You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટના : 'હું ગઈકાલ સાંજથી મારી બહેનને શોધું છું, મળતી નથી' રડતાં-રડતાં યુવકે શું કહ્યું?
'પુલ તૂટ્યો ત્યારે અમે ઉપર જ હતા, અમે વચ્ચોવચ પાણીમાં પડ્યાં હતાં. હું તો બચી ગયો પણ મારી બહેનનો કોઈ પત્તો નથી. કાલ સાંજથી એને શોધું છુ, હજી મળી નથી.' મોરબીમાં બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક લાઇવમાં યુવકે રડતાં-રડતાં પોતાની આ આપવીતી જણાવી હતી.
બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય અને રોક્સી ગાગડેકર છારા સોમવારે સવારે મોરબીમાં મચ્છુ નદીના કિનારેથી ફેસબુક લાઇવ કરી રહ્યા હતા, એ વચ્ચે એક યુવક રડતો-રડતો ત્યાં આવ્યો હતો.
આ યુવકે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતા કહ્યું હતું કે, "મારી બહેન લાપતા છે મને હજી સુધી નથી મળી."
- પાણીમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ
- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાને મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવાર માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
- ગુજરાત સરકારના મંત્રીઓ બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવી દુર્ઘટનાસ્થળે પહોંચ્યા, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી જવા રવાના
- એક સદી જૂનો પુલ સમારકામ બાદ દિવાળી પછી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો પુલ પર પહોંચ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
- અધિકારીઓ મુજબ મોરબીનમાં ઝૂલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલિફોન 02822 243300 પર માહિતી આપી શકાય.
'મારી બહેન ક્યાંય ન મળી'
આ યુવકે લાઇવમાં વાત કરતી વખતે કહ્યું હતું કે તે મજૂરીકામ કરે છે અને ઘટના ઘટી એનાથી થોડા અંતરે જ રહે છે. તેઓ અહીં અન્ય સહેલાણીઓની જેમ જ ફરવા માટે તેમનાં બહેન સાથે આવ્યાં હતાં.
ડૂસકાં ભરતાં-ભરતાં યુવકે કહ્યું કે "મારી બહેન નાની છે, છ વર્ષની છે અને હજી સુધી મળી નથી. હું ગઈકાલ સાંજથી તેને શોધું છું, સરકારી હૉસ્પિટલમાં જઈ આવ્યો, બધે શોધી આવ્યો, પણ મારી બહેન ક્યાંય ન મળી."
તેમણે આગળ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "અમે કાલે સાંજે અહીં ફરવા આવ્યા હતા, હું પણ અહીં જ હતો. પુલ તૂટ્યો ત્યારે હું અને મારી બહેન અહીં પાણીમાં વચ્ચોવચ પડ્યા હતા, હું તો બચી ગયો પણ મારી બહેન હજી સુધી નથી મળી."
'અમે પુલ પર ઊભા હતા ત્યારે જ તૂટ્યો'
એ વખતે શું ઘટના ઘટી હતી, એ વિશે વાત કરતા યુવકે કહ્યું કે, "અમે પુલ પર ઊભા હતા, 800 જેટલા લોકો હતા અને ત્યારે અચાનક જ પુલ તૂટી પડ્યો હતો."
"હું આ પુલ પર પહેલી જ વખત ચડ્યો હતો, હું અને મારી બહેન મોબાઇલ પર ફોટો લઈ રહ્યા હતા અને અચાનક જ આ પુલ તૂટી પડ્યો." આટલું કહેતા યુવક ડૂસકે ને ડૂસકે રડવા લાગ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ બાદ યુવકે ત્યાં હાજર પોલીસ અધિકારી અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત કરી હતી કે તેમનાં બહેનને શોધવામાં મદદ કરે.
એ લોકોએ યુવકને આશ્વાસન આપ્યું, ત્યારે આ યુવકે રડતાં-રડતાં ભોંય પર બેસી ગયો હતો.
શું છે સમગ્ર ઘટના?
એક સદી જૂનો મચ્છુ નદી પર ઝૂલતો પુલ રવિવારે સાંજે અંદાજે સાડા છ વાગ્યે તૂટી પડ્યો, જેના પગલે અનેક લોકો મચ્છુ નદીમાં તણાયા હતા.
મીડિયા સાથે વાત કરતાં આઈજી અશોક યાદવે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 141 લોકોનાં મોત થયાં છે અને બે લોકોનો હજી પણ પત્તો નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને વડા પ્રધાન સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા સહાય પેટે આપવાની જાહેરાત કરી છે.
આ સાથે જ ગુજરાત સરકારે પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
નોંધપાત્ર બાબત છે કે પુલને છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને માત્ર ચાર દિવસ પહેલાં 26 ઑક્ટોબરના જાહેર જનતા માટે રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો