નેપાળ દુર્ઘટના : 'મુસાફરો જીવિત હોવાની શક્યતા ઓછી', પ્લેન કેવી રીતે ક્રૅશ થયું?

  • નેપાળના પોખરામાં 72 સીટવાળું વિમાન દુર્ઘટનાગ્રસ્ત
  • વિમાને કાઠમંડુથી રાત્રે 10:32 વાગ્યે ઉડાન ભરી હતી
  • યતી ઍરલાઈન્સનું આ વિમાન જૂના ઍરપૉર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ વચ્ચે ક્રૅશ થયું
  • વિમાનમાં પાંચ ભારતીયો હતા
  • 72 સીટવાળા વિમાનમાં 68 મુસાફર અને ચાલકદળના ચાર સભ્યો સવાર હતા
  • નેપાલ સરકારે દુર્ઘટનાની તપાસ માટે એક કમિશન નીમ્યું

નેપાળમાં યતી ઍરલાઈન્સનું વિમાન જૂના ઍરપૉર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ વચ્ચે ક્રૅશ થયું હતું અને તેમાં અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળ્યા છે.

પોલીસનું કહેવું છે કે, “નેપાળમાં દાયકાઓમાં થયેલી આ સૌથી ભયાનક હવાઈ દુર્ઘટના છે, જેમાં કોઈ પણ મુસાફર જીવિત હોવાની અપેક્ષા ઓછી છે.”

પ્રવક્તા ટેક પ્રસાદરાયે બીબીસીને કહ્યું હતું કે, “કોઈ જીવિત રહે તેવી શક્યતા ઓછી છે. ટીમ ઘટનાસ્થળ પર મૃતદેહોના અવશેષો શોધી રહી છે.”

મોબાઇલ ફોનના ફૂટેજમાં યેતી ઍરલાઈન્સનું વિમાન ઍરપૉર્ટની નજીક આવતા જ ઝડપથી ટર્ન લેતું જોવા મળ્યું હતું. આ પછી તે ઍરપૉર્ટથી માત્ર એક કિલોમીટર દૂર સેતી નદીના પડ્યું હતું.

ચિરંજીવી પોડેલે (જેમના પત્રકાર ભાઈ ત્રિભુવન વિમાનમાં સવાર હતા) કહ્યું હતું કે, “નેપાળમાં ઉડ્ડયન સુરક્ષા સુધારવા માટે પગલાં લેવાં જોઈએ.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ઍરલાઇન્સને સજા થવી જોઈએ અને સરકારની નિયમનકારી સંસ્થાને પણ જવાબદાર ઠેરવવી જોઈએ.”

નવા બનેલા પોખરા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટની નજીક વિમાન આવ્યું હતું, જેનું આ વર્ષની શરૂઆતમાં ઉદ્ધાટન થયું હતું.

પ્રવક્તા જગન્નાથ નિરૌલાના જણાવ્યા અનુસાર, પ્લેનમાં ચાર ક્રૂ મેમ્બર સહિત 68 મુસાફરો હતા.

તેમણે કહ્યું કે મુસાફરોમાં 53 નેપાળી અને 5 ભારતીયો હતા.

તે સિવાય રશિયાના 4 મુસાફરો, કોરિયાના 2 મુસાફરો, આયર્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને ફ્રાન્સના એક-એક મુસાફરો હતા.

તેમણે બીબીસીને માહિતી આપી હતી કે બચાવકાર્ય હજુ ચાલુ છે.

દરમિયાન નેપાલ સરકારે પોખરા નજીક થયેલ વિમાનદુર્ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોનું કમિશન રચ્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર વડા પ્રધાન પુષ્પ કમલ દહાલ ‘પ્રચંડ’એ મંત્રીપરિષદની એક ઇમર્જન્સી મિટિંગમાં તપાસપંચ રચવાનો નિર્ણય લીધો.

અકસ્માત બાદ નેપાળમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે, જે આ પ્રમાણે છે:

કાઠમંડુ-દિવાકર શર્મા:+977-9851107021

પોખરા - લેફ્ટનન્ટ કર્નલ શશાંક ત્રિપાઠી: +977-9856037699

દૂતાવાસનું કહેવું છે કે તેઓ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

બચાવ કામગીરી ચાલુ

પોખરા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના એક અધિકારીએ જણાવ્યું કે પ્લેનને લેન્ડ થવામાં માત્ર 10થી 20 સેકન્ડનો સમય બાકી હતો.

તેમણે બીબીસીને કહ્યું, "દુર્ઘટના બાદ નવા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ અને જૂના ડૉમેસ્ટિક ઍરપૉર્ટને બંધ કરી દેવામાં આવ્યાં છે. ઍરપૉર્ટ પર સ્થિતિ સામાન્ય કેટલા સમય સુધીમાં થશે તે કહી શકાય તેમ નથી."

ગુરુદત્તે જણાવ્યું છે કે વિમાનના કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, બંનેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. સેતી નદીની આસપાસ ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવકર્મીઓ દોરડાની મદદથી નીચે ઊતર્યા છે."

નેપાળી સેનાના સહપ્રવક્તા કૃષ્ણપ્રસાદ ભંડારીએ જણાવ્યું હતું કે, "પોખરા ઍરપૉર્ટથી દોઢ કિલોમીટર દૂર સેતી નદીના ઘાટમાં પ્લેન ક્રૅશ થયું છે. બચાવકાર્ય માટે ત્યાં 120 રેન્જર્સ અને 200 સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે."

વિમાને કાઠમંડુથી રાત્રે 10:32 વાગ્યે ઉડાન ભરી હતી. હાલ અકસ્માત સ્થળે 200 જેટલા સૈનિકો તહેનાત હોવાનું કહેવાય છે.

નેપાળી સૈન્યના પ્રવક્તા કૃષ્ણપ્રસાદ ભંડારીએ જણાવ્યું હતું કે, લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રૅશ થયું હતું.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પોખરા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર 72 સીટવાળું પેસેન્જર વિમાન ક્રૅશ થયું છે. આ પછી ઍરપૉર્ટને હાલ પૂરતુું બંધ કરી દેવામાં આવ્યું છે.

એજન્સીએ કાઠમંડુ પોસ્ટને ટાંકીને જણાવ્યું હતું કે વિમાનમાં કુલ 68 મુસાફરો સાથે ચાર ક્રૂ મેમ્બર હતા.

યતી ઍરલાઈન્સનું આ વિમાન જૂના ઍરપૉર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ વચ્ચે ક્રૅશ થયું છે.

દુર્ઘટનાસ્થળે ધુમાડાના ગોટેગોટા

સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યું છે કે વિમાનમાં 72 લોકો સવાર હતા.

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના સાથે જોડાયેલો વીડિયો છે.

યતી ઍરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બારતુલાએ એએફપીને જણાવ્યું છે કે, "વિમાનમાં 68 મુસાફરોની સાથે ચાર ક્રૂ મેમ્બર્સ હતા. હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ દુર્ઘટનામાં કેટલા લોકો બચી શક્યા છે."

નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'એ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

નેપાળના વડા પ્રધાને લખ્યું, "યતી ઍરલાઇન્સનું વિમાન ANC ATR કાઠમંડુથી પોખરા મુસાફરોને લઈ જઈ રહ્યું હતું. તેમાં 72 લોકો સવાર હતા. હું સુરક્ષા કર્મચારીઓ, નેપાળ સરકારની અન્ય એજન્સીઓ અને સામાન્ય જનતાને રાહત અને બચાવકાર્યમાં મદદ કરવા અપીલ કરું છું."

દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા વડા પ્રધાન પુષ્પ કમલ દહલે ગૃહ મંત્રાલય, સુરક્ષા કર્મચારીઓ અને નેપાળ સરકારની તમામ એજન્સીઓને બચાવ કામગીરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

તેમણે મંત્રીમંડળની ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે.

નેપાળી સેનાના જણાવ્યા અનુસાર, પોખરાની સૈન્ય હૉસ્પિટલની એક મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર બે હેલિકૉપ્ટર તૈયાર છે. બીરેન્દ્ર હૉસ્પિટલના કૅમ્પમાં આરોગ્ય ટીમને તૈયાર રાખવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.

તેમણે કહ્યું કે સુરક્ષાકર્મીઓ ઉપરાંત સ્થાનિક નાગરિકો અને સ્થાનિક એજન્સીઓને પણ બચાવ કામગીરીમાં તહેનાત કરવામાં આવી છે.

કાસ્કીના સહાયક જિલ્લા અધિકારી ગુરુ દત્ત ઢકાલના જણાવ્યા અનુસાર પ્લેન લગભગ સંપૂર્ણપણે બળી ગયું હતું.