You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના એ ત્રણ કોળી ઉમેદવારો જેની ટિકિટ ભાજપ વર્ષોથી કાપી શકે એમ નથી
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
- ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 160 ઉમેદવારો જાહેર કર્યા
- આ યાદીમાં ઘણા નવા ચહેરાને તક અપાઈ છે તો ઘણા ‘જૂના જોગી’નાં પત્તાં કપાયાં છે
- જોકે ભાજપની ‘નો રિપીટ’ની રણનીતિ પણ કેટલાક ઉમેદવારોનાં નામ આ યાદીમાંથી હઠાવી શકી નથી, કોણ છે આ નેતાઓ?
ભાજપે ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 160 ઉમેદવારોનાં નામ જાહેર કરીને ઘણા સમયથી ચાલી રહેલા સસ્પેન્સનો મોટા ભાગે અંત લાવ્યો છે.
ભાજપના ઉમેદવારોની યાદીમાં કેટલાંક જૂનાં નામો રિપીટ કરાયાં છે તો કેટલાંક ‘જૂના જોગીઓ’ને બાકાત રાખી ‘આશ્ચર્યચકિત’ કર્યા છે.
નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ એ પહેલાંથી જ ભાજપના શીર્ષ નેતૃત્વ દ્વારા ‘નો રિપીટ’ અને ‘નવા ચહેરાને તક’ની વાત કરાઈ રહી હતી.
ભાજપે આ વખત દિગ્ગજ નેતાઓનાં ‘નામ કાપ્યાં’, તેને લઈને અવારનવાર ‘નવા ચહેરા’ને તક આપવાનું કારણ આગળ ધરાતું હતું.
ભાજપે જાહેર કરેલ ઉમેદવારોની યાદીમાં કેટલાંક નામ એવાં પણ છે જેઓ પાછલાં ઘણાં વર્ષોથી સફળતાપૂર્વક ટિકિટ મેળવીને ચૂંટણી પણ જીતી રહ્યાં છે, ‘નો રિપીટ’ની થિયરીની અસર પણ તેમનાં નામ આ યાદીમાંથી દૂર નથી કરી શકી.
આ નામોમાં ગુજરાતના કોળી સમાજના ‘કદાવર અને પ્રભાવશાળી’ નેતાઓ પરષોત્તમ સોલંકી, હીરા સોલંકી અને કુંવરજી બાવળિયા સમાવિષ્ટ છે.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોનાં નામ જાહેર થાય એ પહેલાં જ પક્ષના કેટલાક ‘ધુરંધર નેતાઓ’એ ફરી વખત ચૂંટણી ન લડવાનો ઇરાદો વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો.
આ જાહેરાતને ભાજપની ’25 ટકા નવા ચહેરા’ની રણનીતિની પૂર્વતૈયારી સ્વરૂપે જોવામાં આવી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂતકાળમાં સરકાર અને પક્ષમાં મોટું કદ ધરાવતા કેટલાક નેતાઓની ‘બાદબાકી કરવાની રણનીતિ’ કોળી સમાજના ઉપરોક્ત નેતાઓની ઉમેદવારીને અસર નથી કરી શકી.
‘કોળી મતો અંકે કરવા નથી કોઈ વિકલ્પ’
રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ ગુજરાતમાં ભાજપની ‘નો રિપીટ’ અને ’25 ટકા નવા ચહેરા’ની રણનીતિમાં કોળી સમાજના ‘દિગ્ગજ નેતાઓ’ પરષોત્તમ સોલંકી, હીરા સોલંકી અને કુંવરજી બાવળિયાને ‘અપવાદ’ ગણાવે છે.
દિલીપ ગોહિલ આ ત્રણેય ચહેરા પર ફરીથી પસંદગી ઉતારવા પાછળના ભાજપના તર્ક અંગે અનુમાન લગાવતાં કહે છે કે, “ભાજપની પોતાની વાણિયા, બ્રાહ્મણ અને પટેલ જેવી બિનઅનામત વર્ગની જ્ઞાતિઓની વોટબૅંક છે, તે અકબંધ છે, પાછલાં ઘણાં વર્ષોથી તેમાં કોઈ મોટો ઊલટફેર કરી શકાયો નથી. એમાં તેમને વધારો કરવો હોય તો તે અન્ય પછાત વર્ગના નેતાઓને આકર્ષીને જ કરી શકાય તેમ છે. તેથી સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના કોળી સમાજનાં મોટાં માથાં કહેવાતા આ નેતાઓની બાદબાકી કરી શકાય તેમ નથી.”
“તેમજ સૌરાષ્ટ્ર અને તેના દરિયાઈ વિસ્તારમાં કોળી સમાજના મતો નિર્ણાયક સાબિત થાય એમ છે. તેથી ભાજપ અહીંની બેઠકો પર વધુ પરિવર્તન લાવીને જોખમ ખેડવા માગતો નથી તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.”
વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કોળી સમાજના નેતાઓની પુન:પસંદગી અંગેનાં કારણો બાબતે વાત કરતાં જણાવે છે :
“કુંવરજી બાવળિયાને સૌરાષ્ટ્રના સર્વમાન્ય કોળી નેતા ગણી શકાય. તેઓ પોતાના નામ પર ચૂંટણી જીતતા આવ્યા છે, પક્ષના પ્રતીકની તેમની જીત પર કોઈ અસર નહીં થાય એવું મનાય છે. તેઓ શક્તિશાળી હોવાની સાથે એટલા જ લોકપ્રિય નેતા પણ છે. સૌરાષ્ટ્રની ઘણી બેઠકો પર કોળી મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે. તેથી કુંવરજી બાવળિયા જેવા આ સમાજના મોટા નેતાને હઠાવી સમાજની નારાજગી વહોરવાનું જોખમ ભાજપ ન લેવા માગે તે સ્વાભાવિક છે. અને તે જ આ ટિકિટ ફાળવણી પરથી પણ સ્પષ્ટ થઈ ગયું છે.”
કોણ છે કુંવરજી બાવળિયા?
સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા છેક 1995થી ગુજરાત વિધાનસભા અને ભારતીય સંસદમાં અનુક્રમે ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર બાવળિયાએ જુલાઈ 2018માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદ તરત જ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
વર્ષ 2018થી સપ્ટેમ્બર 2021 સુધી એટલે કે રૂપાણી સરકારનાં સામૂહિક રાજીનામાં સુધી તેઓ પાણીપુરવઠો અને ગ્રામગૃહનિર્માણના મંત્રી રહ્યા હતા.
તેઓ પાછલી ઘણી ચૂંટણીઓથી રાજકોટની જસદણ વિધાનસભા બેઠકથી ચૂંટાતા આવ્યા છે.
આ સિવાય તેઓ રાજકોટથી સાંસદ પણ રહી ચૂક્યા છે.
રાજકીય વિશ્લેષકોના મતે બાવળિયા પોતાની મોટી વોટ બૅંક ધરાવતા ‘કદાવર નેતા’ છે. તેમની ઉપેક્ષા કરવું કોઈ પણ રાજકીય પક્ષ ‘પરવડે તેમ નથી.’
રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, “બાવળિયાની સૌરાષ્ટ્રના મતો પરની અસરને જોતાં તેઓ મોટા ભાગની ચૂંટણીઓમાં બે-ચાર ઉમેદવારોને ટિકિટ અપાવતા. અને પાર્ટી તે સ્વીકાર્ય પણ રાખતી. આ વાત તેમની જે-તે પાર્ટીમાં સ્વીકાર્યતા જણાવી દે છે.”
નોંધનીય છે કે તેઓ જસદણ બેઠક પરથી પાંચ વખત ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાંથી ધારાસભ્ય બની ચૂક્યા હતા. તે બાદ વર્ષ 2018માં રાજીનામું આપ્યા બાદ ભાજપની ટિકિટ પરથી જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીતી મંત્રીપદ હાંસલ કર્યું હતું.
પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકી
આ સિવાય કોળી સમાજનાં અન્ય પ્રભાવશાળી નામો પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકીને પણ ભાજપે 160 ઉમેદવારોની યાદીમાં સમાવિષ્ટ કર્યા છે.
જાણકારો અનુસાર પરષોત્તમ સોલંકી ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોના મતો પર સારી પકડ ધરાવતા નેતા છે.
નોંધનીય છે કે પરષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ઘણાં વરસોથી જીતતા આવ્યા છે.
તેમની રાજકીય વગ વિશે વાત કરતાં સૌરાષ્ટ્રના એક પત્રકારે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે, “પરષોત્તમ સોલંકી સૌરાષ્ટ્રના ભાજપના એક વગદાર નેતા છે. નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા એ સમયથી તેમને સ્ટારપ્રચારક તરીકે મતવિસ્તારોમાં મોકલવામાં આવતા. મુખ્ય મંત્રી સિવાય પ્રચાર માટે હેલિકૉપ્ટર મેળવનાર ઉમેદવારોમાં પણ તેમનું નામ રહેતું. આ વાત તેમની રાજકીય વગ જણાવે છે.”
ઘણાં વરસો સુધી પરષોત્તમ સોલંકીના પર્સનલ આસિસ્ટન્ટ રહેલા વીરેન્દ્ર મણિયાર જણાવે છે કે, “તેઓ એક લોકપ્રિય નેતા છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તે સમયના ઊર્જામંત્રી સૌરભ પટેલે તેમની સાથેના અણબનાવને કારણે બોટાદની પોતાની બેઠક બદલવાની ફરજ પડી હતી.”
રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ જણાવે છે કે, “તેમને મોટા ભાગની સરકારોમાં મંત્રીપદ મળ્યું છે, આ બાબત ગુજરાત ભાજપમાં તેમનું કદ કહી આપે છે.”
આ ઉપરાંત પરષોત્તમ સોલંકીના ભાઈ હીરા સોલંકી ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં રાજુલા બેઠક પર હાર્યા હોવા છતાં તેમને ફરી એક વખત ભાજપે એ જ બેઠક પરથી ટિકિટ આપી છે.
રાજુલાના પત્રકાર જયદેવ વરુ હીરા સોલંકી વિશે વાત કરતાં જણાવે છે કે, “સૌરાષ્ટ્રના કોળી બેલ્ટમાં બંને ભાઈઓનું પ્રભુત્વ છે. આ સિવાય હીરા સોલંકી અમિત શાહની ગુડ બુકમાં નામ ધરાવતા નેતા હોવાનું મનાય છે. ભાજપે પરષોત્તમ અને હીરા સોલંકીનો વિકલ્પ શોધવાનો પ્રયત્નો કર્યો તો ખરો પરંતુ આ નેતાઓ જેવી લોકપ્રિયતા કોઈ હાંસલ કરી શક્યું નથી.”
હીરા સોલંકી અને ભાજપની ટોચની નેતાગીરી વિશેના સંબંધો વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા તે સમયે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટાર પ્રચારક તરીકે હીરા સોલંકીને મોકલવામાં આવતા. ગુજરાત ઘણી ચૂંટણીઓમાં દરિયાકાંઠાના મતો અંકે કરવાની જવાબદારી ભાજપ અને ખુદ નરેન્દ્રભાઈ તેમના પર નાખી ચૂક્યા છે. આ વાતો ભાજપના ટોચના નેતૃત્વ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં તેમની અસર જણાવી દે છે.”
નોંધનીય છે કે પરષોત્તમ સોલંકીની જેમ જ 1998ની વિધાનસભાની ચૂંટણીથી તેમના ભાઈ હીરા સોલંકીને પણ ભાજપની ટિકિટ મળતી આવી છે. પરંતુ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના અંબરીષ ડેરે હીરા સોલંકીને હરાવ્યા હતા.