You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ જેમના સ્મારકનો શિલાન્યાસ કર્યો એ રાજા સુહેલદેવ કોણ હતા અને અલગ અલગ જાતિઓ તેમના પર દાવો કેમ કરી રહી છે?
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, લખનઉથી, બીબીસી ગુજરાતી માટે
ઉત્તર પ્રદેશ સરકાર બહરાઇચમાં રાજા સુહેલદેવની યાદમાં સ્મારક બનાવી રહી છે, જેનો આજે વડા પ્રધાન મોદીએ શિલાન્યાસ કર્યો.
સ્મારક સિવાય બહરાઇચ અને શ્રાવસ્તી જિલ્લા માટે ઘણી બધી ભેટોની જાહેરાત પણ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ જિલ્લાઓમાં રાજા સુહેલદેવનું રાજ્ય રહ્યું હશે.
રાજા સુહેલદેવનો સરકાર રાજા સુહેલદેવ રાજભર તરીકે પ્રચાર કરી રહી છે જ્યારે આ પહેલાં તેમનો રાજા સુહેલદેવ પાસી તરીકે પણ ઘણો પ્રચાર કરવામાં આવ્યો છે. જ્યારે એવા લોકોની પણ અછત નથી જેઓ રાજા સુહેલદેવને રાજપૂત સમાજના માને છે.
કદાચ આ જ કારણે રાજપૂત સમુદાયના લોકોએ રાજ્ય સરકારની સુહેલદેવને રાજપૂતના સ્થાને રાજભર ગણાવવાની કોશિશો અંગે વાંધો રજૂ કર્યો છે.
રવિવારે ટ્વિટર પર આ વિરુદ્ધ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું અને ‘#રાજપૂત_વિરોધી_ભાજપા’ સાથે ટ્રેન્ડ શરૂ થયો. રવિવારે આ હૅશટૅગથી લગભગ 54 હજાર ટ્વિટ કરવામાં આવ્યાં.
રાજા સુહેલદેવના નામ પર રાજકીય પાર્ટી ગઢિત કરનારા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મંત્રી ઓમપ્રકાશ રાજભરે સરકારની આ કોશિશોને રાજકીય સ્ટન્ટ ગણાવ્યો છે.
બીજી તરફ યોગી સરકારમાં મંત્રી અનિલ રાજભરે ઓમપ્રકાશ રાજભરના રાજભર સમાજના નેતા હોવા પર જ પ્રશ્ન ઉઠાવ્યો છે.
ઓમ પ્રકાશ રાજભર 2017માં યોગી આદિત્યનાથની કૅબિનેટમાં મંત્રી હતા પરંતુ વિવાદો બાદ તેમને 2019માં પછાતવર્ગ કલ્યાણ મંત્રીના પદ પરથી હઠાવી દેવાયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનિલ રાજભરનું કહેવું છે કે ઓમ પ્રકાશ રાજભરને તેમના સમાજના પ્રતિનિધિ ન માનવા જોઈએ.
જોકે, ઓમ પ્રકાશ રાજભરનું કહેવું હતું કે તેમને પોતાના સમાજનું ભરપૂર સમર્થન હાંસલ છે પરંતુ આદિત્યનાથ સરકારે તેમની અદેખાઈ કરી છે.
ઓમ પ્રકાશ રાજભર પાછલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે મળીને ચૂંટણીમેદાને ઊતર્યા હતા અને તેમની પાર્ટીના ચાર ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. રાજભર હજુ પણ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય છે.
આ બધાની વચ્ચે એ જાણવું રસપ્રદ છે કે રાજા સુહેલદેવ કોણ હતા અને અલગ અલગ જાતિઓ તેમના પર દાવો કેમ કરી રહી છે?
ઇતિહાસમાં નહીં અમીર ખુસરોના પુસ્તકમાં ઉલ્લેખ
રાજા સુહેલદેવ વિશે ઐતિહાસિક જાણકારી બિલકુલ ઉપલબ્ધ નથી. એવું માનવામાં આવે છે કે 11મી સદીમાં મહમૂદ ગઝનીના ભારત પરના આક્રમણ સમયે સાલાર મસૂદ ગાઝીએ બહરાઇચ પર આક્રમણ કર્યું પરંતુ ત્યાંના રાજા સુહેલદેવ સામે તેમનો ઘોર પરાજય થયો અને તેઓ હણાયા.
સાલાર મસૂધ ગાઝીની આ કહાણી 14મી સદીમાં અમીર ખુસરોના પુસ્તક એજાઝ-એ-ખુસરવી અને તે બાદ 17મી સદીમાં લખાયેલા પુસ્તક મિરાત-એ-મસૂદીમાં મળે છે. પરંતુ મહમૂદ ગઝનીના સમકાલીન ઇતિહાસકારોએ ના તો સાલાર મસૂદ ગાઝીનો ઉલ્લેખ કર્યો છે કે ના રાજા સુહેલદેવ અને બહરાઇચનો.
અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાં મધ્યકાલીન ઇતિહાસવિભાગમાં પ્રોફેસર હેરમ્બ ચતુર્વેદી જણાવે છે કે, “મિરાત-એ- મસૂદીમાં ઉલ્લેખ જરૂર છે પરંતુ તેને ઐતિહાસિક સ્રોત ન માની શકાય. તેનું કારણ એ છે કે આ તથ્યની ક્યાંયથી કોઈ પુષ્ટિ નથી થઈ.”
“સુહેલદેવના નામ ના તો ક્યાંય કોઈ સિક્કા મળ્યા છે, ના તો કોઈ અભિલેખ મળ્યા છે, ના કોઈ ભૂમિ અનુદાનનો ઉલ્લેખ છે અને ના કોઈ અન્ય સ્રોતનો. જો સાલાર મસૂદ ગાઝીનું આ અભિયાન એટલું મહત્ત્વપૂર્ણ અને મોટું હોત તો મહમૂદ ગઝનીના સમકાલીન ઇતિહાસકારો – ઉતબી અને અલબરૂનીએ આ વાતનો ઉલ્લેખ જરૂર કર્યો હોત.”
ઇતિહાસનાં પાનાંમાં રાજા સુહેલદેવનું નામ ભલે નોંધાયેલું ન હોય પરંતુ લોકકથાઓમાં રાજા સુહેલદેવનો ઉલ્લેખ થતો રહ્યો છે અને ઇતિહાસના દસ્તાવેજોની જેમ લોકોનાં મનમાં તેમની એક વીર પુરુષ તરીકેની છબિ ઘડાયેલી છે.
પરંતુ 11મી સદીના કોઈ રાજા વિશે ચાર-પાંચ સદી બાદ થયેલા ઉલ્લેખને ઇતિહાસકાર ઐતિહાસિક દસ્તાવેજ નથી માનતા. આટલું જ નહીં, જે દસ્તાવેજોમાં તેમનો ઉલ્લેખ થયો પણ છે, તેમાં પણ સ્પષ્ટતાની અછત છે જે શંકાને વધુ મજબૂત બનાવે છે.
રાજા સુહેલદેવની જાતિને લઈને વિવાદ કેમ?
સવાલ એ છે કે જ્યારે કોઈ રાજાની ઐતિહાસિકતા પર જ શંકા હોય તો તેની જાતિને લઈને આટલો વિવાદ કેમ અને કેવી રીતે છે?
રાજા સુહેલદેવ વિશે સમાજશાસ્ત્રી પ્રોફેસર બદ્રી નારાયણે પોતાના પુસ્તક ‘ફેસિનેટિંગ હિંદુત્વ : સેફ્રૉન પૉલિટિક્સ ઍન્ડ દલિત મોબિલાઇઝેશન’નામના પુસ્તકમાં વિસ્તારપૂર્વક લખ્યું છે.
જોકે સુહેલદેવની ઐતિહાસિકતા પર બદ્રી નારાયણ પણ વાત નથી કરતા પરંતુ તેમની જાતિને લઈને થઈ રહેલા વિવાદ પર જરૂર ચર્ચા કરે છે.
બીબીસી સાથેની વાતચીતમાં બદ્રી નારાયણ કહે છે કે, “સુહેલદેવ ભર સમુદાયના નાયક હતા. દલિત સમુદાયમાં આવનારી પાસી જાતિ પણ તેમના પર પોતાનો અધિકાર ગણાવે છે અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભર કે રાજભર જાતિના લોકો પણ તેમને પોતાના નાયક ગણાવે છે.”
“ખરેખર, એ સમયે જે સમુદાયો લાઠીથી મજબૂત હતા, તેઓ તાકાતના આધારે પોતાનું રાજ્ય સ્થાપિત કરવામાં સફળ રહેતા. રાજા સુહેલ સાથે પણ આવું જ થઈ રહ્યું હશે.”
મિરાત-એ-મસૂદી બાદના લેખકોએ સુહેલદેવને ભર, રાજભર, બૈસ રાજપૂત, ભારશિવ કે પછી નાગવંશી ક્ષત્રિય ગણાવ્યા છે. આ આધારે ક્ષત્રિય સમાજ એ વાત પર આપત્તિ વ્યક્ત કરી રહ્યો છે કે સુહેલદેવને તેમની જાતિના નાયક ગણાવવાના સ્થાને અન્ય કોઈ જાતિના નાયક સ્વરૂપે કેમ સોંપવામાં આવી રહ્યા છે.
રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ રઘુવંશી કહે છે કે, “ક્ષત્રિય સમાજના રાજા સુહેલ બૈસના ઇતિહાસ સાથે છેડછાડ કરવાની પ્રવૃત્તિને રાજપૂત સમાજ ચલાવી નહીં લે. આ અમારા માન, સન્માન અને સ્વાભિમાન સાથે જોડાયેલો મામલો છે. રાજકીય લાભ લેવા માટે તેમને રાજપૂત સમાજથી અલગ કરવા માટેનું કાવતરું થઈ રહ્યું છે, જેનો અમે સડક પર ઊતરીને વિરોધ કરીશું.”
ખરેખર પૂર્વ ઉત્તર પ્રદેશમાં લગભગ 18 ટકા રાજભર છે અને બહરાઇચથી લઈને વારાણસી સુધી 15 જિલ્લાની 60 વિધાનસભાની બેઠકો પર આ સમુદાયનો ઘણો પ્રભાવ છે.
રાજભર ઉત્તર પ્રદેશની એ અતિ પછાત જાતિઓ પૈકી એક છે જે લાંબા સમયથી અનુસૂચિત જાતિમાં સામેલ થવાની માગ કરી રહી છે.
બદ્રી નારાયણ જણાવે છે કે 1960ના દાયકામાં બહરાઇચ અને તેની આસપાસના જિલ્લાઓના નેતાઓએ પાસિયોને આકર્ષિત કરવાના હેતુથી સુહેલદેવને મહાન પાસી રાજા સ્વરૂપે ચિત્રિત કરવાનું શરૂ કર્યું.
તેમના પ્રમાણે, “દાયકાઓથી દબાયેલા પાસિયોએ પણ સુહેલદેવ પર પોતાનો દાવો વ્યક્ત કરવાની સાથે તેમને ગર્વભરી નજરોથી જોવાનું શરૂ કર્યું. બાદમાં બહુજન સમાજ પાર્ટીએ આ સામાજિક પ્રતીકોનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો અને હવે ભાજપ આ જ અભિયાનને આગળ વધારી રહ્યો છે.”
વર્ષ 2002માં બહુજન સમાજ પાર્ટીથી અલગ થયા બાદ ઓમપ્રકાશ રાજભરે નવી પાર્ટી બનાવી અને તેનું નામ રાખ્યું – સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી. પરંતુ ભાજપ સુહેલદેવના નામ પર રાજભર સમુદાયનને જોડવાની કોશિશમાં છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી પહેલાં ભાજપ સાથે એનડીએ ગઠબંધનમાં હથી પરતું હવે તે આ ગઠબંધનથી અલગ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો