ગુજરાત વિધાનસભા ચૂંટણીનું ગણિત આ સાત મુદ્દાથી સમજો

ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 100નો આંકડા સુધી પણ પહોંચી શક્યો ન હતો. પક્ષને 99 બેઠકો મળી હતી. તેમજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે એ સમયની ચૂંટણીઓમાં સૌથી સારું પ્રદર્શન કરવાની સાથે 77 બેઠકો મેળવી હતી. પરંતુ કૉંગ્રેસ સત્તાથી દૂર જ રહી જવા પામી હતી.

આ વખતની ચૂંટણીમાં પરંપરાગત હરીફ પક્ષો ભાજપ અને કૉગ્રેસ તો મેદાને હશે જ પરંતુ આમ આદમી પાર્ટીની સક્રિયતાને કારણે ચૂંટણીજંગ ત્રિપાંખિયો બન્યો છે.

વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આ વખત મોંઘવારી, શિક્ષણ, બેરોજગારી અને વ્યાપક વિકાસના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. એક તરફ ગુજરાતમાં સત્તા પક્ષ ભાજપ 'વિકાસના મુદ્દે' જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે, તો કૉંગ્રેસ અને આપ 'મોંઘવારી, ભ્રષ્ટાચાર અને શાસનમાં જડતા'થી 'જનતામાં રોષ' હોવાની વાત કરી રહ્યા છે.

તો આ અહેવાલમાં ગુજરાતની ચૂંટણીને સમજીએ.

વિધાનસભાની ચૂંટણીમાં કેટલા મતદારો?

હાલમાં જ ચૂંટણીપંચે ગુજરાતમાં મતદાતાઓની અંતિમ યાદી બહાર પાડી હતી, તેમાં રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો છે.

પુરુષ મતદાતાઓની સંખ્યા બે કરોડ 53 લાખ 36 હજાર 610 છે, જ્યારે કે સ્ત્રી મતદાતાની સંખ્યા બે કરોડ 37 લાખ 51 હજાર 738 છે.

નવા મતદાતાઓની સંખ્યા 11.62 લાખ વધી છે. થર્ડ જેન્ડર મતદાતાની સંખ્યા પણ વધીને 1,417 થઈ છે. નોંધનીય છે કે માન્ય મતદારોમાં ચાર લાખથી વધુ વિકલાંગ મતદાતા છે.

સૌથી વધુ (59.9 લાખ) મતદારો અમદાવાદમાં છે, જ્યારે સૌથી ઓછા (1.93 લાખ) મતદારો ડાંગમાં છે.

પહેલાની ચૂંટણીનું કેવું હતું ગણિત?

કૉંગ્રેસે છેલ્લીવાર સત્તાનો સ્વાદ વર્ષ 1985માં ચાખ્યો હતો. 1990માં જનતા દળે 70 બેઠકો જીતી હતી અને તે ગુજરાત વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. તે જ ચૂંટણીમાં ભાજપનો ઉદય થયો હતો. ભાજપે 67 બેઠકો જીતી હતી અને કૉંગ્રેસ માત્ર 33 બેઠકો જીતવા સાથે ત્રીજા સ્થાને રહી.

વિધાનસભાનું પરિણામ (1980-2017)

આમ તો ગુજરાતમાં ચૂંટણી ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ લડાય છે. વર્ષ 1995માં ભાજપે 121 બેઠકો જીતી હતી, 1998માં 117 બેઠકો, 2002માં 127 બેઠકો, 2007માં 116 બેઠકો, 2012માં 115 બેઠકો જીતી હતી. જોકે 2017માં મુકાબલો રસપ્રદ રહ્યો. બે દાયકામાં પહેલીવાર ભાજપની બેઠકો 100ની અંદર સમેટાઈ. 2017માં કૉંગ્રેસે 77 બેઠકો જીતી હતી અને 1990 બાદ તેનો વોટ શેર સૌથી વધુ હતો.

મતદારો અને બેઠકોનું ગણિત

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. તે પૈકી 27 બેઠકો એસટી, 13 બેઠકો એસસી માટે અનામત છે જ્યારેકે બાકીની 142 બેઠકો સામાન્ય છે.

બેઠકોનો પ્રકાર

સામાન્ય(142), એસસી(13), એસટી(27)

છેલ્લી ત્રણ ચૂંટણી જોઈએ તો કૉંગ્રેસની આદિવાસી અનામત ધરાવતી (એસટી) બેઠકો પર પકડ યથાવત છે. 2007માં અને 2012માં કૉંગ્રેસે 59% બેઠકો જીતી હતી. 2017માં તેને 55% બેઠકો મળી હતી. ભાજપે 2007માં એસસી અને એસટી મળીને કુલ 11 બેઠકો જીતી હતી. 2012માં ભાજપે એક એસસી અને એક એસટી બેઠકો ગુમાવી. જોકે તેની મહદંશે જીત સામાન્ય બેઠકો પર વધારે હતી.

2017માં ચિત્ર થોડું બદલાયું. કૉંગ્રેસે તેના એસસી-એસટી બેઠકોના મજબૂત ગઢને જાળવવામાં તો સફળતા મળી જ પરંતુ સામાન્ય બેઠકો પર તેના 57 ધારાસભ્યો ચૂંટાયા. વર્ષ 2007ની સરખામણીએ ભાજપે વિધાનસભામાં 4 એસસી, 2 એસટી અને 12 સામાન્ય બેઠકો ગુમાવી હતી.

સૌરાષ્ટ્ર ઝોનમાં કેવું રહ્યું ગણિત?

2017માં સૌરાષ્ટ્ર ઝોનની બેઠકોમાં અન્ય ઝોનની સરખામણીએ મતદાન ઘટ્યું હતું. સૌરાષ્ટ્રમાં થયેલું ઓછું મતદાન કયા સંકેતો આપે છે? તો જવાબ છે હા, સૌરાષ્ટ્રમાં ઓછાં મતદાનને કારણે કૉંગ્રેસને ફાયદો થયો હતો.

સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસનો મતોનો હિસ્સોનો વધ્યો

2012 અને 2017ના પરિણામોની સરખામણી કરીએ તો ધારી, રાજુલા અને ખંભાળિયા સિવાય સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર કૉંગ્રેસ માટે મતોનો હિસ્સો લાભદાયક રહ્યો હતો.

સ્વિંગ જોવા મળ્યો હોય તેવી બેઠકો

ભાજપ અમદાવાદ અને સુરતમાં મજબૂત છે.

ભાજપે અમદાવાદ અને સુરતમાં 9 બેઠકો 40%થી વધુ માર્જિનથી મેળવી હતી.

જોકે, ભાજપ અને કૉંગ્રેસને મળેલી કુલ 12 બેઠકો પર જીતનું માર્જિન 1% કરતાં ઓછું હતું.

2017ની ચૂંટણીના ડેટાના આધારે કહી શકાય છે કે આ જ સ્વિંગ બેઠકો છે જેના પર કોઈ પણ પક્ષની જીત થઈ શકે છે.

કપરાડા(એસટી), ગોધરા, ધોળકા, માણસા, બોટાદ, દિઓદર, ડાંગ(એસટી), છોટા ઉદેપુર(એસટી), વાંકાનેર, વિજાપુર, હિંમતનગર અને મોડાસા.

આ બેઠકો એવી છે જેના પર ઘણા ઓછા માર્જિનથી ઉમેદવારો જીત્યા હતા. આ 12 પૈકી સાત બેઠકો કૉંગ્રેસે જીતી હતી.

કપરાડા બેઠક પર કૉંગ્રેસે રાજ્યની તમામ બેઠકો પૈકી સૌથી ઓછા માર્જિનથી વિજય મેળવ્યો હતો.

નોટા ક્યાં થાય છે હાવી?

2017માં દાંતા, રાપર અને છોટા ઉદેપુર(એસટી) બેઠકો પર નોટાના મત સૌથી વધારે પડ્યા. આ બેઠકો પર કુલ મતદાનના 3.5% મત પડ્યા. આ એવી બેઠકો હતી જ્યાં કૉંગ્રેસે સૌથી વધુ માર્જિનથી જીત મેળવી.

જોકે નોટાના વોટને કારણે કોઈ પક્ષની હાર-જીત થઈ શકે તેવો સાર નિકળે એવા કોઈ નિર્ણાયક સબંધો જોવા નથી મળ્યા પણ તેનાથી માર્જિનમાં ફરક પડી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો