંતુ પ્રતિગામી શક્તિઓએ ફરીથી સ્થાપિત થવાનો વિચાર ન કરવો જોઇએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો