You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રભાતસિંહ ચૌહાણ : ભાજપને એના જ શાસનમાં પડકારીને કૉંગ્રેસમાં સામેલ થઈ ગયેલા 'ભાજપી નેતા'ની કહાણી
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
પંચમહાલથી સાંસદ રહી ચૂકેલા અને ગુજરાત સરકારમાં મંત્રીપદ ભોગવી ચૂકેલા પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે અવસાન થયું છે. બીબીસીના સહયોગી દક્ષેશ શાહે જણાવ્યું હતું કે તેમનું ટૂંકી માંદગી બાદ તેમના તે નિવાસસ્થાને નિધન થયું.
ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલાં પંચમહાલના પૂર્વ સાંસદ અને ભાજપ નેતા પ્રભાતસિંહ પક્ષપલટો કરીને કૉંગ્રેસમાં જોડાયા હતા. જાણકારોના મત પ્રમાણે તેઓ વર્ષ 2017થી ભાજપ સામે નારાજગી ધરાવતા હતા.
ત્યારે રસપ્રદ રાજકીય જીવન ધરાવતા પ્રભાતસિંહની કારકિર્દી કેટલાક વિવાદોથી પણ ભરાયેલી છે.
પ્રભાતસિંહની રાજકીય કારકિર્દી કેવી હતી?
પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ ગોધરામાં થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી. બાદમાં તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર ચૂંટાયા હતા.
પ્રભાતસિંહે પ્રથમ બે વિધાનસભા ચૂંટણી 1980 અને 1985માં કાલોલ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેઓ ચૂંટાયા હતા.
1990માં કૉંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપ તરફથી 1995, 1998 અને 2002માં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.
ભાજપે તેમને 2007માં પણ ટિકિટ આપી હતી. જોકે, તેઓ કૉંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા. તે જ સમયે તેમના પુત્ર પ્રવીણસિંહ કાલોલથી અપક્ષના ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા અને હાર્યા હતા.
ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રભાતસિંહ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિવાસી વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલય સંભાળી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં તેઓ પંચમહાલ લોકસભા બેઠક પરથી 2009 અને 2014માં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જોકે, 2019માં ભાજપે લોકસભાની ટિકિટ ન આપતાં તેઓ નારાજ થયા હતા.
જ્યારે પુત્ર જ 'બુટલેગર' હોવાનો પત્ર લખ્યો
વર્ષ 2017માં જ્યારે પ્રભાતસિંહનાં પુત્રવધૂ સુમનસિંહ ચૌહાણને ભાજપે કાલોલથી ટિકિટ આપી ત્યારે પ્રભાતસિંહ ખુદ રોષે ભરાયા હતા.
તેઓ આગળ કહે છે, “પત્રમાં આરોપ લગાવ્યો હતો કે તેમનો પુત્ર પ્રવીણસિંહ એક બુટલેગર છે અને તેની પત્નીને ટિકિટ આપવાથી પક્ષને નુકસાન થઈ શકે છે.”
ઉલ્લેખનીય છે કે પ્રવીણસિંહ એ પ્રભાતસિંહ અને તેમનાં પ્રથમ પત્ની રમિલાબહેનના પુત્ર છે. તેમની સામે સરકારી આવાસમાં દારૂની હેરફેરના આરોપ હેઠળ કેસ દાખલ થયો હતો.
આ કેસને નજીકથી જોનારા ઉમંગ સોની જણાવે છે, “તે સમયના એસ.પી. જે. કે. ભટ્ટે દરોડો પાડ્યો હતો અને પ્રવીણસિંહ ફરાર થઈ ગયા હતા. જોકે, બાદમાં તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. તે વખતે પ્રભાતસિંહે નિવેદન આપ્યું હતું કે તેમનો પુત્ર કહ્યામાં નથી.”
ઉમંગ સોની આગળ કહે છે, “જ્યારે સુમનસિંહને ટિકિટ ન આપવા માટે પ્રભાતસિંહે પોતાના સત્તાવાર લેટરહેડ પર હાઇકમાનને પત્ર લખ્યો અને તેને ગણકાર્યા વગર ભાજપે સુમનસિંહને ટિકિટ આપી તો પ્રભાતસિંહની નારાજગી વધી.”
જ્યારે 2019માં પણ જ્યારે પ્રભાતસિંહને લોકસભાની ટિકિટ આપવામાં નહોતી આવી ત્યારે તેઓ નારાજ થયા હતા. જોકે બાદમાં ભાજપની નેતાગીરીએ તેમને મનાવી લીધા હોવાનું મનાય છે અને પાછળથી તેઓ ભાજપના પ્રચારમાં પણ સામેલ થયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંચ પણ શૅર કર્યો હતો.
જ્યારે કહ્યું, ‘દારૂ વગર ચૂંટણી ન લડાય’
પ્રભાતસિંહે ગુજરાત સરકારને પણ પડકાર ફેંક્યો હતો. ગુજરાત સરકારે જળસંચય યોજના બનાવી ત્યારે તેમણે કહ્યું, “પંચમહાલ જિલ્લામાં આ યોજના ક્યારેય સફળ નહીં થાય કારણ કે અહીં રેતીની ચોરી થાય છે.”
આ ઉપરાંત તેમણે જંગલોમાં ગેરકાયદે વૃક્ષછેદન અંગે અને રેતીની ચોરીમાં વપરાતાં વાહનોની કથિત વિગતો પણ જાહેર કરી હતી. આ મામલે તત્કાલીન પર્યાવરણમંત્રી ગણપત વસાવા અને પ્રભાતસિંહ સામસામે આવી ગયા હતા.
જ્યારે પ્રભાતસિંહ કૉંગ્રેસના સી. કે. રાઉલજી સામે 2007માં હારી ગયા ત્યારથી રાઉલજી અને તેમના વચ્ચે શત્રુતા પેદા થઈ હતી. જોકે બાદમાં રાઉલજી ભાજપમાં જોડાયા.
પ્રભાતસિંહનો પોતાની મૂછો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. તેઓ હંમેશાં કહેતા હોય છે કે, “મૂછ નહીં તો કુછ નહીં.” આ જ મૂછ પર તાવ દઈને તેમણે ભાજપની નેતાગીરીને ધમકી આપી હતી.
જ્યારે 2019માં તેમને લોકસભાની ટિકિટ નહીં આપવાની વાત ચાલતી હતી ત્યારે તેમણે પક્ષને ધમકી આપી હતી કે ‘હવે પછીની લોકસભાની ત્રણ ચૂંટણી પણ તેઓ જ લડશે અને તેમની ટિકિટ કાપનારો ધરતી પર જન્મ્યો નથી.’
તેમણે એકવાર નિવેદન પણ આપ્યું હતું કે, “દારૂ વગર ચૂંટણી લડાતી નથી.” આ નિવેદનને કારણે પણ વિવાદ થયો હતો.
પ્રભાતસિંહના પક્ષપલટાથી સમીકરણો કેટલાં બદલાશે?
પ્રભાતસિંહે કૉંગ્રેસમાં જોડાયા બાદ પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, “ભાજપનું શાસન જોઈને તેમનો આત્મા દુભાય છે. કૉંગ્રેસને જિતાડવા માટે પાર્ટી કહેશે ત્યાંથી લડીશું”
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 80થી વધારે વર્ષની ઉંમર, પારિવારિક અને રાજકીય વિખવાદો છતાં પ્રભાતસિંહની સ્થાનિક મતદારો પર પકડ હોવાથી કૉંગ્રેસને ફાયદો થઈ શકે છે.
વરિષ્ઠ પત્રકાર ઉમંગ સોની જણાવે છે, “પ્રભાતસિંહ મુસ્લિમ મતદારો પર પણ પકડ ધરાવે છે. ગોધરા અને કાલોલમાં તેમના સંપર્કો યથાવત્ છે. જેથી તેની અસર પડશે. પણ જો કૉંગ્રેસમાં તેમની માગ મુજબની ટિકિટ નહીં મળે તો કૉંગ્રેસને વધુ ફાયદો થાય તેમ લાગતું નથી.”
જોકે, અન્ય જાણકારોનું માનવું છે કે જો કૉંગ્રેસ તેમની માગ પ્રમાણે તેમને અથવા તેમની પત્નીને ટિકિટ આપી પણ દેશે તો કૉંગ્રેસમાં આંતરિક વિખવાદ સર્જાઈ શકે છે.
પંચમહાલ કૉંગ્રેસના નેતા અજિતસિંહ ભાટી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “તેમને ટિકિટ આપવી કે નહીં તે અંગે કૉંગ્રેસના નેતૃત્વે નિર્ણય લેવાનો છે પણ જો પ્રભાતસિંહે પક્ષ પાસે તેમની પત્ની માટે ટિકિટ માગી હશે તો પક્ષ યોગ્ય નિર્ણય લેવા સક્ષમ છે. હાઇકમાન પક્ષના હિતમાં નિર્ણય લે છે અને તેનો સ્વીકાર કરવો અમારી ફરજ છે.”
અજિતસિંહ ભાટી ઉમેરે છે, “જો પ્રભાતસિંહની માગ પૂર્ણ થાય અને કૉંગ્રેસના કાર્યકર્તાઓની નારાજગી વધે છે તો તેના ડેમેજ કંટ્રોલ કરવાની રણનીતિ પણ પક્ષ પાસે હશે જ. તેમણે આ નિર્ણય બધાં પાસાં વિચારીને જ લીધો હશે.”
જોકે ભાજપ કહે છે કે પ્રભાતસિંહના પક્ષ છોડવાથી તેમને કોઈ ફરક નહીં પડે. ભાજપ નેતા યમલ વ્યાસ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહે છે, “ભૂતકાળમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે ભાજપ છોડીને ઘણા નેતાઓ ગયા છતાં પક્ષને તેની કોઈ અસર થઈ નહોતી. પક્ષે તેમને ધારાસભ્ય બનાવ્યા, મંત્રી બનાવ્યા, સાંસદ બનાવ્યા. અહીં સુધી કે તેમનાં પત્નીને ઘોઘંબા તાલુકા પંચાયતનાં પ્રમુખ બનાવ્યાં. તેમનાં પુત્રવધૂને ધારાસભ્ય બનાવ્યાં.”
“તેમના અને તેમના કુટુંબ માટે આટલું બધું કરનારા પક્ષને છોડીને તેઓ જતા હોય તો આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે. ભાજપ માટે વ્યક્તિ નહીં પક્ષ મહાન છે, તેમના જવાથી ચૂંટણીના પરિણામમાં કોઈ અસર નહીં પડે.”
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો