You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડના જોશીમઠમાં કેમ ધસી રહી છે જમીન?
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, જોશીમઠ, ઉત્તરાખંડ
- જોશીમઠ ભારતના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર ઝોન-5માં આવે છે
- જોશીમઠમાં લોકો બદ્રીનાથ, ઑલી વૅલી ઑફ ફ્લાવર, હેમકુંડ જેવા સ્થળોની મુલાકાત લેવા આવે છે
- જોશીમઠમાં લોકોએ મકાન ધસવાના ડરથી લાકડાંના ટેકા પણ મૂક્યા છે
- 17થી 19 ઑક્ટોબરમાં પૂરના કારણે ઉત્તરાખંડમાં ભારે તબાહી સર્જાઈ હતી
- જોશીમઠ કેસમાં તાત્કાલિક સુનવણી કરવાનો સુપ્રીમ કૉર્ટે ઇનકાર કર્યો
દર વર્ષે લાખો લોકો ભારત-ચીન સરહદ નજીક આવેલા શહેર જોશીમઠમાં બદ્રીનાથ, ઑલી, વૅલી ઑફ ફ્લાવર, હેમકુંડ જેવા સ્થળોની મુલાકાત લેવા આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉત્તરાખંડના જોશીમઠના લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમના ઘર જમીનમાં ધસી રહ્યા છે, તેમાં તિરાડો પડી રહી છે.
જોશીમઠ ભારતના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર ઝોન-5માં આવે છે. વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર, અહીં લગભગ 4 હજાર ઘરોમાં 17 હજાર લોકો રહેતા હતા, પરંતુ સમયની સાથે આ શહેર પર પણ મનુષ્યનો ભાર પણ વધી રહ્યો છે.
ત્યારે સુપ્રીમ કૉર્ટે મંગળવારે ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસવાના મામલામાં તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને તેને 16 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.
સુપ્રીમ કૉર્ટે કહ્યું છે કે, દરેક મહત્ત્વપૂર્ણ મુદ્દાને સુપ્રીમ કૉર્ટમાં લાવવા જરૂરી નથી. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી એવી ઘણી સંસ્થાઓ છે, જે આના પર કામ કરી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં જોશીમઠને ઘણા ઘરો અને રસ્તાઓમાં તિરાડો પડવાની અને સતત જમીન ધસી જવાના કારણે ‘સિકિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે.
જોશીમઠમાં જમીન ધસવાને લઈને ધાર્મિક નેતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ કેસ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ સમક્ષ સૂચીબદ્ધ કરાયો હતો.
જાહેરનામામાં જોશીમઠને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની અને એનડીએમએને જોશીમઠના રહેવાસીઓને મદદ પૂરી પાડવા માટે નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.
અરજદાર માટે હાજર રહેલા વકીલે આ કેસમાં વહેલી તકે સુનાવણીની અપીલ કરી હતી અને બુધવારે આ બાબતની યાદી આપવા વિનંતી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંગે સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું હતું કે, “દેશના દરેક મહત્ત્વપૂર્ણ મુદ્દાને સુપ્રીમ કૉર્ટમાં લાવવાની જરૂર નથી. આ સમસ્યાને જોવા માટે લોકતાંત્રિત રીતે ચૂંટાયેલી સંસ્થાઓ છે. તેઓ તેમના અધિકારક્ષેત્રમાં આવતા મુદ્દાઓ નિપટાવી શકે છે. અમે તે અંગે 16 જાન્યુઆરીએ સુનવણી કરીશું.”
જોશીમઠના મધ્યથી થોડે દૂર ઢાળ પર સુનિલ ગામ આવેલું છે. ઢાળ નીચે ઉતર્યા બાદ સુનૈના સકલાણી અમને તેમના ઘરના રૂમ બતાવવા લઈ ગયા.
ભૂરા રંગથી રંગાયેલો રૂમ ફાટેલી દિવાલો, વિશાળ તિરાડોથી ભરેલો હતો. સ્થિતિ એવી હતી કે, ત્યાં નીચે ઊભા રહેવું પણ કદાચ સુરક્ષિત નહોતું.
સુનૈના એક સમયે તેમની બહેનો સાથે આ રૂમમાં રહેતા હતા. અગાઉ અહીં બે જ બેડ હતા. એક બાજું મંદિર હતું. અહીં તેમના પુસ્તકો મૂકેલા હતા, પરંતુ પડી જવાના કારણે આ રૂમ હવે બંધ રહે છે. તમામ બહેનો હવે બાજુના એક બીજા રૂમમાં શિફ્ટ થઈ ગઈ છે.
તેઓ કહે છે કે, “ગયા વર્ષે ઑક્ટોબરમાં વરસાદ પડવાથી તેમાં ધીરે-ધીરે તિરાડો પડવા લાગી. પ્રથમ દિવસે સામાન્ય લાગ્યું હતું, પરંતુ જ્યારે અમે બીજા દિવસે તિરાડો જોઈ, તો અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા. ધીમે-ધીમે તિરાડો ખૂબ પહોળી થવાં લાગી. એક મહિનામાં જ રૂમ ખરાબ થવા લાગ્યો હતો.”
તેમના ઘરની નજીક રહેતા તેમનાં કાકીના ઘરમાં પણ સ્થિતિ અલગ નથી. તેઓ પણ જમીન, દિવાલો અને છતમાં પડેલી તિરાડોથી ડરેલાં છે.
કાકા મજૂરી કામ કરે છે અને આ ઘરમાં તેઓ 20 વર્ષથી વધુ સમયથી રહે છે.
સુનૈનાના કાકી અંજુ સકલાણી કહે છે કે, “ તમે જોઈ શકો છો કે રૂમો રહેવા લાયક નથી રહી. તમે જઈને જુઓ કેવી તિરાડો પડી છે, કેવી રીતે અમે રહીએ છીએ. અમે ક્યાં જઈએ? લોકો કહી રહ્યા છે કે અહીં જાઓ, ત્યાં જાઓ, અહીં બનાવો, ત્યાં બનાવો, અમે ક્યાં બનાવીશું? અહીં બેરોજગારી છે. અમને પૈસાની જરૂર છે. લૉન લઈને તો અમે જાતે મકાન બનાવ્યું હતું. હજુ લૉન પણ ભરવાની બાકી છે, તો અમે બીજું મકાન કેવી રીતે બનાવીશું?”
અંજુ સકલાણી અનુસાર, પરિવારે વહીવટીતંત્ર પાસે મદદ માગી, પત્રકારોને પોતાનું દુ:ખ જણાવ્યું, પરંતુ તેમની વાત કોઈ સાંભળતું નથી.
ઠંડી વધી રહી છે અને કોઈને ખબર નથી કે આ ફાટતી દિવાલો અથવા છત બરફના ભારને કેટલું અને ક્યા સુધી સહન કરી શકશે.
અંજુ સકલાણી કહે છે કે, “જ્યારે ભારે વરસાદ પડે છે, ત્યારે અમે બાળકો સાથે બહાર ઊભા રહીએ છીએ. દિવાલ અને છત ક્યારેય પણ ધસી પડે તેનો અમને ડર લાગે છે.”
જોશીમઠમાં એક પછી એક ઘણા બધા લોકો અમને તેમના ઘરની પરિસ્થિતિ જોવા લઈ ગયા, એ ઉમ્મીદ સાથે કે તેમની વાત ઉચ્ચ સ્તર સુધી પહોંચશે. તેમની ફરિયાદ હતી કે, તેમની વાત કોઈ સાંભળી રહ્યું નથી.
ઉત્તરાખંડના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ સચિવ ડૉક્ટર રંજીતકુમાર સિન્હા કહે છે કે, “ના, એવું નથી, અમે બધું સાંભળી રહ્યા છે, સરકાર પણ સાંભળે છે. મુખ્ય મંત્રી આ પરિસ્થિતિને લઈને ગંભીર છે.”
ડૉક્ટર સિન્હા પ્રભાવિત પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થાનું આશ્વાસન આપતા કહે છે કે, “તેમના માટે જમીનની ઓળખ કરવા માટે અમે ડીએમને નજીકમાં યોગ્ય જમીન શોધવા કહ્યું છે. એ જમીનને વધુ નુકસાન ન થયું હોય, ધસી પડેલી ન હોય. તેની માટે અમે કામ કરીશું.”
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “રાજ્યના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ફંડમાં લગભગ 1,800 કરોડ છે અને ડિસેમ્બરમાં લગભગ 400 કરોડ વધુ આવવાના છે, ત્યારે પૈસાની કોઈ અછત નથી. એકવાર અમારો નિર્ણય થઈ જાય કે કયા-કયા કામ અમારે કરવાના છે, ત્યારબાદ અમે મન લગાવીને કામ કરાવીશું.”
ડૉક્ટર સિન્હા ઝડપી કાર્યવાહીની વાત કરે છે, પરંતુ જોશીમઠના રહેવાસીઓ માટે એક-એક દિવસ મુશ્કેલી ભર્યો છે.
કેમ ધસી રહી છે જમીન?
રવિગ્રામ ગામના સુમેધા ભટ્ટ તેમના મકાનમાં 10 વર્ષ પહેલા શિફ્ટ થયા હતા. તેમના ઘર પાછળ તેઓ 20 લાખથી વધુ રૂપિયા ખર્ચી ચૂક્યા છે. તિરાડો પડવાના કારણે સાપ, વીંછીના ઘૂસી જવાના ડરના કારણે તેઓએ મકાનું રિનોવેશન કરાવ્યું, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.
ઘરના રસોડામાં, જમીન અને દિવાલો પર તિરાડો પડી ગઈ હતી. જ્યારે તેઓએ દરમાંથી સાપનું બચ્ચુ પસાર થતું જોયું તો, તેઓ ઘરમાંથી ફિનાઇલ લઈને આવ્યા.
તેઓએ કહ્યું હતું કે, “જો જમીન ધસે, તો દરવાજા પણ બેસી જશે. દરવાજા બંધ થઈ રહ્યા નથી, વરસાદ પડે, ત્યારે વધુ ડર લાગે છે. નાના-નાના બાળકો ઘરમાં છે, અમે રાત્રે ક્યાં જઈશું?”
લોકોએ મકાન ધસવાના ડરથી લાકડાંના ટેકા મૂકી રાખ્યા છે. રહેવાસીઓ જણાવ્યું હતું કે, “જાનહાનિના ડરથી લોકો ઘર ખાલી કરી રહ્યા છે.”
સરલાણી પરિવારના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ઑક્ટોબરમાં પડેલા ભારે વરસાદના કારણે ઘરોમાં તિરાડો પડવાનું શરૂ થયું હતું.
17થી 19 ઑક્ટોબરના પૂરના કારણે ઉત્તરાખંડમાં ભારે તબાહી સર્જાઈ હતી. એક રિપોર્ટ અનુસાર, જોશીમઠમાં ગયા વર્ષે 18 ઑક્ટોબરના રોજ સવારે 8:30 વાગ્યાથી છેલ્લા 24 કલાક સુધી 190 મિલીમિટર વરસાદ નોંધાયો હતો.
સુમેધા ભટ્ટ અનુસાર, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ માર્ચ મહિનાથી તિરાડો દેખાવા લાગી હતી અને ત્યારબાદ આ તિરાડો વધવા લાગી હતી. ગ્લેશિયર તૂટવાના કારણે ઉત્તરાખંડમાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા.
જોશીમઠનું ધસવું નવી વાત નથી. વર્ષ 1976ની મિશ્રા કમિટિના રિપોર્ટમાં શહેરના ધસવાનો ઉલ્લેખ છે.
સ્થાનિક એક્ટિવિસ્ટ અતુલ સતિનો દાવો છે કે, “છેલ્લા કેટલાક દાયકાઓમાં એવો સમય પણ આવ્યો હતો, જ્યારે જોશીમઠના ધસવાના કારણે નીચે ઊતરવાનું બંધ થયું હતું અને ગયા વર્ષે ફેબ્રુઆરી અને ઑક્ટોબરની તબાહીએ જોશીમઠનો ધસારો વધાર્યો હતો, પરંતું આ દાવાની વૈજ્ઞાનિક પુષ્ટિ હજુ સુધી થઈ નથી.”
વધતું વેપારીકરણ
વધતી જતી વસતી અને ઇમારતોના વધતા બાંધકામ દરમિયાન 70ના દાયકામાં પણ લોકોએ ભૂસ્ખલનની ફરિયાદ કરી હતી, ત્યારબાદ મિશ્રા કમિટીની રચના કરવામાં આવી હતી.
કમિટિના રિપોર્ટ અનુસાર, જોશીમઠ પ્રાચીન ભૂસ્ખલન ક્ષેત્રમાં સ્થિર છે અને આ શહેર પહાડના તૂટેલા મોટા ટુકડા અને માટીના અસ્થિર ઢગલા પર વસેલું છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તૂટેલા ગ્લેશિયરનો કાટમાળ એ ઢગલા સાથે અથડાયો હતો, જેના પર આ શહેર વસેલું છે. જેના કારણે સપાટીની અસ્થિરતામાં વધારો થયો હતો, જોકે, આ દાવાની પણ હજુ સુધી વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ નથી.
જાણકારો અનુસાર, બાંધકામના કામો અને વસતી વધારાના કારણે વરસાદ, ગ્લેશિયર અથવા સુએજનું પાણી જમીનમાં જતું હોવાના કારણે ખડકો ખસવા, ડ્રેનેજ સિસ્ટમનો અભાવ જેવા વિવિધ કારણોના લીધે જોશીમઠનો ધસારો વધી રહ્યો છે.
1976ના રિપોર્ટ અનુસાર, “ઘણી એજન્સીઓએ જોશીમઠ વિસ્તારમાં કુદરતી જંગલનો ખરાબ રીતે નાશ કર્યો છે. પથરાળ જમીન ખુલ્લી અને વૃક્ષો વિનાની છે. જોશીમઠ લગભગ 6 હજાર મીટરની ઉંચાઈ પર આવેલું છે, પરંતુ વૃક્ષો 8 હજાર ફૂટ પાછળ ધકેલાઈ ગયા છે. વૃક્ષોના અભાવના કારણે ભૂસ્ખલન થયું છે. મોટા પત્થરોને રોકવા માટે કંઈ જ નથી.”
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ભારે બાંધકામનું કામ બંધ કરવામાં આવે, રસ્તાના સમારકામ અને અન્ય બાંધકામ માટે ખોદકામ કે બ્લાસ્ટિંગ કરીને મોટા પથ્થરો હટાવવા ન જોઈએ, વૃક્ષો અને ઘાસ વાવવાનું મોટું અભિયાન શરૂ કરવામાં આવે, કોંક્રીટ ડ્રેનેજ સિસ્ટમનું નિર્માણ થાય.”
ઉત્તરાખંડમાં ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ સચિવ ડૉક્ટર રંજીતકુમાર સિન્હા અનુસાર, ઉત્તરાખંડ અને હિમાલયને અડીને આવેલા તમામ રાજ્યોમાં ધસારો થવાની સમસ્યા છે.
તેઓ કહે છે કે, “હું હાલ સિક્કિમથી આવ્યો છું, ત્યાં તમામ હિમાલયનો એક કૉન્કલેવ યોજાયો હતો. સમગ્ર ગંગટોકમાં ગંભીર ભૂસ્ખલન અને ધસારાની સમસ્યા છે. આખું શહેર ધસી રહ્યું છે. તે માત્ર ઉત્તરાખંડમાં જ નહીં, સમગ્ર હિમાલયમાં તેની અસર જોવા મળી રહી છે.”
1976ના રિપોર્ટના ભલામણોનું શું થયું?
સ્થાનિક એક્ટીવીસ્ટ અતુલ સતિ કહે છે કે, “રિપોર્ટની ચેતવણીનું પાલન કરવામાં આવ્યું ન હતું, પરંતુ તેનાથી ઉલટું થયું. રિપોર્ટ અનુસાર, તમારે પથ્થરોને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. અહીં વિસ્ફોટ દ્વારા તમામ પથ્થરો તોડવામાં આવ્યા હતા."
તેઓ કહે છે કે, “જોશીમઠ સતત વિસ્તરી રહ્યું છે, નાગરિકીકરણ થઈ રહ્યું છે. લોકો જોશીમઠમાં આવી રહ્યા છે, પરતું તે મુજબ નગર સુવિધા, પાણીના નિકાસની વ્યવસ્થા નથી. સુએજની વ્યવસ્થા નથી, આ કારણોસર ધસારાની ગતિ વધુ ઝડપી થઈ ગઈ છે.”
ભૂ-વૈજ્ઞાનિકો અને જાણકારોના સપ્ટેમ્બર 2022ના વધુ એક રિપોર્ટમાં પણ “નિયંત્રિત વિકાસ”ની વાત થઈ છે.
અતુલ સતિ અનુસાર, “માત્ર જોશીમઠ જ નહીં. તમે ગોપેશ્વર જાઓ, ગોપેશ્વરની પણ આ જ સ્થિતિ છે, તમે ઉત્તરકાશી, અલ્મોડા, બાગેશ્વર જાવ તેની પણ આ જ સ્થિતિ છે. એટલે ઉત્તરાખંડનો જે પહાડી વિસ્તાર છે, એ તમામ ભૌગોલિક ક્ષેત્ર આ પ્રકારના છે અને ઘણા સંવેદનશીલ છે. હિમાલય હજુ નવા પર્વતો છે. આ નબળા પર્વતો છે અને આ સતત આપત્તિનો સામનો કરી રહ્યા છે.”
ઉલ્લેખનીય છે કે, જોશીમઠમાં 100થી વધુ હોટલ, રિસોર્ટ અને હોમ-સ્ટે છે.
તેઓ કહે છે કે, “ગઈ 31 ડિસેમ્બરે ઔલી પછી જોશીમઠ લોકોથી ભરાઈ ગયું હતું. જોશીમઠમાં લોકો ગાડીમાં સૂઈ ગયા હતા. રાત્રે 11-12 વાગ્યે લોકો સૂવા માટે અમારા ત્યાં આવ્યા હતા. એક ટૂરિસ્ટ મહિલા મારી દીકરી સાથે ઉપરના રૂમમાં સૂઈ ગયા હતા.”
જોશીમઠ કેટલું ગરકાવ થઈ રહ્યું છે?
મિશ્રા કમિશનના રિપોર્ટ અનુસાર, જોશીમઠમાં વર્ષ 1962 પછી ભારે ઇમારતનું બાંધકામ શરૂ થયું હતું.
અતુલ સતિ અનુસાર, વર્ષ 1962 પછી ચીન સાથેના યુદ્ધ બાદ વિસ્તારમાં ‘ઝડપથી રોડ-વેનો વિકાસ થયો, સેનાએ સ્થાયી થવાનું શરૂ કર્યું. હેલીપૅડનું નિર્માણ થયું. તેમના માટે ભવનો, બૅરક્સનું નિર્માણ થવા લાગ્યું.’
હાલ કેટલો ધસારો થઈ રહ્યો છે?
આર્કાઇવ સૅટેલાઇટની તસવીરોની મદદથી દહેરાદૂનની વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયોલૉજીના ભૂસ્તરશાસ્ત્રી ડૉક્ટર સ્પપ્નમિતા વૈદિસ્વરણ એ જાણવાના પ્રયાસ કરી રહ્યાં છે.
તેઓએ જોશીમઠના ધસારા પર જમીન હજારો પોઇન્ટ પસંદ કર્યા. સૅટેલાઇટ તસવીરોની મદદથી તેઓએ આ પોઇન્ટને બે વર્ષથી વધુ સમય સુધી ટ્રૅક કર્યા, એ જાણવા માટે કે પોઈન્ટ શરૂઆતથી અંત સુધી કેટલા નીચે ગયા છે.
તેઓએ ક્હ્યું છે કે, "સમગ્ર વિસ્થાપનનો અર્થ થાય છે કે પ્રથમ દિવસથી છેલ્લા દિવસ સુધી અને ઝડપની માપણી સમગ્ર વર્ષ માટે મિલીમીટરમાં થાય છે. અમે જોઈ રહ્યા છીએ કે, રવિગ્રામ દર વર્ષે 85 મિલીમીટરની ઝડપે ધસી રહ્યો છે. આનો અર્થ એ થયો કે આ ભૂસ્ખલનની અસર નથી, પરંતુ તે દર વર્ષે 85 મિલીમીટરની ઝડપે ધસી રહ્યો છે, જે ખૂબ વધારે છે."
જોશીમઠના નકશામાં એવા પણ કેટલાક પોઇન્ટ છે જે સ્થિર હતા.
સપ્ટેમ્બર 2022 નો અહેવાલ લખનારા નિષ્ણાતોમાં ડૉ. સ્પપ્નમિતા વૈદિસ્વરણ પણ સામેલ હતાં.
2006 માં જોશીમઠ પર વધુ એક અહેવાલ લખનારાં ડૉ. સ્પપ્નમિતા વૈદેસ્વરણ કહે છે કે, "જોશીમઠ પર વધી રહેલા માનવીય દબાણને ઘટાડવા માટે પગલાં લેવાની તાત્કાલિક જરૂર છે."
ભૂસ્તરશાસ્ત્રીઓ વારંવાર યાદ અપાવી રહ્યા છે કે, આ પર્વતો નાજુક છે અને તેઓ એક સ્તર સુધીનો જ ભાર સહન કરી શકે છે.
ઉત્તરાખંડમાં સ્પિરિચ્યુઅલ સ્માર્ટ સિટી અને દરેક સિઝન માટે રસ્તા બનાવવાની વાતો થતી રહે છે.
ડૉ. સ્પપ્નમિતા વૈદિસ્વરણ કહે છે કે, "તમારે સમજવું પડશે કે તમે પહાડો પર મોટા શહેરોનો વિકાસ કેવી રીતે કરી રહ્યાં છો. તેની માટે યોગ્ય કાયદા હોવા જોઈએ. નાના ગામડાં હોય કે શહેરો, તમારે તેના વિકાસ પર નિયંત્રણ રાખવું પડશે."
ડૉ.વૈદિસ્વરણ અનુસાર, લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે અને પર્વતો માટે કેટલાક ટાઉન પ્લાનર્સને કામમાં લાવવા જોઈએ. તેઓ યોગ્ય આયોજન વિના તરત જ બાંધકામ બંધ કરવાનો આગ્રહ પણ રાખે છે.
અતુલ સતિ ઇચ્છે છે કે, સરકાર સર્વે કરે કે કેટલા મકાનોમાં તિરાડો છે, કયા મકાનોની સ્થિતિ ખરાબ છે, કયા મકાનો છે જ્યાંથી લોકોને તાત્કાલિક બહાર કાઢવાની જરૂર છે વગેરે.
આ પહાડોમાં રહેતા સકલાણી પરિવાર અને અન્ય લોકો સરકાર પાસેથી મકાનોની વૈકલ્પિક વ્યવસ્થાની અપેક્ષા રાખી રહ્યા છે. તેમના અનુસાર, તેમની પાસે એટલા સંસાધન નથી કે તેઓ પોતાનું ઘર છોડીને બીજે ક્યાંક જઈ શકે અને તેઓ તિરાડોવાળા જર્જરિત મકાનોમાં રહેવા માટે મજબૂર છે.