ગોંડલ : જ્યારે દીકરો વેચી બીજે પરણી જનાર લૂંટેરી દુલહન સામે પતિએ જીત્યો જંગ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'હું અભણ અને મજૂર માણસ એટલે મને કોઈ છોકરી આપતું નહીં, અમારા ગામના એક બહેનની મદદથી મારા લગ્ન થયાં. લગ્ન માટે મેં દેવું કરી ખાનગીમાં મારા સાળાને પૈસા આપ્યા. દીકરો જન્મ્યો, મારી પત્નીની પૈસાની માગ વધી ગઈ એક દિવસ દીકરો લઈને ભાગી ગઈ, પૈસા માટે એણે દીકરો વેચી માર્યો અને બીજે પરણી ગઈ. દીકરો પાછો મેળવવા ઘણા ધમપછાડા કર્યા છેવટે કોર્ટની મદદથી મને મારો દીકરો મળ્યો.' આ શબ્દો છે બે ચોપડી ભણેલા અજય ધરજીયાના.

ગોંડલના નિવાસી અજય ધરજીયાની કહાણી હચમચાવી દેનારી છે.

અદાલતમાં નાના બાળકની કસ્ટડી સામાન્ય રીતે માતાને આપવામાં આવતી હોય છે પણ આ કેસમાં વેચી દેવાયેલો દીકરો શોધીને પિતાને સોંપવામાં આવ્યો છે અને પુત્રને વેચી દેનાર માતા સામે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે.

ગામમાં મજાકનું સાધન

અજય ધરજીયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે હું માત્ર બે ચોપડી ભણેલો છું અને રાજકોટમાં એક કારખાનામાં કામ કરું છું. મારી આવક વધારે નહોતી અને ભણેલો ન હતો એટલે મારા લગ્ન થતા નહોતા. મારા મોટા અને નાના ભાઈના લગ્ન થઈ ગયા હતા.

તેઓ કહે છે "હું 32 વર્ષનો થઈ ગયો પણ મારા લગ્ન થતા ન હતા. હું ગામમાં મજાકનું સાધન બની ગયો હતો. એવામાં મારા ભાભીના પાડોશી રમાબહેન વ્યાસ રહેતા હતા એમનાં દીકરાના લગ્ન મહારાષ્ટ્રની એક છોકરી સાથે થયા હતા અને એ લોકોનાં લગ્ન કરાવતાં હતાં. મારાં ભાભી મીનાબહેને એમને વાત કરી અને રમાબહેને મારા લગ્ન કરાવી આપવાનું નક્કી કર્યું."

અજય કહે છે કે રમાબહેને મને મહારાષ્ટ્રની એક છોકરી પૂજા દેખાડી અને મેં લગ્નની હા પાડી. 2018ની 16મી જાન્યુઆરીએ પૂજા સાથે લગ્ન થયાં.

અજયના કહેવા મુજબ લગ્ન વખતે એમના સાળા સોનુ તથા ઓળખીતા 2 લાખ 40 હાજરની માગણી કરી હતી. આ પૈસા એમણે બચત અને દોસ્તો પાસથી ઉધારી કરીને ચૂકવ્યા હતા અને એ પછી એમના લગ્ન થયાં.

અજય કહે છે,"લગ્નની શરૂઆત સારી હતી મેં પૂજાને કહ્યું કે લગ્ન માટે તારા ભાઈને પૈસા આપ્યા છે એ દેવું પૂરું કરવા મારે વધારે કામ કરવું પડશે."

"એ સહમત પણ થઈ હું ઑવરટાઈમ કરતો અને દેવું ચૂકવતો. આ અરસામાં પૂજાનો ભાઈ સોનુ વારંવાર અમારા ઘરે આવતો અને પૂજા પાસેથી ખાનગીમાં પૈસા લઈ જતો."

"અમને એક દીકરો થયો. એ પછી પૂજાની પૈસાની માગણીઓ વધી ગઈ. એનો ભાઈ પણ હવે અવારનવાર મારી પાસે પૈસા માગતો હતો. દીકરો જન્મ્યો એના 25 હજાર માગ્યા. મારા માથે દેવું હતું એટલે મેં પૈસા ન આપ્યા."

અને પૂજા દીકરો લઈને ભાગી ગઈ...

અજય કહે છે "મે પૈસા ન આપ્યા ત્યારે સોનુએ ધમકી આપી કે એ એની બહેન પૂજાને લઈ જશે. હું આ વાત માનતો ન હતો પણ થયું એવું જ. 7મી ડિસેમ્બર 2019ના દિવસે હું મજૂરીએ રાજકોટ ગયો હતો ત્યારે સોનુ, પૂજા અને મારા દીકરા ને લઈને જતો રહ્યો."

"મેં તપાસ કરી પણ મને કોઈ ભાળ ના મળી, એટલે મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી. પછી મને ખબર પડી કે પૂજાએ મારા દીકરાને વેચી મારી બીજા લગ્ન કરી લીધાં હતાં."

પૂજાએ દીકરો વેચીને બીજે લગ્ન કરી લીધાં હોવાની જાણ થયા પછી અજય ધરજીયાએ દીકરો પાછો અપાવવા માટે દોસ્તોની સલાહ પર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

અજયના વકીલ નિશીત ગાંધીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આમ તો આ કેસ અઘરો હતો કારણ કે અજયને શંકા હતી કે એનો દીકરો વેચાઈ ગયો છે, પણ પુરાવો કોઈ હતો નહીં. આ માણસ પુરાવા લઈ આવ્યો જેના આધારે અમે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ પિટિશન દાખલ કરી."

વકીલ કહે છે કે, સળંગ આઠ મહિના ચાલેલી દલીલો બાદ કોર્ટે ગોંડલ પોલીસને અજયની પત્ની અને બાળકને શોધી કોર્ટમાં રજૂ કરવા ફરમાન કર્યું. પોલીસે પૂજા અને એના ભાઈને શોધી કાઢ્યાં અને તામિલનાડુમાં વેચાયેલા આ બાળકને પણ શોધી કાઢ્યું.

અદાલતે રેર કેસ ગણ્યો

વકીલ નિશીત ગાંધી કહે છે કે, "માતાએ બાળકને વેચીને બીજા લગ્ન કર્યાં હોવાની વાત બહાર આવી ત્યારે કોર્ટે આ કેસને રેર કેસ ગણ્યો અને જસ્ટિસ આર. એમ. છાયાએ બાળકનો કબજો પિતાને સોંપવાનો આદેશ કર્યો, નહીંતર સામાન્ય સંજોગોમાં બે વર્ષના બાળકની કસ્ટડી માતાને અપાતી હોય છે."

આ અંગે રાજકોટના એસ.પી. બલરામ મીણાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ અંગે ગોંડલમાં એક ગુનો નોંધાયો હતો અને કોર્ટના આદેશ બાદ પોલીસની ટીમે હ્યુમન અને ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવ્યું હતું.

સોનુ અને પૂજા ભાઈ બહેન જ નથી

રાજકોટના એસ.પી. બલરામ મીણા કહે છે કે "અજયે આપેલા સોનુ અને રઝિયાનાં મોબાઇલ નંબરને સર્વેલન્સમાં રાખી તપાસ કરતા સોનુ મુંબઈમાં હોવાની માહિતી મળી. અમારી ટીમ મુંબઈ ગઈ અને ત્યાંથી સોનુને પકડી પાડ્યો હતો ત્યારે અમને ખબર પડી કે સોનુ પૂજાનો ભાઈ નથી."

"સોનુએ જ પૂજાનાં દીકરાને માત્ર 40 હજારમાં તામિલનાડુમાં વેચી દીધો હતો અને પૂજાનાં બીજા લગ્ન અઢી લાખ રૂપિયા લઈને કરાવી દીધા હતાં."

પોલીસે બાળક અને માતા તથા સોનુ અને એના સાગરિતોને કસ્ટડીમાં લઈ હાઈકોર્ટમાં રજૂ કર્યાં.

હાઈકોર્ટે બાળકને પૈસા માટે વેચી મારનાર માતા પાસેથી બાળકને લઈ પિતાને સોંપવાનો આદેશ કર્યો.

પોલીસ કહે છે કે, પૈસા માટે બાળક વેચી બીજા લગ્ન કરનાર પૂજા સામે કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામના કોરોના ટેસ્ટ કરાવી પોલીસ કસ્ટડીમાં લીધા છે.

પોલીસ હવે પૂજા અને સોનુએ આવી રીતે પૈસા લઈ કેટલાં લોકો સાથે લગ્ન કર્યાં છે અને એમની ટોળકીમાં કોણ-કોણ સામેલ છે એની તપાસ કરી રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો