ગુજરાત ચૂંટણી : આદિવાસી ખેડૂતો ભૂંડને લીધે પાક બદલી નાખવા કેમ મજબૂર થયા?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, કેવડિયાથી

કાંતિભાઈ વસાવા વહેલી સવારે જાગીને પોતાના ખેતરમાં બનાવેલા માંચડા પરથી નીચે ઊતરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.

ગુજરાતના સૌથી ઊંચા પૈકીનો એક દેવહાડા ડુંગર તેમના ખેતરેથી જોઈ શકાય છે. દેવહાડાની પર્વતમાળા વચ્ચે તેમનું ગામ કસોદિયા આવેલું છે.

આ ગામના લગભગ દરેક ખેતરમાં ઊંચા માંચડા જોવા મળે છે, જે પહેલાં કયારેય જોવા મળતા નહોતા.

આ ઊંચા માંચડા બાંધવાનું કારણ એ છે કે રહેણાક વિસ્તારમાં જોવા મળતા ભૂંડની સંખ્યા આ વિસ્તારમાં ઝડપથી વધી રહી છે.

ભૂંડની સંખ્યા વધતા રાજપીપળા, કેવડિયા અને તેની આસપાસનાં અનેક ગામડાંમાં આદિવાસી ખેડૂતોની સમસ્યાઓમાં વધારો થયો છે.

કાંતિભાઈ માટે આખો દિવસ ખેતરમાં મજૂરી કર્યા પછી પણ શાંતિની ઊંઘ તેમના નસીબમાં નથી, કેમ કે તેઓ આખી રાત પોતાના પાકને ભૂંડથી બચાવવા માટે માંચડા પર બેસીને ચોકીદારી કરે છે.

જરાક ઝોકું આવી જાય તો મોકો વરતીને ભૂંડનું ઝૂંડ વાડીમાં આવી જાય અને આખું ખેતર સાફ કરી નાંખે. આદિવાસી સમુદાયને હાલમાં ભૂંડથી જે નુકસાન થઈ રહ્યું છે તેટલું નુકસાન ક્યારેય બીજા કોઈ પ્રાણીથી થયું નથી.

બીબીસી ગુજરાતીએ કસોદિયા ગામની મુલાકાત લીધી ત્યારે આ ગામનાં લગભગ દરેક ખેતરમાં ઊંચા માંચડા જોયા. આ વિસ્તારના દરેક ખેડૂતની જીવનશૈલી ભૂંડના ત્રાસને કારણે બદલાઈ ચૂકી છે.

કાંતિભાઈ વસાવા જુનારાજ સમૂહ ગ્રામ-પંચાયતનાં ઉપસરપંચ છે પરંતુ તેમને દિવસ-રાત પોતાની વાડીની રખેવાળીમાંથી ફૂરસત જ મળતી નથી.

કાંતિભાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, “છેલ્લાં પાંચ વર્ષથી અમારા વિસ્તારમાં ભૂંડની સંખ્યા વધી છે અને તે સતત વધી રહી છે. આસપાસનાં શહેરોનો વિકાસ થતા, ખુલ્લી ગટરો બંધ થતા ત્યાંના ભૂંડને પકડીને તંત્ર જંગલ તરફ છોડી મૂકે છે અને તે ભૂંડ હવે અમને પરેશાન કરી રહ્યા છે.”

ભૂંડે કેવી રીતે બદલી જીવનશૈલી

એક સમય હતો કે જ્યારે આદિવાસી વિસ્તારોમાં મોટા ભાગના ખેડૂતો રોજબરોજ ઉપયોગમાં લેવાતાં ધાન્ય, કઠોળ અને શાકભાજીનું વાવેતર કરતા હતા. આ પાકમાંથી નીકળતો ચારો તેમના ઢોર માટે આખા વર્ષ માટે પૂરતો થઈ પડતો હતો.

પરંતુ હવે આ પાકની પેટર્નમાં બદલાવ આવી ગયો છે.

આદિવાસી આગેવાન અને કૃષિ કર્મશીલ લખન મુસાફીર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “હવે આદિવાસી ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે, તેનું મુખ્ય કારણ એ છે કે ભૂંડ કપાસની ખેતીને સંપૂર્ણ નુકસાન નથી કરતા. બાકી ધાન્ય પાકોને તો ભૂંડ ગણતરીના કલાકોમાં સફાચટ કરી જાય છે.”

આજકાલ આદિવાસી વિસ્તારોમાં ભૂંડના ત્રાસને કારણે મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે અને કપાસની ખેતી જંતુનાશક દવાના છંટકાવ વગર થતી નથી.

એક સમયે ઑર્ગેનિક ગણાતી અહીંની ખેતીમાં હવે વિપુલ માત્રામાં જંતુનાશકોનો ઉપયોગ થાય છે.

એવું નથી કે ખેડૂતોએ તેમના ખેતરમાં રાસાયણિક દવાનો છંટકાવ કરવાનું પસંદ કર્યું છે. પણ પરિસ્થિતિએ તેમને તેનો ઉપયોગ કરવા મજબૂર કર્યા છે.

આમ ભૂંડના ત્રાસને કારણે આ વિસ્તારની શુદ્ધ ગણાતી ખેતી હવે ઝેરીલી થઈ છે.

બીબીસી ગુજરાતીએ આ વિસ્તારના લોકોની સમસ્યાઓને જાણવાનો પ્રયાસ કર્યો, તેમાં ભૂંડનો ત્રાસ ગામના મોટા ભાગના લોકોની સમસ્યાઓના કેન્દ્રમાં હતો.

એક ખેડૂતે કહ્યું કે તેઓ જ્યારે પરંપરાગત ખેતી કરતા હતા ત્યારે તેઓ સ્વાવલંબી હતા, હવે તેમને અનેક વસ્તુઓ બજારથી ખરીદવી પડે છે.

ઉદાહરણ તરીકે જવ, અડદ, મકાઈ વગેરે પાક તેમને આખું વર્ષ ઘરના ઉપયોગમાં આવતો હતો. તેમાંથી નીકળતો ચારો ઢોર માટે આખું વર્ષ ચાલતો. હવે કપાસની ખેતીમાં માત્ર કપાસનું જ ઉત્પાદન થાય છે. ઘર વપરાશ માટે અડદ, જવ, મકાઈ વગેરે બજારમાંથી ખરીદવા પડે છે અને ઢોર માટે ચારો પણ ખરીદવો પડે છે.

લખનભાઈ કહે છે, “ભૂંડને કારણે આદિવાસી સમુદાયની ખેતીની સાથે સાથે જીવન પણ બદલાઈ ગયું છે, કારણ કે આદિવાસી સમુદાયે જે કૃષિપદ્ધતિને ક્યારેય અપનાવી નહોતી તેને આજે અપનાવવી પડે છે.”

આદિવાસી ખેડૂતોની માગણીઓ

કાંતિભાઈ અને તેમના જેવા બીજા અનેક ખેડૂતો હવે સૌરાષ્ટ્રના ખેડૂતોની જેમ પોતાના ખેતરની આસપાસ ઇલેક્ટ્રીક ફેન્સિંગ લગાવવાનું વિચારી રહ્યા છે.

તેઓ કહે છે કે, “ખેતરમાં ઇલેક્ટ્રીક ફેન્સિંગ હોય તો ભૂંડ અંદર ન પ્રવેશી શકે, માટે સરકારે તેમને ઇલેક્ટ્રીક ફેન્સિંગ કે પછી ઝટકા મશીન લગાવવા માટે સહાય કરવી જોઈએ.”

જોકે નિષ્ણાતો માને છે કે આ સમસ્યાનો ઉકેલ ઝટકા મશીનથી ન આવી શકે, કારણ કે ભૂંડ જમીનને ખોદીને તેમાં જગ્યા કરીને નીચેથી પેલી પાર નીકળી શકે છે.

લખનભાઈના કહેવા પ્રમાણે, આ વિસ્તારને ભૂંડમૂક્ત કરવો એ જ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે.

તેઓ કહે છે કે જે સરકારી તંત્રે ભૂંડને જંગલોમાં છોડ્યાં છે તે આ ભૂંડને અહીંથી પાછા લઈ જાય. આ માટે અમે સરકારને અનેક વાર રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી આ સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી.

તેઓ એમ પણ કહે છે કે, “આખી રાતી પોતાના ખેતરની રખેવાળી કરતા ખેડૂતને મનરેગાના કામ તરીકે ગણવામાં આવે. અને 100 દિવસની રોજગારીપેટે આ ચોકીદારીનો પગાર તેમને સરકારે ચૂકવવો જોઈએ, કારણ કે આ સમસ્યા સરકારે ઊભી કરી છે અને તેનું સમાધાન લાવવાની જવાબદારી પણ સરકારની છે.”