You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બે-બે હોનારત વેઠનાર મોરબી 100 વર્ષ પહેલાં કઈ રીતે ઔદ્યોગિકનગર બન્યું હતું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં 141 લોકોનાં મૃત્યુ થયાં છે
- મોરબી આ પહેલાં પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યું છે
- સિરામિક અને દીવાલ ઘડીયાળ ઉદ્યોગ ક્ષેત્રે મોરબીમાં ઘણા મોટા એકમો આવેલા છે
- કેવો રહ્યો છે આ ક્ષેત્રનો ઇતિહાસ?
રવિવારની કેબલ બ્રિજ દુર્ઘટના બાદ ફરી એક વખત ગુજરાત સહિત દેશભરનું ધ્યાન મોરબી ઉપર કેન્દ્રિત થયું છે.
સામાન્ય રીતે સિરામિક ઉદ્યોગ, ટાઇલ્સ કે ઘડિયાળ ઉદ્યોગને કારણે ચર્ચામાં રહેતું મોરબી શહેર 1979 અને 2001 બાદ વધુ એક વખત દુર્ઘટનાને કારણે ચર્ચામાં છે.
વર્ષ 2013માં જિલ્લા તરીકે સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યું, તે પહેલાંથી જ તે વેપાર-ઉદ્યોગની બાબતમાં ખૂબ જ ઉદ્યમશીલ રહ્યું છે, જેની પાછળ સ્થાનિક પ્રજાના ખમીર અને મહેનત પણ જવાબદાર છે.
સમય સાથે ઉદ્યોગપતિઓએ અને કર્મચારીઓએ પણ સમય સાથે તાલ મિલાવ્યા અને મીઠાથી માંડીને એલઈડી લૅમ્પ સુધીની સફર ખેડી છે. યોગાનુયોગ રવિવારની દુર્ઘટનામાં આવા જ એક ઉદ્યોગસમૂહનું નામ બહાર આવી રહ્યું છે, જેના ઉપર બ્રિજના સમારકામ અને સારસંભાળની જવાબદારી હતી.
રવિવારની દુર્ઘટનામાં સત્તાવાર રીતે 140થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્ય સરકાર દ્વારા દુર્ઘટનાની તપાસ માટે તપાસ સમિતિનું ગઠન કર્યું છે, જે દુર્ઘટનાનાં કારણો વિશે તપાસ કરશે.
મુલાકાતે કરી કાયાપલટ
મોરબી સ્ટેટના વર્ષ 1911ના રિપોર્ટમાં (પૃષ્ઠ ક્રમાંક -1) જણાવ્યા પ્રમાણે, તત્કાલીન શાસક સર વાઘજી ઠાકોર અલાહાબાદની મુલાકાતે ગયા હતા, જ્યાં તેઓ ઔદ્યોગિક પ્રદર્શન જોઈને ખૂબ જ પ્રભાવિત થયા અને પોતાના રાજ્યમાં પણ વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી.
સર વાઘજીની દૂરંદેશીને કારણે મોરબી સ્ટેટમાં અગાઉથી જ મીટરગૅજ ટ્રેનની વ્યવસ્થા હતી. વઢવાણથી રાજકોટ, વાંકાનેરથી મોરબી અને થાનથી ચોટીલા સુધી ફેલાયેલી હતી. મોરબીમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ ટ્રેન મારફત નવલખી બંદર સુધી પહોંચતી અને ત્યાંથી વિદેશમાં નિકાસ થતી.
દરિયો અને રણ નજીક હોવાથી તથા જમીનમાં ક્ષાર હોવાને કારણે તત્કાલીન શાસકે ઉદ્યોગ-ધંધા ઉપર વધુ ભાર આપ્યો હતો. 1922માં તેમનું અવસાન થયું, ત્યારે તેમના દીકરા લખધીરસિંહ સગીર હતા. આથી તેમનાં માતાના પરામર્શ અને બ્રિટિશ એજન્ટની દેખરેખ હેઠળ વહીવટ ચાલતો રહ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોરબીથી મીઠું દેશ ઉપરાંત દરિયાઈ માર્ગે વિદેશમાં નિકાસ થતું હતું અને તેના માટે લવણપુર સ્ટેશન સ્થાપવામાં આવ્યું હતું.
મોરબી મર્કેન્ટાઇલ બૅન્ક, ઇલેક્ટ્રિક પાવરહાઉસ, બોરિંગ ખાતા દ્વારા નવા કૂવા ગાળી આપવા, પોતાનું ટપાલ ખાતું, પોતાનું ટેલિફોન ખાતું, શહેરના જુદા-જુદા વિસ્તારમાં જાહેર નળ દ્વારા શુદ્ધ પાણીનું વિતરણ વગેરે જેવી બાબતો તત્કાલીન શાસકોની દૂરંદેશી છતી કરે છે.
મોરબીનો ઇતિહાસ
'મોરે નાખ્યા બી એટલે મોરબી' નાનપણમાં કદાચ આવા જોડકણા સાંભળી હશે. મોરબી શહેરનું પ્રાચીન નામ 'મયૂર ધ્વજપુરી' કે 'મોરધ્વજપુરી' છે. સૌરાષ્ટ્રના જાડેજા શાસકોના ઇતિહાસ અંગે તત્કાલીન જામનગર સ્ટેટ દ્વારા 'શ્રી યદુવંશ પ્રકાશ' તૈયાર કરાવવામાં આવ્યો હતો, તેના બીજા ખંડમાં (પેજ નંબર 202) ઉપર આપવામાં આવેલા વિવરણ પ્રમાણે, જેઠવા રાજપૂત મોર જેઠવાએ તેની સ્થાપના કરી હોવાથી તેને ઉપરોક્ત નામ મળ્યાં હતાં. તેમની પાસેથી અમદાવાદના સુલતાનોએ આ વિસ્તારનો કબજો લીધો હતો.
તેમની પાસેથી જાડેજા શાસકોને રાજ મળવા વિશે બે મત પ્રવર્તે છે. એક મત મુજબ કચ્છના રાઓ ખેંગારે સુલતાન મહમદ બેગડાને સાવજના પંજામાંથી છોડાવ્યા હતા, એટલે તેમને બક્ષિસ સ્વરૂપે મોરબી મળ્યું હતું.
પુસ્તકમાં જણાવેલી અન્ય એક સંભાવના મુજબ, ગુજરાતનો છેલ્લો સુલતાન મુઝ્ઝફરશાહ કચ્છના રાઓ ભારાજીને શરણે થયો હતો, જ્યારે મુઘલ લશ્કર તેનું પગેરું દાબતા કચ્છ પહોંચ્યું ત્યારે ભારાજીએ તેને મુઘલ કટકને સોંપી દીધો હતો અને બદલામાં મોરબીનું પરગણું મેળવ્યું હતું.
જોકે, જે વ્યક્તિ તેનો વેપારી ઇતિહાસ લખવાની હતી તે વ્યક્તિ પુણેથી અહીં આવવાની હતી.
પરશુરામ, પોટરી અને પ્રૌદ્યોગિકી
પરશુરામ ગણપુલેનો જન્મ વર્ષ 1872માં થયો હતો અને તેમણે બરોડાના કળાભવનમાં શિક્ષણ લીધું હતું. તેમણે બરોડામાં સિરામિક અને બિલિમોરામાં ટાઇલ્સની ફેકટરીની સ્થાપના કરી હતી. 1924માં તેમણે વાંકાનેરની 'ઇન્ડિયન પોટરી વર્ક્સ'ને લીઝ ઉપર લીધી હતી. અહીં તેમણે પાક્કી લાલ ઈંટો બનાવવાનું શરૂ કર્યું, એ પછી થાન, ધ્રાંગધ્રા અને શિહોરમાં કાચનો સામાન બનાવતી ફેકટરીઓ નાખી.
અહીંની માટી ખેતી માટે અનુકૂળ ન હતી, પરંતુ તે ટાઇલ્સ અને ધાબા લાદી બનાવવામાં ખૂબ જ મદદરૂપ હતી. રેલવે માર્ગથી અહીં ઉત્પાદિત વસ્તુઓનો દેશ-વિદેશમાં વેપાર થવા લાગ્યો અને 'પરશુરામ પોટરી વર્ક્સ'ને જોઈને અનેક ઉદ્યોગસાહસિકોએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું.
આ પછી દાયકાઓ સુધી ટૉઇલેટના દેશી કમોડ, બરણી, ટાઇલ્સ વગેરે ચીજવસ્તુઓ મોરબી તથા આજુબાજુનાં શહેરોમાં બનવા લાગી. જેની દેશભરમાં માગ હતી.
આજે 900 જેટલા યુનિટ મોરબીમાં વૉલટાઇલ્સ, વિટ્રિફાઇડ ટાઇલ્સ, સેનિટરી વેરનું ઉત્પાદન કરે છે. એક અનુમાન પ્રમાણે, વિશ્વના 170 દેશમાં નિકાસ કરે છે. આ ક્લસ્ટરનું વાર્ષિક ટર્નઓવર રૂ. 45 હજાર કરોડ જેટલું છે.
લગભગ 50 હજાર લોકો આ સૅક્ટરમાંથી પ્રત્યક્ષ રોજગારી મેળવે છે. આ ઉદ્યોગના કદના આકારનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં દૈનિક સરેરાશ 65 લાખ ક્યુબિક મિટર ગૅસનો વપરાશ થાય છે.
પરશુરામ જ્યારે મોરબીમાં આવ્યા ત્યારે તેમની ઉંમર 52 વર્ષની હતી. વધુ એક વ્યક્તિ પાકતી ઉંમરે મોરબીના ઉદ્યોગને નવો રાહ ચીંધવાની હતી. આ ઉદ્યોગસાહસિક એટલે ઓધવજી રાઘવજી પટેલ.
ઓધવજી અને ઉદ્યોગ
ઓધવજી રાઘવજી પટેલનો જન્મ સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો.
બીએસસી સુધીનો અભ્યાસ કર્યા બાદ તેઓ પાઇલટ બનવા માગતા હતા, પરંતુ તેમાં પરિવારનો સહકાર ન મળ્યો, એટલે તેમણે મોરબીમાં વિજ્ઞાનના શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી.
1971માં તેમણે તથા કેટલાક ભાગીદારોએ મળીને અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅકચરિંગ કંપનીની સ્થાપના કરી. આ મિકેનિકલ ઘડિયાળોનો કાચો માલ જાપાનથી આયાત કરતા હતા.
1975માં ઓધવજી તથા તેમના દીકરા પ્રવીણે જાપાન અને તાઇવાનની મુલાકાત લીધી.
અહીં તેમનો પરિચય 'ક્વાર્ટ્ઝ' ટેકનૉલૉજી સાથે થયો.
કંપનીએ ક્વાર્ટ્ઝ ઘડિયાળનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. જે કિફાયતી, હળવી અને આકર્ષક હતી.
વળી, ચાવીવાળી ઘડિયાલોની જેમ, તેને વારંવાર ચાવી આપવી પડતી ન હતી અને એક સેલ મહિનાઓ સુધી ચાલતો હતો.
અનુબંધિત સપ્લાયને કારણે તેઓ ગુણવત્તાયુક્ત સામાન નિયમિત રીતે પૂરો પાડી શક્યા.
ઑગસ્ટ- 1979માં મચ્છુ નદીમાં પૂરને કારણે મોરબી તથા આસપાસના વિસ્તારોમાં ભારે તારાજી થઈ.
તત્કાલીન મુખ્ય મંત્રી બાબુભાઈ પટેલે મોરબીમાં મુખ્ય મંત્રી કાર્યાલય ખસેડીને રાહત અને બચાવ કામગીરીને વેગવંતી બનાવી.
અહીંના ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. એટલે કેટલીક રાહતોની જાહેરાત કરવામાં આવી.
હજારો ઘર, ઝૂંપડાં અને ઉદ્યોગોને પૂર્ણ કે આંશિક નુકસાન થયું હતું, તેની જરૂરિયાત પૂરી કરવા માટે અહીં દેશી ઉપરાંત વિલાયતી નળિયાં બનાવવાના ઉદ્યોગો નખાયા. સરકાર દ્વારા આ વિસ્તારમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાહતો જાહેર કરવામાં આવી, જેના કારણે ક્વાર્ટ્ઝ ઘડિયાલનું ઉત્પાદન કરતા અનેક એકમો અહીં અસ્તિત્વમાં આવ્યા.
કૅલ્ક્યુલેટર, પુશ બટન ફોન, ઍલાર્મ ઘડિયાળ વગેરેનું ઉત્પાદન પણ શરૂ થયું. 'જાપાની ગુણવત્તા, ચાઇનીઝ ચીજોના ભાવે'એ વિચારે એક તબક્કે અજંતાને વિશ્વની સૌથી મોટી દીવાલ ઘડિયાળ બનાવતી કંપની તરીકે પ્રસ્થાપિત કરી. કંપની મિક્સર, ઇસ્ત્રી અને પંખા જેવી ઘરવપરાશની ચીજો પણ બનાવે છે.
2001માં કચ્છના ભૂકંપ પછી ત્યાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે અનેક રાહતો જાહેર કરવામાં આવી. અજંતા જૂથ-ઓરપેટ (ઓધવજી રાઘવજી પટેલ) જૂથે સામખિયાળી ખાતે પ્લાન્ટ સ્થાપ્યો, જ્યાં ઘડિયાળોને ડિઝાઇન કરવાથી માંડીને તેના માટે જરૂરી સર્કિટ બોર્ડ પણ તૈયાર કરવામાં આવે છે.
ઓધવજીનાં પત્ની રેવાબહેનના નામ સાથે જોડાયેલું અન્ય એક જૂથ 'ઓરેવા' કાર્યરત છે. જેને મોરબીના ઝૂલતા પુલના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી. જે સીએફએલ લૅમ્પ, એલઈડી લૅમ્પ, એલઈડી ટ્યુબલાઇટ તથા ઇ-બાઇકના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપની છે.
આજે લગભગ 150 જેટલા ઘડિયાળો તથા ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો મોરબી તથા આસપાસના વિસ્તારોમાં કાર્યરત છે.
જેમાં 80 ટકા કરતાં વધુ કર્મચારી મહિલાઓ છે. સમયની સાથે આ એકમો ડિજિટલ ઘડિયાળ, સેન્સરવાળી ઘડિયાળ વગેરેનું ઉત્પાદન કરતા થયા છે.
કોવિડ-19 પછી વિશ્વના અનેક દેશોએ 'ચાઇના +1'ની નીતિ અપનાવી છે, જેથી કરીને પુરવઠો અવિરત જળવાઈ રહે. જેનો લાભ મોરબીના સિરામિક તથા ઘડિયાળ ઉદ્યોગોને થયો છે. ઘડિયાળ ઉત્પાદકોએ રમકડાં તથા અન્ય નાની ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓના ઉત્પાદન પર નજર દોડાવી છે, જેના માટે માળખાકીય સુવિધા તથા તાલીમબદ્ધ કર્મચારીઓ તેમની પાસે ઉપલબ્ધ છે.
મચ્છુના મુખે મોરબી
મોરબી શહેર મચ્છુ નદીના કિનારે વસેલું છે. તા. 15 ઑગસ્ટ 2013ના દિવસે મોરબી જિલ્લાનું ગઠન કરવામાં આવ્યું હતું. તેમાં મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકાનો સમાવેશ થાય છે.
વાંકાનેર અગાઉ રાજકોટ, જ્યારે હળવદનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થતો હતો. આ સિવાય જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનાં 16 જેટલાં ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વિસ્તારની દૃષ્ટિએ જોવામાં આવે તો તે ચાર હજાર 872 વર્ગ કિલોમિટરમાં ફેલાયેલો છે અને તેમાં નવ લાખ 60 હજાર 329 લોકો રહે છે. જિલ્લાનો સરેરાશ સાક્ષરતા દર 84.6 ટકા જેટલો છે.
1974માં જ્યારે ગુજરાતમાં પાંચ જ ઇજનેરી કૉલેજો કાર્યરત હતી અને વીશીના ખર્ચમાં થયેલા વધારાને કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો, ત્યારે મોરબીની લખધીરસિંહજી ઇજનેરી કૉલેજના વિદ્યાર્થીઓએ પણ તત્કાલીન ચીમનભાઈ પટેલની સરકાર સામે આંદોલન હાથ ધર્યું હતું. અંતે પટેલ સરકારનું પતન થયું હતું.
લખધીરસિંહજીએ વિદ્યાર્થીઓને ઇજનેરીની તાલીમ મળી રહે તે માટે વર્ષ 1931માં 'મોરબી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ'ની (MIT) સ્થાપના કરી હતી. 1951માં તેમણે મચ્છુ નદીના કિનારે 40 એકર જમીન અને નઝરબાગ પૅલેસનું દાન આપ્યું હતું. વર્ષો પછી આ કૉલેજને તેના આદ્યસ્થાપક લખધીરસિંહનું નામ મળ્યું.
અગાઉ માત્ર સિવિલ, ઇલેક્ટ્રિકલ કે મિકેનિકલ ઇજનેરીનો જ અહીં અભ્યાસ થતો હતો, હવે ઇન્ફર્મેશન ટેકનૉલૉજી, કેમિકલ તથા સિરામિક, ધાતુ વગેરેના ડિગ્રી તથા ડિપ્લોમા અભ્યાસક્રમ ચાલે છે, જે અહીંના ઉદ્યોગો માટે જરૂરી બુદ્ધિધન પૂરું પાડે છે.
ઝૂલતા પુલ ઉપરથી નજર કરતા આ કૉલેજ નજરે પડે છે. જેણે મચ્છુ ડૅમ સમયની હોનારત પણ જોઈ હતી અને રવિવારની દુર્ઘટનાની પણ તે સાક્ષી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો