You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી દુર્ઘટના: ‘મારા ઘરના સાત લોકો ડૂબી ગયા, હું એકલી બચી ગઈ’ પરિવારને ગુમાવનાર મહિલાની આપવીતી
“મારા પરિવારમાંથી જતા રહ્યા, મારી દીકરી, મારી દેરાણી, દેરાણીના બે છોકરા, નણંદ, નણંદના બે છોકરા અને આઠમી હું.”
અમે આઠ લોકો ગયાં હતાંઅને એમાંથી હું એક જ બચી. જેને મેં નાનાથી મોટાં કર્યાં હતાં, એમને જ ગુમાવી દીધાં.”
દુર્ઘટનામાં બચી જનાર જમીલાબાનુ સાહમદારના આ શબ્દો છે, તેમણે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં આ જણાવ્યું હતું.
“જે લોકો આ દુર્ઘટના માટે જવાબદાર છે, એમને સજા થવી જોઈએ. કેટલાય લોકોનાં ઘર વિખેરાઈ ગયાં છે. કેટલીય માનતાઓ પછી આવેલો છોકરો હતો, એ ગુમાવી દીધો.”
મોરબીના સાહમદાર પરિવારે પુલ દુર્ઘટનામાં સાત સભ્યો ગુમાવી દીધા છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર સભ્યોમાં બાળકો પણ હતાં. જમેલાબાનુ તેમના પરિવારને લઈને પુલ પર ફરવા ગયાં હતાં. તેમની સાથે મળીને તેઓ કુલ 8 લોકો ગયા હતા, જેમાંથી માત્ર તેઓ જ બચી શક્યાં છે.
આખી રાત પરિવારના સભ્યોને શોધતા રહ્યા
આ જ પરિવારના સભ્ય સાહિલે જણાવ્યું હતું કે, “અમને એવું હતું કે અમારા પરિવારમાં બધા સલામત હશે, પણ રાત્રે અમને એક પછી એક મૃતદેહો મળતા ગયા. રાત્રે 3 વાગ્યા સુધી મોરબીના 10થી 12 આટા માર્યા પછી અમને પરિવારના બધા મૃતદેહો મળ્યા.”
શોકમાં ડૂબેલા પરિવારને વહેલી સવાર સુધી મોરબીની અલગ-અલગ હૉસ્પિટલમાંથી પરિવારજનોના મૃતદેહો મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુર્ઘટના માટે જવાબદાર લોકોને સજા થવી જોઈએ
પરિવારના સભ્ય અહમદશાહે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે, “ઘરના સાત-સાત સભ્યો જતા રહ્યા, આખો પરિવાર ખાલી થઈ ગયો છે. આ દુર્ઘટના માટે જવાબદાર લોકોને સજા થવી જ જોઈએ.”
મોરબીની પુલ દુર્ઘટના પછી સિવિલ હૉસ્પિટલમાં પણ હાહાકાર વર્તાયેલો છે. કેટલાય લોકો પોતાના પરિવારને શોખી રહ્યા હતા.
શું છે સમગ્ર ઘટના
મોરબી પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોનાં મોત થયાં છે. આ મામલે પોલીસે નવ લોકોની ધરપકડ પણ કરી છે.
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. તેમણે દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બાદમાં મોરબી હૉસ્પિટલમાં પીડિતોના ખબરઅંતર પણ પૂછ્યા હતા.
મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના શોકમાં ભાગીદાર થવા રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થનાસભા યોજાઈ હતી, જેમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના નેતાઓ, આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મોરબી પુલ દુર્ઘટનાના આરોપીઓના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આરોપીઓના કેસ નહીં લડવાનો વકીલો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતા મોરબીના વકીલ પીડી માનસેપાએ કહ્યું કે, “અમે મોરબીની દુર્ઘટનાના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, અમે તેમની સાથે છીએ અને જે આરોપીઓ છે, એમના કેસ અમે નહીં લડીએ. અમે બધાએ મળીને આ નિર્ણય લીધો છે.”
મોરબી બાર એસોસિએશને આ મામલે મૌન રેલી પણ યોજી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો