મોરબી પુલ દુર્ઘટના : મોરબીનો ઝૂલતો પુલ લોકોની ભીડથી તૂટ્યો કે બીજા કોઈ કારણથી?

    • લેેખક, પારસ કે. જ્હા અને જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાને કારણે 134 લોકોનાં મોત નીપજ્યાં તેને માનવસર્જિત દુર્ઘટના કહેવી કે નહીં એ નક્કી કરવાનું કામ સરકારનું ઇન્કવાયરી કમિશનનું છે પરંતુ આ પ્રકારના પુલ તૂટી પડવા પાછળ સંખ્યાબંધ પરિબળો કામ કરે છે.

મોરબીના આ ઝૂલતા પુલનું નિર્માણ જ્યારે વર્ષ 1879માં પૂર્ણ થયું ત્યારે એ સમયે તે ઇજનેરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. જોકે 145 વર્ષ બાદ હવે આ પુલ 134 લોકોનાં મોતનું કારણ બન્યો છે.

આ ઝૂલતા પુલને ઇજનેરીની ભાષામાં કેબલ સ્ટૅય્ડ બ્રિજ અથવા સસ્પેન્શન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે.

દેશના ખ્યાતનામ યાત્રાધામ ઋષિકેશમાં આવેલા લક્ષ્મણઝૂલા અને રામઝૂલા એ આ પ્રકારના સસ્પેન્શન બ્રિજનાં ઉદાહરણ છે. જે વર્ષોથી દરરોજ હજારો પ્રવાસીઓની અવરજવર માટે ઉપયોગમાં લેવાય છે.

કેબલ સ્ટૅય્ડ બ્રિજ કેવો હોય છે?

રાજકોટના સ્ટ્રક્ચરલ ઇજનેર જયંતભાઈ લખલાણી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "આ પ્રકારના કેબલ બ્રિજમાં બંને કિનારા પર ઊંચા ટેકા ઊભા કરેલા હોય છે. જે સિમેન્ટ, લોખંડના કે પછી લાકડાના ઊંચા થાંભલા હોય છે. તેને ટેકવવા માટે કેબલને જમીનમાં ઊંડે સુધી ટેકો મજબૂત રહે તે રીતે ઍન્કર કરવામાં આવે છે."

તેમણે વધુમાં કહ્યું, "આ થાંભલા સાથે કેબલ જોડવામાં આવે છે. જેના ઊભી દિશામાં ટેકા ધરાવતા કેબલ હોય છે. જેનો ઉપરનો છેડો થાંભલાને જોડતા કેબલો સાથે જોડાયેલો હોય છે અને નીચલો છેડો જેના પર લોકો ચાલવાના હોય છે તેવા લાકડાના કે કાચના કે પછી લોખંડના વૉક-વે સાથે જોડાયેલા હોય છે."

રાજકોટના આર્કિટેક્ટ સુરેશ સંઘવીના જણાવ્યા પ્રમાણે જે કેબલ કે રોપ સસ્પેન્શન બ્રિજમાં વપરાય છે તેની લોડ બિયરિંગ (ભાર સહન કરવાની) ક્ષમતા પણ તપાસવી પડે છે.

કેવી રીતે તૈયાર થાય છે બ્રિજ?

સ્ટ્રક્ચરલ ઇજનેર જયંતભાઈ લખલાણીના જણાવ્યા અનુસાર આખું બાંધકામ બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે થાય છે. તે મુજબ પહેલાં તો તેની ડિઝાઇન બનાવવામાં આવે છે.

ખાસ કરીને એવા સ્ટ્રક્ચર કે જ્યાં વધુ લોકો ભેગા થવાના હોય અને મોટી જાનહાનિ થવાનો ભય હોય ત્યાં વિશેષ કાળજી રાખવામાં આવે છે.

તેની સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કર્યા બાદ માન્યતાપ્રાપ્ત સ્ટ્રક્ચરલ ઇજનેર દ્વારા તે ડિઝાઈનની ચકાસણી (વેરિફિકેશન) થાય છે. વેરિફિકેશન થયા બાદ તેને સરકારી સત્તામંડળ મંજૂરી આપે છે.

ત્યાર બાદ પણ તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય છે કે તેની ડિઝાઇન અને સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં? ત્યારબાદ તેમાં વાપરવામાં આવતી સામગ્રી (મટિરિયલ) યોગ્ય ગુણવત્તાયુક્ત અને બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે છે કે નહીં તેની ચકાસણી થાય છે. ત્યાર બાદ તેના ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે.

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં કેવી રીતે થાય છે માપદંડોની ચકાસણી?

સ્ટ્રક્ચરલ ઇજનેર જયંતભાઈ લખલાણીના જણાવ્યા અનુસાર ભલે કોઈ બિનસરકારી સંસ્થા સ્ટ્રક્ચર બનાવવામાં સહયોગ કરતી હોય પણ તેની તકનિકી બાબતોની તકેદારી રાખવાની જવાબદારી સરકારી એજન્સીની હોય છે.

તેમણે કહ્યું, "બિનસરકારી સંસ્થા દ્વારા બનાવાતું કોઈ પણ સ્ટ્રક્ચર લોકો માટે ખુલ્લું મૂકતાં પહેલાં તેનાં તમામ પાસાંની ચકાસણી કરવાની જવાબદારી સરકારી એજન્સીની રહે છે. અને તે સરકારી માપદંડો અનુસાર જ હોવું જોઈએ." જોકે જયંતભાઈ લખલાણી કહે છે, "મોરબી નગરપાલિકા અને જે કંપનીએ આ સ્ટ્રક્ચર બનાવ્યું છે, તે બંને વચ્ચે થયેલા કરારને પણ ધ્યાને લેવો જોઈએ. પણ આ સ્ટ્રક્ચરને બનાવતી વખતે જે સ્ટાન્ડર્ડ પ્રક્રિયા થવી જોઈએ તેને અવગણી શકાય નહીં."

શું બ્રિજ ઓવરલોડને કારણે તૂટ્યો?

મોરબીમાં પુલ તૂટવાનાં કારણોની ચર્ચા થઈ રહી છે ત્યારે એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે પુલ પર હાજર રહેલા લોકોની સંખ્યા એટલી હતી કે ઓવરલોડને કારણે બ્રિજ તૂટી પડ્યો.

ધ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિવિલ એન્જિનિયર્સ ઍન્ડ આર્કિટેક્ટ્સની મૅનેજિંગ કમિટીના પ્રમુખ ડૉ. વત્સલ પટેલના જણાવ્યા મુજબ 'જે કંપનીએ આ બ્રિજ બનાવ્યો છે, તેમણે સામાજિક ઉત્તરદાયિત્વ (કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબલિટી) નિભાવવાના ભાગરૂપે બનાવ્યો છે.'

તેમણે કહ્યું, "(પુલના સમારકામમાં) જિંદાલ જેવી કંપનીના બનાવેલા ઉચ્ચ કક્ષાના ગુણવત્તા ધરાવતા મટિરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે કામમાં કચાશ નથી, પરંતુ ઓવરલોડને કારણે બ્રિજ તૂટ્યો હોઈ શકે." જોકે દુર્ઘટનાનાં કારણો માટે સરકારે તપાસ માટે ટીમની રચના કરી છે.

પુલના કેબલની લાતો અને હાથથી હલાવીને ઝૂલાવવાના પ્રયાસોના થયેલા વાઇરલ વીડિયો વિશે ડૉ. વત્સલ પટેલે કહ્યું, "એ રીતે કોઈ પુલને હલાવે તો પુલ પડી ન જાય પરંતુ બધા ભેગા થઈને પુલને હલાવવાની કોશિશ કરે અને જો પુલની લોડ બિયરિંગ ક્ષમતા ઓછી કે નબળી હોય તો તેને કારણે પુલ તૂટી શકે."

તેમણે વધુમાં કહ્યું, "આ સેફ્ટીનો પ્રશ્ન નથી પણ ઍડમિનિસ્ટ્રેટિવ પ્રશ્ન છે કે વધારે લોકોને બ્રિજ પર કેમ જવા દેવામાં આવ્યા."

પુલ પડી જવાની ઘટના વિશે નવસારીના સ્ટ્રક્ચરલ ઇજનેર બિરેન કંસારા કહે છે, "કાંતો તેની ડિઝાઇન યોગ્ય ન હતી. અથવા તો તેના કેબલ પાસે લોડ લેવાની ક્ષમતા નહોતી. બીજું કે આ પ્રકારના સ્ટ્રક્ચરમાં ભીડ ગમે ત્યારે ભેગી થાય એટલે કેબલ બ્રિજ આ પ્રકારે જ ઓવરલોડ લઈ શકે તે જ રીતે ડિઝાઇન કરવો જોઈએ."

તેમણે વધુમાં કહ્યું કે, "એ પણ ચકાસવું પડે કે બ્રિજના કેબલ કતરાયેલા (કપાયેલા) હતા કે નહીં. જો બ્રિજની ઓવરલોડ લેવાની ક્ષમતા ન હોય તો સરકારી એજન્સીએ આટલા બધા લોકોને બ્રિજ પર જવાની પરવાનગી કેમ આપી?"

ઓવરલોડિંગ કરતાં બીજાં કયાં કારણો હોઈ શકે છે જવાબદાર?

કેબલ બ્રિજનો જે પ્રકારની ડિઝાઇન છે, તેના માળખાની મજબૂતી ઇજનેરી વિજ્ઞાનમાં વર્ષોથી સાબિત થઈ ચૂકી છે. આ ડિઝાઇન પ્રમાણે દેશ-વિદેશમાં સેંકડો પુલ બનાવવામાં આવ્યા છે.

આ વિશે વાત કરતાં અમદાવાદના કન્સલ્ટિંગ સ્ટ્રક્ચરલ ઇજનેર આનલ શાહ કહે છે, "કેબલ બ્રિજનું સ્ટ્રક્ચર એ પુલ બાંધવા માટેની એક આધારભૂત તકનીક છે. આ પ્રકારના બ્રિજની મજબૂતી ખૂબ હોય છે. સાથે સાથે એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે માનવનિર્મિત કોઈ પણ બાંધકામ એ પછી પુલ હોય કે ઇમારત દરેકને નિયમિતપણે સમારકામની જરૂર પડતી જ હોય છે."

"સ્થળ, પ્રદેશ અને વાતાવરણ ઉપરાંત દરેકની બાંધકામ પર અસર થાય છે. સમય જતાં તેની મજબૂતી તે કેવા મટિરિયલથી બનેલું છે, તેની ગુણવત્તા પર આધારિત હોય છે."

આનલ શાહે એ નોંધપાત્ર વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, મોરબીનો એ ઝૂલતો પુલ વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા અત્યંત શક્તિશાળી ભૂકંપને પણ સહન કરીને અડીખમ ઊભો રહ્યો હતો.

તેમણે કહ્યું, "પુલ કે અન્ય કોઈ પણ બાંધકામ તૂટી પડે તેનાં અનેક કારણો હોઈ શકે છે. જેમાં મટિરિયલની ગુણવત્તા, બાંધકામની આવરદા પૂરી થઈ જવી, વધારે પડતો ભાર (ઓવરલોડિંગ), કેબલ ડૅમેજ જેવા લોકલ ફેલ્યોર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય એવું પણ બની શકે આ કારણોને બદલે કુદરતી પરિબળોને કારણે પણ બાંધકામ તૂટી શકે છે."

"અમેરિકામાં તૂટી પડેલો ટાકોમા નૅરોઝ બ્રિજ એ માત્ર ભારે પવનને કારણે સર્જાયેલી ઍરોઇલાસ્ટિક ફ્લટરની પ્રક્રિયાને લીધે તૂટી પડ્યો હતો."

તેમણે ઉમેર્યું કે, "રેસોનન્સ (પડઘા કે પ્રતિધ્વની)ને કારણે પણ પુલ જેવા સ્ટ્રક્ચર તૂટી શકે છે. સેનાની ટુકડીઓને કોઈ પુલ પરથી પસાર થતી વખતે તેની શિસ્તબદ્ધ પરેડની ચાલને આ કારણે જ વિખેરી નાખવામાં આવે છે, જેથી તેને કારણે ઉત્પન્ન થતી ફ્રિકવન્સીથી થતાં રેસોનન્સની અસર પુલ પર ન થાય અને તે તૂટી ન પડે."

આ પ્રકારના બ્રિજની ફિટનેસ ચકાસવા માટે શું કરવાનું હોય છે તે વિશે વાત કરતાં આનલ શાહે કહ્યું, "કોઈ પણ બાંધકામની ફિટનેસ ચકાસવા માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણો કરવામાં આવે છે. જેમાં તેમાં વપરાયેલા મટિરિયલની ગુણવત્તા, તેની ક્ષમતાની ચકાસણી માટેનાં પરીક્ષણ કરવાનાં હોય છે. આ ઉપરાંત વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન પણ જરૂરી હોય છે. જો 100 મિટરનું બાંધકામ હોય તો બે કે ત્રણ ટકા જેટલાં સ્થળેથી સૅમ્પલ લઈને તેનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે."

તો બીજી તરફ રાજકોટના જ આર્કિટેક્ટ સુરેશ સંઘવી પુલના કેબલની લોડ બિયરિંગ ક્ષમતા પર સવાલ ઉઠાવતાં કહે છે, "જે કેબલ હતા તેના લોડ લેવાની ક્ષમતા કરતા વધારે લોકો બ્રિજ પર હતા જેને કારણે બ્રિજ તૂટ્યો હોય એવું લાગે છે."

જોકે સ્ટ્રક્ચરલ એન્જિનિયર જયંતભાઈ લખલાણીનું આ વિશે અલગ જ મંતવ્ય છે.

તેમના જણાવ્યા અનુસાર બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના માપદંડને જો ધ્યાને લઈએ તો આ પ્રકારના બ્રિજના સ્ટ્રક્ચરના એક ચોરસમીટર જગ્યામાં 500 કિલો વજન સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ.

તેમણે કહ્યું, "બ્રિજની લંબાઈ 225 મીટર અને પહોળાઈ 1.4 મીટર હતી એટલે તેના પર સરેરાશ 80 કિલો વજનના 1900 માણસોનું વજન સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ. એટલે જો બ્રિજનું સ્ટ્રક્ચર બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના માપદંડ અનુસાર બન્યું હોય તો આ બ્રિજ 500 માણસોનાં વજનના લોડને કારણે તૂટી ન શકે."

તપાસ કમિટી શું કરશે?

પહેલાં ઓવરલોડની થિયરી પર તપાસ કરવામાં આવશે. પણ આ સિવાય આ બ્રિજને રિસ્ટોર કરવામાં આવ્યો હતો તો તેના કેબલ નવા નાખવામાં આવ્યા હતા કે જૂનાં નાખવામાં આવ્યા હતા. જો જૂના હતા તો તેની લોડ લેવાની ક્ષમતા કેટલી હતી? આ ઉપરાંત તેની ડિઝાઇન યોગ્ય હતી કે નહીં. ડિઝાઇન યોગ્ય હોય તો તેનું અમલીકરણ યોગ્ય હતું કે નહીં. તેનું ઇસ્પેક્શન થયું હતું કે નહીં.

તેમાં વપરાયેલી સામગ્રી યોગ્ય ગુણવત્તા ધરાવતી હતી કે નહીં. સ્ટ્રક્ચરનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન યોગ્ય સ્ટ્રક્ચરલ ઇજનેર દ્વારા થયું છે કે નહીં આ બધા પ્રશ્નોનો જવાબ પણ મેળવવો રહ્યો.

જયંતભાઈ લખલાણીનું કહે છે, "કમિટી યોગ્ય તપાસ કરીને અહેવાલ આપે અને જવાબદારો સામે પગલાં ભરાય તે જરૂરી છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો