You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જોશીમઠ ભૂસ્ખલન : વિનાશની સદીઓ જૂની વાયકા સાચી પડશે?
- લેેખક, જયદિપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
- છેલ્લા કેટલાક સમયથી ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે
- જોશીમઠમાં અનેક ભયજનક ઇમારતોને તોડી પાડવામાં આવી છે
- સેંકડો સ્થાનિકોએ સરકારસંચાલિક રાહત છાવણીઓમાં આશરો લેવો પડી રહ્યો છે, તો કેટલાક હિજરત કરી ગયા છે
- કત્યૂરી શાસકોએ લાંબા સમય સુધી દેશના આ ભૂભાગ ઉપર શાસન કર્યું છે
"નીતિ અને માણા પહાડ એકબીજાને અડકી જશે,
ગુમ થઈ જશે અલકનંદા, બાષ્પ બની ઉડી જશે બરફ,
ગભરાઈને સુંદરી ઉઠશે, સાધુનું ધ્યાન તૂટશે,
અચાનક જ હાથી પોતાના રસ્તે ચાલવા માંડશે."
હિંદી કવિ શિવપ્રસાદ જોશીએ 'જોશીમઠ કે પહાડ' નામની કવિતા લખી છે, જેમાં તેમણે આ વિસ્તારની તારાજી વિશે ઉપરોક્ત ભાવાનુવાદિત પંક્તિઓ લખી છે. જે સ્થાનિકોની માન્યતા પર આધારિત છે.
ઉત્તરાખંડમાં હિંદુઓના પવિત્ર ચારધામમાંથી એક બદરીનાથ વિશે માન્યતા પ્રચલિત છે અને તે પછી શું થશે તેના વિશે પણ સ્થાનિકોમાં સ્પષ્ટતા પ્રવર્તે છે.
છેલ્લા કેટલાક સમયથી ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સ્થાનિકતંત્ર પણ આ ઘટનાને પગલે દોડતું થઈ ગયું છે.
જોશીમઠમાં અનેક ભયજનક ઇમારતોને તોડી પાડવામાં આવી છે અને હજુ પણ કેટલીક ઇમારતોને તોડી પાડવામાં આવશે. સેંકડો સ્થાનિકોએ સરકારસંચાલિક રાહત છાવણીઓમાં આશરો લેવો પડી રહ્યો છે, તો કેટલાક હિજરત કરી ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'દેવભૂમિ' તરીકે ઓળખાતા ઉત્તરાખંડ ઉપર દૈવી શ્રાપને કારણે આપત્તિ આવશે. પ્રાકૃત્તિક આપદાની દૃષ્ટિએ સંવેદનશીલ ઉત્તરાખંડના આ વિસ્તારમાં તાજેતરની સમસયા માનવસર્જિત છે કે કુદરતી તેના વિશે તો ચર્ચા થઈ જ રહી છે, પરંતુ શ્રાપની લોકવાયકા વિશે પણ ચર્ચા થઈ રહી છે.
સ્થાપના, શ્રાપ અને સ્થળાંતર
કત્યૂરી શાસકોએ લાંબા સમય સુધી દેશના આ ભૂભાગ ઉપર શાસન કર્યું છે. સમ્રાટ વાસુદેવે તેને પોતાની સત્તાનું કેન્દ્ર બનાવ્યું હતું અને તે 'જ્યોતિર્ધામ' તરીકે ઓળખાતું હતું. જેનું અપભ્રંશ થઈને તે 'જોશીમઠ' થયું છે.
બદ્રીદત્ત પાંડેએ 'કુમાઉ કા ઇતિહાસ' નામનું પુસ્તક લખ્યું છે, તેઓ લખે છે કે (પેજનંબર 188-191), કત્યૂરી સમ્રાટ ચક્રવર્તી હોવાને કારણે તેમણે 'શ્રીવાસુદેવ ગિરિરાજ ચક્રચૂડામણિ'ની ઉપાધિ ધારણ કરી હતી.
કત્યૂરીઓનું શાસન વર્તમાન સમયના સિક્કિમ, નેપાળ, કાબુલ અને દક્ષિણમાં બિજનૌર અને રોહિલખંડ (હાલના ઉત્તર પ્રદેશનું રામપુર) સુધી ફેલાયેલું હતું.
કત્યૂર શાસકોના મૂળપુરુષ વાસુદેવ હતા. તેમનું મંદિર સમગ્ર કુમાઉમાં સૌથી જૂનું મંદિર હોવાનું મનાય છે. કુમાઉના સૂર્યવંશી ઠાકુર તથા રજબાર લોકો પણ ખુદને કત્યૂરીના વંશજો જણાવે છે.
કાંતિ અને પ્રસાદ નૌતિયાલ તેમના પુસ્તક 'ધ આર્કિયૉલૉજી ઑફ કુમાઉ'માં (પેજનંબર 50) વાસુદેવને સ્થાનિક સામંત ગણાવે છે, જે પોતાના સમકાલીનો કરતાં વધુ શક્તિકાળી હતા.
કત્યૂરોની રાજધાની બદલાવા અંગે પ્રચલિત માન્યતા પ્રમાણે, એક વખત વાસુદેવના વંશજ રાજા શિકાર કરવા ગયા હતા. ત્યારે ભગવાન વિષ્ણુ નરસિંહ અવતારમાં તેમનાના ઘરે આવ્યા. રાણીએ તેમના ભોજનસત્કાર કર્યા. એ પછી રાજાના પલંગ પર આરામ કરવા માટે લંબાવ્યું.
રાજા પરત આવ્યા અને પોતાના પલંગ પર અન્ય પુરુષને જોઈને તેમના ડાબા હાથ ઉપર તલવારથી પ્રહાર કર્યો, ત્યારે તેમાંથી લોહી નીકળવાના બદલે દૂધ ઝરવા લાગ્યું. રાણી પાસેથી તમામ વિગતો જાણ્યા બાદ તેમણે હાથ જોડીને નરસિંહને પોતાના દોષ માટે શ્રાપ કે સજા આપવા માટે વિનંતી કરી.
એ પછી દેવતાએ કહ્યું, "હું નરસિંહ છું. તારા શાસનથી પ્રસન્ન હતો એટલે અહીં આવ્યો હતો. તું જોશીમઠથી કત્યૂર (ઘાટીમાં) જા. ત્યાં તારી રાજધાનીની સ્થાપના કર. યાદ રાખ, આ ઘા તને મંદિરમાં મારી મૂર્તીમાં પણ દેખાશે. જ્યારે આ મૂર્તી તૂટી જશે, ત્યારે તારા વંશનો નાશ થઈ જશે."
આટલું કહીને ભગવાન નરસિંહ અંતરધ્યાન થઈ ગયા. એ પછી રાજાએ આજ્ઞાનુસાર રાજધાનીને ખસેડી. આ મંદિરમાં ભક્ત પ્રહ્લાદની પ્રાર્થનાના પગલે નરસિંહે ઉગ્રમાંથી સૌમ્યસ્વરૂપે દર્શન આપ્યા. અહીં શંકરાચાર્યે મૂર્તીની સ્થાપના કરાવી હોવાની સ્થાનિકોની માન્યતા છે.
શ્રાપ, સંહાર અને સર્જન
પાંડે પોતાના પુસ્તકમાં (પેજનંબર 189) પર અન્ય એક માન્યતાનો પણ ઉલ્લેખ કરે છે. જે મુજબ, સાતમી સદી સુધી અહીં બૌદ્ધ અને સનાતન ધર્મના નિવાસીઓ એકસાથે રહેતા હતા. આઠમી સદીમાં જ્યારે (મૂળતઃ હાલના કેરળના) શંકરાચાર્યે ધાર્મિક દિગ્વિજય કર્યો, એ પછી બૌદ્ધધર્મનો હ્રાસ થયો.
અહીં એક શેતૂરનું ઝાડ છે, જે સ્થાનિકોના મતે 1200 વર્ષ કરતાં પુરાણું છે. તેની નીચે શંકરાચાર્યને દિવ્યજ્ઞાન થયું હોવાથી તે 'જ્યોર્તિધામ' તરીકે ઓળખાયું. સ્થાનિકોનું કહેવું છે કે, આ ઝાડમાં દરવર્ષે નવા પાન અને ફૂલ આવે છે, પરંતુ ફળ નથી આવતા. તે 'કલ્પવૃક્ષ' તરીકે ઓળખે છે.
શેતૂરના ઝાડ પાસેનું મૂળ મંદિર આજે અસ્તિત્વ નથી ધરાવતું. શંકરાચાર્યે જે ગુફામાં તપ કર્યું હતું, તેનું પણ અસ્તિત્વ નથી રહ્યું.
બદરીનારાયણ, કેદારનાથ અને જાગિશ્વરમાં સનાતની પંડિતોની નિમણૂક કરવામાં આવી અને તેના માટે દક્ષિણથિતોની નિમણૂક કરવામાં આવી અને તેના માટે દક્ષિણથી (નંબૂદરી) બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા.
બદરીનાથ મંદીરના મુખ્યપૂજારી 'રાવલ' તરીકે ઓળખાય છે. શિયાળામાં જ્યારે બદરીનાથનું મંદિર બરફથી ઢંકાઈ જાય છે અને તેના કપાટ બંધ થઈ જાય છે, તે પહેલાં આ રાવલ તથા મંદિરના અન્ય કર્મચારી જોશીમઠ આવી જાય છે.
બદ્રીદત્ત પાંડેનું અનુમાન છે કે કત્યૂરી રાજા ગઢવાલથી કુમાઉ આવ્યા, ત્યારે ચોક્કસપણે ધાર્મિકકલહ થયો હશે, જેના કારણે કત્યૂરી શાસકો જોશીમઠથી (હાલના) બૈજનાથ આવી ગયા. કત્યૂરી શાસકોએ પોતાના ઇષ્ટદેવના નામ પરથી તેને કાર્તિકેયપુર નામ આપ્યું, જે અગાઉ કરબીરપુર તરીકે ઓળખાતું.
જોકે, નૌતિયાલનું અનુમાન છે કે (ધ આર્કિયૉલૉજી ઑફ કુમાઉ, પેજનંબર 50) સાતમી સદીના છેલ્લા 25 વર્ષ દરમિયાન પરિવારમાં આંતરકલહને કારણે આ હિજરત થઈ હશે.
જોશીમઠના નરસિંહ મંદિરમાં સ્ફટિકની મૂર્તી છે, જેનો ડાબો હાથ દરવર્ષે નબળો પડી રહ્યો છે. સ્થાનિકોનું માનવું છે કે, વિષ્ણુપ્રયાગ પાસે પતમીલા ખાતે જય-વિજય (સ્થાનિકો માટે નર અને નારાયણ) પર્વત ભેગા થઈ જશે. એ પછી બદરીનાથના મંદિરે જઈ નહીં શકાય.
ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરશે અને કળયુગનો અંત લાવશે. એ પછી ફરીથી સતયુગ શરૂ થશે અને તેઓ 'ભવિષ્ય બદરી'ના મંદિર ખાતે પુનઃપ્રગટ થશે. આ જગ્યા હાલના જોશીમઠથી 17 કિલોમીટર પૂર્વમાં લતા નામના સ્થળ પાસે આવેલી છે. બે હજાર 744 મીટરની ઊંચાઈએ આ મંદિર ગાઢ જંગલોની વચ્ચે આવેલું છે. પાસેથી જ ધોળી ગંગા નદી પસાર થાય છે.
જોશીમઠમાં હાર્ડવૅર અને હોટલના વેપાર સાથે જોડાયેલા મુકેશ શાહે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "હું નાનપણથી 'ભવિષ્ય બદરી' જઈ રહ્યો છું. બદરીનાથમાં ભગવાનનું (વિષ્ણુ) જેવું સ્વરૂપ છે એવું જ 'ભવિષ્ય બદરી' ખાતે આકાર લઈ રહ્યું છે અને તે ધીમે-ધીમે મોટું થઈ રહ્યું છે."
શાહ મૂળ ઉત્તરાખંડના અલમોડાના છે અને ચાર પેઢી અગાઉ જોશીમઠમાં આવીને વેપાર કરતા હતા. વણિક સમાજના શાહ તેમના પૂર્વજો રાજસ્થાન કે ગુજરાતથી અહીં આવીને વસ્યા હોવાની વાતને નકારતા નથી, પરંતુ આ અંગે તેમને કોઈ માહિતી ન હોવાનું પણ ઉમેરે છે.
કુદરતી આપદાની દૃષ્ટિએ ઉત્તરાખંડ દેશના સંવેદનશીલ રાજ્યોમાં અગ્રસ્થાને છે. રાજ્ય પર ભૂકંપ, ભૂસ્ખલન, હીમસ્ખલન, ડૅમ ધ્વંસ અને વાદળ ફાટવા જેવી છાશવારે આવતી આપદાઓ સ્થાનિકોની માન્યતાને વધુ દૃઢ બનાવે છે.
જોશીમઠ: મહત્ત્વ અને મુશ્કેલી
વર્ષ 2011ની વસતિગણતરી પ્રમાણે, ત્રણ હજાર 883 વર્ગકિલોમીટરમાં જોશીમઠ ફેલાયેલો છે. લગભગ સાત હજાર છસ્સો પરિવારમાં કુલ 29 હજાર જેટલા લોકો રહે છે. એ પહેલાંની વસતિગણતરીની સરખામણીમાં એક દાયકામાં 17 ટકા જેટલો વસતિવધારો થયો હતો.
