મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી રાજીનામા બાદ હવે અપક્ષમાંથી ચૂંટણી લડશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વડોદરાની વાઘોડિયા બેઠકથી ભાજપના ‘વિવાદિત’ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના પ્રાથમિક સભ્ય પરથી રાજીનામું આપી દીધું છે.

ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં તેમને ટિકિટ ન ફાળવાતાં ચર્ચા થઈ રહી હતી કે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે આગામી ચૂંટણીમાં ઝંપલાવી શકે છે.

પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપમાંથી પોતાના રાજીનામાની જાહેરાત કર્યા બાદ જ્યારે તેમને અપક્ષ ચૂંટણી લડવા બાબતે સવાલ પુછાયો ત્યારે તેમણે તેનો સ્પષ્ટ જવાબ આપવાની ના પાડી હતી, અને કહ્યું હતું કે કાર્યકર્તાઓની મરજી મુજબ નિર્ણય લેવાશે.

નોંધનીય છે કે ભાજપે ગુરુવારે 160 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કર્યા બાદથી જ પક્ષના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓએ ટિકિટ ફાળવણી મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ભાજપે આ યાદીમાંથી ઘણા મોટા નેતાનાં નામોને બાકાત રાખીને બધાને ‘આશ્ચર્યચકિત કરી દીધા’ હતા.

મોટા નેતાઓ અને ચાલુ ધારાસભ્યોની ‘ટિકિટ કપાતાં’ ઘણાં સ્થળોએ પક્ષને સ્થાનિક વિરોધનો સામનો કરવો પડ્યો હોવાના પણ સમાચાર મળ્યા છે.

હવે આ કડીમાં મધુ શ્રીવાસ્તવનું પણ નામ જોડાઈ ગયું છે.

તાજેતરમાં મધુ શ્રીવાસ્તવ જેવા ‘બાહુબલી’ નેતાઓની બાદબાકી કરીને ભાજપે જે પ્રકારે ‘વિવાદ’ સર્જ્યો છે, કંઈક આવા જ ‘વિવાદો’થી મધુ શ્રીવાસ્તવનું રાજકીય જીવન ઘેરાયેલું રહ્યું છે.

પત્રકારને ‘ઠેકાણે પાડી દેવાની’ ધમકી આપવાની વાત હોય કે જાહેરમાં અધિકારીઓને ‘ધમકાવવાની’ વાત, મધુ શ્રીવાસ્તવની કારકિર્દી આવા ઘણા બનાવોથી ભરાયેલી પડી છે.

મધુ શ્રીવાસ્તવ અને વિવાદો

લાંબું કદ, મોટી મૂછ, સ્ટાઇલિશ દાઢી, જ્યારે કોઈ નેતા વિશે વિચાર આવે ત્યારે આ છબિ ભાગ્યે જ કોઈ વ્યક્તિના મનમાં ઊપસતી હશે.

પરંપરાગત રાજનેતાથી સાવ જુદી એવી ઉપર વર્ણન કર્યા મુજબની છબિ ધરાવનાર મધુ શ્રીવાસ્તવને સ્થાનિક મીડિયાના અહેવાલોમાં ઘણી વાર ‘દબંગ’ અને ‘બાહુબલિ’ની ઉપમા મળતી રહે છે.

સ્થાનિક અહેવાલો અનુસાર તેઓ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી છ વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે.

1995માં પ્રથમ વખત અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા બાદ 1997થી 2017ની વિધાનસભાની ચૂંટણી સુધી તેઓ સતત ભાજપની ટિકિટ પરથી આ જ બેઠક પરથી ચૂંટાતાં આવ્યા છે.

રાજનેતા હોવાની સાથોસાથ તેઓ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

નેતા તરીકેની તેમની કારકિર્દીમાં પણ તેમણે અનેક વિવાદો સર્જ્યા છે, જેમાંથી ઘણા માટે ભાજપ માટે ‘શરમજનક’ પરિસ્થિતિ સર્જી છે.

છતાં તેમની સામે ભાગ્યે જ પક્ષ તરફથી કાર્યવાહી કરાઈ હોવાનું જોવા મળ્યું છે.

ડેઇલીપાયોનિયર ડોટ કૉમના એક અહેવાલ અનુસાર વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમના પર મતદારોને ધમકાવાનો આરોપ મુકાયો હતો.

અહેવાલ અનુસાર તેમણે જાહેરમાં મતદારોને ભાજપને મત ન આપ્યા તો પરિણામ ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું હતું.

આ બાબતની નોંધ લઈને ચૂંટણીપંચે તેમને કારણદર્શક નોટિસ પણ પાઠવી હતી.

તેમજ એક ટીવી ચેનલના પત્રકારને જાહેરમાં કૅમેરા પર ‘મોતની ધમકી’ આપ્યા બાદ પણ વિવાદ સર્જ્યો હતો.

ધ પ્રિન્ટના એક અહેવાલ અનુસાર મધુ શ્રીવાસ્તવ પર બેસ્ટ બેકરી હિંસા કેસના સાક્ષીઓને ધમકાવવાનો પણ આરોપ મુકાયો હતો.

આ સિવાય બરોડા ડેરી ચૂંટણી પછી વિજય સરઘસમાં તેમણે પોતાની લાઇસન્સવાળી બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હોવાના આરોપના કારણે પણ વિવાદ સર્જાયો હતો.

વાઘોડિયા બેઠક પરથી ટિકિટ ન મળતાં અસંતોષ

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જાહેર કરાયેલ યાદીમાં ભાજપે વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી અશ્વિન પટેલને ટિકિટ આપી છે.

વાઘોડિયા બેઠક પરથી ટિકિટ ન મળતાં મધુ શ્રીવાસ્તવે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “જો તેમના કાર્યકરોની ઇચ્છા હશે, તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.”

તાજેતરમાં પક્ષમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “મને ટિકિટ ન મળતાં કાર્યકરોને દુ:ખ થયું છે તેથી ભાજપને રામ રામ કરું છું.”

તેમણે પોતાના નિવેદનમાં આગળ વાત કરતાં કહ્યું હતું કે, “મેં એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો નથી, કોઈની જમીન પડાવી લીધી નથી. મારો હિસાબ કરનારા પોતાનો હિસાબ કરે.”

પિતાને ટિકિટ ન મળતાં તેમના પુત્ર દીપક શ્રીવાસ્તવે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ભાજપે કાર્યકર્તાની લાગણીનું માન નથી રાખ્યું, મારા પિતા ભાજપના સેનાપતિ તરીકે રહ્યા હતા, પરંતુ તેમની કદર ન થતાં આ નિર્ણય કરવો પડ્યો છે.”

જ્યારે તેમને તેમના પિતાના આગામી આયોજન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, “કાર્યકરો સાથેની વાતચીત બાદ તેમની મરજી પ્રમાણે અપક્ષ ઉમેદવાર તરીકે લડવું કે નહીં તેનો નિર્ણય લેવાશે.”

નોંધનીય છે કે તેમના સમર્થન માટે સ્થળ પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના કાર્યકરો પણ હાજર હતા.

તે પૈકી એક કાર્યકર યોગેશ વાઘમારે સાથે સ્થાનિક પત્રકારે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “અમે મધુભાઈના સમર્થન માટે અહીં આવ્યા છીએ, તેઓ અપક્ષ ચૂંટણી લડશે અને શિવસેના તેમનું સમર્થન કરશે.”