You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની એ 12 બેઠકો જે કૉંગ્રેસ છેલ્લાં 24 વર્ષમાં ક્યારેય હારી નથી
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતની ચૂંટણીમાં અત્યાર સુધી 25 વર્ષથી સત્તામાં રહેનારા ભાજપ અને 27 વર્ષથી સત્તાથી દૂર રહેનારી કૉંગ્રેસ વચ્ચે જંગ જામતી હતી. જોકે, આ વખતે આમ આદમી પાર્ટી પણ આ જંગમાં જોડાઈ છે.
જો ગુજરાતમાં ભાજપ 25 વર્ષથી સત્તામાં હોય અને કૉંગ્રેસ 27 વર્ષથી સત્તાથી દૂર હોય તો બે વર્ષના હિસાબનો મેળ પડતો નથી. આ સમયગાળા દરમિયાન ભાજપમાંથી બળવો કરીને ગયેલા શંકરસિંહ કૉંગ્રેસના ટેકાથી મુખ્ય મંત્રી બન્યા હતા.
તે સમયે કૉંગ્રેસ પરોક્ષ રીતે સત્તામાં હતી પણ તેને બાદ કરતાં કૉંગ્રેસ ઘણા સમયથી ગુજરાતમાં સત્તાથી દૂર છે. જેનું મુખ્ય કારણ શહેરી વિસ્તારમાં ભાજપની મજબૂત પકડ માનવામાં આવે છે.
જોકે, રાજ્યમાં 47 બેઠકો એવી છે જ્યાં મતદારોએ 1998થી પાર્ટી અથવા તો ઉમેદવારો પ્રત્યેની વફાદારી બદલી નથી. જ્યારે 55 બેઠકો એવી છે જ્યાં વર્ષ 2002થી મતદારો કોઈ એક પક્ષ અથવા તો પાર્ટીને વફાદાર રહ્યા હોય. તેમાં પણ ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક એવી છે જ્યાં વર્ષ 1995થી માત્ર એક જ પાર્ટી જીતતી આવી છે અને તે છે છોટુ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી.
એ બેઠકો જે ભાજપ 24 વર્ષમાં હાર્યો નથી
ગુજરાતમાં 31 બેઠકો એવી છે જે ભાજપ છેલ્લા 24 વર્ષમાં ક્યારેય હાર્યું નથી.
- વિસનગર
- મહેસાણા
- ઇડર
- એલિસબ્રિજ
- નરોડા
- મણિનગર
- સાબરમતી
- અસારવા
- વઢવાણ
- રાજકોટ પશ્ચિમ
- રાજકોટ ગ્રામ્ય
- રાજકોટ દક્ષિણ
- કેશોદ
- મહુવા(ભાવનગર)
- બોટાદ
- નડિયાદ
- પંચમહાલ-કાલોલ
- વાઘોડિયા
- વડોદરા શહેર
- સયાજીગંજ
- રાવપુરા
- ભરૂચ
- અંકલેશ્વર
- ઓલપાડ
- સુરત ઉત્તર
- સુરત પશ્ચિમ
- ચોર્યાસી
- જલાલપોર
- નવસારી
- ગણદેવી
- વલસાડ.
એ બેઠકો જે કૉંગ્રેસ 24 વર્ષમાં હારી નથી
ગુજરાતમાં 12 બેઠકો એવી છે જે કૉંગ્રેસ ક્યારેય હારી નથી. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે અહીં ભાજપ જીતવામાં સફળ રહ્યો નહોતો. આ બેઠકો છે :
- ખેડબ્રહ્મા
- જસદણ
- દરિયાપુર
- જમાલપુર-ખાડિયા
- બોરસદ
- મહુધા
- વ્યારા
- દાંતા
- વાંસદા
- કપરાડા
- ભિલોડા
- વડગામ
આમ તો જસદણ બેઠક 1998થી કૉંગ્રેસ જીતતી આવી છે પણ કુંવરજી બાવળિયા ભાજપમાં આવ્યા અને બાદમાં જે પેટાચૂંટણી યોજાઈ તેમાં આ બેઠક ભાજપને ફાળે ગઈ હતી.
જ્યારે 2017માં વડગામ બેઠક પરથી જિજ્ઞેશ મેવાણી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમને કૉંગ્રેસનું સમર્થન હતું. હવે જિગ્નેશ મેવાણી વિધિવતરીતે કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું હોઈ શકે કારણો
જે બેઠકો ભાજપ વર્ષોથી જાળવી શક્યો છે તે પૈકીની ઘણી બેઠકો શહેરની છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ભાજપનો ગઢ બની ગયા છે.
જાણકારો કહે છે કે શહેરી મતદારોને વિકાસનું મૉડલ સમજાવવામાં ભાજપ સફળ રહ્યો છે. સાથે હિંદુત્વનો મુદ્દો પણ શહેરમાં અસરકારક રહ્યો જેને કારણે ભાજપની શહેરો પર પકડ મજબૂત બની છે.
રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ કહે છે, “ 1985માં અનામત આંદોલન થયું અને ત્યારબાદ રામમંદિર માટે થયેલાં આંદોલનોને કારણે શહેરી વિસ્તારોમાં ભાજપે પગપેસારો કર્યો.” તેમણે આગળ કહ્યું, “એ જ સમયગાળામાં ભાજપ પાસે ઘણી મહાનગરપાલિકાઓનું શાસન આવ્યું અને કેટલીક નગરપાલિકાઓ પણ કબજે કરી. મહદંશે શહેરી વિસ્તારોમાં હિંદુત્વનો મુદ્દો પણ કામ કરી ગયો. આ બધાં કારણોને લઈને ભાજપ શહેરો પર પકડ જમાવવામાં સફળ થયો.”
દિલીપ ગોહિલ આગળ કહે છે, “ઓબીસી અને દલિત કૉંગ્રેસની વોટબૅન્ક હતી પણ ભાજપ તેને પણ આકર્ષવામાં સફળ થયો. વળી નવા અને યુવા મતદારો પણ ભાજપ તરફ વળ્યા અને તેની સાથે જોડાયા. જેથી ભાજપની વોટબૅન્ક વધુ મજબૂત બની.”
કેટલાક જાણકારો શહેરોમાં ભાજપના વધેલા જનાધાર મામલે ભૌતિક વિકાસને પણ કારણભૂત ગણે છે. રાજકીય વિશ્લેષક હેમંત શાહ કહે છે, “ભાજપની શહેરી વિસ્તારમાં સફળતા પાછળ બે કારણો જવાબદાર છે. એક ભૌતિક વિકાસ અને બીજું છે ધ્રુવીકરણ.”
તેઓ કહે છે, “શહેરોમાં વિકાસના મોડલનો પ્રચાર અને હિંદુ-મુસ્લિમોમાં અસુરક્ષાની ભાવના ઊભી કરીને સામાજિક ધ્રુવીકરણ ઊભું કરાયું. રિવરફ્રન્ટ, ઉત્સવો અને સમારંભોના માધ્યમથી ભાજપ શહેરના મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ થયો.”
શું કહે છે ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ?
ભાજપના નેતાઓનું કહેવું છે કે વિકાસ અને સુશાસનને કારણે શહેરી વિસ્તારના લોકોનો વિશ્વાસ ભાજપ પ્રત્યે વધ્યો છે.
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, “તમે છેલ્લાં 25 વર્ષ પહેલાંનો ઇતિહાસ જોશો તો ખબર પડશે કે લોકો પોતાને અસુરક્ષિત માનતા હતા. શહેરોમાં ગમે ત્યારે તોફાનો ફાટી નીકળતાં હતાં.”
તેઓ આગળ જણાવે છે, “ભાજપના શાસનમાં લોકોને સુરક્ષા મળી છે અને શાંતિ સ્થપાઈ છે. બીજી તરફ શહેરના લોકોએ અનુભવ્યું છે કે ભાજપના શાસનમાં તેમને જરૂરી સુવિધાઓ પણ મળે છે અને શહેરી વિસ્તારમાં જ નહીં પણ છેવાડાનાં ગામોમાં પણ લોકોએ ભાજપના વિકાસને સમર્થન આપ્યું છે.”
જોકે, કૉંગ્રેસ ભાજપના આ દાવાને ફગાવે છે. કૉંગ્રેસનો આરોપ છે કે ભાજપે સામાજિક ધ્રુવીકરણ કરીને હિંદુ-મુસ્લિમોમાં ભય ઉત્પન્ન કર્યો છે તેને કારણે શહેરમાં કૉંગ્રેસની વોટબૅન્ક તૂટી છે.
દરિયાપુરના કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહે છે, “ હિંદુ-મુસ્લિમોમાં નફરતની રાજનીતિ ફેલાવીને ભાજપ શહેરી મતદાતાઓમાં ભય ઊભો કરે છે.”
તેમણે દાવો કર્યો કે “ભાજપની આ પ્રકારની રાજનીતિને કારણે શહેરમાં રહેતા કૉંગ્રેસના ઓબીસી-દલિત મતદાતા તેમનાથી દૂર જતા રહ્યા. મુસ્લિમો પણ અન્ય પાર્ટી કે પછી અપક્ષ ઉમેદવારો તરફ ફંટાયા છે. આ બધાં કારણોને લઈને શહેરોમાં કૉંગ્રેસને નુકસાન વેઠવું પડ્યું હતું.”
બીબીસીએ ગ્યાસુદ્દિન શેખને જ્યારે પૂછ્યું કે ‘ભાજપને રોકવા કૉંગ્રેસ દ્વારા કયા પ્રયત્નો કરવામાં આવ્યા?’ તો તેના જવાબમાં તેમણે કહ્યું, “નફરતની રાજનીતિ દૂર કરવાના ભાગરૂપે જ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી છે. અમે લોકોને ભાજપ વિશે સમજાવી રહ્યા છે. ગત વખતે અમે અમદાવાદ શહેરમાં ચાર બેઠકો જીતવામાં સફળ થયા હતા જે બતાવે છે કે લોકોને હવે ધીરે-ધીરે ભાજપ વિશે ખબર પડતી જાય છે.”
જોકે, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ કહે છે, “પહેલાંની સરખામણીએ શહેરીકરણનો દર વધ્યો છે. ગામડામાંથી શહેરમાં આવતા લોકોએ ભાજપે ઊભી કરેલી સુવિધાઓ અને વિકાસનો અનુભવ કર્યો છે. ભાજપે આ સુવિધા ગામડા સુધી લઈ જવાનું કામ પણ કર્યું છે. શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા અને સુરક્ષાને લઈને લોકોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ ઊભો થયો છે. તેના કારણે લોકો ભાજપને વોટ આપે છે.”
રાજકીય વિશ્લેષક હેમંત શાહ કહે છે, “આદિવાસી વિસ્તારમાં અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસનું પ્રભુત્ત્વ હજી યથાવત્ છે. એનું કારણ છે કે આ વિસ્તારમાં થયેલા સામાજિક વિકાસમાં કૉંગ્રેસના પ્રદાન પ્રત્યે તેમનો વિશ્વાસ. શહેરી વિસ્તારોમાં પણ જ્યાં કૉંગ્રેસને બેઠકો મળે છે ત્યાં લધુમતિ કે દલિત કે પછી ઓબીસી મતદારો વધુ છે એટલે અહીં સામાજિક ધ્રુવીકરણનો ફાયદો કૉંગ્રેસને થાય છે”
AAPને કારણે પરંપરાગત બેઠકો પર કેટલી અસર થશે
કૉંગ્રેસે જ્યારે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું ત્યારે પણ કૉંગ્રેસનો વોટશૅર 30 ટકાથી નીચે ગયો નથી. કૉંગ્રેસે 1990ની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું.
1990માં કૉંગ્રેસનો વોટશૅર 30.74 ટકા હતો અને તેને માત્ર 33 બેઠકો મળી હતી. 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસનો વોટશૅર 41.44 ટકા રહ્યો. જ્યારે કે ભાજપનો વોટ શૅર 49.05 ટકા રહ્યો. પણ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આપનું ફૅક્ટર પણ ઉમેરાયું છે. તેથી નિષ્ણાતો કહે છે કે પરંપરાગત બેઠકોમાં ફેર પડી શકે છે.
હેમંત શાહ કહે છે, “ ગત ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસના વોટ શૅરમાં બહુ ઝાઝો ફરક ન હતો. આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં છે એટલે જોવાનું એ રહેશે કે તે ભાજપની વોટબૅન્કમાં ગાબડું પાડે છે કે પછી કૉંગ્રેસની. પણ આપને કારણે ભાજપ અને કૉંગ્રેસની પરંપરાગત મનાતી બેઠકો પર અસર જરૂર પડશે.”
જાણકારો કહે છે કે માત્ર આપને કારણે જ નહીં પરંતુ અન્ય નાની પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો તથા ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમના કારણે પણ આ પરંપરાગત બેઠકો પર અસર પડી શકે છે.
રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ કહે છે, “ઉદાહરણ તરીકે દાણીલિમડાથી ઓવૈસીની પાર્ટી એક હિંદુ મહિલા ઉમેદવાર ઉતાર્યાં છે. કૌશિકા પરમાર અહીંથી ઓવૈસીની પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. એટલે આવા નાના પક્ષના ઉમેદવારો પણ દલિતો-મુસ્લિમોના કે આદિવાસીઓના વોટ તોડી શકે છે. જેનો ફાયદો મહદઅંશે ભાજપને થઈ શકે છે.”
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો