You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટના : એ વ્યક્તિ જેને પુલની ખામી અંગે બે દિવસ પહેલાં ખબર પડી હતી
"હું મારા પૌત્રોને પુલ બતાવવા લઈ ગયો હતો પણ તેમાંથી કંઈક વિચિત્ર અવાજ આવતો હતો. મને અણસાર આવ્યો કે કંઈક તો ગડબડ છે એટલે હું અડધેથી જ પાછો આવી ગયો હતો. હવે મને લાગે છે કે મારા પરથી ઘાત ટળી ગઈ છે."
બાળપણથી મોરબીમાં મચ્છુ નદી પરના આ ઝૂલતા પુલને જોનારા અને તેની સાથે યાદો ધરાવતા ગણેશભાઈએ પુલ તૂટ્યા બાદ મચ્છુ કિનારે બીબીસી ગુજરાતીને આ વાત કહી હતી.
30 ઑક્ટોબર 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો કેબલ બ્રિજ તૂટી પડતાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ મામલે સરકાર દ્વારા ગઠિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) પ્રાથમિક રિપોર્ટ જમા કરાવી દીધો છે અને રિપોર્ટ અનુસાર, મોરબી ઝૂલતા પુલના મુખ્ય બે કેબલ પૈકીનો એક કટાયેલી હાલતમાં હતો અને દુર્ઘટના પહેલાં જ તેના અડધા વાયરો તૂટી ગયા હતા. પ્રાથમિક તપાસનાં તારણો અનુસાર યોગ્ય રીતે રિનોવેશન કર્યા વગર અને કોઈ પણ જાતના ટેસ્ટ કે પરવાનગી વગર પુલ લોકો માટે ખુલ્લો મૂકાયો હતો.
ત્યારે હવે જ્યારે એસઆઈટીનો રિપોર્ટ સામે આવી ગયો છે ત્યારે ફરી એકવાર ગણેશભાઈએ કરેલી વાતચીત વાગોળવામાં આવી રહી છે. દુર્ઘટનાના બીજા દિવસે ગણેશભાઈએ બીબીસી ગુજરાતી સાથે સંબંધિત વાત કરી હતી.
ગણેશભાઈએ કહ્યું હતું, "રિનોવેશન બાદ જે દિવસે પુલનું ઉદ્ઘાટન થયું, તેના બીજા જ દિવસે હું મારા ત્રણ પૌત્રોને પુલ બતાવવા લઈ ગયો હતો. પુલમાંથી પહેલાં જેવો અવાજ આવતો હતો, તેના કરતાં કંઈક વિચિત્ર અવાજ આવતો હતો."
આ વિચિત્ર અવાજના કારણે જ તેઓ પોતના ત્રણ પૌત્રોને લઈને અડધેથી પાછા આવી ગયા હતા. આ ઘટના બાદ ત્રીજા દિવસે મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો હતો. જેમાં 135 લોકોના જીવ ગયા.
'અમે સાઇકલ પર આ પુલ ઓળંગતા હતા'
આશરે દોઢસો વર્ષ પહેલાં બનેલો મોરબીનો ઝૂલતો પુલ તે સમયે 'કલાત્મક અને ટૅક્નોલોજિકલ ચમત્કાર' ગણાવાતો હતો. આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજવી નિવાસ નઝરબાગ પૅલેસને પણ જોડતો હતો.
મોરબીમાં જોવાલાયક સ્થળોમાંના સૌથી મહત્ત્વપૂર્ણ એવા આ પુલ સાથે મોરબીના લગભગ તમામ લોકોની કોઈકને કોઈક યાદો જોડાયેલી હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગણેશભાઈએ જણાવ્યું કે "અમે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી અમે આ પુલને જોતા આવ્યા છીએ. બાળપણમાં અમે સાઇકલ લઈને એક છેડેથી બીજા છેડે જતા હતા."
જોકે, હાલમાં પુલની માલિકી ધરાવતી મોરબી નગરપાલિકાએ તાજેતરમાં જ એમઓયુ કરીને 15 વર્ષ માટે પુલની જાળવણી અને સંચાલન ઓરેવા ગ્રૂપને સોંપ્યું હતું.
જોકે, રિનોવેશન બાદ ગણતરીના દિવસોમાં જ બનેલી દુર્ઘટના અંગે ગણેશભાઈનું માનવું છે કે રિનોવેશનની કામગીરી સારી દેખાતી હતી. પણ તેમણે ક્યારેય પુલ પર એકસાથે મોટી સંખ્યામાં લોકો જોયા નહોતા.
વૉકિંગ સ્ટ્રક્ચરમાં પણ રહી ગઈ હતી ખામી
ડિસેમ્બર 2022માં રાજ્ય સરકાર દ્વારા ગઠિત એસઆઈટીની તપાસમાં મોરબી ઝૂલતા પુલમાં હોનારત અગાઉ જ ક્ષતિ હોવાનું સામે આવ્યું હતું.
અહેવાલ પ્રમાણે, એસઆઈટીએ નોંધ્યું છે કે પુલના મુખ્ય બે કેબલ (જે પુલ બન્યો તે સમયના હતા) પૈકીના એકમાં કાટ લાગી ગયો હતો અને પુલ તૂટતાં પહેલાં જ તેના લગભગ અડધા વાયરો તૂટી ગયા હોઈ શકે છે.
એસઆઈટી અનુસાર, પુલનો મુખ્ય કેબલ તૂટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
પુલની અન્ય ક્ષતિ વિશે જણાવવામાં આવ્યું છે કે, "પુલના તમામ કેબલ સાત સ્ટ્રેન્ડ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ કેબલ બનાવવા માટે કુલ 49 વાયરને સાત સ્ટ્રેન્ડમાં એકસાથે જોડવામાં આવ્યા હતા."
રિપોર્ટ મુજબ 'આ 49 વાયરોમાંથી 22 કાટવાળા હતા. જે સૂચવે છે દુર્ઘટના પહેલાં જ તેમાંથી ઘણા તૂટી ગયા હશે. બાકીના 27 વાયર દુર્ઘટના સમયે તૂટ્યા હોઈ શકે છે.'
એસઆઈટીએ એ પણ શોધી કાઢ્યું હતું કે રિનોવેશન દરમિયાન કેબલને પુલના પ્લેટફૉર્મ સાથે જોડતા સસ્પેન્ડર્સને લઈને પણ ઉદાસીનતા રાખવામાં આવી હતી.
આ પ્રકારના પુલમાં સામાન્ય રીતે ભાર સહન કરવા સક્ષમ સિંગલ રૉડ સસ્પેન્ડર્સ હોવા જોઈએ પરંતુ રિનોવેશન દરમિયાન જૂના સસ્પેન્ડર્સનું નવા સસ્પેન્ડર્સ સાથે વેલ્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ સિવાય એ પણ ધ્યાને આવ્યું છે કે પુલનું વૉકિંગ સ્ટ્રક્ચર લાકડાના લવચીક પાટિયાની જગ્યાએ કઠોર ઍલ્યુમિનિયમ પૅનલ્સમાંથી બનાવેલું હતું. જો એ લાકડાનું હોત તો જાનહાનિ ઘટી શકી હોત.
આ ઉપરાંત પુલ ખુલ્લો મુકાય તે પહેલાં કોઈ તે ભાર સહન કરી શકે છે કે કેમ? તે માટે કોઈ ટેસ્ટ કરાયા ન હતા.
ઝૂલતા પુલનો ઇતિહાસ
આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું. પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
ઝૂલતો પુલ 1.25 મિટર પહોળો હતો જ્યારે 233 મીટર લંબાઈ ધરાવતો આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજવી નિવાસ નઝરબાગ પૅલેસને પણ જોડતો હતો. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપથી આ પુલને ભારે નુકસાન પહોંચ્યું હતું.
આ પુલના નિર્માણ પાછળ સર વાઘજી ઠાકોર પર કૉલોનિયલ કાળના સ્થાપત્યો પ્રભાવ સ્પષ્ટ હતો અને એમણે એનાથી પ્રેરીત થઈને મોરબી શહેરના નગરનિર્માણને વેગ આપ્યો હતો.
1922 સુધી સર વાઘજી ઠાકોરે મોરબી પર રાજ કર્યું હતું. રાજાશાહી વખતના મોરબી શહેરના નગરનિયોજનમાં યુરોપિયન શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. 'ગ્રીન ચૉક' નામે જાણીતા શહેરના મુખ્ય ચૉક તરફ ત્રણ અલગઅલગ દરવાજાથી પ્રવેશ કરી શકાતો હતો. આ ત્રણેય દરવાજાના નિર્માણમાં રાજપુત અને ઇટાલિયન શૈલીનું મિશ્રણ સ્પષ્ટ જોઈ શકાય છે.
મોરબી જિલ્લાની વેબસાઇટ અનુસાર ઝૂલતો પુલ મોરબીના રાજવીની 'પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક અભિગમ'ને પ્રદર્શિત કરતો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો