You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર મહાનગરપાલિકાઓની ચૂંટણી : 29માંથી 25 કૉર્પોરેશનમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ, મુંબઈમાં BJP – શિવસેનાનું સેલિબ્રેશન
મહારાષ્ટમાં યોજાયેલી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન સહિતની 29 મહાનગરપાલિકાની ચૂંટણી પૈકી 25 કૉર્પોરેશનોમાં ભાજપ અને તેનું ગઠબંધન વિજય તરફ અગ્રેસર છે.
બીબીસીને મળેલી લેટેસ્ટ જાણકારી મુજબ ભાજપને મુંબઈ મહાનગરપાલિકા સહિત ઘણી જગ્યાએ 'જંગી બહુમતી' મળી છે.
ગુરુવારે આ તમામ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આ તમામ ચૂંટણીઓ પૈકી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર સૌની નજર રહી હતી.
મુંબઈમાં ભાજપની જીત મોટી જીતને પગલે નરીમન પૉઇન્ટ ખાતે આવેલા ભાજપ કાર્યાલયે મોટા નેતાઓની હાજરીમાં ઉજવણી થઈ હતી. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસંગે કહ્યું કે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં પરિણામોનાં વલણોને જોતાં મહાયુતિને બહુમતી મળશે એ વાતમાં કોઈ શંકા નથી.
"અમે આ ચૂંટણીમાં વિકાસના એજન્ડા સાથે ઊતર્યા. લોકોનો જંગી પ્રતિસાદ મળ્યો. અમને જે પ્રકારની બહુમતી મળી છે, એ બતાવે છે કે લોકોને વિકાસ ખપે છે. આ પરિણામથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્રને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે."
નોંધનીય છે કે લગભગ નવ વર્ષ પછી બીએમસીની આ ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. છેલ્લે 2017માં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ હતી.
પીટીઆઇના એક અહેવાલ અનુસાર બીએમસીની આ ચૂંટણીમાં 227 વૉર્ડના કુલ 1.03 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાયક હતા. જો સમગ્રલક્ષી ચિત્રની વાત કરીએ તો કુલ 29 મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં 893 વૉર્ડમાં 15,931 ઉમેદવારો મેદાને હતા.
ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં આ ચૂંટણીની વાત કરીએ તો મુંબઈમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ વસે છે. તેથી સ્વાભાવિકપણે જ ગુજરાત અને ગુજરાતીઓની ચર્ચા પણ બીએમસીની ચૂંટણીમાં ખૂબ રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈની ચૂંટણીમાં ગુજરાતીઓનો મુદ્દો
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદથી સૌથી વધુ ચર્ચિત અને ધ્રુવીકરણવાળો મુદ્દો ભાષાકીય ઓળખનો રહ્યો.
ચૂંટણીપ્રચાર દરમિયાન આ મુદ્દો જાહેર સ્થળોએ, સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહ્યો હતો.
તેની શરૂઆત તો ચૂંટણી પહેલાં જ હિંદીને ત્રીજી ભાષા તરીકે અનિવાર્ય બનાવવાના નિર્ણયથી જ થઈ ગઈ હતી. તેની પ્રતિક્રિયારૂપે જ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધન થયું, જેની કલ્પના પણ એક સમયે નહોતી થઈ શકતી.
રાજ અને ઉદ્ધવે તેમના ચૂંટણીપ્રચારમાં મરાઠી મુંબઈગરાઓને કેન્દ્રમાં રાખ્યા હતા. ઇન્ટરવ્યૂ અને પ્રચાર બંનેમાં એ વાત સ્પષ્ટ દેખાતી હતી. તેમણે સતત એ વાતને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે અન્ય લોકોના આવવાથી મરાઠી લોકો પાછળ છૂટી જાય છે, અને મુંબઈ સતત ઊભરાઈ રહ્યું છે.
મરાઠી ઓળખને કેન્દ્રમાં રાખીને થઈ રહેલા ચૂંટણીપ્રચારમાં બે નિવેદનોએ ફરી ઉહાપોહ ઊભો કર્યો.
ભાજપમાં સામેલ થયેલા કૃપાશંકરસિંહે બિનમરાઠી મેયર બનાવવાની વાત કરી, તો થોડા સમય પછી તામિલનાડુ ભાજપના નેતા અન્નામલાઈએ મુંબઈને માત્ર મહારાષ્ટ્રનું શહેર નહીં, પરંતુ આંતરરરાષ્ટ્રીય શહેર ગણાવ્યું.
તેનાથી ઠાકરે સમર્થકોને જાણે કે ફરી એક મુદ્દો મળ્યો, અને તેમણે આ મુદ્દે જોરદાર નિવેદનો આપ્યાં.
આ ચૂંટણીમાં માત્ર મરાઠી અને હિંદી જ મતદારો નહોતા. કબ્રસ્તાનો અંગે શરૂ થયેલી ચર્ચા મરાઠી વિરુદ્ધ ગુજરાતી-જૈનમાં પણ બદલાઈ ગઈ હતી.
મુંબઈમાં ગુજરાતી મતદારો પણ મોટી સંખ્યામાં છે અને તેમના મત નિર્ણાયક છે.
વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરનાર મુસ્લિમ સમુદાયે મહાવિકાસ આઘાડીના પક્ષમાં મતદાન કર્યું હોવાનું અનેક સર્વેક્ષણોમાં સામે આવ્યું હતું.
મતદાન દરમિયાન વિવાદ
આ ચૂંટણીના મતદાન દરમિયાન કેટલાક વિવાદ પણ જોવા મળ્યા હતા.
જેમાંથી પ્રમુખ હતો, મતદારની આગંળીએ મુકાતી શાહીને સ્થાને માર્કરનો ઉપયોગ અને આ માર્કરથી પાડેલાં નિશાન મિટાવીને બોગસ મતદાન કરવાના આરોપો.
આ મામલે પક્ષવિપક્ષે કેટલાક આક્ષેપ-પ્રત્યાક્ષેપ કર્યા હતા.
વાત એમ છે કે, આ વખતે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચેલા મતદારોએ મતદાન કરી દીધું એ વાતની ઓળખ સ્થાપિત કરવા માટે તેમની આંગળીએ શાહીનું નિશાન બનાવવાને સ્થાને માર્કર પેનનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
જોકે, વિરોધ પક્ષનો આરોપ હતો કે આ માર્કરનું નિશાન અને તેની શાહી બજારમાં ઉપલબ્ધ નેઇલ પૉલિશન રિમુવર, સૅનિટાઇઝર અને અન્ય કેટલાક પ્રવાહી વડે નીકળી જાય છે.
ચૂંટણી દરમિયાન શાહીને બદલે માર્કર પેનની મદદથી નિશાન કરવામાં આવ્યા હતા, જેની ઉપર રાજકીય પક્ષોએ સવાલ ઊઠાવ્યા હતા.
બીબીસી મરાઠીએ આના વિશે તપાસ કરી તો માલૂમ પડ્યું હતું કે નેલ પૉલિશ રિમૂવરથી ખરેખર શાહીને ભૂંસી શકાય છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ આરોપ મૂક્યો હતો કે કેટલાક સ્થળોએ માર્કરનાં નિશાનને હઠાવીને સૅનિટાઇઝરની મદદથી હઠાવીને ફરીથી મતદાન કરી શકાય છે.
બીજી બાજુ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં રૂપાલી ચકાંકરને પણ કહ્યું કે માર્કરના નિશાનને કોઈ તરલ પદાર્થથી ભૂંસી શકાય છે. કૉંગ્રેસે પણ તેની સામે વાંધો ઊઠાવ્યો હતો.
બીજી બાજુ, મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે વિપક્ષ પરિણામો પછી કોઈની ઉપર દોષનો ટોપલો ઠાલવવા તૈયારી કરી રહ્યું છે.
ચૂંટણીપંચે આના વિશે નિવેદન બહાર પાડીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ચૂંટણીપંચનું કહેવું છે કે "મતદારોમાં ભ્રમ ફેલાવવા માટે આંગળી ઉપરથી શાહીને હઠાવવાનો પ્રયાસ કરવોએ ખોટું કૃત્ય છે."
"આ સિવાય જો કોઈ વ્યક્તિ આંગળી ઉપરની શાહી ભૂંસીને કોઈપણ રીતે ગડબડ કરવાનો પ્રયાસ કરે, તો આવા મતદાર ફરીથી મતદાન ન કરી શકે, તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન