'નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ કરાશે', કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં બીજું શું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કૉંગ્રેસે આજે જાહેર કરેલા ચૂંટણીઢંઢેરામાં જાહેર કર્યું છે કે, તે ભાજપના શાસન દરમિયાન લેવાયેલા વિવાદાસ્પદ નિર્ણયો રદ કરશે.

કૉંગ્રેસે જાહેર કરેલા ચૂંટણીઢંઢેરામાં કહ્યું છે કે જો તે સત્તામાં આવશે તો બિલકિસબાનો દુષ્કર્મ કેસમાં આરોપીઓની સજા માફ કરવાના નિર્ણયને રદ કરવાની કાર્યવાહી કરશે.

એટલું જ નહીં, અન્ય ‘વિવાદિત મામલાઓ’ જેવા કે ઉનાકાંડ, નલિયાકાંડ, થાનગઢકાંડ, પેપરલીકકાંડ, ધમણ વૅન્ટિલેટરકાંડ, કોરોનાકાળમાં દવાઓ, ઓક્સિજનના કાળા બજાર, મોરબી પુલ દુર્ઘટના તથા પાટીદાર આંદોલન વખતે થયેલા અત્યાચારોના બનાવોની તપાસ/સમીક્ષા તથા ન્યાય કરવાનો વાયદો કર્યો છે.

આ ઉપરાંત કૉંગ્રેસે વાયદો કર્યો છે કે, ભાજપ સરકારે મોટેરા ખાતે આવેલા જે ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખ્યું છે, તેને સત્તા પર આવ્યા પછીની સૌથી પહેલી કૅબિનેટ મિટિંગમાં બદલીને ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ રાખવામાં આવશે.

કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો

શનિવારે ગુજરાતમાં ચૂંટણીના સિનિયર પ્રભારી અશોક ગહેલોત અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત અન્ય નેતાઓએ પત્રકારપરિષદ યોજીને ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.

ઘોષણાપત્રમાં વિવિધ વર્ગો, સમુદાયો અને લક્ષિત જૂથો માટે જુદી જુદી યોજનાઓ અને જાહેરાતોને સમાવી લેવાઈ છે, સાથે જ ગુજરાતના કેટલાક ‘વિવાદિત ન્યાયિક’ મામલે પણ પક્ષે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

કૉંગ્રેસે પાર્ટી સત્તામાં આવે તો ઘોષણાપત્રમાં તાજેતરમાં બિલકીસબાનો રેપ કેસમાં મુક્ત કરી દેવાયેલ દોષિતોની સજામાફી રદ કરવાની કાર્યવાહી હાથ ધરવાની જાહેરાત કરી છે.

આ ઢંઢેરાને કૉંગ્રેસ જનઘોષણાપત્ર નામ આપ્યું છે. કૉંગ્રેસના નેતૃત્વ દ્વારા અપાયેલ માહિતી અનુસાર ઘોષણાપત્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જનસંપર્ક કરીને તૈયાર કરવામાં આવ્યો હતો.

ચૂંટણીઢંઢેરા વિશે વાત કરતા અશોક ગહેલોતે કહ્યું, "અમે જ્યારે 1998 રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા ત્યારે પક્ષના ચૂંટણીઢંઢેરાને રાજ્ય સરકારની પ્રથમ કૅબિનેટ મિટિંગમાં એજન્ડા તરીકે મૂક્યો અને તેને પસાર કરીને સરકારી તંત્રનું લક્ષ્ય બનાવી દીધું હતું. આ ઢંઢેરો છ લાખ લોકો સુધી ઓનલાઇન અને ઑફલાઇન મોડથી પહોંચીને તેમનાં સૂચનો લઈને તૈયાર કરવામાં આવ્યો હતો."

કૉંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં મુદ્દા અને લક્ષ્યજૂથને ધ્યાને રાખ્યાં છે.

મોંઘવારી, રોજગાર, શિક્ષણ, ખેતી, સમાજકલ્યાણને લગતા મુદ્દાઓને આવરી લઈને વિવિધ સુધારાકેન્દ્રી જાહેરાતો કરી છે.

મોંઘવારી

  • ગૅસનું સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે
  • વીજળીના બિલમાં રાહત માટે 300 યુનિટ સુધીના વપરાશ પર વીજળી શુલ્કમાં છૂટ
  • કન્યાઓના શિક્ષણ માટે પ્રાથમિક શાળાથી લઈ પીએચ.ડી. સુધી નિઃશુલ્ક શિક્ષણ અને રૂ. 500થી 20 હજાર સુધીની શિષ્યવૃત્તિઓ અપાશે
  • જરૂરિયાતમંદ પરિવારને માસિક રૂ. 6,000ની સહાયતા
  • રૂ. દસ લાખ સુધીનો ઇલાજ અને દવાઓ નિ:શુલ્ક કરવામાં આવશે
  • તમામ ભારે કરવેરા પર 20 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે
  • ઇનકમટૅક્સ હેઠળ આવતા કર્મચારીઓ તથા પ્રૉફેશનલ ટૅક્સમાં આવનારા વ્યાપારીઓ અને કારોબારીઓને છૂટછાટ અપાશે 
  • વિકલાંગો, વિધવા અને જરૂરિયાતમંદ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકોને ગુજરાત કૉંગ્રેસે માસિક 2000 રૂપિયાનું પેન્શન આપવાની જાહેરાત કરી છે.

રોજગાર-સ્પૉર્ટસ

  • સરકારી – અર્ધ સરકારી સંસ્થાઓમાં દસ લાખ ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે
  • બેરોજગાર યુવક-યુવતીઓને મહિને રૂ. 3,000 સુધીનું બેકારી ભથ્થું મળશે
  • ફિક્સ પગાર, કૉન્ટ્રેક્ટ લેબર કે આઉટસોર્સિંગના બદલે કાયમી નોકરી
  • છેલ્લાં દસ વર્ષ કે તેનાથી વધારે સમયથી કૉન્ટ્રેક્ટ, આઉટસોર્સ અને ફિક્સ પગાર પર કામ કરનારાઓને કાયમી કરાશે
  • સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિને રોકવા અને આરોપીઓ માટે વિશેષ ‘ભરતી ભ્રષ્ટાચાર નિવારણ કાયદો’ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના
  • નિયમિત ધોરણે ભરતીની પ્રક્રિયા માટે ભરતી કૅલેન્ડર અને તેનો ચોકસાઈભર્યો અમલ
  • સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોને ફ્રી બસ પાસ તથા રહેવાની વ્યવસ્થા
  • ફિલ્ડ માર્શલ ‘સેમ માણેકશા મિલિટ્રી એકેડમી’ ની રચના, જેમાં ગુજરાતના યુવક – યુવતીઓને લશ્કરમાં ભરતી માટે તૈયારી અને માર્ગદર્શન
  • ‘વિશ્વકર્મા હુન્નર નિર્માણ યોજના’ - વારસાગત હુન્નર ધરાવનાર સમાજોના યુવાનોને કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહનો અને આર્થિક સહાય.
  • દરેક શહેર, તાલુકામથકે પરંપરાગત કારીગરોને સ્વરોજગારી માટે જીઆઈડીસી વસાહતોનું નિર્માણ
  • સેવા આપનાર અને સેવા વાપરનાર તેમજ નોકરી આપનાર અને નોકરીના અરજદાર વચ્ચે સીધા સંપર્ક માટે ઇ- પૉર્ટલની સ્થાપના

સ્પૉર્ટ્સ નીતિ

  • યુવાનોમાં રમતગમત માં શ્રેષ્ઠતા - પ્રોત્સાહન આપતી ‘જામ રણજી સ્પૉર્ટ્સ નીતિ’
  • દરેક શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં તેમજ દરેક ગામમાં જિમ અને પ્લૅગ્રાઉન્ડની વ્યવસ્થા.
  • રાજ્યના દરેક ગામમાં યુવાનોના સર્વાંગી વિકાસ માટે ‘ડૉ.વિક્રમ સારાભાઈ વાંચનાલાય’, ‘વસંતરજબ વ્યાયામશાળા’, ‘ગાંધી વિચારમંચ’ અને ‘જવાહર બાલમંચ’ શરૂ કરાશે

શિક્ષણ

  • રાજયમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓને ગુણવત્તાયુક્ત અને પરવડે તેવી ફી સાથે શિક્ષણ પ્રાપ્ત થાય અને એક પણ વિદ્યાર્થી કુટુંબની આર્થિક પરિસ્થિતિને કારણે શિક્ષણની તકથી વંચિત ના રહે તે જાતની નવી “મહાત્મા ગાંધી સર્વગ્રાહી શિક્ષણ નીતિ” ઘડવામાં આવશે
  • રાજયમાં વૈશ્વિક કક્ષાનું અને આધુનિક ઉચ્ચ શિક્ષણની તકો ઉપલબ્ધ થાય તે માટે રાજ્યમાં એમઆઇટી અને હાર્વર્ડ યુનિ. જેવી વિશ્વવિખ્યાત સંસ્થાઓ સાથેના જોડાણ અને ઍડવાન્સ અભ્યાસક્રમો ઑફર કરતી મૉડલ શૈક્ષણિક સંસ્થાઓ સાથે ‘નૉલેજ સિટી’ની સ્થાપના
  • દીકરીઓને કે.જી.થી પી.જી. સુધીના શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી
  • દરેક વિદ્યાર્થીને કે.જી.થી પી.જી. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પરવડે તેવી ફી સાથેની શિક્ષણ વ્યવસ્થા – જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફી માફી / રાહત
  • તમામ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને કે.જી. થી પી.જી. સુધી શૈક્ષણિક ખર્ચ પેટે રૂ. 500થી રૂ. 20,000/- સુધીની શિષ્યવૃત્તિ
  • શિક્ષણના વેપારીકરણ પર નિયંત્રણ, રાજ્યના દરેક વિસ્તારમાં મોટાપાયે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પરવડે તેવી ફી સાથેની સરકારી / ગ્રાન્ટેડ શાળાઓ - કૉલેજો - શૈક્ષણિક સંસ્થાઓ
  • રાજ્યમાં 3,000 અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ
  • તબીબી શિક્ષણ ના વિસ્તાર માટે ‘ઇંદિરા પ્રિયદર્શિનિ મેડિકલ યુનિવર્સિટી’ની સ્થાપના માટે આયોજન
  • કૃષિ વિજ્ઞાન - પશુપાલન શિક્ષણ માટે નવી રાજ્યકક્ષાની ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી’ની રચના
  • સ્કૂલ કૉલેજોની ફી અને તેમાં ઉપલબ્ધ શિક્ષણનું આંતરમાળખું, સ્ટાફ, પ્લેસમેન્ટ વગેરે બાબતોને લક્ષમાં લઈ તેનું ગ્રેડિંગ અને ફી નક્કી કરવા માટે ‘ફી નિર્ધારણ અને નિયમન કમિશન'ની રચના
  • સંગીત - ચિત્રકલા – પી.ટી. વિષયોના શિક્ષકોની ખાલી જગ્યાઓ અને વર્ગ - 4ની ભરતી શરૂ
  • પછાત વિસ્તારમાં કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયો સમકક્ષ ‘મહાત્મા જ્યોતિબા ફૂલે આદર્શ નિવાસી વિદ્યાલયો’ અને ‘સાવિત્રીબાઈ ફૂલે આદર્શ નિવાસી કન્યા વિદ્યાલય’ સ્થાપના અને સહાય
  • રાઇટ ટુ ઍજ્યુકેશન ઍક્ટનો વ્યાપ વધારીશું, માત્ર એકથી આઠ સુધી જ નહીં પરંતુ ધોરણ નવથી 12 સુધી લાગુ કરીશું
  • તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે ‘જવાહરલાલ નેહરુ ઍજ્યુકેશન ફાઉન્ડેશન’ ની સ્થાપના
  • સ્કૂલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રી એનડ્રોઇડ મોબાઇલ ફોન

આરોગ્ય

  • ગુજરાતની આરોગ્ય સેવાઓના નવસર્જન માટે કૉંગ્રેસ કટિબદ્ધ છે. કૉંગ્રેસની સરકાર બનતાં જ સામાન્ય પ્રજાના આરોગ્યના ગંભીર પ્રશ્નોના ઉકેલ માટે ‘સરદાર પટેલ સર્વગ્રાહી આરોગ્ય નીતિ’ ઘડાશે
  • દરેક નાગરિકને સરકારી/માન્ય ખાનગી દવાખાનાંમાં રૂપિયા દસ લાખ સુધીની મફત સારવાર અને દવા તેમજ રાજીવ ગાંધી અકસ્માત વીમા યોજનામાં રૂપિયા પાંચ લાખનું વીમા કવચ આપશે
  • એમ.આર.આઈ., સોનોગ્રાફી, ઇકો, એક્સ-રે, સી.ટી. સ્કૅન, લૅબોરેટરી વગેરે તપાસ પણ વિનામૂલ્યે
  • કિડની, હાર્ટ, લિવર અને બોનમરોનું ટ્રાન્સપ્લાન્ટ તદ્દન મફત
  • કિફાયતી ભાવે ગુણવતાયુક્ત દવાની ઉપલબ્ધિ માટે ‘જનતા મેડિકલ સ્ટોર્સ’ ની ચેઈન
  • કોરોના મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂ.ની સહાય, નિરાધાર થયેલાં બાળકોને કે.જી.થી પી.જી. સુધી મફત, શિક્ષણ અને 21 વર્ષના થાય ત્યાં સુધી પ્રતિ માસ રૂપિયા બે હજારની સહાય
  • કોવિડમાં નિધન પામેલા કોરોના વૉરિયરોના પરિવારમાંથી એકને સરકારી નોકરીમાં અગ્રીમતા
  • રાજ્યમાં તમામ વિસ્તારોને આવરી લેતું નિ:શુલ્ક અદ્યતન આરોગ્ય સેવાનુ નેટવર્ક
  • દરેક ડિવિઝનમાં કૅન્સર,હૃદયરોગ, કિડની, આંખ, ન્યૂરોલોજી, માનસિક અને અન્ય રોગો માટેની AIIMS કક્ષાની સુપર સ્પેશિયલિટી હૉસ્પિટલો
  • સરકારી દવાખાનાં અને હૉસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરો અને સ્ટાફની ઘટને પહોંચી વળવા અલગ ‘રાજ્ય આરોગ્ય સેવા ભરતી કમિશન’
  • ડૉક્ટરો અને તમામ કર્મચારી માટે કૉન્ટ્રેક્ટ/આઉટસોર્સિંગ પ્રથા બંધ – કાયમી નિમણૂક
  • દરેક ગામડામાં ઓછામાં ઓછા બે સ્થાનિક હેલ્થ વર્કર-નર્સની ભરતી
  • મેડિકલ અને આરોગ્ય સેવા- શિક્ષણને સુદૃઢ કરવા “ઇંદિરા પ્રિયદર્શિની મેડિકલ યુનિવર્સિટી’ની સ્થાપના

ખેડૂત, ખેતી, જમીન કાયદા

  • ખેડૂતોનું રૂ. ત્રણ લાખ સુધીનું દેવું માફ, વીજળીનું બિલ માફ કરાશે
  • નિષ્ણાતો અને હિતધારકોના પ્રતિનિધિત્વ સાથેના કૃષિપંચની રચના
  • જમીન સંપાદન માટે 2013નો યુપીએ સરકારે બનાવેલ ખેડૂતલક્ષી જમીન સંપાદન કાયદાનો અમલ, ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારોની સમીક્ષા - હાનિકારક જોગવાઇઓ રદ
  • ખેડૂતોને નુકસાન કરતા SIRનો, 2013નો પાણીનો, 2016નું સુધારા વિધેયક તેમજ અન્ય સંબંધિત કાયદા/ઠરાવો / નિયમોની સમીક્ષા/સુધારણા/રદ/ને સ્થાને નવા કાયદાની કાર્યવાહી
  • ઔદ્યોગિક હેતુ માટે ખરબાની જમીનનો જ ઉપયોગ, ખેતીની ફળદ્રુપ જમીનસંપાદન પર રોક

સિંચાઈ

  • સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યા નિવારણ લાવવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ
  • રાજ્યના મહત્તમ વિસ્તારોને સિંચાઈથી આવરી લેવા વરસાદી પાણીના સંગ્રહ માટે હયાત ડૅમોના હેઠવાસમાં, નદીના વહેણમાં શ્રેણીબદ્ધ આડબંધ/ચેકડૅમો/તળાવો બનાવવામાં આવશે.
  • ડુંગરાળ અને ઊંચાણ વિસ્તારો માટે ચેકડૅમ અને લિફ્ટ ઇરિગેશનની યોજના
  • ઘેડ જેવા વિસ્તારમાં જ્યાં લાંબા સમય માટે વરસાદી પાણી ભરાઈ રહે છે તેવા વિસ્તારોમાં પાણી નિકાલ માટેની કાયમી વ્યવસ્થા કરાશે – ટેકનિકલ ટાસ્ક ફોર્સની રચના – બજેટ ફાળવણી

પાક વીમા યોજના – અમલ

  •  સરકારની જ પાકવીમા કંપની દ્વારા જ નવી પાકવીમા યોજનાનું અમલીકરણ
  •  પાકવીમા યોજનામાં ઉચ્ચક ખેતી રાખનાર ગણોતિયા/ભાગીદારને આવરી લેવામાં આવશે.

ટેકાના ભાવે ખરીદી એમએસપી

  •  ટેકાના ભાવે જ ખરીદી માટે એમએસપી કાયદો બનાવવામાં આવશે.
  •  ખેડૂતોને ખેતપેદાશોના વાજબી ભાવ માટે ‘ભાવ નિર્ધારણ સમિતિ’ની રચના
  •  કેન્દ્રના એમએસપી લિસ્ટમાં અસમાવિષ્ટ ગુજરાતની મહત્ત્વની ખેતપેદાશો માટે રાજ્ય એમએસપી

જમીન માપણી

  •  નવેસરથી જમીનની વૈજ્ઞાનિક ધોરણે માપણી, જૂની માપણી રદ કરાશે

જમીન સંપાદન

  •  2013નો UPA-1 કેન્દ્ર સરકારે બનાવેલ ખેડૂતલક્ષી જમીન સંપાદન કાયદાનો અમલ
  •  જ્યાં વપરાશી હક તરીકે ખેડૂતોની જમીન લેવાશે તેવા કિસ્સામાં અલગથી સુધારા કરાશે

વીજળી

  • ખેડૂતોને દિવસ દરમિયાન દસ કલાક વીજળી

પ્રોત્સાહન

  • ખેત ઉત્પાદનોમાં ઉત્પાદન મૂલ્ય વૃદ્ધિ માટે સ્થાનિક ખેતપેદાશ અનુસાર “ઍગ્રો ફૂડ પાર્ક અને ઍગ્રો પ્રોસેસિંગ એકમો”ની સ્થાપનાને પ્રોત્સાહન/સહાય
  • જુદા જુદા વિસ્તારોમાં ઍગ્રો/ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોની સ્થાપના માટે રૂ. દસ હજાર કરોડના ભંડોળ સાથે ‘ઍગ્રો ઍન્ડ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ કૉર્પોરેશન’ રચાશે. તજજ્ઞોની સહાયથી ખેડૂતોની કંપની દ્વારા જ કૃષિ ઉત્પાદનની મૂલ્યવૃદ્ધિ માટેના પ્રોસેસિંગના એકમો અને માર્કેટિંગ માટે ખેડૂતોની નોન પ્રૉફિટ કંપનીઓની સ્થાપના માટે પ્રોત્સાહન/સહાય

અન્ય

  • ટ્રેક્ટરની ખરીદીમાં 15 ટકા સબસિડી (રૂ.25,000 સુધી), ટ્રોલીને આર.ટી.ઓ.પાસિંગમાંથી મુક્તિ રોઝ, ભૂંડ જાનવરથી પાકને થતાં નુકસાન સામે વાયર ફેન્સિંગ માટે વ્યાપક સબસિડી
  • ખેડૂતોનાં આકસ્મિક મૃત્યુ, સર્પદંશ કિસ્સામાં રૂ. પાંચ લાખ સુધીની સહાય
  • કેમિકલ કંપની દ્વારા જળ, જમીન અને હવાને પ્રદૂષિત થતી અટકાવવા પ્રદૂષણ નિયંત્રણ કાયદાનો કડક અમલ કરાશે

માલધારી – પશુપાલન – ગૌસંવર્ધન

  • કૉંગ્રેસની સરકાર બનતાં જ “કામધેનુ-ગૌસંવર્ધન યોજના” હેઠળ પ્રતિવર્ષ રૂ. એક કરોડનું બજેટ
  • દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર પાંચ રૂપિયાની સબસિડી
  • લમ્પી વાઇરસથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં સહાય-વળતર
  • ઉદ્યોગો અને ખાનગી/જાહેર પ્રોજેક્ટ માટે ગૌચરની વણવપરાયેલી જમીન પરત લેવાશે
  • પશુઓના ચારા અને ખાણ-દાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે
  • માલધારી સમાજના સામાજિક - આર્થિક ઉત્કર્ષ માટે ગોપાલક વિકાસ નિગમને એક હજાર કરોડ રૂ.ની બજેટ ફાળવણી
  • પશુપાલન માટે દરેક પરિવારદીઠ ચાર ગાય ખરીદે ત્યાં સુધી પ્રતિ ગાય પાંચ હજાર રૂ.ની સબસિડી

માછીમાર-મત્સ્યઉદ્યોગ

  • માછીમારોનું રૂ. ત્રણ લાખ સુધીનું દેવું માફ
  • ગુજરાતમાં મેરીટાઇમ યુનિવર્સિટીની સ્થાપના

મત્સ્યઉદ્યોગ વિકાસ પ્રોત્સાહન

  • દરેક નાના-મોટા બંદરના ફિશ માર્કેટ/સ્ટોર્સ/પ્રોસેસિંગ/કોલ્ડ સ્ટોરેજ/ગોડાઉનની સુવિધાઓ સાથેના ડેવલપમૅન્ટ પ્લાન અને ‘માછીમાર વેપાર ઝોન’ ની રચના માટે રૂ. બે હજાર કરોડની ફાળવણી
  • પ્રદૂષણ નિયંત્રણ કાયદા હેઠળ પ્રદૂષિત કચરાને દરિયામાં છોડવા પર પ્રતિબંધ
  • ફોરેન ફિશિંગ શિપ્સને 12 નોટિકલ માઇલ પર પ્રવેશવા પર નિયંત્રણ અને પગલાં

બોટધારકો માટે

  • બોટમાલિકોને વાર્ષિક 36,000 લિટર સુધી ડીઝલ અને નાની ફાઇબર બોટ-પિલાણાને કેરોસીનને બદલે પેટ્રોલ વાપરવાની મંજૂરી સાથે વાર્ષિક 4,000 લિટર સુધીની ફાળવણી કરવામાં આવશે
  • પાકિસ્તાનના કબજામાં રહેલ બોટના માલિકોને 50 લાખ રૂ. સુધીનું આર્થિક પૅકેજ અને નિધન પામેલ માછીમારના પરિવારને દસ લાખ રૂ.ની સહાય
  • દરિયાઈ વાવાઝોડામાં માછીમારી બોટને થતાં નુકસાન માટે વીમાની જોગવાઈ થશે

માછીમાર વસાહતોનો વિકાસ

  • ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં અલગ વિભાગ બનાવી રાજ્યની દરેક માછીમાર વસાહતોમાં પ્રાથમિક નાગરિક સુવિધાઓ (રસ્તા, પાણી, લાઈટ, ગટર, સ્કૂલ, દવાખાનું અને મજબૂત પ્રૉટેક્શન વોલ) પૂરી પડાશે. આ માટે એક હજાર કરોડ રૂ.ની ફાળવણી