છેલ્લા એક દાયકા દરમિયાન માર્ગવિકાસ, પર્યટનપ્રવૃત્તિ અને નિર્માણકાર્યને કારણે આજે અહીં વસતિ લગભગ પચાસ હજાર આસપાસ પહોંચી ગઈ છે.
કર્ણપ્રયાગથી તિબેટ સુધી જનારો રસ્તો ચમોલી, જોશીમઠ અને બદ્રીનાથ થઈને માણા ઘાટ સુધી પહોંચે છે. જ્યારે બીજો રસ્તો તપોવનથી મલારી થઈને નીતિ ઘાટ સુધી પહોંચે છે
શિયાળામાં રાવલો માટે રહેવાના સ્થળ તરીકે મહત્ત્વ હતું, પરંતુ છેવાડાના માણા અને નીતિ જેવા પહાડીમાર્ગોની વચ્ચેનું મહત્ત્વપૂર્ણ સ્થળ હોવાથી જોશીમઠનું મહત્ત્વ વધતું રહ્યું. સ્કિંગ માટે વિખ્યાત ઔલીના પર્યટકો માટેના રોપ-વે અને બદરીનાથના શ્રદ્ધાળુઓ માટે જોશીમઠ 'પ્રવેશદ્વાર' સમાન છે.
એક સમયે અહીં મુખ્યત્વે પૂજારી, નાના-મોટા વેપારી અને ખેડૂતોની વસતિ હતી, પરંતુ આજે હોટલ, રેસ્ટોરાં, લોજ, પર્યટન, અને પરિવહનને લગતી સેવાઓને કારણે વસતિ વધી જવા પામી છે.
અહીંના બટાટા, રાજમા, ચોળા, કુટ્ટુ (જાર જેવું ધાન જેના દાણા ત્રિકોણાકાર હોય) ઉચ્ચગુણવત્તાવાળા હોવાથી દૂર-દૂર સુધી તેની માગ રહેતી. શાહનો પરિવાર પણ ચાર પેઢી અગાઉ વેપાર કરવા માટે જ જોશીમઠ આવ્યો હતો. તાજેતરની પરિસ્થિતિથી તેઓ પણ ચિંતિત છે.
ચીન શાસિત તિબેટ સાથે નિકટતા હોવાને કારણે તેનું વ્યૂહાત્મક મહત્ત્વ છે. અહીં અર્ધલશ્કરીદળ આઈટીબીપીની બટાલિયન તહેનાત રહે છે. આ સિવાય 'ગઢવાલ રાયફલ્સ'નું કાયમી મથક પણ જોશીમઠ ખાતે આવેલું છે.
ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે, ઉત્તરાખંડમાં ઘાટી, નદી, કોતર અને પહાડીઓ આવેલાં છે. જેના કારણે તે "નરમ ભૂભાગ" બની રહે છે. જોશીમઠના પાયામાં જ અનિશ્ચિતતા રહે છે. તે ટેકરીના ઢોળાવ ઉપર આવેલો વિસ્તાર છે.
લગભગ એક સદી પહેલાં આવેલાં ભૂકંપને કારણે જે કાટમાળ એકઠો થયો તેના ઉપર જોશીમઠનું નિર્માણ થયું. તેના પાયામાં નક્કર પથ્થર કે જમીનના બદલે રેતીક-કાંકરા અને માટી છે. જે ભારે વજનને કારણે સરકવા લાગે છે. વળી તે ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પણ આવે છે.
1976માં એક સરકારી કમિશને જોશીમઠ ખાતે ભારે નિર્માણકાર્ય ન કરવાની તથા આ વિસ્તાર 'શહેર જેટલી વસતિને માટે લાયક ન હોવા'ની ભલામણ કરી હતી. જોશીમઠ અંગે વારંવાર ચિંતાજનક રિપોર્ટ આવતા રહ્યાં છે, છતાં મોટાભાગની સરકારોએ તેની ઉપેક્ષા કરી છે.
અહીંના ભૂગર્ભજળનું ખેતી અને વપરાશને માટે દોહન થવાને કારણે થતા ડ્રૅનેજની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થિતિ ચિંતાજનક હદે વકરી જવા પામી હોવાનો ભૂસ્તરશાસ્ત્રીઓનો મત છે.