You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Solar Eclipse : આજે સૂર્યગ્રહણ, ભારતમાં ક્યાં, કેવી અસર પડશે?
- ભારત અને દુનિયાના કેટલાક ભાગોમાં આજે સૂર્યગ્રહણ દેખાશે
- આંશિક સૂર્યગ્રહણના ત્રણ તબક્કા હોય છે
- સરકારે લોકોને ખુલ્લી આંખે સૂર્યગ્રહણ ન જોવાની સલાહ આપી છે
- સૂર્યનું છુપાઈ જવું લોકો માટે બિહામણું હતું અને એટલે કેટલીય કહાણીઓ પ્રચલિત થઈ
- પશ્ચિમી એશિયામાં માન્યતા હતી કે ગ્રહણ દરમિયાન ડ્રૅગન સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કરે છે
આજે 25 ઑક્ટોબર મંગળવારે ભારત અને દુનિયાના કેટલાક ભાગમાં આંશિક સૂર્યગ્રહણ દેખાશે.
આ સૂર્યગ્રહણ યુરોપ, મધ્ય પૂર્વ, આફ્રિકાના ઉત્તર-પૂર્વ ભાગ, પશ્ચિમ એશિયા, ઉત્તર ઍટલાન્ટિક મહાસાગર અને હિન્દ મહાસાગરમાં દેખાશે.
ભારતમાં સૂર્યગ્રહણ પૂર્વોત્તરનાં કેટલાંક રાજ્યોને છોડીને મોટા ભાગના વિસ્તારમાં દેખાશે.
આંશિક સૂર્યગ્રહણના ત્રણ તબક્કા હોય છે. શરૂઆત, મહત્તમ પૉઇન્ટ અને અંત.
અહેવાલો અનુસાર, ગુજરાતમાં કેટલાંક મંદિરો ગ્રહણ દરમિયાન બંધ રહેશે, તો અરવલ્લીનું શામળાજી મંદિર ગ્રહણ દરમિયાન ખુલ્લું રહેશે.
ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર, "25 ઑક્ટોબર, 2022ના રોજ આંશિક સૂર્યગ્રહણ દેખાશે. ભારતમાં સૂર્યાસ્ત પહેલાં ગ્રહણ શરૂ થશે.
મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવાયું છે, "ગ્રહણનો અંત ભારતમાં જોવા નહીં મળે, કેમ તે સૂર્યાસ્ત પછી પણ ચાલુ રહેશે."
અમદાવાદમાં સૂર્યગ્રહણની શરૂઆત બપોરના 4 વાગ્યા ને 38 મિનિટે થશે, જે સૂર્યાસ્તના 6 વાગ્યા ને 06 મિનિટ સુધી દેખાશે. કુલ એક કલાક અને 27 મિનિટ સુધી સૂર્યગ્રહણ દેખાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત દ્વારકા, ગાંધીનગરમાં પણ સૂર્યગ્રહણ જોવા મળશે.
મંત્રાલય અનુસાર, "ગ્રહણનો સમય શરૂથી લઈને સૂર્યાસ્ત સુધી દિલ્હી અને મુંબઈમાં ક્રમશઃ એક કલાક 13 મિનિટ અને એક કલાક 19 મિનિટનો રહેશે. ચેન્નાઈ અને કોલકાતામાં ગ્રહણની અવધિ શરૂથી લઈને સૂર્યાસ્ત સુધી અનુક્રમે 31 મિનિટ અને 12 મિનિટ રહેશે."
સૂર્યગ્રહણ સમયે શું ધ્યાન રાખવું જોઈએ?
સરકારે લોકોને ખુલ્લી આંખે સૂર્યગ્રહણ ન જોવાની સલાહ આપી છે.
સરકાર તરફથી કહેવાયું, "સૂર્યગ્રહણને થોડા સમય માટે પણ ખુલ્લી આંખે ન જોવું જોઈએ. ચંદ્રમા સૂર્યના મોટા ભાગના હિસ્સાને ઢાંકી દે ત્યારે પણ ખુલ્લી આંખે ન જુઓ, કેમ કે તેનાથી આંખને કાયમી નુકસાન પહોંચી શકે છે, અંધાપો પણ આવી શકે છે."
"સૂર્યગ્રહણ જોવાની સૌથી યોગ્ય ટેકનીક છે કે કાળા પૉલિમર કે ટેલિસ્કૉપના માધ્યમથી સફેદ પટ્ટા પર સૂર્યના છાયાનું પ્રક્ષેપણ કરીને જોઈ શકો છો."
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર, "ભારતમાં આગામી સૂર્યગ્રહણ 2 ઑગસ્ટ, 2027માં જોવા મળશે, જે પૂર્ણ સૂર્યગ્રહણ હશે, પરંતુ દેશના બધા ભાગોમાંથી તે આંશિક સૂર્યગ્રહણના રૂપે જોવા મળશે."
ગ્રહણ મુદ્દે લોકોની માન્યતા અને અંધવિશ્વાસ
દુનિયામાં એવા લોકો પણ છે જેમના માટે ગ્રહણ ખતરાનું પ્રતીક છે, જેમ કે દુનિયાના ખતમ થવાની કે પછી ભયંકર ઘટનાઓની ચેતવણી.
હિંદુ મિથકોમાં ગ્રહણને અમૃતમંથન અને રાહુ-કેતુ નામક દૈત્યોની કહાણી સાથે સાંકળી દેવામાં આવ્યું છે અને આનાથી જોડાયેલા અંધવિશ્વાસ પ્રચલિત છે.
ગ્રહણ હંમેશાં મનુષ્યને જેટલી નવાઈ પમાડે એટલું જ ડરાવતું પણ રહ્યું છે.
જ્યાં સુધી મનુષ્યને ગ્રહણનાં કારણોની માહિતી નહોતી, ત્યારે તેણે સૂર્યને ઘેરતી આ અંધારી છાયા મામલે કેટલીક કલ્પનાઓ કરી અને કેટલીય કહાણીઓ રચી.
હવે આપણે ગ્રહણનાં વૈજ્ઞાનિક કારણો જાણીએ છીએ તો પણ તેનાથી જોડાયેલી કહાણીઓ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ પર લોકોનો વિશ્વાસ જેમનો તેમ છે.
કૅલિફૉર્નિયાની ગ્રિફિથ સેન્ટરના નિદેશક ઍડવિન ક્રપ કહે છે, "17મી સદીનાં અંતિમ વર્ષો સુધી મોટા ભાગના લોકોને ખબર નહોતી કે ગ્રહણ કેવી રીતે થાય છે અથવા તારા તૂટે છે. જોકે આઠમી સદીથી જ ખગોળશાસ્ત્રીઓને તેના વૈજ્ઞાનિક કારણનો જાણકારી હતી."
તેઓ કહે છે, "પ્રાચીન સમયમાં મનુષ્યની દિનચર્યા કુદરતના નિયમોને આધારે થતી હતી. આ નિયમોમાં કોઈ પણ ફેરફાર મનુષ્યને બેચેન કરી દેતો હતો."
ગ્રહણની વિભિન્ન સભ્યતાઓની માન્યતાઓ
પ્રકાશ અને જીવનના સ્રોત એવા સૂર્યનું છુપાઈ જવું લોકો માટે બિહામણું હતું અને એટલે તેનાથી જોડાયેલી કેટલીય કહાણીઓ પ્રચલિત થઈ. સૌથી વ્યાપક રૂપક હતું સૂર્યનો ગ્રાસ કરી જનાર દાનવનું.
એક તરફ પશ્ચિમી એશિયામાં માન્યતા હતી કે ગ્રહણ દરમિયાન ડ્રૅગન સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કરે છે અને એટલે ત્યાં ડ્રૅગનને ભગાડવા માટે ઢોલ-નગારાં વગાડવામાં આવતાં.
ચીનમાં માન્યતા હતી કે સૂર્યને ગળવાનો પ્રયત્ન કરનાર ખરેખર સ્વર્ગનો એક શ્વાન છે. પેરુના લોકો માનતા હતા કે આ વિશાળ પ્યૂમા હતું અને વાઇકિંગ માનતા હતા કે ગ્રહણના સમયે આસમાની વરુઓની જોડી સૂર્ય પર હુમલો કરે છે.
ખગોળશાસ્ત્રી અને વેસ્ટર્ન કેપ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર જરિટા હૉલબ્રુક કહે છે, "ગ્રહણ વિશે વિભિન્ન સભ્યતાઓની માન્યતાઓ એ વાત પર નિર્ભર કરે છે કે ત્યાં પ્રકૃતિ કેટલી હદે ઉદાર છે. જ્યાં જીવન મુશ્કેલ છે, ત્યાં દેવીદેવતાઓ પણ ક્રૂર અને બિહામણા હોવાની કલ્પના કરવામાં આવી છે એટલે ગ્રહણથી જોડાયેલી કહાણીઓ પણ બિહામણી હોય છે."
"જ્યાં જીવન સરળ હોય છે, ભરપૂર ભોજન પાણી હોય છે ત્યાં ઈશ્વર અને પરાશક્તિઓ સાથે મનુષ્યનો સંબંધ અતિપ્રેમપૂર્ણ હોય છે અને તેમનાં મિથક પણ એવાં જ હોય છે."
મધ્યકાલીન યુરોપમાં લોકો પ્લેગ અને યુદ્ધોથી ત્રસ્ત રહેતા હતા, એવામાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ તેમને બાઇબલમાં પ્રલયના વર્ણનની યાદ અપાવતું હતું.
પ્રોફેસર ક્રિસ ફ્રેન્ચ કહે છે, લોકો ગ્રહણને પ્રલય સાથે કેમ જોડે છે, આ સમજવું મુશ્કેલ નથી.
બાઇબલમાં ઉલ્લેખ છે કે કયામતના દિવસે સૂર્ય બિલકુલ કાળો થઈ જશે અને ચંદ્ર લાલ રંગનો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો