ગુજરાત : મૃતદેહના ટુકડા પર મળી આવેલ છૂંદણાએ મા-દીકરીની હત્યાનું રહસ્ય ખોલ્યું

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • બે લાશના 21 ટુકડા કર્યા પણ લાશના હાથના ટુકડા ઉપર કરાવેલા છૂંદણાએ ક્રૂર હત્યાને ઉજાગર કરી
  • SRP જવાન પત્ની અને લકવાગ્રસ્ત દીકરીની હત્યા કરી પછી 21 ટુકડા કરી કૂવામાં ફેંકી દેવાનો દોષિત
  • છૂંદણાના આધારે મૃતદેહની ઓળખ કરવા માટે પોલીસે પત્રિકા છપાવી અને આસપાસનાં ગામોમાં વહેંચી
  • મોડાસાની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી, બે અન્ય આરોપીને શંકાના આધારે છોડી મૂક્યા
  • પીએમ રિપોર્ટ, આરોપીના કપડાં, મૃતકનાં કપડાં, ઘટનાસ્થળની ટાઇલ્સ પરથી લોહીના પુરાવા મળી આવ્યા હતા

"મારી બહેન અને ભાણીના 21 ટુકડા કરીને હત્યા કરવામાં આવી હતી. મારી બહેને તેના હાથ પર H.B એ અક્ષરનું છૂંદણું કરાવ્યું હતું. મારી બહેને મેળામાં છૂંદણું કરાવ્યું હતું ત્યારે હું પણ તેની સાથે જ હતી. જેના આધારે મારી બહેનની લાશની ઓળખ થઈ. તેની હત્યા એટલી ક્રૂરતાપૂર્વક કરવામાં આવી હતી કે, તેનો ચહેરો પણ ઓળખી શકાય તેમ ન હતો."

આ શબ્દો દક્ષાબહેનના છે. આજથી 10 વર્ષ પહેલાં તેમની બહેન અને ભાણીની હત્યા કરી તેમના 21 ટુકડા કરી, બંનેની લાશને કૂવામાં ફેંકી દેવામાં આવી હતી.

અદાલતે આ બંનેની હત્યા માટે દક્ષાબહેનના બનેવીને જ દોષિત ઠેરવ્યા છે.

તેમનાં બહેનના હાથ ઉપર કરાવેલા એક છૂંદણાથી આ હત્યાકાંડ પરથી પરદો હઠાવાયો હતો.

આ કેસમાં મોડાસાની સેશન્સ કોર્ટના મુખ્ય સેસન્સ જજ એચ. સી. વોરાએ તા.9 જાન્યુઆરી 2023ના રોજ IPCની કલમ 302 અને 201 અંતર્ગત આરોપી અરવિંદ ડામોરને આજીવન કેદ અને 5 વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી. જ્યારે અન્ય આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા.

પ્લાસ્ટિકના બૅરલમાં માનવઅંગો

10 વર્ષ પહેલાં ફેબ્રુઆરી 2013માં પોલીસને, સાબરકાંઠાના ભિલોડા તાલુકાના શંકરપુરા ગામની સીમમાં માંકડી ડૅમ વિસ્તાર સ્થિત એક કૂવામાંથી પ્લાસ્ટિકનું બૅરલ મળી આવ્યું હતું. પોલીસે તપાસ કરી તો આ બૅરલની અંદરથી ટુકડા કરેલા 21 માનવઅંગો મળ્યા.

જોકે, પોલીસને પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું કે આ માનવઅંગો બે મહિલાઓનાં હતાં. એક બાળકી અને એક સ્ત્રીના માનવઅંગ હોવાનું સામે આવતા પોલીસે આ બે લાશની ઓળખની પ્રક્રિયા શરૂ કરી. પણ લાશ એટલી ખરાબ હાલતમાં હતી કે તેને ઓળખવી શક્ય ન હતી.

આ બે મૃતદેહ પૈકી એક મહિલાના મૃતદેહના કપાયેલા હાથ ઉપર અંગ્રેજીમાં "HP" એવા બે અક્ષરનું છૂંદણું હતું. બસ, આ એક છૂંદણાના આધારે લાશની ઓળખ કરવા માટે પોલીસે પત્રિકા છપાવી અને સમગ્ર વિસ્તાર અને આસપાસનાં ગામોમાં વહેંચી. આ એક પત્રિકામાં છૂંદણાના ઉલ્લેખથી એક મહિલાએ બંને લાશની ઓળખ કરી અને હત્યા પરથી પડદો ખૂલવાનું શરૂ થયું.

છૂંદણાની તપાસ અને હત્યારાની ઓળખ

છૂંદણાના આધારે આ બંને મૃતદેહોની ઓળખ મૃતકનાં બહેન દક્ષાએ કરી હતી. આ લાશ પૈકી એક લાશ હસુમતીબહેન અને બીજી તેમનાં 7 વર્ષનાં પુત્રી રેખાની હતી. આ બંનેની હત્યા બાદ તેના 21 ટુકડા કરી બૅરલમાં ભરવા માટે અદાલતમાં તેના પતિ અને SRP જવાન અરવિંદ ડામોરે પર આરોપ પુરવાર થયો હતો.

અદાલતમાં ચાલેલી સુનાવણી મુજબ SRP જવાને ગાંધીનગરના સરકારી સ્ટાફ ક્વાર્ટરમાં પત્ની અને દીકરીની હત્યા કરી તેમના ટુકડા કરી તેને પ્લાસ્ટિકના બૅરલમાં ભરી સાબરકાંઠાના એક ગામના કૂવામાં નાંખી દીધા હતા.

પોલીસ તપાસ અનુસાર આરોપીએ બે લગ્ન કર્યાં હતાં. પહેલી પત્નીથી તેમને એક પુત્ર હતો. એ પુત્રના લગ્નમાં જવા માટે તેમની પહેલી પત્નીએ આગ્રહ કર્યો હતો. આ મુદ્દે જ હસુમતીબહેન અને અરવિંદભાઈ વચ્ચે કલહ થયો હતો.

આ કંકાસમાં આરોપીએ પત્ની અને દીકરીની હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે અરવિંદ ડામોર સહિત અન્ય બે આરોપીઓ સામે IPCની કલમ 302 સહિત અન્ય કલમ સાથે ફરિયાદ નોંધી હતી.

પ્રેમલગ્નનો કરૂણ અંજામ

મૃતકનાં બહેન દક્ષાબહેન ભગોરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "મારા બનેવીએ હત્યા બાદ લાશને પ્લાસ્ટિકના બૅરલમાં ભરીને ઘરવખરીના સામાન સાથે ગાંધીનગરથી વાંકાનેર લઈ આવ્યો હતો. બીજા દિવસે તેણે મૃતદેહને ડૅમમાં ફેંકી દીધો. આ કર્યા બાદ તેને કોઈપણ પ્રકારનો અપરાધ ભાવ પણ ન હતો. હત્યા બાદ તે પોતાના પુત્રના લગનમાં ગયો અને ઉજવણી કરી હતી."

દક્ષાબહેન આગળ ઉમેરે છે, "મારી બહેને અરવિંદ સાથે પ્રેમલગ્ન કર્યું હતું. અરવિંદ પહેલેથી જ પરણિત હતો. તેને પહેલી પત્નીથી ત્રણ બાળકો હતાં. મારી બહેનને લગ્ન બાદ બે દીકરીઓ હતી. અરવિંદ ડામોરની પહેલી પત્ની ગામડે રહેતી હતી અને મારી બહેન ગાંધીનગર શહેરમાં રહેતી હતી.”

અરવિંદ ડામોરની પહેલી પત્નીના દીકરાનું લગ્ન હતું. જે લગ્નમાં મારી બહેન જવાં માગતી હતી, પણ તે મારી બહેનને લગનમાં લઈ જવા માગતો નહતો. જેથી બંને વચ્ચે તકરાર થઈ હતી. અરવિંદે ગુસ્સામાં મારી બહેન અને ભાણીની હત્યા કરી તેના 21 ટુકડા કરી નાખ્યા. બંનેના ટુકડા બૅરલમાં ભરીને ગામડે લઈને આવ્યો."

તેમણે વધુમાં જણાવ્યું, "સામાન્ય રીતે મારી બહેન સાથે મારી વાત કાયમી થતી હતી. પરંતુ ચાર-પાંચ દિવસથી તેનો ફોન નહોતો આવ્યો. ફોનમાં રિંગ વાગતી હતી પરંતુ તે મારો ફોન ઉપાડતી નહોતી. જેથી મેં લગ્નમાં જઈને અરવિંદને પૂછ્યું કે, મારી બહેન કેમ ફોન નથી ઉપાડતી?

હત્યાના દિવસે શું થયું હતું?

મૃતક હસુમતી અને આરોપી અરવિંદભાઈ ડામોરની દીકરી રેખા ડામોરે બીબીસી ગુજરાતી સાથે હત્યાના દિવસે શું બન્યું હતું એ અંગે વાત કરી.

તેમણે કહ્યું, "મને એ યાદ છે કે, જે દિવસે મારાં માતા અને બહેનની હત્યા થઈ હતી તે દિવસે હું શાળાએ ગઈ હતી. હું શાળાએ પરત આવી, તો મારા પિતાએ મને ઘરમાં જવા નહોતી દીધી. તેમણે બહારથી જ મને ચૉકલેટ લેવા માટે પૈસા આપીને દુકાને મોકલી દીધી. પછી અમે ટેમ્પામાં સમાન ભરીને ગામડે જવાં નીકળ્યાં. અમે ગામડે જઈ રહ્યા હતા ત્યારે મારાં મમ્મી અને મારી બહેન અમારી સાથે ન હતાં. આ અંગે મેં પિતાને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે મારી નાની બહેન બીમાર છે એટલે મમ્મી બહેનને લઈને દવાખાને ગયાં છે."

તેમણે વધુમાં જણાવ્યું, "લગ્નમાં ગામડે મારાં મમ્મી આવી નહોતી. લગ્ન બાદ હું અને મારાં માસી મારા પપ્પા સાથે ગાંધીનગર આવ્યાં હતાં. ત્યારબાદ અમને ખબર પડી કે, મારાં મમ્મી અને બહેનની હત્યા થઈ ગઈ છે.“

માતાને યાદ કરતાં તેમણે કહ્યું, "હું નાની હતી અને શાળાથી આવું ત્યારે મમ્મી જ મારા કપડાં બદલી મને ખવડાવતાં હતાં, વ્હાલ કરતાં હતાં. એ ક્ષણ હું ક્યારે ભૂલી શકતી નથી. મારાં માતા સાથેની એ ક્ષણ હું હંમેશાં મિસ કરું છું.

ખોટો જવાબ અને ભાંડો ફૂટ્યો

દક્ષાબહેને આગળ ઉમેરતાં કહ્યું, “અરવિંદે મને જવાબ આપ્યો હતો કે, હસુમતી લકવાગ્રસ્ત નાની દીકરીને લઈને હૉસ્પિટલ ગઈ છે. થોડાક દિવસ અમે લગ્નમાં સાથે હતા. હું તેને વારંવાર પૂછતી કે, મારી બહેન ફોન કેમ નથી ઉપાડતી? પરંતુ તે હંમેશાં ખોટો જવાબ આપતો."

"આ સમયે અમારા ગામની નજીક ડૅમમાંથી લાશ મળી, પણ તેની ઓળખ થતી ન હતી. ત્યારબાદ પોલીસે એક પત્રિકા ફરતી કરી જેમાં લાશના છૂંદણા અંગે લખ્યું હતું. એ પરથી હું મારી બહેનને ઓળખી ગઈ."

દક્ષાબહેને વધુમાં કહ્યું કે, "તેમની બહેનની લાશ મળી એ જ દિવસથી તેમણે નક્કી કર્યું હતું કે, બહેનને ન્યાય અપાવશે. બહેનના મૃત્યુ બાદ બીજી દીકરી રેખા તેમની સાથે જ રહે છે. તેઓ તેને ખુદની દીકરી જ ગણે છે."

પોલીસ તપાસમાં શું સામે આવ્યું?

આ કેસના સરકારી વકીલ દિનેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "લાશમાંથી દુર્ગંધ આવતા બૅરલ બહાર કાઢવામાં આવ્યું હતું. બિનવારસી લાશ હોવાને કારણે પોલીસે પત્રિકા છપાવી હતી. મૃતક હસુમતીના હાથ પર છૂંદણું હતું."

"છૂંદણાને આધારે મૃતકનાં બહેન દક્ષાએ તેમની બહેન અને ભાણીની લાશને ઓળખી હતી. તપાસમાં પુરાવાની તમામ કડીઓ મળી આવી હતી તેમજ હત્યા માટે વાપરવામાં આવેલો છરો રિકવર કરવામાં આવ્યો હતો.”

તેમણે વધુમાં જણાવ્યું, " સાંયોગિક પુરાવાનો કેસ હોવાથી તમામ પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. FSL સ્થળ પરીક્ષણ અહેવાલ, પીએમ રિપોર્ટ, આરોપીના કપડાં, મૃતકનાં કપડાં, ઘટનાસ્થળની ટાઇલ્સ પરથી લોહીના પુરાવા મળી આવ્યા હતા. તેમજ મૃતકનાં બહેન તેમજ દીકરીની પુરાવાને સમર્થન કરતી જુબાની પણ હતી."

"આ બધાના આધારે મુખ્ય સેશન્સ કોર્ટના મુખ્ય જજ એચ. સી. વોરાએ આરોપી અરવિંદ ડામોરને આજીવન કેદની સજા ફટકારી હતી. મદદગાર આરોપી નીતિન કુમાર ઉર્ફે પીન્ટુ ડામોર અને જયંતીભાઈ ભુરજીભાઈ મેનાતને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા છે.”