મોરબી પુલ દુર્ઘટના : એ કુટુંબની વીતકકથા જેનો આખો પરિવાર જ ખતમ થઈ ગયો

"અમારા ભાણેજનો ફોન આવ્યો અને પૂછ્યું કે 'મામા ગૌતમ ક્યાં છે?' મેં કહ્યું કે એ તો મોરબી ગયો છે. તો કહે, 'તમે દવાખાને આવી જાઓ, ઝૂલતો પુલ તૂટ્યો છે અને ગૌતમ એમાં સામેલ છે. ' અમે દવાખાને પહોંચ્યા તો ત્યાં મૃતકોને લાવવામાં આવી રહ્યા હતા. એમાં મારો દીકરો હતો, દીકરાની વહુ હતી અને એમના બે દીકરા હતા."

"મારા પરિવારના ચાર જણા જતા રહ્યા. ઘર ચલાવનારો જે હતો એ જતો રહ્યો. અમે રહી ગયા."

ચહેરા પર વિષાદ સાથે કહેવાયેલા આ શબ્દો છે હિંમતભાઈ નરસિંહભાઈ પરમારના.

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો અને હિંમતભાઈના પુત્ર ગૌતમ, એમનાં પત્ની અને ચાર દીકરાને સાથે લેતો ગયો. એ પુલ દુર્ઘટનામાં હિંમતભાઈના પરિવારમાંના ચાર સભ્યનાં મૃત્યુ થયાં છે.

મોરબી જિલ્લાના ખોબા જેવા નાના ખીજડિયા ગામમાં રહેતા આ વાલ્મીકિ પરિવાર પર આભ પડ્યું છે. ચારચાર સભ્યોને ગુમાવનારા પરિવારના મોભી હિંમતભાઈને બીબીસી સાથેની વાતચીતમાં આટલું કહેતાં જ ડૂમો ભરાઈ જાય છે.

30 ઑક્ટોબરે મોરબીનો જાણીતો ઝૂલતો પુલ તૂટ્યો અને સરકારી આંક અનુસાર એમાં 135 લોકોનાં મૃત્યુ થયાં.

નાના ખીજડિયાના પરમાર પરિવારના માથે આ જે વિપત પડી એવી જ કહાણી સૌરાષ્ટ્રનાં કેટલાંય ગામો અને શહેરોની છે. આ દુર્ઘટનાને લીધે કોઈ-કોઈ ગામમાં તો સાત-સાત અને આઠ-આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.

મોરબીનો ઝૂલતો પુલ અંગ્રેજોના સમયનો ઐતિહાસિક સસ્પેન્શન બ્રિજ હતો, જે મહિનાઓ સુધી ચાલેલા સમારકામ બાદ થોડા દિવસ પહેલાં જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દિવાળી ઉત્સવની ઉજવણી હતી. શાળાઓમાં વૅકેશન હતું અને અનેક પરિવારોની માફક હિંમતભાઈના પુત્ર ગૌતમ પરિવાર સાથે મોરબીમાં ફરવા ગયા હતા. એવામાં આ દુર્ઘટના ઘટી હતી.

પોતાનો પુત્ર, પુત્રવધૂ, બે પૌત્રો ગુમાવનારા પ્રભાબહેન પરમાર બીબીસી સાથેની વાતચીતમાં પોતાનાં આંસુ રોકી શકતાં નથી.

ભીંજાયેલી આખે તેઓ કહે છે, "અમારા ઘરના ચાર લોકોનાં મૃત્યુ થયાં. કમાનારો દીકરો જ જતો રહ્યો. મોટો દીકરો ખેતમજૂરી કરે છે, અમારાં પેટ કઈ રીતે ભરી શકશે."

વાલ્મીકિ સમાજના મોભી અને પરિવારા દુઃખમાં ભાગ લેવા કચ્છથી આવેલા ભરતભાઈ વાઘેલા બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે મોરબી પુલ દુર્ઘટનામાં ચાર સભ્યો ગુમાવતાં હિંમતભાઈનો પરિવાર નોધારો થઈ ગયો છે. તેમણે મૃતકોના પરિવારજનો માટે સરકારી નોકરીની પણ માગ કરી છે.

'મારા ઘરના સાત લોકો ડૂબી ગયા, હું એકલી બચી'

હિંમતભાઈ અને પ્રભાબહેન જેવી જ કહાણી મોરબીના સાહમદાર પરિવારની છે. આ સાત લોકોનાં ઝૂલતા પુલ તૂટતાં મૃત્યુ થઈ ગયાં.

દુર્ઘટનામાં બચી જનારાં જમીલાબાનો સાહમદરાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું :

"મારા પરિવારમાંથી જતા રહ્યા, મારી દીકરી, મારી દેરાણી, દેરાણીના બે છોકરા, નણંદ, નણંદના બે છોકરા અને આઠમી હું. અમે આઠ લોકો ગયાં હતાં અને એમાંથી હું એક જ બચી. જેને મેં નાનાથી મોટાં કર્યાં હતાં, એમને જ ગુમાવી દીધાં. જે લોકો આ દુર્ઘટના માટે જવાબદાર છે, એમને સજા થવી જોઈએ. કેટલાય લોકોનાં ઘર વિખેરાઈ ગયાં છે. કેટલીય માનતાઓ પછી આવેલો છોકરો હતો, એ ગુમાવી દીધો."

મોરબીના સાહમદાર પરિવારે પુલ દુર્ઘટનામાં સાત સભ્યો ગુમાવી દીધા છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર સભ્યોમાં બાળકો પણ હતાં. જમેલાબાનો તેમના પરિવારને લઈને પુલ પર ફરવા ગયાં હતાં. તેમની સાથે મળીને તેઓ કુલ આઠ લોકો ગયા હતા, જેમાંથી માત્ર તેઓ જ બચી શક્યાં હતાં.

પરિવારના સભ્ય અહમદશાહે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે, “ઘરના સાત-સાત સભ્યો જતા રહ્યા, આખો પરિવાર ખાલી થઈ ગયો છે. આ દુર્ઘટના માટે જવાબદાર લોકોને સજા થવી જ જોઈએ.”

એ દિવસે શું થયું હતું?

આશરે 150 વર્ષ પહેલાં બનેલો મોરબીનો ઝૂલતો પુલ એક જમાનામાં ‘કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર’ ગણાતો હતો.

આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજનિવાસ નજરબાગ પૅલેસને પણ જોડતો હતો. આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું.

પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતે 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

મોરબીનાં જોવાલાયક સ્થળોમાંના સૌથી મહત્ત્વપૂર્ણ એવા આ પુલ સાથે મોરબીના લગભગ તમામ લોકોની કોઈને કોઈ યાદો જોડાયેલી હશે.

એક સદી જૂનો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ ગત રવિવારે સાંજે સાડા છ વાગ્યે તૂટી પડ્યો હતો, જેના પગલે અનેક લોકો મચ્છુ નદીમાં તણાયા હતા. એમાંથી કટેલાંયનાં મૃત્યુ થયાં હતાં.