You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિતુ વાઘાણી : કેશુભાઈ વિરુદ્ધ મોદીને વફાદાર રહેનાર નેતાની વિવાદોથી મંત્રી બનવા સુધીની સફર
- લેેખક, દિલીપ ગોહિલ
- પદ, બીબીસી સંવાદદાતા
સમાચારોમાં ચમકતા રહેવાની તેમની એ કુશળતા 2022ના વર્ષમાં ગુજરાત ભાજપની સરકારમાં શિક્ષણમંત્રી બન્યા, ત્યાં સુધી અકબંધ રહી. શિક્ષણમંત્રી બન્યા પછી 6 એપ્રિલ, 2022ના રોજ તેમણે બફાટ કર્યો કે 'ગુજરાતમાં જેમને શિક્ષણ સારું ન લાગતું હોય તે પોતાનાં છોકરાં બીજે મોકલી દે.'
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત શાળાના કાર્યક્રમમાં ભાષણ આપતાં જિતુ વાઘાણીએ કહ્યું કે, "છોકરાં અહીં ભણ્યાં, ધંધો અહીં કર્યો, હવે બીજું સારું લાગે છે તો મારી વિનંતી છે, પત્રકારોની હાજરીમાં, જેને બીજું સારું લાગતું હોય એ છોકરાનાં (સ્કૂલ લિવિંગ) સર્ટિફિકેટ લઈ લે અને જે દેશ કે રાજ્ય સારું લાગતું હોય ત્યાં ભણાવવાં જોઈએ."
વાઘાણીની ધમકીભરી ભાષાનો એટલો વિરોધ થયો કે બીજા દિવસે બે જાહેર કાર્યક્રમોમાં આવવાની હિંમત ન થઈ.
1993થી 1997 સુધી ભાવનગર શહેરના યુવા મોરચાના પ્રમુખ તરીકે તેઓ સતત સમાચારમાં ગાજતા રહ્યા હતા. 1995માં સરકાર બનાવ્યા પછી ભાજપના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ હતો. કોઈ રાજકીય બૅકગ્રાઉન્ડ વિના યુવાવયે સારું સ્થાન મેળવી શકનારા વાઘાણીને પણ ઊજળું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું.
પ્રદેશ પ્રમુખ તરીકે સક્રિય, પણ નજર મંત્રાલય પર
આનંદીબહેનનું રાજીનામું ફેસબુકમાં પોસ્ટ થયું, વિજય રૂપાણી સીએમ બન્યા એટલે ભાજપ પ્રદેશાધ્યક્ષ તરીકે કોઈ પટેલ આવશે તેવું નક્કી મનાતું હતું, ત્યારે કોઈ સિનિયરને બદલે જુનિયર તો નહીં, પણ પ્રમાણમાં ઓછા સિનિયર જિતુ વાઘાણીનો નંબર લાગ્યો હતો. હજુરિયા-ખજુરિયા કાંડમાં મોટેરા નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી હતી તે દાયકામાં જિતુ વાઘાણી જેવા ઘણા નેતાઓ નેપથ્યમાં રહ્યા હતા, પરંતુ હવે તેમની પસંદગી થઈ. લેઉવા સાથે પેટા જ્ઞાતિ તરીકે ગોલવાડિયા પટેલ નેતા તરીકે તેમની પસંદગી થઈ.
રાજ્યમાં જે પક્ષની સત્તા હોય ત્યારે તેના પ્રમુખ બનવાનો પણ ફાયદો હોય છે, પણ એક મંત્રાલય જ પોતાની પાસે હોય તેવું માહાત્મ્ય તો આગવું હોય. એવું મનાતું રહ્યું હતું કે પ્રદેશાધ્યક્ષ તરીકે સક્રિયતા સાથે જિતુ વાઘાણીને પણ સરકારમાં મંત્રી બનવામાં વધારે રસ પડતો હતો.
ચાર વર્ષ પ્રદેશ પ્રમુખ તરીકે કામગીરી બજાવી તે પછી તેમની જગ્યાએ સી. આર. પાટીલને પસંદ કરવામાં આવ્યા. વાઘાણી ફરી થોડો વખત માટે લાઇમલાઇટમાંથી અદૃશ્ય થયા, પણ સમગ્ર મંત્રીમંડળને બદલી નાખવાનો નિર્ણય લેવાયો ત્યારે મંત્રી બનવાનું વાઘાણીનું સપનું પૂરું થયું. 16 સપ્ટેમ્બર, 2021ના રોજ જિતુ વાઘાણી બન્યા ગુજરાતના નવા શિક્ષણમંત્રી.
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં શિક્ષણની ભારે સમસ્યાઓ ઊભી થઈ - એકથી વધુ પ્રકારના પ્રયોગો થતાં રહ્યા, વારંવાર નિર્ણયો બદલાતા રહ્યા, ખાનગી શાળાઓ વધતી ગઈ અને શિક્ષણ મોંઘું પણ થતું રહ્યું. આટલું ઓછું હોય તેમ આમ આદમી પાર્ટીએ દિલ્હી મૉડલ પર ગુજરાતમાં શિક્ષણની કાયાપલટનો મુદ્દો ઉઠાવ્યો, તે શિક્ષણમંત્રી તરીકે વધારે મોટો પડકાર બનીને સામે ઊભો થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનામત આંદોલન પછી પ્રદેશ પ્રમુખ તરીકે પણ વાઘાણી સામે પડકાર હતો કે ભાજપની પટેલ વોટબૅન્ક સાચવવી.
સામી બાજુ ઓબીસી આંદોલન પણ શરૂ થયું હતું. સૌરાષ્ટ્રના ઊનામાં દલિતો પર અત્ચાચારનો મામલો પણ ચગ્યો હતો. 'પાસ'ના કેટલાક નેતાઓ સહિત હાર્દિક પટેલ કૉંગ્રેસ તરફ ઢળતા દેખાતા હતા. આ ત્રિપૂટી ભાજપને ભીંસમાં લઈ રહી હતી. આ વચ્ચે 2017માં ભાજપની સત્તા માંડ બચી. હવે સંગઠને 2019 પહેલાં ચૂસ્તી દાખવવાની હતી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં આ ત્રિપુટીને વિખૂટી પાડી દેવામાં આવી. ભાજપના સંગઠનના વડા તરીકે તેનો થોડો જશ વાઘાણીને પણ મળે.
ત્રિપુટીમાંથી એક અલ્પેશ ઠાકોરને ભાજપમાં ભેળવી દેવાયા. જુલાઈ 2019માં જિતુ વાઘાણીએ જ તેમનું અને ધવલસિંહ ઝાલાનું કેસરી ખેસ ઓઢાળીને સ્વાગત કર્યું.
લોકસભા 2019ની ચૂંટણી પહેલાં જ માર્ચ 2019માં આંદોલનના વરુણ પટેલ, રેશમા પટેલ, મહેશ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકરોને ભાજપમાં લઈ લેવામાં આવ્યા. પ્રદેશ પ્રમુખ તરીકે આ નેતાઓનું સ્વાગત કરીને ખેસ ઓઢાઢવાનું કામ પણ જિતુ વાઘાણીના ફાળે જ આવ્યું. જોકે આ નેતાઓને ભાજપમાં લાવવામાં અમિત શાહની મુખ્ય ભૂમિકા હતી.
હવે ભાજપના મોવડીઓએ ગુજરાતમાં કંઈક નવું કરવાનો નિર્ણ કર્યો હતો.
કોરોના દરમિયાન સમગ્ર સરકારી તંત્ર અમલદારોના હાથમાં હોય અને રાજકીય પાંખ પાછળ ધકેલાઈ ગઈ હોય તેવી ટીકા થતી રહી. સંગઠનમાં ફેરફાર કરાયો અને જુલાઈ 2020માં સી. આર. પાટીલને ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે મૂકવામાં આવ્યા.
શિક્ષણમંત્રી તરીકે પડકારો
સવા વર્ષ જેટલા સમય માટે વાઘાણી ફરી ચર્ચામાંથી ગાયબ થઈ ગયા, પરંતુ રૂપાણી સહિત બધા જ મંત્રીઓને રજા આપી દેવાઈ તે પછી વાઘાણીને આખરે મંત્રી બનવાની તક મળી.
કોરોના વખતે સ્કૂલ ફી માફીનો પ્રશ્ન વાલીઓને ઘા પર મીઠું ભભરાવા જેવો રહ્યો હતો. સરકારે ઠાગાઠૈયા કર્યા હતા અને સ્કૂલ ફી માફીના મામલે જે રીતે કરવી જોઈએ તે રીતે મધ્યસ્થી કરી નહોતી. આવી સ્થિતિ વચ્ચે શિક્ષણ મંત્રાલય સંભાળ્યું અને તે સાથે જ આમ આદમી પાર્ટીનો પડકાર આવ્યો.
ઓપન ડિબેટની ચેલેન્જ સાથે આપ-ભાજપની 'ટ્વિટર વૉર' પછી વાઘાણીની 'બોડ'માં જ આમ આદમી પાર્ટીએ હાથ નાખ્યો. મનીષ સિસોદિયા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના આપના નેતાઓ વાઘાણીના મતવિસ્તાર (ભાવનગર પશ્ચિમ)ની જ એક શાળામાં તપાસ કરવા પહોંચી ગયા.
હાદાનગરમાં આવેલી 62 નંબરની સરકારી શાળાની તૂટેલીફૂટેલી હાલત મીડિયામાં માત્ર ગુજરાતે નહીં, દેશભરના લોકોએ જોઈ.
વિવાદોના વંટોળ
ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે ત્યારે બીજા મુદ્દાઓ પણ હશે, પણ પ્રથમ વાર એક વિકલ્પ તરીકે આવેલા પક્ષે શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓ ઊભા કર્યા છે તેનો સામનો ભાજપે કરવો પડશે.
સાથે જ સરકારી ભરતીઓમાં કૌભાંડો, 60 જેટલા લોકોનો ભોગ લેનારા બરવાળા-ધંધુકાના લઠ્ઠાકાંડ સહિતના મુદ્દાઓમાં જવાબો આપવાનું વાઘાણીના ભાગે છે, કેમ કે તેઓ ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે.
2019ની લોકસભાની ચૂંટણી વખતે વાઘાણીએ કૉંગ્રેસના નેતાઓને 'હરામઝાદા' કહ્યા ત્યારે ચૂંટણી પંચે તેમને નોટીસ આપી હતી. વાઘાણીએ ખુલાસો કર્યો હતો કે તેમણે 'આ શબ્દ માત્ર મોહમ્મદ સુરતી જેવા કૉંગ્રેસના નેતા માટે વાપર્યો હતો'. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી માટે પણ વાઘાણી અભદ્ર ભાષાપ્રયોગ કરી ચૂક્યા છે.
વાઘાણીએ જૂન 2021માં પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે મીડિયાએ ચૂંટણી સમયે નકારાત્મક વાતાવરણ ઊભુ કર્યું હતું. ચોવીસ કલાક ચાલતી ચેનલોના ભૂંગળાથી વેપારીઓ નારાજ છે, ખેડૂતો નારાજ છે એવું તેમણે કહ્યું હતું.
પ્રદેશ પ્રમુખ હતા તે વખતે ભાવનગર નજીક જ બુધેલ ગામની ગૌચર જમીન બચાવવા સરપંચ દાનસંગ મોરી વાઘાણી સામે પડ્યા. મોરી સામે પોલીસ કેસ થયા અને મામલો વધી પડ્યો.
સમગ્ર કારડિયા સમાજ મેદાનમાં આવ્યો. તે વખતે 'રજપૂતબંધુ-ભાવનગર' નામનું ફેસબૂક પેજ બનાવીને તેમાં જિતુ વાઘાણી સામે અનેક પ્રકારના આક્ષેપો થયા હતા. તેમાં "ભાજપના જ નેતાઓ રાજુભાઈ રાણા, પુરુષોત્તમ સોલંકી, સ્વ. જે. ટી. દવે, મહેન્દ્ર ત્રિવેદી, ગિરીશ શાહને બૂરા અનુભવો થયાના" આક્ષેપો હતા.
આવા આક્ષેપો થયા બાદ આખરે સમાધાન થઈ ગયું. વાઘાણીએ માફી ના માગી છતાં સમાધાન થઈ ગયું તે મુદ્દે કારડિયા સમાજમાં ફૂટ પડી હતી અને કાનભા ગોહિલ સાથે એક યુવાનના ફોનની વાતચીત પણ વાઇરલ થઈ હતી.
માર્ચ 2019માં વાઘાણીનો જ પુત્ર મીત વાઘાણી કૉલેજમાં 27 કાપલીઓ સાથે પરીક્ષા ચોરી કરતા પકડાયો હતો.
જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, "મારા દીકરાએ ચોરી કરી છે અને મારા દીકરાને પણ કાયદો લાગુ પડશે. પરીક્ષા સમિતિ જે પણ નક્કી કરશે તે મુજબ મારા દીકરાને પણ કાયદાકીય સજા આપવામાં આવશે."
તેમના સસરાની સારવાર સિવિલ હૉસ્પિટલમાં કરવામાં આવી ત્યારે પણ વિવાદ થયો. તે વખતે માફી માગવાના બદલે વાતને શાંત પાડવા તેમણે હૉસ્પિટલને એક લાખ રૂપિયાનું દાન આપવાનું પસંદ કર્યું હતું.
કેશુભાઈ વિરુદ્ધ મોદીની વફાદારી ફળી
2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા કે પછી 'કેશુ બાપાના કૅમ્પ'ના મનાતા નેતાઓને કોરાણે કરી દેવાયા. તેમની સામે સૌરાષ્ટ્રમાંથી પોતાના વફાદારોને આગળ કરવાની નીતિ અપનાવી. તેનો લાભ જિતુ વાઘાણીને પણ મળ્યો અને 2003માં ગુજરાત ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વાઘાણીની નિમણૂક કરવામાં આવી.
2007માં જિતુ વાઘાણીને ભાવનગર દક્ષિણની બેઠક પરથી ઉતારવામાં આવ્યા. 1998 અને 2002માં ભાજપ પાસે આ બેઠક હતી, પરંતુ કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલની સામે વાઘાણીએ ચૂંટણીમાં પ્રથમવાર હારનો સ્વાદ ચાખવો પડ્યો.
2012ની ચૂંટણી નવા સીમાંકનમાં હવે ભાવનગર પશ્ચિમની બેઠક બની. ફરી જિતુભાઈને ટિકિટ આપવામાં આવી. આ વખતે તેમણે કમાલ કરી દીધી.
સૌરાષ્ટ્રની બેઠકોમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકૉર્ડ તેમણે પોતાના નામે કરી લીધો. કૉંગ્રેસના ઉમેદવાર મનસુખભાઈ કાનાણીને 53,893 મતે તેમણે પરાજય આપ્યો હતો. 2017માં ફરી એ જ બેઠક જિતુભાઈએ જાળવી રાખી, પરંતુ તેમની લીડ ઘટીને 27,185 થઈ ગઈ હતી.
શિક્ષણમંત્રી તરીકે કામગીરી અને સરકારનો બચાવ
17 માર્ચ, 2022ના રોજ વિધાનસભામાં જાહેરાત કરી કે ગુજરાતની શાળાઓમાં 'શ્રીમદ્ ભગવદ્ગીતા'ના પાઠ ભણાવવામાં આવશે.
જિતુ વાઘાણીએ ગીતાજ્ઞાન વિદ્યાર્થીઓને આપવા વિશે કહ્યું હતું કે 'બાળકોમાં મૂલ્યો, ભારતીય સંસ્કૃતિનું યોગ્ય સિંચન કરવા અને 'નૈતિકતા' વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.'
ગીતાના પાઠ માટેના 17 માર્ચ 2022ના વિધાનસભામાં થયેલા ઠરાવ સામે જાહેરહિતની અરજી થઈ હતી કે શાળાઓમાં ભગવદ્ગીતાનો અભ્યાસ નેશનલ ઍજ્યુકેશન પૉલિસીની વિરુદ્ધ છે. ગુજરાત હાઈકોર્ટેંમાં આ અરજી પેન્ડિંગ છે.
ગુજરાતમાં 700 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે તે સહિતના મુદ્દાઓ વિધાનસભામાં ગાજ્યા તે પછી જિતુ વાઘાણીએ બીજી પણ એક જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરાશે. કાયમી શિક્ષકોની ભરતીના બદલે પ્રવાસી શિક્ષકોની ભરતીથી વિવાદ થયો હતો.
જિતુ વાઘાણી હોય ત્યાં વિવાદો લાંબો સમય શાંત રહેતા નથી. રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે એટલે મીડિયા સમક્ષ સરકારનો દરેક મોરચે તેમણે બચાવ કરવાનો છે. સરકારી ભરતીમાં વારેવારે પેપરો ફૂટી જાય તેની સામે સરકાર વતી બચાવ કરનારા જવાબોથી યુવાઓનો રોષ ઠારવો મુશ્કેલ બની રહ્યો છે.
વળી તેમના શિક્ષણ વિભાગનો મુદ્દો સૌથી વધારે ચર્ચાસ્પદ બનેલો છે ત્યારે તેમણે બંને મોરચે લડવાનું છે.
(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો