પર્સાવિયરેન્સ : મંગળ ગ્રહ પર ઊતરનાર નાસાના યાન માટે જેજેરો ક્રેટર કેમ છે ખાસ અને કઈ સંભાવનાઓ પર કરશે સંશોધન?

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાનું અંતરિક્ષયાન પર્સાવિયરેન્સ મંગળ ગ્રહની સપાટી પર ઊતરી ચૂક્યું છે.

મંગળ સુધી પહોંચવા માટે સાત મહિના પહેલાં ધરતી પરથી ગયેલા આ અંતરિક્ષયાને લગભગ અડધો અબજ કિલોમિટરનું અંતર કાપ્યું છે. 'પર્સાવિયરેન્સ રોવર' મંગળ ગ્રહ પર એક ઊંડા ક્રેટર એટલે કે ખાડામાં ઊતર્યું છે જે મંગળ ગ્રહની ભૂમધ્ય રેખા જેજેરોની નજીક છે.

મંગળ ગ્રહની સપાટી પર ઊતર્યા બાદ રોવરે એક તસવીર ટ્વીટ કરી છે. આ રોવર એક જૂની સુકાઈ ચૂકેલી ઝીલની જમીનની તપાસ કરવાની સાથોસાથ અબજો વર્ષ પહેલાં મંગળ પર માઇક્રો-ઑર્ગેનિઝ્મ્સની કોઈ પ્રવૃત્તિ એટલે કે જીવન હોવાનાં ચિહ્નોની તપાસ કરશે અને તે પૃથ્વી પર મોકલશે.

જ્યારે વૈજ્ઞાનિકોના ચહેરા પર આવ્યું સ્મિત

આ અંતરિક્ષયાનના મંગળ ગ્રહની સપાટી પર ઊતરતાની સાથે જ નાસાના કંટ્રોલ સેન્ટરમાં બેઠેલા વૈજ્ઞાનિકોના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. 1970 બાદ નાસાનું આ પહેલું મિશન છે જે મંગળ ગ્રહ પર જીવનની શોધ માટે ગયું છે.

મિશનના ડેપ્યુટી પ્રોજેક્ટ મૅનેજર મૅટ વાલેસે કહ્યું. "અંતરિક્ષયાનના સારા સમાચાર એ છે કે મને લાગે છે કે તે બિલકુલ યોગ્ય હાલતમાં છે."

છ પૈડાંવાળું આ રોવર આગામી 25 મહિનામાં મંગળના પથ્થરો અને ખડકોનું ખોદકામ કરશે જેથી એ વાતના પુરાવા શોધી શકાય જે એ વાતની તરફ ઇશારો કરતા હોય કે અહીં ક્યારેક જીવન શક્ય હતું.

એવું માનવામાં આવે છે કે અબજો વર્ષ પહેલાં જેજેરો પાસે એક વિશાલ સરોવર હતું અને તેમાં પાણી હતું, તેથી ત્યાં એ વાતની મજબૂત સંભાવના છે કે ત્યાં ક્યારેક જીવન પણ રહ્યું હશે.

નાસામાં અંતરિક્ષયાન નિયંત્રિત કરનારાઓને સંકેત મળ્યા હતા કે પર્સાવિયરેન્સ રોવર સાંજે 8.55 પર સુરક્ષિત મંગળ પર ઊતરી ચૂક્યું છે.

સામાન્ય દિવસ હોત તો ખુશીના આ અવસર પર તેઓ ભેટી પડ્યા હોત અને હાથ મિલાવી રહ્યા હોત. પરંતુ કોરોના વાઇરસના પ્રોટોકોલના કારણે ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાઈ રહ્યુ છે. જોકે, મિશનના સભ્યોએ એકબીજા સાથે મુઠ્ઠી અથડાવીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.

ત્યાર બાદ રોવરના ઇંજિનિયરિંગ કૅમેરા તરફથી લેવાયેલ મંગળની બે લો-રિઝોલ્યુશન તસવીરો સ્ક્રીન પર સામે આવી. તસવીરોથી ખબર પડે છે કે કૅમેરાના લેન્સની આગળ ઘણી ધૂળ જામેલી હતી પરતું રોવરની આગળ અને પાછળ સમતળ જમીન દેખાઈ.

લૅન્ડિંગ બાદ કરાયેલા વિશ્લેષણમાં સામે આવ્યું કે રોવર જેજેરોમાં ડેલ્ટા ક્ષેત્રના દક્ષિણપૂર્વ ભાગ તરફ બે કિલોમિટરનું અંતર કાપી ચૂક્યું છે.

લૅન્ડિંગ ટીમનું નેતૃત્વ સંભાળનારા એલન ચૅન કહે છે કે, "અમારું રોવર સમતળ ક્ષેત્રમાં છે. અત્યાર સુધી વાહન 1.2 ડિગ્રી નમ્યું છે. અમને રોવરને ઉતારવા માટે જગ્યા મળી ગઈ અને અમે સરળતાથી પોતાનું રોવર ગ્રાઉન્ડ પર ઉતારી દીધું. આ ઉલ્લેખનીય કામ માટે હું મારી ટીમ પ્રત્યે ગૌરવ અનુભવું છું."

નાસાના વચગાળાના પ્રશાસક સ્ટીવ જર્કેઝ્કે પણ આ સફળતા માટે વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન પાઠવ્યા.

તેમણે કહ્યું છે, "ટીમે ખૂબ જ સારું કામ કર્યું છે. કેટલી શાનદાર ટીમ છે આ જેમણે કોવિડ-19ના પડકારો વચ્ચે રોવરને મંગળ ગ્રહ પર ઉતારવાની મુશ્કેલીઓનો સામનો કરવાની સાથે આ કામ કરી બતાવ્યું."

નાસાની જેટ પ્રોપલ્શન લૅબના નિદેશનક માઇક વાટકિંસે કહ્યું છે, "અમારા માટે શરૂઆતના આ દિવસો અત્યંત ખાસ છે કારણ કે અમે રોવરના સ્વરૂપે પૃથ્વીના એક પ્રતિનિધિને મંગળ ગ્રહની સપાટી પર ઉતાર્યો છે. જ્યાં પહેલાં ક્યારેય કોઈ નથી ગયું."

મંગળ ગ્રહ પર ઊતરવું ક્યારેય સરળ નથી રહ્યું. પરંતુ નાસા આ મામલે વિશેષજ્ઞ માફક બની ચૂકી છે. જોકે, પર્સાવિયરેન્સ ટીમે ગુરુવારે પોતાના કામને લઈને અત્યંત સતર્ક રહીને વાત કરી.

અમેરિકન સ્પેસ એજન્સી નાસા તરફથી મંગળ ગ્રહ પર ઉતારવામાં આવેલ આ બીજું એક ટન વજનવાળું રોવર છે.

મંગળ ગ્રહ પર ઊડશે હેલિકૉપ્ટર?

આ પહેલા ક્યુરિયોસિટી રોવર વર્ષ 2012માં મંગળ ગ્રહના અન્ય એક ક્રેટર પર ઊતર્યું હતું.

નિયંત્રક આવનારા દિવસોમાં એક નવા રોવર પર કામ કરશે અને જોવાનો પ્રયત્ન કરશે કે ક્યાંક જમીન પર ઊતરવાની પ્રક્રિયામાં રોવરનો કોઈ પાર્ટ ક્ષતિગ્રસ્ત તો નથી થઈ ગયો.

તસવીરો લેવા માટે પર્સાવિયરેન્સનો માસ્ટ અને તેની મુખ્ય કૅમેરા સિસ્ટિમ ઉપરની તરફ ઊઠેલી હોવી જોઈએ. સાથે જ રોવરને એક ખાસ સૉફ્ટવૅર દ્વારા મંગળ સુધી પહોંચાડવામાં આવ્યું છે. આ સૉફ્ટવૅરને પણ હવે બદલવું પડશે જેથી રોવરને મંગળની સપાટી પર ચલાવવાનો પ્રોગ્રામ ચાલુ કરી શકાય.

આ સાથે જ પર્સાવિયરેન્સ પાસેથી આશા છે કે તે આગામી અઠવાડિયામાં મંગળ ગ્રહની સપાટીની ઘણી તસવીરો લેશે જેથી વૈજ્ઞાનિક આસપાસના વિસ્તારને સારી રીતે સમજી શકે.

આ રોવરનો એક ઉદ્દેશ મંગળ પર ઓછા વજનવાળું હેલિકૉપ્ટર ઉડાવવાનો પણ છે. પર્સાવિયરેન્સ પોતાની સાથે એક નાનું હેલિકૉપ્ટર લઈને ગયું છે. રોવર આ હેલિકૉપ્ટરને ઉડાડવાનો પ્રયાસ કરશે જે અન્ય કોઈ ગ્રહ પર આવા પ્રકારની પ્રથમ ઉડાણ હશે.

મંગળ ગ્રહની બાબતમાં આ રાઇટ બ્રધર્સ જેવી મોમેન્ટ હોઈ શકે છે,

જ્યારે શરૂ થશે સૌથી મુખ્ય કામ

આ બાદ જ રોબોટ આ મિશનનું મુખ્ય કામ કરવાની શરૂઆત કરશે અને જેજેરોમાં એ તરફ જશે જ્યાં ડેલ્ટા ક્ષેત્ર છે.

ડેલ્ટા ક્ષેત્ર નદીઓ દ્વારા બનાવવામાં આવે છે જ્યારે તે સમુદ્રમાં પડતી વખતે પોતાની સાથે લાવેલા સેડિમેન્ટ્સને કિનારા પર છોડી દે છે. વૈજ્ઞાનિકો આશા કરી રહ્યા છે કે જેજેરોના ડેલ્ટા આ સેડિમેન્ટ્સથી બનેલા છે. જે કોઈ પણ ક્ષેત્રમાં ક્યારેક જીવન હતું, એ વાતના મોટા સંકેત હોઈ શકે છે.

પર્સાવિયરેન્સ ડેલ્ટાનો નમૂનો લેશે અને ક્રેટરના કિનાર તરફ આગળ વધશે.

સેટેલાઇટ્સ દ્વારા કરાયેલ તપાસમાં ખબર પડી છે કે આ જગ્યાએ કાર્બોનેટ રૉક્સ છે જે પૃથ્વી પર જૈવિક પ્રક્રિયાઓને સંચાલિત રાખવા માટે ખૂબ સારા માનવામાં આવે છે.

પર્સાવિયરેન્સ રોવરમાં એ બધાં ઉપકરણો છે જે આ તમામ સંરચનાઓની ગહનતા સાથે માઇક્રોસ્કોપિક સ્તર સુધી અધ્યયન કરી શકે છે.

જેજેરો ક્રેટર ખાસ કેમ છે?

મંગળ ગ્રહ પર મોજૂદ પિસ્તાળીસ કિલોમિટર પહોળા ક્રેટરનું નામ બોસ્નિયા - હરઝેગોવિનાના એક કસબાના નામ પર રાખવામાં આવ્યું છે. સ્લોવિક ભાષામાં જેજેરો શબ્દનો અર્થ ઝીલ હોય છે જે આ નામમાં વિશેષ રુચિ હોવાનું કારણ જણાવવા માટે પૂરતું છે.

જેજેરોમાં ઘણા પ્રકારના ખડક હોય છે જેમાં ચીકણી માટી અને કાર્બોનેટ ખડકો હોય છે. તેમાં ઑર્ગેનિક મૉલિક્યૂલ્સનો સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મંગળના જેજેરોમાં તેમને એવા મૉલિક્યૂલ્સ મળી શકે છે જે ત્યાં જીવનના સંકેતો વિશે જણાવી શકે છે.

તેમાં એ સેડિમેન્ટ્સ મહત્ત્વના છે જેમને 'બાથટબ રિંગ' કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો અનુસાર આ મંગળ ગ્રહની જૂની ઝીલનું તટીય ક્ષેત્રે રહ્યું હશે. આ જગ્યાએ પર્સિવિયરેન્સને એ સેડિમેટ્સ મળી શકે છે જેમને પૃથ્વી પર સ્ટ્રોમેટોલાઇટિસ કહે છે.

અમેરિકન પ્રાંત ઇંડિયાનના વેસ્ટ લફાયેટ વિસ્તારમાં સ્થિત પરડ્યૂ યુનિવર્સિટી સાથે જોડાયેલાં સાયન્સ ટીમનાં સભ્ય ડૉ. બ્રાયની હૉર્ગન કહે છે, "કેટલાક સરોવરોમાં તમને માઇક્રોબિયલ મૅટ્સ મળે છે અને કાર્બોનેટ્સ એકમેકની સાથે ઇંટરેક્ટ કરે છે જેનાથી મોટી સંરચનાઓ જન્મે છે. અને તે એક એક સ્તર કરીન માઉલ્ડ પેદા થાય છે. જો અમને જેજેરોમાં આવી કોઈ સંરચના મળે છે તો અમે સીધા એ તરફ જ જઈશું. કારણ કે આ માર્સની એસ્ટ્રોબાયોલૉજીનાં રહસ્યોની ખાણ સાબિત થઈ શકે છે."

પર્સાવિયરેન્સ જે રસપ્રદ ખડકોની શોધ કરશે, તેના કેટલાક ભાગોને જમીન પર ડાબી તરફ મૂકેલી પાતળી ટ્યૂબ્સમાં રાખશે.

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ એક યોજના બનાવી છે જે અંતર્ગત આ સિલિન્ડરોને પાછા પૃથ્વી પર લાવવામાં આવશે. આ પરિયોજનામાં ઘણો ખર્ચ થશે.

આ એક અત્યંત જટિલ પ્રયાસ હશે જેમાં એક અન્ય રોવર, એક માર્સ રોવર, અને એક વિશાળકાય ઉપગ્રહનો ઉપયોગ કરાશે જેથી જેજેરોના ખડકોને પૃથ્વી સુધી લાવી શકાય.

વૈજ્ઞાનિકો માને છે કે માર્સને સમજવા માટે આ નમૂનાઓને પાછા લાવવા એ તાર્કિક પગલું છે. જો પર્સિવિયરેન્સને કોઈ એવી વસ્તુ મળે છે એક બાયો-સિગ્નેચર જેવી હોય છે, ત્યારે પણ આ પુરાવાની તપાસ કરી શકાશે.

આવી પરિસ્થિતિમાં આ ખડકોને પાછા લાવીને પૃથ્વી પર અત્યાધુનિક રીતે તપાસ કરવામાં આવશે જેથી મંગળ ગ્રહ પર ક્યારેય જીવન હતું કે કેમ તે અંગેની ધારણાઓ પર પૂર્ણવિરામ મુકાઈ જશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો